પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો છવ્વીસમો અધ્યાય અને ઉપવાસનું ફળ નામની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની અગિયારશ તો આ વદ ૧૧ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો છવ્વીસમો અધ્યાય અને ઉપવાસનું ફળ  નામની વાર્તા…..

 

અધ્યાય છવ્વીસમો : વ્રતના નિયમો છોડવાની વિધિ

vishnu_parama_ekadashi

વાલ્મીકિ બોલ્યા : “હે રાજન ! હવે હું તને સમગ્ર પાપોનો નાશ કરવા તથા ગરુડધ્વજ ભગવાનને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેઓનો વિધિપૂર્વક ત્યાગ કરવાનું જણાવું છું.”

હે રાજન ! જે માણસે (પુરૂષોત્તમ માસમાં) રાત્રે એકટાણું કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને જમાડવા અને પછી નિયમ છોડવો. જેણે આખો મહિનો વ્રત કરી તેલ છોડ્યું હોય તેણે દૂધનું દાન કરવું. જેણે પગરખાં ન પહેરવાનો નિયમ લીધો હોય તેણે પગરખાનું દાન કરવું. અમાસના દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. જેણે મૌન ધરવાનો નિયમ લીધો હોય તેણે ઘંટડીનું તથા સોના સાથે તેલનું દાન કરવું અને એક બ્રાહ્મણ સ્ત્રી તથા પુરૂષને ઘી-દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું. જે માણસે એકાંતરે ઉપવાસ વ્રત કર્યું હોય તેણે આઠ કળશોનું દાન કરવું. એ બધાં કળશો વસ્ત્ર સાથે તથા સોનાથી યુક્ત હોવા જોઈએ અને માટીના કે (શક્તિ હોય તો) તદ્દન સોનાના પણ આપી શકાય છે.

ઉપરાંત ગાડાની ઘોંસરીમાં જોડી શકાય એવો શક્તિશાળી બળદ પણ દાનમાં આપવો. જે મનુષ્ય એક અન્નથી મળમાસને સેવે છે તે ઉત્તમ ગતિને પામે છે. અધિક માસમાં માત્ર એક વાર રાતે જમે છે તે રાજા થાય છે અને તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે, એમાં સંશય નથી. બપોરના સમયે મુનિઓ જમે છે. દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે. માટે તે સર્વ વેળા ઓળંગીને (સાયંકાળ વીત્યા પછી) ભોજન કરે છે તે રાજા થાય છે.

એટલું જ નહી, પણ તેના બ્રહ્મહત્યાદિ પાપો નાશ પામે છે. શ્રીહરિને પ્રિય એ પુરૂષોત્તમ માસમાં અડદ ન ખાવાથી મનુષ્ય સર્વે પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. હે રાજન! ભક્તિથી પણ સર્વકાળે દર્ભનો કુચો પાસે ન રાખવો. કારણકે તે અતિ પવિત્ર છે. (કેવળ અમુક પવિત્રધર્મ ક્રિયા કરતી વખતે જ પાસે રખાય. પણ સર્વકાળે રખાય નહી.)

કપિલા ગાયનું દૂધ પીવું નહી, જનોઈ પહેરવી નહી અને વૈદિક ક્રિયા કરવી નહી. (એમ શૂદ્ર માટે તે તે શાસ્ત્રીય ક્રિયાઓનો નિષેધ છે) છતાં તે વૈદિક આજ્ઞાનો અનાદર કરી જે શૂદ્ર તે તે વેદોક્ત કર્મ કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં ડૂબે છે. શૂદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહી. શૂદ્ર તો બ્રાહ્મણને માત્ર નમસ્કાર કરવાથી જ પાપમાંથી છૂટી જાય છે.

આમ પુરૂષોત્તમ માસનું વ્રત પરિપૂર્ણ કરવું. હે રાજન ! મેં તને આ ઉત્તમ ધર્મ બતાવ્યો, જે કલ્યાણકારી, પાપનાશક અને ઉત્તમ ફળ આપનાર છે. માધવ ભગવાનની પ્રસન્નતાના કારણે આ મનોહર રહસ્યનો નિત્ય પાઠ કરવો. હે રાજન ! જે મનુષ્ય આ સાંભળે છે અથવા દરરોજ આનો પાઠ કરે છે તે જ્યાં યોગીશ્વર શ્રીહરિ બિરાજે છે તે શ્રેષ્ઠલોકમાં જાય છે.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“વ્રતના નિયમો છોડવાની વિધિ” નામનો છવ્વીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ઉપવાસનું ફળ

upavas

એક નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એ જેટલી સુખી હતી એટલી જ ધર્મનિષ્ઠ હતી. બારેમાસ વ્રત-તપ અને ધર્મધ્યાન કરતી. એક વિશ્વાસુ દાસી ઘરનું બધું કામ કરતી. એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ શરૂ કર્યા. રોજ નદીએ નહાવા જાય. વાર્તા સાંભળે અને આખો દિવસ પ્રભુ ભજન કરે.

