Author Archive

વિશ્વ માતૃભાષા દિન ૨૦૧૭….. ભાષા મારી ગુજરાતી છે…..

ફેબ્રુવારી 21, 2017

જય શ્રીકૃષ્ણ મિત્રો / વડીલો,

        આજે છે ૨૧મી ફેબ્રુઆરી. આજનો દિવસ તો ખરેખર બહુ જ રૂડો છે. કારણકે આજનો દિન વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવાય છે. અને એનો ઈતિહાસ પણ એટલો જ અનેરો છે… એ વાત છે ૧૯પ૨ની કે જ્યારે પાકિસ્તાને તેના તાબા હેઠળના પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં ઉર્દૂ ભાષાને ફરજીયાત બનાવી તેમને ઉર્દૂને માતૃભાષા તરીકે અપનાવવા ફરજ પાડી, ત્યારે તેના વિરોધમાં ત્યાંના બાંગ્લાદેશવાસીઓએ પોતાની માતૃભાષા બંગાળીના ગૌરવને જાળવવા લોક આંદોલન કર્યું. જેમાં તા.૨૧ ફેબ્રુઆરી, ૧૯પ૨ના રોજ ૪ બાંગ્લાવાસીઓ શહીદ થયા. તેની યાદમાં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આમ આ દિવસનાં પાયામાં ચાર ભાષાપ્રેમીઓની શહાદત રહેલી છે.  

        વળી આપણી માતૃભાષા ગુજરાતીની વાત કરીએ તો પણ એની સમૃદ્ધિની વાત જ ન્યારી છે, કેટ કેટલો શબ્દભંડૉળ છે એમાં, અને નીતનવાં શબ્દોથી એ સભર છે. અને આપણે ગુજરાતીઓ તો દેશના ખૂણેખૂણે ફેલાયેલા છીએ. અને તે સાથે આપણી ગુજરાતીને પણ ફેલાવીએ છીએ. કહે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને આટલું બધું ફરવા અને વસવાને કારણે ગુજરાતીમાં પણ નવા નવા શબ્દો બીજી ભાષાઓના સંપર્કમાં આવતા ઉમેરાય છે, અને માટે જ આપણા શબ્દકોષ ભગવદગોમંડલ ને આપણે વધુ સદ્ધર કરવા પ્રયાસ કરવો જોઈએ, જેથી આપણી ભાવી પેઢી માટે વધુ સારી ભાષાનો વારસો છોડી શકીએ.

        અને એક વાત મારા અનુભવે કહુ તો ભલે હું એક મેડીકલ અભ્યાસક્રમમાં છું અને જે પૂર્ણ પણે અંગ્રેજીમાં છે તેમ છતાં જ્યારે તેને સરળ રીતે અને એક ગુજરાતી લહેકા સાથે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવું છું ત્યારે તેની મજા કંઈક અનેરી જ હોય છે. જે કદાચ બીજી ભાષામાં એ અસરકારકતા આવી જ ના શકે. અને આ વાત મારા એ વિદ્યાર્થી મિત્રોએ જ મને કરી છે.

        તો આજના આ અવસરે ચાલો માણીએ આ રચના જે આપણી ગુજરાતી ભાષાના ગૌરવને વર્ણવે છે. તથા આ ગીતને વિડીયો સ્વરૂપે સાંભળવા માટે નીચે જુઓ.  અને આપ પણ આપના અમૂલ્ય  પ્રતિભાવો આપશો ને…      

images

માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે.

એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી એ,

ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

હાં મીઠા બોલા ગુજરાતી અમે, થોડામાં કહી દઈએ ઘણું,

ભૂલચૂક છે લેવી દેવી, ભૂલું ત્યાંથી ફરી ગણું,

અરે આવે કોઈ તો આવો કહીએ,  આવો, આવો આવો…

આવજો જ્યારે થાય વિદાય,

નામની પાછળ ભાઈ ને બહેન, માન દઈને બોલાવાય…

સંબોધનમાં સ્નેહ છલકતો, હેતભર્યું હરખાતી એ,

આપણા ગાંધીબાપુની ભાષા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

અ લે લે કાં ફાય્ટા નંઈ કાંય ? મગ ભર્યા છે મુંઢામાંય ?

મું પુસું અલ્યા ચ્યોંના દિયોર ? ચ્યોંથી આયા ને ચ્યોં હેંડ્યાં ?

ના હમજો ટો હુરટીમાં કેહું… હહરીના ટમે છો કંઈના ?

