Archive for the ‘હરીન્દ્ર દવે’ Category

એક રજકણ સૂરજ થવાને શમણે…..હરીન્દ્ર દવે

માર્ચ 29, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો? હા હા આજે લાંબું લચક ભાષણ નહી આપું બસ.પણ ગઈકાલે આપે મત આપી અને આપણી પૃથ્વીને મદદ કરી હતી ને…અને આજે છે ૨૯મી માર્ચ.આપણા કવિ શ્રી હરિન્દ્ર દવેની પુણ્યતિથિ.તેમના વિશે થોડી માહિતી ગત વર્ષે આજ દિને રજું કરી હતી જેની લિન્ક નીચે આપેલ છે તથા સુરેશભાઈ જાનીના બ્લોગ પર તેમનો આપેલ વિગતવાર કવિ પરિચય પણ માણી શકો છો.તો આજે વધું ન કહેતા માણૉ હરિન્દ્ર દવેની આ રચના જે કંઈક સપનાઓ અને અરમાનો સાથે એક સુંદર અનુભૂતિ કરાવે છે અને આ ગીત મારૂ ગમતું ગીત છે.આપને આ ગીત કેવું લાગ્યું તે જણાવશો ને…

 

અને ટહુકો પરથી મળેલ ડો વિવેક ટેલર દ્વારા આ કાવ્યનો કરેલ રસાસ્વાદ પણ માણવા જેવો ખરો.રજકણ હરીન્દ્ર દવેએ .. 1961માં લખેલી સર્વકાલીન કવિતા છે. આવી કોઈ મહાન કૃતિનું જ્યારે અર્થઘટન કરવાની કોશિશ હું કરી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે મારા નામવિવેકમાં જે નથી(વિવે), બનવાની ધૃષ્ટતા હું નહીં કરું! હરીન્દ્ર દવેના ભાવજગતને આપણા જાગ્રત મનની પછીતે ઊભું રાખીને કાવ્યને જોવાની કોશિશ કરીએ.

કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
               
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા સપનાંથી સદૈવ વેગળી રહે છેએક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છેપોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી
               
પણ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?

કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળાભલે ને પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ હોયછે તો ઉછીનું અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં હોય છે.

                અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ માંગવી પડેસ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો જોઈએ

                સિવાય પણ કોઈ અન્ય રીતે કવિતાને મૂલવી શકાશે ને? અન્ય મિત્રો શું કહે છે? છે અહીં એવી કોઈ રજકણ જે સૂરજ થવાનું શમણું દેખે?!
વિવેક

 

 

 rajkan

 

 

એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.

 

જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા

 

વમળ મહીં ચકરાઇ રહે કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ સૂરજ થવાને શમણે

 

જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
રૂપ ગગનથી ચ્હાય;

 

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ સૂરજ થવાને શમણે

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ગત વર્ષે આજના દિને રજું થયેલ રચના પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે માણવાનું ચૂકતા નહી.

અમોને નજરું લાગી !…..હરીન્દ્ર દવે

નવેમ્બર 21, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

તમે કહેશો કે હવે આજે શું હશે.? પણ શું મળવા માટે બહાનાની જરૂર છે ખરી.! અને કારણ તો એક શોધો હજાર મળી આવે.ખાસ તો એટલા માટૅ કે આજથી હવે આપણા આ સંપર્કયંત્ર કોમ્પ્યુટર એક મહિના બાદ ઘરનુ કામ પૂર્ણ થવાથી પોતાના યથાસ્થાને પાછું આવી ગયું છે.ત્યાં સુધી આપ સર્વે મિત્રોએ આપેલા સહકાર બદલ આભાર.

