Archive for the ‘વ્યંગકાવ્ય’ Category

ગુજરાતનો જન્મદિવસ…ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર

મે 1, 2010

જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો? આજે તો છે ૧લી મે. આપણા ગુજરાતનો જન્મદિવસ. અને આપણા લોકલાડીલા ગુજરાતને આજે ૫૦ વર્ષ પૂર્ણ થઈ ગયા. ૧લી મે ૧૯૬૦ના રોજ મહાગુજરાત ચળવળના અંતે આપણું ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું હતું.વળી આજે છે વિશ્વ મજદૂરી દિન પણ. તો ચાલો આજે કંઇક સારૂ જ જાણવા મળે એવી રચના બતાવું પણ આ વખતે આપ સૌ એ મને મદદ કરવાની છે, આજે મને એક ખૂબ સરસ ગીત મળ્યું છે જે વ્યંગ પણ છે પણ તેના બધા શબ્દો મારાથી સમજી શકાયા નથી તો આ કામ આપે કરવાનું છે આ ગીત સુલભગુર્જરીમાં સુર સાથે રજૂ કરેલ છે જે આપ સૌ સાંભળી તેના શબ્દો મને મોકલશો ને …!!! તો ચાલો માણિએ સ્વર્ણિમ ગુજરાતની આ એક સુંદર રચના….

gujarati-koi-bole-nahi-barabar

http://sulabhgurjari.com/wp-content/uploads/manwish/gujarati-koi-bole-nahi-barabar.mp3

ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર.(૨)

ભાષાની મીઠાશ નહી ને, જાણે બોલે કાગડો કાબર,

ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર.(૨)

ઉત્તરમાં ગરબી રમતા, મા અંબાજી સાક્ષાત,

અને દક્ષિણમાં આ આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન,

અમદાવાદમાં ચીપી ચીપીને, અવનવા પાણી પીશો,

અમદાવાદમાં ચીપી ચીપીને, બોલે બ્રાહ્મણ નાગર.

ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર.(૨)

ભાષાની મીઠાશ નહી ને, જાણે બોલે કાગડો કાબર,

ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહી બરાબર.(૨)

.

.

.

.

.

મેરી ક્રિસમસ…ક્રિસમસનો સાંતાક્લોઝ ! …..યોગેશ એસ. શુક્લ

ડિસેમ્બર 25, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

અરે આજે તો કહેવું જોઈએ કે મેરી ક્રિસમસ મિત્રો…!!! આજે છે ૨૫મી ડિસેમ્બર એટલે કે નાતાલ. આમ તો ઘણા બધા દિવસો બાદ મળવાનું થયું છે પણ સાથે ઘણી ખુશખબરી અને દિવસોની ઉજવણી સાથે લાવ્યો છું. બાલદિન બાદ ખાસ તો આજે નાના ભૂલકા અરે મોટા પણ જેની પાસે ભેટ સોગાદની આશા રાખે છે તેવા સાન્તાકોઝ દાદાની આજે નાતાલ છે તો આજે ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ સમય નિકાળીને આ પોસ્ટ રજુ કરી રહ્યો છું.

મારા પપ્પા હવે સંપૂર્ણ સ્વસ્થ છે તથા ૩જી ડિસેમ્બરના રોજ મારી ભાણી પ્રિયાંશીનો જન્મદિવસ હતો. અને તે જ દિવસે મને એનેટોમી વિભાગ, બી. જે. મેડીકલ કોલેજમાં પીજી અભ્યાસક્રમની સાથે સાથે ટ્યુટરશીપ પણ મળી ગઈ છે એટલે ખુશી બેવડાઈ ગઈ, તે સમયે કામ વધું હોવાથી આ ખુશખબરી થોડી મોડી જણાવું છું તો તે બદલ દિલગીર છું.વળી ગઈકાલે હતો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન.અને વળી રેડ રિબન એક્સપ્રેસ ગુજરાતમાં ફરી આવી ચૂકી છે પણ તેની વાત ફરી ક્યારેક… આજે તો નાતાલ પર અને આતંકવાદને જોડતું એક વ્યંગકાવ્ય રજું કરું છું આશા છે આપ સૌને તે ગમશે. અને આપ સૌ મિત્રો/વડીલોને મેરી ક્રિસમસ અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા સહ… વળી ગત વર્ષે સાન્તાક્લોઝ કોણ છે અને નાતાલ પરનું બાળગીત જરૂરથી માનશો.