અચો અચો અપા કચ્છી માડુ… મીઠા માડુ…

રંગ ગજબ છે બોલીના,

બાર ગાઉએ બોલી બદલે..રૂપ અનોખા ધરતી એ,

કોને પડે એના કાળજા માથે, કામણ રૂડા કરતી એ,

હરખઘેલા ગુજરાતીના, હૈયામાં હરખાતી એ,

મીઠડા માડુ મીઠડી ભાષા, મધમીઠુ મલકાતી એ,

અષાઢી ધન ગરજે કદી.. હાં … ઝીણું ઝીણું ઝરમરતી એ,

ગરવા આ ગુજરાતની ભાષા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે….

ભાષા મારી ગુજરાતી છે….

શિક્ષક દિન … ओम् जय शिक्षा दाता …… ડૉ. રૂપચંદ્ર શાસ્ત્રી

સપ્ટેમ્બર 5, 2016

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

                આજે છે ૫મી સપ્ટેમ્બર ૨૦૧૬. આજનો દિવસ એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ જેને આપણે સૌ શિક્ષક દિન તરીકે મનાવીએ છીએ. આપણી જિંદગીમાં દરેક પળે કોઈને કોઈ આપણને કંઈક શીખવતા જ હોય છે. જેમકે  માતા કે જે વ્હાલનો દરિયો, ખાવુ, પીવુ, હસવુ, ચાલવુ, બોલવુ અને ઘણુ બધુ ન શીખવે, તો પિતા કે જે સંસ્કારનુ બીજ માતા સાથે મળી આપણામાં વાવે, વાત કરતા, જિંદગી જીવતા શીખવાડે, તો વળી મિત્ર, ભાઈ કે બહેન, પતિ/પત્નિ કે નાના બાળકો પણ આપણને કંઈક જ્ઞાન આપતા રહે છે. આ ઉપરાંત વૃક્ષ, નદી વગેરે કુદરત ના તત્વો પણ આપણા શિક્ષકની ગરજ સારે છે. તો પુસ્તકો તથા આપણી આસપાસ રહેલ તમામ ચીજવસ્તુઓ પણ આપણા ઘડતરમાં ક્યાંક ને ક્યાંક આપણને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તો ચાલો આ આપણા સૌ શિક્ષકને વંદન કરતાં આજે શિક્ષકની એક આરતી જ કરી લઈએ. તો માણીએ ડૉ. રૂપચંદ્ર શાસ્ત્રીની રચના. આ અગાઉ શિક્ષક દિન પર રજૂ થયેલ રચના શિક્ષકદિન…નવા યુગનો ચેલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’  પણ આપ સૌ જરૂરથી માણશો. અને આપ સૌના અમૂલ્ય પ્રતિભાવોની આશા સહ.

aarati

ओम् जय शिक्षा दाता, जय-जय शिक्षा दाता।
जो जन तुमको ध्याता, पार उतर जाता।।

तुम शिष्यों के सम्बल, तुम ज्ञानी-ध्यानी ।
संस्कार-सद्गुण को गुरु ही सिखलाता ।।

कृपा तुम्हारी पाकर, धन्य हुआ सेवक ।
मन ही मन में गुरुवर, तुमको हूँ ध्याता ।।

कृष्ण-सुदामा जैसे, गुरुकुल में आते ।
राजा-रंक सभी का, तुमसे है नाता ।।

निराकार है ईश्वर, गुरु-साकार सुलभ ।
नीति-रीति के पथ को, गुरु ही बतलाता ।।

सद्गुरू यही चाहता, उन्नति शिष्य करे ।
इसीलिए तो डाँट लगाकर, दर्शन समझाता ।।

श्रीगुरूदेव का वन्दन, प्रतिदिन जो करता ।
सरस्वती माता का, वो ही वर पाता ।।

સંવત્સરી … મિચ્છામી દુક્કડમ …..

સપ્ટેમ્બર 5, 2016

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પર્યુષણ પર્વનો આઠમો દિવસ જે સંવત્સરી તરીકે ઓળખાય છે. પર્યુષણ પર્વના આઠે દિવસોમાં આજના દિવસનો ખૂબ મહત્વ ધરાવે છે. સાત દિવસ સાધનાના હતા જ્યારે આઠમો દિવસ સિદ્ધિનો છે. જૈન ધર્મીજનોની આ દિવાળી છે, જેમ દિવાળી આવતા આખાય વર્ષના ચોપડા તપાસાય, લેણી-દેણીના હિસાબ ચોખ્ખા કરાય છે, નફા-તોટાની તારવણી કરાય છે. તેમ આજે સંવત્સરીના દિવસે એકાંતમાં બેસીને શાંત ચિત્તે આપણા જીવનના ચોપડા તપાસવાના છે. વીતેલા વર્ષ દરમિયાન થઈ ગયેલા અનેક દુષ્કૃત્યો બદલ અંતરથી પશ્ચાતાપ કરવાનો છે અને ફરીથી એવી ભૂલો ન થાય તે માટે સંકલ્પ કરવાનો છે. ક્રોધ અને અહંકારના આવેશમાં આવી જેની પણ સાથે વેર વિરોધ અને કલેશ કંકાશ થયો હોય તે બધાની અંત:કરણથી ક્ષમા યાચના માંગવાની છે. પ્રતિક્રમણ કરવાનો આ પાવન પર્વ છે. તો વળી પુજ્યપાદ રશ્મિરત્ન્સૂરિશ્વરજી મહારાજ સાહેબ આ પર્યુષણ પર્વની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે.