દાસી સવાર-સાંજ જમે અને વિચારે કે પ્રભુએ પેટ આપ્યું છે તો ખાવા માટે, નાહક શું કામ ભૂખ્યા મરવું ?

એમ કરતાં પંદર દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. એવી માંદી પડી કે મોત નજીક આવી ગયું. રોગ અસાધ્ય હતો. વૈદોએ હાથ ધોઈ નાખ્યા.

મોત નજર સામે દેખાતાં દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને રડતાં રડતાં કહ્યું : “આવો અમુલખ મનખાવતાર મળ્યો ચતાં મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી,દાન-પુણ્ય કર્યાં નથી, કદી ભૂખ્યાની આંતરડી ઠારી આશિષ મેળવ્યા નથી, ઉપવાસ કરવાને બદલે ત્રણ-ત્રણ ટંક પેટ ભરીને ખાધું છે. મારો અવતાર એળે ગયો. હવે નક્કી મારો નર્કમાં વાસ થશે. મને ડંખ એ વાતનો છે કે તમારા પવિત્ર પાવન સંગમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે દેવી ! મને મુક્તિ મળે એવું કાંઈક કરો.

ત્યારે દયાળુ બ્રાહ્મણ કન્યા બોલી : “હે દાસી ! અંત સમયે સંતાપ કરવો નકામો છે. ગયા ભવમાં પુણ્ય કર્યા હોય તો આ ભવમાં ધર્મમાં મન લાગે. છતાં તેં મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત-તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે ? તારા અંતકાળે હું તારું દિલ નહી દુભવું. તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ.”

ત્યારે દાસી ગળગળા અવાજે બોલી : “હે દેવી ! તમે પવિત્ર પુરૂષોત્તમ માસ સેવી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે, કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થઈ જાય.”

બ્રાહ્મણ કન્યાએ તત્કાળ જમણા હાથમાં જળ લીધું ને પુરૂષોત્તમ પ્રભુનું નામ લઈને દાસીને એક ઉપવાસનું ફળ અર્પણ કર્યું. એ જ ક્ષણે દાસીના શ્વાસ બંધ થઈ ગયા. એ જ ક્ષણે દેવલોકમાંથી વિમાન આવ્યું અને દાસી એમાં બેસીને સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગસુખ ભોગવ્યું. ત્યાર બાદ તે કાશીના ધર્મિષ્ઠ રાજાના ઘેર કુંવરી તરીકે જન્મી.એ ભવમાં એણે આજીવન પુરૂષોત્તમ વ્રત કર્યું.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા દાસીને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

ધન્ય એકાદશી

 

આજે એકાદશી આજે એકાદશી

તનમન પાવન કરનારું વ્રત…       આજે એકાદશી

 

આજે હરિજન હૈયે હોંશ ધરી (૨)

કરે ભજન પ્રભુનું ભાવ ધરી (૨)

આજે અવર ઉપાધિ અલગ કરી… આજે એકાદશી

 

આજે હરિજનને હરિમય થાવું (૨)

આજે અન્ય સ્થળે નવ અથડાવું (૨)

આજે નામામૃત પીવું પાવું… આજે એકાદશી

 

ઉત્તમ વ્રત એક જ એકાદશી (૨)

હરિજન વૈષ્ણવને હૃદયવસી (૨)

આજે કીર્તન કરવું કમર કસી… આજે એકાદશી

 

આજે વિનય વિવેક વિરાગે વસી (૨)

ખોટી ખટપટથી દૂર ખસી (૨)

આજે રામરટણની બાંધો રસી… આજે એકાદશી

 

આ એકાદશી તારણ તરણી છે (૨)

તે તો સ્વર્ગ જવાની નીસરણી છે… આજે એકાદશી

પરમા એકાદશી

vishnu_parama_ekadashi

અધિક માસની કૃષ્ણ પક્ષ (વદ) એકાદશીનું નામ પરમા એકાદશી છે. આ દિવસે નરોત્તમ એવા વિષ્ણુનું પૂજન અને વ્રત કરવાનો વિધિ છે.

સુમેધા નામનો એક બ્રાહ્મણ મહાન ધર્મનિષ્ઠ હતો. તેની પત્ની પણ પતિપરાયણ હતી. પૂર્વજન્મના દોષને લીધે તે દંપતિ બહુ નિર્ધન હતાં. ભિક્ષા માંગીને તે પોતાનો ઉદરનો નિર્વાહ કરતા હતા. તેની સાધ્વી સ્ત્રી પણ ભૂખ્યે પેટે પતિસેવામાં હાજર રહેતી હતી. આ ભૂખના દુ:ખથી તે અત્યંત નિસ્તેજ અને શુષ્ક થઈ ગઈ હતી.