તાજ હોટલ, ક્રિસમસ પાર્ટીમાં,
પ્રવેશતાં જ બોલ્યો એક એન્જલ (દેવદૂત્)
ઓળખ્યો મને ?
હું ક્રિસમસનો સાંતાક્લોઝ,
લાવ્યો છું સૌ માટે ભેટસોગાદ
બાળકો માટે રમકડાં,
દુઃખીઓ માટે હાસ્ય,
રોગીઓ માટે સ્ફુર્તિ,
જેવી જેવી વ્યકિતની જરુરિયાત
તેવી તેવી મળશે તેમને ભેટસોગાદ
એન્જલ બોલ્યો,
અરે ! ખૂણામાં કોણ લોકો ઊભા છે ?
સૂનમૂન છો કેમ તમે બધા ? ”
વ્યકિતઓ બોલી,
હું શહીદની માતા છું,
હું શહીદનો પિતા છું,
હું શહીદની પત્ની છું,
હું શહીદનો પુત્ર છું, ‘
જોઈએ છે અમને સૌને એક જ સોગાદ,
લાવ એવો માનવ જે નાથે આજનો આતંકવાદ,
રહેશે દુનિયા પરના મનુષ્યો એકબીજાની ક્લોઝ,
ત્યારે જ તું બનશે અમારો ક્રિસમસનો સાંતાક્લોઝ !

નવરાત્રિનો શુભારંભ… માનો “ગરબો”…..ડૉ.જગદીપ નાણાવટી

સપ્ટેમ્બર 19, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે આસો સુદ એકમ.આજથી સૌની વહાલી અને મા અંબાશક્તિની ઉપાસનાનું પર્વ એવી નવલી નવરાત્રિનો શુભારંભ.તો ચાલો મા આદ્યશક્તિની ઉપાસના કરતા પહેલા તેમની ગત વર્ષે રજુ કરેલ આરતી અને વિશ્વંભરી સ્તુતિનું પઠન પહેલા કરી લઈએ.

આજે છે ડો.જગદીપ નાણાવટીની એક વ્યંગ રચના જે આજના સમાજમાં પ્રવર્તી રહેલા નવરાત્રીના બહાના હેઠળ ચાલતી મોજમસ્તી તરફ ધ્યાન દોરે છે અને તેમની કલ્પના તો જુઓ કે માતાજીના ગરબામાં પડેલા કાણાં કદાચ આના તરફ જાણે આંગળી ચીંધી રહ્યા છે.તો મા જગદંબાને એક જ અરજ કે તેમના ભક્તોમાં રહેલા અવગુણો દૂર કરી તેઓ સદમાર્ગે ચાલે અને નવરાત્રીના ગરબા માત્ર મોજ કે શોખ ન રહેતા મા જગદંબાની ભક્તિનું પણ એક અભૂતપૂર્વ પર્વ બની રહે.તો ચાલો માણીએ આ રચના..આને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશોને.

રે માના ગરબામાં કેમ પડ્યા કાણાં

જાણે ગોળીઓથી હૈયા વિંધાણાં….રે માના ગરબામાં

પહેલી ગોળીએ માની આરતી પિંખાણીતી

ડીસ્કોના ઠેર ઠેર ગાણાં

બીજી ગોળીએ મૂકી ભક્તિને હોડમાં ને

શકુનીએ નાખ્યાતાં દાણા….રે માના ગરબામાં

ત્રીજી ગોળીએ લીધાં શ્રધ્ધાના પ્રાણ

જુઓ ઉભા લઈ ઝેર બધે રાણા

ચોથી ગોળીએ માના વાહન ચોરાયા

બધે બાઈકુનાં ફૂંકણાં ગંધાણાં….રે માના ગરબામાં

પાંચમીએ ખોલ્યાતાં બિયરના બાર

ક્યાંય ભાળોના પરસાદી ભાણાં….

છઠ્ઠીએ ગભરૂઓ છેતરાણી સાવ

પછી લાગણીના જાળાં ગુંચવાણાં….રે માના ગરબામાં

સાતમીએ તોડ્યાતાં સપ્તકનાં તાર

સૂર ઘોંઘાટી કાનમાં ઘોળાણાં….