P = પર્વની ઉજવણી કરવી

A = આરાધના કરવી

R = રાગ-દ્વેષ દૂર કરવા

Y = ગુણોની યાતના કરવી

U = ઉપવાસ તપ કરવા

S = સમતા રૂપ સામાયિક કરવી

H = હંમેશ પ્રભુ દર્શન કરવા.

A = અઠ્ઠાઈ, અઠ્ઠમ તપ કરવા

N = નીવિ-એકાશન તપ કરવા, નમ્રતા રાખવી.

તો ચાલો આજે આપણે માણીએ એક આ રચના અને સૌને મિચ્છામી દુક્કડમ….

samvatsari

વીત્યા  વર્ષમાં મેં  ઘણાને દૂભવ્યા હશે,

કોઈ નયન મારા થકી ભીનાં થયા હશે.

મારા થકી ઘવાયુ હશે કોઈનું સ્વમાન,

ક્યારેક હું હઈશ આપીન જબાન.

ગુસ્સે થયો હોવા છતાં ખોટું હસ્યો હોઈશ,

ન બોલવાનું કેટલું બોલી ગયો હોઈશ.

ન મળવાના મેં બહાનાઓ કાઢ્યા હશે હજાર,

બીજાના દુ:ખનો મેં નહીં કીધો હશે વિચાર.

કોઈને માથે ઉભો હઈશ હું બનીને બોજ,

કોઈના નીચા જોણામાં લીધી હશે મેં મોજ,

કીધા હશે મેં કોઈના તદ્દન ખોટા લખાણ,

અમથા જ મેં કર્યા હશે આક્ષેપ ને ખેંચતાણ.

આજે રહી રહીને બધું યાદ આવે છે,

નીતર્યાં હૃદયના દ્વારથી એક સાદ આવે છે.

કહી દઉં કે કેટકેટલી ભૂલો કરી છે મેં,

મનમાં અહમની કેવી દિવાલો ઘડી છે મેં.

માફી તમારી માંગતા લાગે છે બહું શરમ,

આથી જ કહું છું દૂરથી, મિચ્છામી દુક્કડમ.

મા જીવંતિકા વ્રત….

ઓગસ્ટ 12, 2016

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજે છે શ્રાવણ માસનો શુક્રવાર, આજના દિનનો મહિમા અનેરો છે આજે માતાઓ પોતાના બાળકના રક્ષણ માટે મા જીવંતિકાનું વ્રત કરે છે. તો ચાલો આજે આ વ્રતના વિધી-વિધાન તથા તેની વાર્તા તથા આરતી આજે માણીએ….  

વ્રતની વિધી

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી.

આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.

કથા પુરી થયા પછી પાંચ દીવેટોના દીવાથી આરતી ઉતારવી. ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. વ્રતના દિવસે એકટાણું કરવું. જૂઠું ન બોલવું. કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે.

વ્રતની વાર્તા

Jivantika vrat

પ્રાચીનકાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની  રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા-રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનુ દુ:ખ હતુ તેમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન હતું નહી, તેથી રાણીબા ચિતામા સુકાતા જતા હતા. એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા.

એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી. એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. એટલે ગામમા કોઇને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતાં.

દાસી ઘણી સમજું હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. તેણે રાણીને કહ્યુ : “રાણીજી ! તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારૂ વાંઝિયામેણું હંમેશને માટે દૂર થઈ જશે.”

“જલ્દી બતાવ મને…” રાણીએ કહ્યું.

દાસીએ ધીમે થી રાણીના કાનમા  કહ્યુ : “ સાંભળો રાણીજી ! ગામમા એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો. બસ, ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે, તે હું તમને લાવીને સોંપી દઈશ !”  દાસીની વાત સંભાળી રાણીએ પ્રથમ ખચવાટ અ‍નુભવ્યો પણ દાસીએ તેમને કહ્યુ : “તમે બીશો નહીં, કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે” બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે, એ વાત ફેલાવવા માંડી.