પતિ પોતાની પત્નીનું આદુ:ખ જાણતો હતો, પરંતુ તેનો કોઈ પણ ઈલાજ ન હતો. એક વાર તેણે પત્નીને પોતાની પાસે બોલાવીને કહ્યું : ‘હે સ્ત્રી ! આપણા દુર્ભાગ્યથી આપણી નિર્ધન અવસ્થા ટળી શકતી નથી. આખા શહેરમાં મને કોઈ ભિક્ષા આપતું નથી અને દેશમાં દાન આપનારાઓ પણ હવે રહ્યા નથી, માટે મને ઈચ્છા છે કે પરદેશમાં જઈને પુરુષાર્થ અજમાવું.”

પતિના વાક્યથી પત્ની દુ:ખી થઈ, તેણેઅશ્રુભરી આંખોથી કહ્યું : “હે નાથ ! હું અબુધ સ્ત્રી આપને શું સલાહ આપું ? છતાં આપની અર્ધાંગના તરીકે હું આપને કહું છું કે પરદેશમાં જઈને પણ ભાગ્ય વિના કાંઈ મળી શકતું નથી. ભાગ્ય વિનાના મનુષ્યને સોનાના મેરૂ પર્વત પાસે ઊભો રાખવામાં આવે તો પણ તે સોનાને બદલે પત્થર ઉઠાવી લે છે. પૂર્વજન્મમાંઆપએલું અન્ન, વસ્ત્ર, ધન ને કીર્તિ બીજા જન્મમાં સાંપડે છે. માટે આપણે પૂર્વમાં કાંઈ આપ્યું નહી હોય તો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી, જે મળે તેમાં સંતોષ માનીને ઈશ્વરચિંતન કરીને અહીં જ રહો. હું કેવળ આપના આધારે જ જીવું છું. પતિ પરદેશ ગયા બાદ સ્ત્રીને માતા, પિતા, ભાઈ કે બહેન કોઈ સંઘરતું નથી.”

પતિ-પત્નીનો આ વાર્તાલાપ ચાલતો હતો, ત્યાં જ એક કૌંડિન્ય નામના મુનિ પધાર્યા.દૈવયોગે આવેલાઆ અતિથિનો આ બ્રાહ્મણ દંપતિએ સત્કાર કર્યો. બ્રાહ્મણે વંદન કરીને પૂછ્યું : “હે મુનિરાજ ! આપના પધારવાથી અમો કૃતકૃત્ય થયા છીએ, આપ મને કૃપા કરીને અમારી દરિદ્રાવસ્થા દૂર કરવાનો ઉપાય બતાવો. આપના પધાર્યા પહેલા અમારા વચ્ચે એ જ વાર્તાલાપ ચાલતો હતો.”

ઋષિએ કહ્યું : “પાપ,સંતાપ અને દરિદ્રતાનું દુ:ખ દૂર કરનારું અધિક માસની કૃષ્ણ એકાદશીનું વ્રત તમે કરો. આ વ્રત સર્વ પ્રથમ કુબેર નામના દેવે કર્યું હતું. ભગવાન શંકરે તેમનાવ્રતથી પ્રસન્ન થઈનેતેમને ધનના અધિપતિ બનાવ્યા. સત્યવાદી હરિશ્ચંદ્રે પણ આ વ્રત કર્યું. તેનાથી તેમને સ્ત્રી, પુત્ર અને ગયેલું રાજ્ય પાછું મળ્યું.’ આમ કહી ઋષિએ તેમને વ્રતનો વિધિ કહી સંભળાવ્યો.

સમય આવતાં બંને પતિ-પત્નીએ પરમા એકાદશીનું વ્રત કર્યું. આ એકાદશીથી લઈને વ્રત-ઉપવાસ સહિત અમાવસ્યા સુધીનું પંચરાત્ર કર્યું. આથી ઈશ્વરેચ્છાએ એ શહેરના રાજાનો પુત્ર એને ત્યાં આવ્યો. અને તેને રહેવા માટે સુંદર મકાન, વિવિધ વસ્ત્રાલંકારો અને આજીવિકા ચલાવવા માટે એક ગામ આપ્યું.

આવી રીતે આ એકાદશીના પ્રભાવથી બ્રાહ્મણ અને તેની પત્નીએ સુખ-સંપત્તિઅને મોક્ષસુખ પ્રાપ્ત કર્યું.

જે કોઈ આ અધિકમાસની એકાદશીનું વ્રત કરે છે, અથવા આ આખ્યાન વાંચે કે સાંભળે છે, તેની ઈચ્છાઓ સફળ થાય છે અને મુક્તિ પામે છે.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો છવ્વીસમો અધ્યાય અને ઉપવાસનું ફળ નામની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […] […]

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.