આઠમી અડપલાંના રૂપે અથડાય

કેમ મૂંગા છે સમજુ ને શાણાં….રે માના ગરબામાં

નવમી નચાવતીતી નફ્ફટીયા નાચ

બધે બેશરમી ટોળા ઉભરાણાં

દસમી ગોળીએ હણ્યાં રામનાં રખોપા

જીવ સહુનાં પડીકડે બંધાણાં….રે મના ગરબામાં

ખેલૈયા ખેલંતા ખેલ ભાતભાતનાં ને

ભક્તો તો સાવ રે નિમાણાં

માતાજી કરજે સંહાર તુ અસૂર તણો

ખાશું સૌ ગોળ અને ધાણાં….રે માના ગરબામાં

…………………………………

આભાર ડૉ.જગદીપ નાણાવટી

શિક્ષકદિન…નવા યુગનો ચેલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’

સપ્ટેમ્બર 5, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૫મી સપ્ટેમ્બર.શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન એટલેકે શિક્ષકદિન.તો આજના દિન પર મારા જીવનમાં આવેલ દરેક નાની-મોટી વ્યક્તિ કે જેને મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે સર્વને મારા વંદન.વળી મારી મિત્ર મન તો શિક્ષક હતી જ અને હવે તો હું પણ મેડિકલ ક્ષેત્રે એક શિક્ષક બની ગયો છું.તો શુભ શિક્ષકદિન.પણ આજે શિક્ષક નહી શિષ્ય પણ કેવા બની ગયા છે તે બાબત પર કટાક્ષ કરતી રમેશભાઈની આ રચના ખરેખર આપને માણવી ગમશે.વળી અહિં ચિત્રમાં લખેલ અંગ્રેજીની કવિતા પણ ધ્યાન આકર્ષિત જરૂર કરશે. 

 વળી બીજું એ કે આજે છે No Horn Day.તો આજે દરેક વ્યક્તિ બની શકે તો હોર્ન નો ઉપયોગ ટાળી ધ્વનિ પ્રદૂષણનો ફેલાવો અટકાવવાની કોશિશ કરશે તેવી મારી નમ્ર અરજ છે.વળી આજથી શ્રાદ્ધ પક્ષની પણ શરૂઆત થઈ ગઈ છે તો ચાલો આપણા પૂર્વજોને શ્રાદ્ધ તર્પણ કરતા માણીએ આ રચના… 

 

હું ભાઈ નવા યુગનો ચેલો છું
પવન પ્રમાણે શઢ ફેરવી,
લાભ મળે ત્યાં લોટું છુંભાઈ નવા યુગનો.. 

ભવ્ય આશ્રમ નજરે પડતાં
તુરત જ ડેરા ડાલું છું
ગુરુની પાસે કંઠી બંધાવી
મોબાઈલ લઈ મહાલું છુંભાઈ નવા..

જેની હાકો વાગે સરકારમાં
એ નેતાને પીંછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે
વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..

છપ્પન ભોગના થાળ દેખીને
દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન ધૂનો ગાઈ માઈકમાં
ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..

એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને
લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..

મેવા માટે કરવી સેવા
એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું.

નારી બચત દિન…વંદે રોટી માતરમ…..પ્રવીણ ગઢવી

એપ્રિલ 15, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                ગઈ કાલે હતી ૧૪મી એપ્રિલ ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન અને દલિત સમાજના ઉદ્ધારક એવા શ્રી ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૧૮મી જન્મજયંતિ.તેમણે દલિતોના ઉદ્ધાર માટે ઘણું કરેલ.ત્યારે અધ્યારૂનું જગત પરની પ્રવિણભાઈ ગઢવીની રચના યાદ આવી હું ઉપેક્ષિત અને તે મુકવાનું વિચારેલ પણ…

                વળી આજે છે ૧૫મી એપ્રિલ અને આજે આ દિન નારી બચત દિન તરીકે ઉજવવામાં આવે છે.અને આમ પણ ઘરનો વહીવટ તો નારીના હાથમાં જ તો હોય છે.આપણે ભલે કદાચ સેલ અને ખરીદીની બાબત આવે અને નારી હોય એટલે ખીસ્સું ખાલી કરી નારીને વગોવતા હોઈએ પણ એ નારી જ તેમ છતા ભાવતોલ કરી કરકસર કરી,બચત કરતી જ હોય છે અને પોતાના પરિવાર માટે મુસ્કેલીના સમયમાં કામ આવે તે રીતે કાર્યરત હોય જ છે.અને તેનું સીધું સાદું સુત્ર છે,

આવક ખર્ચ + કરકસર = બચત.