જોત જોતામાં છ મહિના વીતી ગયાં. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસુતિની પીડા ઉપડતાં દાસીને બોલાવવામાં આવી ! મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડીવારમાં તો ઘરનાં બધા ઘસઘસાટ ઊંઘી ગયા.

દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. રાણી તો ખુશ ખુશ થઈ ગઈ. ત્યાર બાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યાં કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે.

આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચી મા બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે.

ત્યાર બાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર, જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો.  એ યુવાના થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યાં અને શીલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળું અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ.

થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એણે એક વણીકના ઘેર ઉતારો રાખ્યો. આ વાણીયાને છ બાળકો થયાં અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યાં. આજે વણીકના ઘેર સાતમાં પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાતા, વણીકના પુત્રના લેખ લખવા આવ્યાં. એટૅલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળધર્યું અને કહ્યું : “દેવી વિધાતા ! તમે અહીં કેમ આવ્યા ?”

“વાણીયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું.”

મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું : “ બહેન ! લેખમાં શું લખશો ?” ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે “ એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે.”

આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું : “ ના, ના વિધાત્રી ! એવું તમારાથી ન લખાય ! જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપિ ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો.” છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ધાયુષ્ય લખીને ચાલતાં થયાં. .

બીજા દિવસે વાણીયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો. એને ખાત્રી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે.

શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણીયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી. ત્યાંથી એ ઘણાં દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી, જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યાં. આ જોઈ શીલસેનના અચરજનો પાર ના રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડીતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહી. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર એક વર્ષે પેલા વાણીયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણીયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા.

રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યાં. તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું : “ મા ! તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો ?”  આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાઅત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો.

મા જીવંતિકાએ કહ્યું: “ દેવી વિધાતા ! આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી, આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણીયાને ઘેર છું. જ્યાં સુધી વાણીયાને ઘેર મારો વાસ હોય, ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ?”

“ભલે.” કહી વિધાતા જતા રહ્યાં.

આ સાંભળી શીલસેન વિચારામાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછી ખાત્રી કરવા નક્કી કર્યું.

સવાર થતાં વાણીયાએ જોયું તો તેનો બીજો દિકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શીલસેને રજા માંગી ત્યારે વાણીયાએ એમને આનંદથી રજા આપી.

ઘણાં જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું : “મા ! તમે ક્યું વ્રત કરો છો ?”

“બેટા ! હું કોઈ વ્રત કરતી નથી.” રાણી સુલક્ષણા બોલી.

આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી મા નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યાં ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે?

થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહી પહેરવાનું વ્રત છે.

આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યાં. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતાં જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી… અને શીલસેનના મોંમા પડી. આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા : “ આ જ રાજકુમાર શીલસેનની માતા છે.”

ત્યાર બાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું.

શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું.

“હે મા જીવંતિકા ! તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું, તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ-સંપત્તિ આપજો.”

II જય જીવંતિકા મા II

જીવંતીકા માતાની આરતી

(રાગ – જય આદ્યાશક્તિ)