અરે હા હવે તો કારતક માસ અને પછી માગશર એમ બે બે માસ લગ્નગાળાના આવ્યા છે.કેટલાય મિત્રો નવી લગ્નગ્રંથિથી જોડાવવાના હશે તો કેટલાકની લગ્નની વર્ષગાંઠ પણ આવતિ હશે.તો થયું કે કંઈક તોફાની ગીત અને મારું ગમતું હરીન્દ્ર દવેનું આ ગીત રજું કરું છું જેમા શણગારની સાથે ઠપકો અને તેમ છ્તા પ્રેમની લાગણી વ્યક્ત થાય છે…એક વાત પૂછું આ ગીત સુલભગુર્જરી કે મનના વિશ્વાસની સંગીતમય આવૃતિમાં સાંભળ્યા બાદ હિન્દીફિલ્મનું કોઈ ગીત યાદ આવે છે જે આનું હિન્દીમાં રૂપાંતર કરેલ હોય…? અને હા આ ગીતનો વળતો જવાબ આપતું ગીત પણ ટૂંક સમયમાં મૂકીશ.

 

 sangarઆ ચિત્ર શ્રી દિલિપ પરીખની રચના છે.આભાર.

 

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

લ્યો, નજરું વાળી લઉં પાંછીએમ કહી કોઆવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં……હરીન્દ્ર દવે

સપ્ટેમ્બર 19, 2008

જય શ્રીકૃષ્ણ દોસ્તો,

આજે છે આપણા ઉર્મિશીલ કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિન.તેમનો જન્મ ૧૯-૦૯-૧૯૩૦ના રોજ કચ્છના ખમરા ગામે થયો હતો.તેમની ખાસ તો પાન લીલુ જોયુ રચના અને અમોને નજરું લાગી તો મારી પ્રિય રચના છે. તો તેમને ભાવભીની શુભેચ્છા સહ શ્રદ્ધાંજલી. આમ તો વિચાર હતો કે અમોને નજરુ લાગી મૂકુ પણ પછી મારા સંગ્રહમાં આ કવિતા પર નજર ગઈ તો થયું કે આ જ યોગ્ય રહેશે.કારણકે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે ત્યારે દરેકને પોતાના પ્રિયજન જે આજે દૂર છે તેની યાદ જરૂર આવે. અને જો તેમનો કેટલાય સમય બાદ રસ્તામાં ક્યાંક મળી જાય તો પછી તે યૌવનકાળમાં બનેલા કંઈક બનાવને વાગોળતા યાદોની દુનિયામાં ખોવાઈ જાય. અને કદાચ તેને પૂછી પણ બેસે કે “દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?”

ને હાં પાન લીલું ગીત સાંભળવા માટૅ બાજુના બોક્સ નેટના વિડ્જેટમાં ક્લીક કરો.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

……………………………………

(કવિ પરિચય)

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

માર્ચ 29, 2008

આજે તો ૨૯મી માર્ચ. આપણા ગુજરાતી સાહિત્યના ઊર્મિશીલ કવિ હરિન્દ્ર દવે ઈ.સ. ૧૯૩૦માં કચ્છના ખંભરા ગામે થયેલો. મુંબઈ યુનિ.મા એમ.એ. કરી જનશક્તિદૈનિકના તંત્રીપદે રહ્યા.

તેમની રચનાઓ માં અગનપંખી , પળના પ્રતિબિંબ, અનાગત, મુખવટો, લોહીનો રંગ લાલ વગેરે નવલકથાઓ છે. આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ વગેરે તેમના  કાવ્યસંગ્રહો છે.તેમના કાવ્યસંગ્રહ હયાતિ ને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારીતોષિક મળૅલ છે.અને તેમણે આજના દિવસે એટલે કે ૨૯-૦૩-૧૯૯૫ ના રોજ ચિરવિદાય લીધી.

 તો આજે તેમનું આ ગીત સાંભળીને માત્ર તેમની જ નહીં પણ કોઈક બીજા, કોઈક પોતાનાની પણ યાદ આવી જ જાય ને દોસ્તો.આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી ની મુલાકાત જરૂરથી લેજો.

 green leaf

  પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

(કવિ પરિચય)