પણ કરકસર કરવી કંજુસાઈ નહી.જરૂરિયાતની વસ્તું માટૅ નાણા જરૂર ખર્ચો પણ જેની જરૂર ન હોય અને તેની ખરીદી કરી આવીએ તો તો બજેટ ખોરવાઈ જ જાયને…જેથી જ્યારે પણ ખરીદી કરવા જઈએ ત્યારે જે ખરીદવું હોય તેની યાદી બનાવીને જ જવું જોઈએ જેથી જરૂરિયાત વિનાની વસ્તુ ના લેવાઈ જાય.અને હા આપણા ઘરની નારી સાથે સાથે આપણે પુરૂષોએ પણ આ વિશે તો વિચારવું જ પડે ને.

                તો આ બંને દિન ઉપક્રમે આ રચના ગમી.પહેલાના દલિત વર્ગની સમસ્યા કહો કે દરેક વ્યક્તિની માનવજીવનની જરૂરીયાત છે રોટી.અને આ પાપી પેટ માટે તો લોકો કંઈ પણ કરી છૂટે છે.અને આ માટે પોતાની આવકમાંથી બચત કે પછી ગરીબ વર્ગ માટે તો તેની સમગ્ર દિનની કમાણી આ રોટી પાછળ જ ખર્ચાતી હોય છે તો ચાલો આજે માણીએ આ એક વ્યંગકાવ્ય. આ વિશે આપનો મંતવ્ય જણાવશોને…!!! 

 

 rotii

 

રોટીની વાત કરતા શરમાય છે.

અભડાય છે.

અર્થશાસ્ત્ર મૂડીની વાત કરે છે,

સમાજશાસ્ત્ર જ્ઞાતિસમૂહની વાત કરે છે,

વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધન કરે છે,

ઈતિહાસ કુરૂક્ષેત્રોનું વર્ણન કરે છે,

પરંતુ

રોટી રમખાણોની નોંધ લેતો નથી

કોઈ રાષ્ટ્રે એના રાષ્ટ્રધ્વજમાં

રોટીનું ચિન્હ રાખ્યું નથી

કોઈ રાષ્ટ્રગીતમાં વંદે રોટીગવાતું નથી.

…………………………………..

આભાર અધ્યારૂનું જગત

                વળી ૮મી એપ્રિલના રોજ વિજયભાઈના બ્લોગ ગુજરાતી સાહિત્યસંગમ પર મનનો વિશ્વાસની એક નાનકડી સફરયાત્રા રજુ થયેલ છે તો આપ તેની મુલાકાત પણ જરૂરથી લઈ ત્યાં પણ આપનો પ્રતિભાવ આપશો તેવી આશા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ…નારી …..નિર્મિશ ઠાકર

માર્ચ 8, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૮મી માર્ચ.આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.પહેલી પોસ્ટમાં તો આપણે નારીશક્તિની વાત કરી પણ તેમ છતાં દેખાઈ રહેલી તેમની અવદશા કંઈક વિચાર કરવા પ્રેરે છે.ઘર-સંસાર, નોકરી વ્યવસાય, પતિ-સંતાનો-સંબંધોના તાણાંવાણાં વચ્ચે અટવાયેલી,ખોવાયેલી નારીના મનમાં હંમેશા આ પ્રશ્ન તો હોય જ છ કે આ જગમાં એનું અસ્તિત્વ ક્યાં ?ક્યાં છે તેનું વાસ્તવિક વજુદ ક્યાં છે ? રસોડામાં, ઘરમાં કે ઓફીસમાં યેનકેન પ્રકારેણ શોષાતા રહેવું, મન મારીને સૌને સાચવતાં રહેવું,અને છતાં બધા કહે તમે શું નવું કરો છો? પણ એકવાર તેમની જગ્યા લઈ તેમની જગ્યાની જવાબદારી તો નિભાવી તો જુઓ…!!! ક્યારેક તો એક સ્ત્રી જ સ્ત્રીને બદનામ કરે છે.પોતાની દીકરી માટે સારું અને વહું માટે ઓરમાયું વર્તન કરે છે.અને આ માટે એક દિવસ ઉજવવાથી કંઈ ન વળે દરેક પુરૂષે અને સ્ત્રીએ આગળ આવવું પડશે તેની સાથે રહેલી સ્ત્રીની ઉન્નતિ માટે.તો ચાલો આજે માણીએ નિર્મિશ ઠાકરનું એક વ્યંગ કાવ્ય અને એક વર્ષ પહેલા આજના દિને પ્રસિદ્ધ થયેલ રચના  પણ જરૂરથી માણજો.