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 90

જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા,

સુખ સંપત્તિ શુભદાતા, સંતતિ સુખદાતા, ઓમ… જય… ૧

શુક્રવાર શ્રાવણનો આવે, મા શ્રાવણનો આવે,

રક્તાંબર ધરી અંગે, વહાલું વ્રત ધારે, ઓમ… જય…૨

તારા વ્રતના પ્રભાવે, મા તારા વ્રતના પ્રભાવે,

મધરાતે ભરી ચોકી, ષષ્ઠીને રોકી, ઓમ… જય…૩

લેખ છઠ્ઠીના પર મેખ તે મારી, મા મેખ તે મારી,

દાસને સુખ-શાંતિ જગમાં દેજે, દુ:ખ હરજે દીનવાળી, ઓમ… જય…૪

વ્રત કર્યું બ્રાહ્મણીએ, મા વ્રત કર્યું બ્રાહ્મણીએ,

કુંવરે માને ઓળખી, છૂટી દૂધની ધીરાવાડી, ઓમ… જય…૫

તારા વ્રત જે કરશે, મા જે ભાવે કરશે,

સકળ મનોરથ ફળશે, મા દુ:ખડા હરશે, ઓમ… જય…૬

શુભ મિત્રતા દિન…. દોસ્ત ….. જયોતિ એ.ગાંધી

ઓગસ્ટ 7, 2016

જય શ્રીકૃષ્ણ મિત્રો,

          આજે છે ૨૦૧૬ ના વર્ષના ઓગસ્ટ માસનો પ્રથમ રવિવાર. અને આજનો દિવસ તો આપ સર્વે જાણો જ છો કે આજે ઉજવવામાં આવે છે, “મિત્રતા દિન.” મિત્ર, ભાઈબંધ, દોસ્ત, દોસ્તાર, યાર, જોડીદાર, લંગોટીયો અને કંઈ કેટલાય શબ્દો આપણે વાપરીએ છીએ, પણ જ્યારે એ લાગણીની વાત આવે ત્યારે કદાચ શબ્દો પણ ઓછા પડે. વળી એમ કહીએ તો ખોટુ તો ન જ કહેવાય કે દરેક સંબંધોમા પણ ક્યાંક મિત્રતાનો અંશ તો રહેલો જ હોય છે. જુઓને દંપતિના સંબંધમાં જોઈએ તો સપ્તપદીના સાત ફેરા સાથે સંસ્કૃતમાં પણ કહેવાયુ છે ને કે સાત ડગલા સાથે ચાલવાથી મિત્રતા બંધાય. તો વળી એમ પણ કહેવાયુ છે ને કે જ્યારે પુત્ર મોટો થાય ત્યારે પિતાએ પણ તેને મિત્ર સરીખો ગણી વ્યવહાર કરવો જોઈએ. તો ચાલો આજે માણીએ જ્યોતિ ગાંધીની આ રચના જે દોસ્તની યાદ જરૂરથી અપાવી દેશે. અને અગાઉ આ દિન પર પ્રસિદ્ધ થયેલ રચના તને સાંભરે રે ?….. પ્રેમાનંદ અને કૃષ્ણ સુદામાની જોડી…..કાંતિ અશોક પણ જરૂરથી માણશો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ અવશ્યથી આપશો.

 

IMG_91947294934984

આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે
મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે

મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે
સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે

ઘણી વાતો આ મન બધાંથી છુપાવે છે.
એ એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે.

મારી પસંદ-નાપસંદ બઘું એ જાણે છે
અવનવા ઉપાયોથી એ હંમેશા મને ખુશ રાખે છે.

હું હોઉં ખુશમિજાજમાં તો એ પણ મહેંકી ઉઠે છે
મારી એક હસીમાં પોતાનાં સેંકડો ગમ છુપાવી દે છે.

કેવી છે આ ગાંઠ પ્રીતની જે હંમેશા અમને બાંધી રાખે છે.
હા એજ દોસ્તની દોસ્તી જે બધાંથી સારી લાગે છે.

ચૈત્રી નવરાત્રી….સાચી રે મારી સત રે ભવાની મા…

એપ્રિલ 9, 2016

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

        ગઈ કાલ એટલે કે 8 એપ્રિલથી શરૂ થઈ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. વળી ગઈ કાલે ચેટીચાંદ તથા મરાઠી ભાઈઓ/બહેનો માટે તેમના નવા વર્ષ ગુડી પડવો પણ હતો… તો આવા શુભ પ્રસંગે માતાજીને યાદ કરી અને ગરબો તો ગાવો જ જોઈએ ને તો ચાલો આજે માણીએ ગુજરાતી ફિલ્મ ભાથીજી મહારાજમાંથી માતાજીનો આ ગરબો…. અને આપ સૌ મિત્રો વડીલોના ભાવભીના અભિપ્રાય સાથે….  

chaitri navaratri

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
નવ નવ રાતના નોરતાં કરીશ મા, પૂજાઓ કરીશ મા
ગરબો રે વિરાટનો ઝીલીશ મૈયા લાલ.

જ્યોતિ મા એક તારી છે જ્યોતિ,
તારા સતનું ચમકે રે મોતી,
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા
માડી રે, મારી ભક્તિ ભવાની મા, રાણી ભવાની મા
હું તો તારા પગલા ચૂમીશ મૈયા લાલ.

તું તરનારની તારણહારી,
દૈત્યોને તે દીધા સંહારી
શક્તિશાળી ને તું તો જનેતા મા
માડી રે, મારી શક્તિ ભવાની મા
ભોળી ભવાની મા, હું તો તારા વારણા લઈશ મૈયા લાલ.

જગ માથે એક માયા રચાવી,
દરશન દે તું સામે રે આવી,
સુના સુના રે મારા મંદિરના ચોકમાં
માડી રે, આવ રમવા ભવાની મા રૂડી રે ભવાની મા
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીસમો અધ્યાય અને સાસુ વહુની વાર્તા…..

જુલાઇ 16, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસનો છેલ્લો દિવસ તો આ અમાસ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીસમો અધ્યાય અને સાસુ વહુની વાર્તા…..