 naari

જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
આ મારું ઘરના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક અખંડ સૌભાગ્યવતીના
તો ક્યારેક ગંગાસ્વરૂપના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં લગ્નવિષયકના મથાળા હેઠે લખાય છે:
જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?

નિર્મિશ ઠાકર

મુંબઈમાં આતંકવાદી હુમલો…આતંકનો મોકો દિઠો છે…..રમેશ પટેલ ‘આકાશદીપ’

નવેમ્બર 28, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગત તા.૨૬મીએ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો અને હજી પણ તાજ અને ઓબેરોય હોટલમાં આ આતંકને પૂર્ણ કરવા આપણા કમાન્ડો કાર્યરત છે જ.અને આ હુમલામાં નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યો છે અને મૃત્યુઆંક ૧૨૭ ને આંબી ગયો છે તથા ૪૦૦થી વધું લોકો ઘાયલ થયાં છે.પ્રભુ આ મૃતકોને શાંતિ અર્પે અને આ આતંકવાદને હવે તો અટકાવે.આ વિષયને લઈને આપણા મિત્ર કવિ રમેશ પટૅલઆકાશદીપનું આ એક વ્યંગકાવ્ય અહીં રજું કરું છું જેમાં એક ભારતવાસીને આતંકવાદી પાસેથી મળેલ એક સીડિ કે જેમાં જાણે કે આપણી સિસ્ટમ પર કરેલા વ્યંગાત્મક આકરા પ્રહારો છે.તો વધુ ન કહેતા માણૉ આજે મનના વિશ્વાસ પર સૌ પ્રથમ વ્યંગકાવ્ય…


taj-terrorism

દે સવાયા સાથ સાળા સમ નેતા, ના થાશો  લાચાર
  છે ભોળા  ભારતની  ,દૃષ્ટિહીન  મોહક રે સરકાર
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ
 
લઘુ બાંધવના માવતર નેતાઓની ,લાગી આજ કતાર
ધૃતરાષ્ટના અવતાર ગૃહ પ્રધાનો,આવી દેશે માથે હાથ
મતદાનની ભૂખી માછલીઓ ના પીછાણે,વૈશ્વિક આતંકવાદ
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ
 
કાશ્મીર પછી દિલ્હી ને હવેજુએ મુંબઈ સ્વાગતની વાટ
મંદિર ચોરે ચૌટે રક્ત ધારાની રંગોળી,દેશે શોભા અપાર
માનવતાના થઈ પૂંજારી,હરખશે ભારતવાસી થવા મહાન
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ
 
કોઇ   વિરલાનું  લોહી ઉકળશે  ને   થાશે    જો  એ   વિશ્વામિત્ર
ગૃહ પ્રધાન મીડીઆના સંગે વદે, જૂઓ અમારા દુશ્મનનું  છે ચિત્ર
રાષ્ટ્ર  ભક્તો  થાશે   શહીદ ને   ખૂણે રડશે  તેની  માત
તારી વહારે ધાશે વકીલો  ને બહુ રુપીયાઓની  જમાત
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને  કરજો રે તારાજ
 
ધન્ય તમે તો   તમને  મળી   મન  મોહક  સરકાર
આવું ટાણું નહીં મળે વારંવાર,પધારી કરશો રે તારાજ

…………………………………………………
રમેશ પટેલ(આકાશદીપ)