 

અધ્યાય ત્રીસમો : પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ

IMG-20150713-WA0001

(આ ચિત્ર દ્વારકા મંદિરના દ્વારકાધીશના પુરૂષોત્તમ માસના શણગારનો છે)

          નારદ બોલ્યા : “હે સ્વામી શ્રી નારાયણ ! આપે સર્વ સાનોમાં કાંસાના સંપૂટના દાનને શ્રેષ્ઠ કહ્યું છે તેનું કારણ આપ જણાવશો ?”

શ્રી નારાયણ બોલ્યા : “હે બ્રાહ્મણ ! પહેલાં એક વખતે પાર્વતીજીએ આ પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું હતું તે વેળા તેમણે શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે “હે દયાના સાગર શિવજી ! મારે ક્યું ઉત્તમ દાન દેવું જોઈએ, જેથી મેં કરેલું પુરૂષોત્તમનું વ્રત સંપૂર્ણતા પામે ?”

શિવજી બોલ્યા : “હે સુંદર મુખવાળી ! પુરૂષોત્તમ માસમાં કોઈ પણ દાન એવું છે જ નહીં કે તે પૂર્ણ ગણાય. આ વ્રતની પૂર્ણતા માટે સંપૂટ આકારના આખા બ્રહ્માંડને દાનમાં આપી દેવું. એ બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપૂટ કરવો. તેમાં ત્રીસમાલપુડા મૂકી તેને સાત તાંતણા વીંટાળી અને તે પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું.”

શ્રી નારદજી બોલ્યા : “હે પ્રભુ ! આપની પાસેથી આ ઉત્તમ માહાત્મ્ય સાંભળી મને ઘણી જ તૃપ્તિ થઈ છે. હવે મારે સાંભળવાનું કાંઈ બાકી રહેતું નથી.”

શ્રી પુરૂષોત્તમ કથા શ્રવણ – માહાત્મ્ય

          સુતપુરાણી બોલ્યા : “હે શૌનકાદિ મુનિઓ ! જે લોકો આ ઉત્તમ પુરૂષોત્તમ માસનું સેવન કરતાં નથી અને સંસારમાં જ રચ્યાપચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યોમાં અધમ છે, એટલું જ નહી પણ તેઓ આ સંસારમાં અવરજવર કર્યા કરે છે; જન્મે જન્મે અભાગિયા થાય છે અને પુત્ર, મિત્ર, સ્ત્રી તથા સગાસંબંધીઓના વિયોગથી દુ:ખી રહ્યા કરે છે.

હે બ્રાહ્મણો !  આ પવિત્ર પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે. કેમકે તે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેનો એક શ્લોક સાંભળવાથી પણ બ્રાહ્મણ બ્રહ્મતેજવાળો અને રાજા તથા વૈશ્ય ધનપતિ થાય છે અને શૂદ્ર ઉત્તમપણું પામે છે. એટલું જ નહી, શુદ્ર જાતિના લોકો કે જેઓ પશુઓ જેવું જીવન ગાળનારા છે, તેઓ બધા પણ આ ઉત્તમ માહાત્મ્ય સાંભળી મુક્તિ પામે છે.

જે માણસ આ પુરૂષોત્તમ માહાત્મ્ય લખીને પોતાના ઘરમાં રાખે છે તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિલાસ કરે છે.

પુરૂષોત્તમ માસમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ રીતે ધ્યાન કરવું : “ગોવર્ધન પર્વતને હથેળીમાં ધારણ કરનારા, ગોવાળના વેશમાં ગોકુળમાં ઉત્સવ રચનારાઅને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. મેઘ જેવા શ્યામ, બે ભૂજાવાળા, મોરલીને ધારણ કરવાવાળા, સુશોભિત પીળાં વત્રો ધારણ કરનારા, સુંદર અને રાધિકાજી સહિત શ્રી પ્રભુ પુરૂષોત્તમને હું વંદન કરું છું.”

આ પ્રમાણે અપાર મહિમાવાળા અને અનંત પુણ્ય આપનારા અને બધા મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય સાંભળી શૌનક આદિ સર્વે મુનિઓ અત્યંત હર્ષ પામ્યા. ઋષિઓ બોલ્યા : “ઓ મહાભાગ્યશાળી સુત ! તમને ધન્ય છે. પુરૂષોત્તમ માસની કથા સાંભળી અમે કૃતાર્થ થઈ ગયા. હે પુરાણવેત્તાઓના શિરોમણિ ! તમે ઘણું લાંબું જીવો.”

“તમારા મુખકમળમાંથી નીકળેલી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુર આ નૈમિષાસન તમને અર્પણ કર્યું છે તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહે છે ત્યાં સુધી અહીં મુનિવરોની સભામાં શ્રીહરિની સુંદર કથા કહ્યા કરો.

એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણકરીતે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી સુત પુરાણી પોતાનું નિત્ય કર્મ કરવા ગંગા નદી પર ગયા. તે પછી નૈમિષારણ્યમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દિવ્ય, સર્વ કરતાં શ્રેષ્ઠ પુરાણુ તથા ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ” નામનો ત્રીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

સાસુ વહુની વાર્તા

AM (22)

ધરમપુર ગામમાં એક ડોશી દીકરા ને વહુ સાથે રહે. ડોશી ધાર્મિક સ્વભાવના. વ્રત-તપ કરે, ધર્મ-ધ્યાન કરે. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. સાસુએ આખો પુરૂષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ગામમાં સઘળી સ્ત્રીઓ પણ વ્રત કરતી હતી તે જોઈ દીકરાની વહુનેય વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે સાસુને વાત કરી : “બા ! હુંય પુરૂષોત્તમ માસનું વ્રત કરું.”

પણ વહુની વાત સાંભળી ડોશી છણકો કરીને બોલી કે “જોઈ ના હોય તો મોટી ભક્તાણી. ઘરમાં બેસીને ધર્મ-ધ્યાન કરો, કાંઈ વ્રત-તપ કરવા નથી, હું બેઠી છું વ્રત કરવાવાળી.”

બિચારી વહુ શું બોલે ? એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠાં વ્રત આદર્યું. તેણે વિચાર્યું કે પ્રભુનું ભજન ક કરવું છે ને, તો પછી ઘેર બેસીને વ્રત કરવું. વળી, કહ્યું છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે. પુરૂષોત્તમ પ્રભુની પૂજા કરે. આંગણામાં બેસીને વાર્તા કરે. માંગવા આવનાર બ્રાહ્મણને દક્ષિણા આપે.

એક દિવસ સાસુ નદીએ નહાવા ગઈ. નહાતાં નહાતાં આંગળીએ પહેરેલી વીંટી ખોવાતાં સાસુ તો રઘવાઈ થઈ ગઈ. ઘણી ગોત કરવા છતાં વીંટી ન મળી એટલે સાસુ ઉતરેલા મોંએ ઘેર આવી.

આ બાજુ વહુ કથરોટમાં સ્નાન કરતી હતી. સ્નાન કરતાં કરતાં કથરોટમાં વીંટી દેખાણી. વહુ ઓળખી ગઈ કે આ તો મારા સાસુજીની વીંટી. ભૂલથી પડી ગઈ લાગે છે.

સાસુ ઘેર આવ્યા ત્યારે વહુએ વીંટી આપીને બધી વાત કરી. સાસુને વીંટી જોઈ ઘણું અચરજ થયું, પણ છણકો કરીને વીંટી લઈ લીધી.

બે દિવસ પછી સાસુ નદીએ નહાવા ગયા ત્યારે નદીમાં નહાતાં નહાતાં ગળામાં પહેરેલો હાર પાણીમાં પડી ગયો. સાસુ બહાવરી બની ગઈ. કથા-વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી.

સાસુ તો કપાળ કૂટતી કૂટતી ઘેર આવીને કકળાટ કરવા લાગી. ત્યાં જ વહુએ આવીને હાર સાસુના હાથમાં મૂકતાં કહ્યું: “બા ! આ તમારો હાર મને કથરોટમાંથી મળ્યો છે, તમે નક્કી ભૂલી ગયા હશો.”
હવે સાસુના વિસ્મયનો પાર ના રહ્યો. આવું ચળીતર તો કદી જોયું નથી કે જાણ્યું નથી. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં. નક્કી આ વહુ ડાકણ લાગે છે. નક્કી મેલી વિદ્યા જાણતી લાગે છે. સાસુના મનમાં ગભરાટ વ્યાપ્યો. ડાકણનો ભરોસો નહીં. ખીજે તો લોહી પીતાં પણ ના અચકાય. કાલ ઊઠીને છોકરા થાય અને તેને ભરખી જાય તો વંશવેલો રહે નહીં.

સાસુના ગભરાટનો પાર નથી. આ ડાકણનો ઈલાજ કરવો પડશે. નહીં તો ધનોત-પનોત કાઢી નાંખશે. એ તો ગઈ રાજાના મહેલે. રાજાને બધી વાત કરી : “મારા છોકરાની વહુ ડાકણ છે. મેલી વિદ્યાની જાણકાર છે. જાત-જાતનાં ચળીતર કરે છે. પહેલાં અમને, પછી પડોશીને અને પછી ધીમે ધીમે આખા રાજને અને તમનેય ભરખી જશે, માટે એને મોતને ઘાટ ઉતારો.”

રાજા સમજુ અને વિવેકી હતો. જોયા જાણ્યા વગર સત્યને પારખ્યા વગર તે કોઈ પગલું ભરવા માંગતો નહોતો. એટલે એણે ડોશીને આશ્વાસન આપ્યું : “માજી! તમે શાંતિ રાખો. આ પવિત્ર પુરૂષોત્તમ માસ્સ ચાલે છે એટલે મારાથી કોઈ જીવહત્યા થાય નહીં. આ મહિનો પૂરો થયે હું ચોક્કસ તમારી વહુનો ઈલાજ કરીશ.” આમ રાજાએ ડોશીને ધીરજ બંધાવી. રાજાના વચનથી ડોશીને હૈયે શાંતિ થઈ.

મહિનો પૂરો થયા પછી રાજાએ મોટો યજ્ઞ કર્યો. વિદ્વાન બ્રાહ્મણોને નોંતર્યા. આખું ગામ યજ્ઞનાં દર્શને આવ્યું. વહુ બોલી કે “બા હુંય આવું. યજ્ઞનાં દર્શન થાય તો જનમારો સફળ થાય.” ત્યારે સાસુ ધમકાવતાં બોલી કે “બેસ, બેસ, ડાકણ ! કાંઈ આવવું નથી, ઘેર બેસી રહે.” વહુંને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાનીમાની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી.

હવનની પૂર્ણાહુતિ સમયે યજ્ઞમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને ગેબી વાણી સંભળાઈ : “હે રાજા ! તમે બધાએ ભલે મારું વ્રત કર્યું હોય, ભલે તમે દાન-દક્ષિણા આપી હોય, મારા હોમ-હવન-પૂજા કરી હોય, પણ મારુંવ્રત સાચા ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી માત્ર આ ડોશીના છોકરાની વહુએ જ કર્યું છે. તેના ભક્તિભાવના પ્રતાપે જ મેં ડોશીની ખોવાયેલી વીંટી અને હાર તેને કથરોટમાં આપ્યા હતાં. તેની મારા પ્રત્યેની સાચી શ્રદ્ધાએ મને સંતુષ્ટ કર્યો છે અને હું તેના પર ઘણો જ પ્રસન્ન થયો છું અને તેને આશીર્વાદ આપું છું કે તેનું સદાય કલ્યાણ થશે, તેના વ્રતના પ્રતાપે તારા રાજમાં સુખ-શાંતિ રહેશે અને બધા પ્રજાજનો સમૃદ્ધ બનશે.” આમ બોલી તે ગેબી વાણી શાંત થઈ ગઈ.

રાજા યજ્ઞમાં ભાગ લેવા આવનાર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનો આ ચમત્કાર જોઈ વહુના પગમાં પડી ગયા અને તેનો જય જયકાર કરવા લાગ્યા. સાસુ તો એવી ભોંઠી પડી ગઈ કે કાપોતો લોહી ના નીકળે. જે વહુને ડાકણ માનતી હતી, તે તો દેવી નીકળી. તેણે વહુની માફી માંગી.

આખી જિંદગી સુખ-સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ.

હે પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા ભોળી વહુને ફળ્યા, એવા સહુને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

આજે સૌને જય શ્રીકૃષ્ણ

આજે સૌને જય શ્રીકૃષ્ણ, કાલે વહેલા આવજો; આજે 0

હરિગુણ ગાવા, હરિરસ પીવા, આવે તેને લાવજો; આજે 0

મનમંદિરના ખૂણે ખૂણેથી, કચરો કાઢી નાખજો; આજે 0

અખંડ પ્રેમની જ્યોતને તમે, કાયમ જલતી રાખજો; આજે 0

વ્યવહારે પૂરા જ રહીને, પરમાર્થમાં પેસજો; આજે 0

સઘળી ફરજો અદા કરીને, સત્સંગમાં બેસજો; આજે 0

હરતાં ફરતાં કામો જ કરતાં, હૈયે હરિને રાખજો; આજે 0

માન બડાઈ છેટાં મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો; આજે 0

હૈયે હૈયા ખૂબ મિલાવી, હરિનું નામ દીપાવજો; આજે 0

ભક્તિ કેરાં અમૃત પીને, બીજાને પીવડાવજો; આજે 0

સૌમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતિ બોલજો; આજે 0

‘શંકર’ની શીખ હૈયે ધરી, હરિની શૂરતા સાધજો; આજે 0

***

બોલ મેરે ભૈયા, કૃષ્ણ કનૈયા, જશોદા કે છૈયા, કૃષ્ણ કનૈયા,

નંદન કે નંદા, કૃષ્ણ કનૈયા, બલિભદ્ર ભૈયા, કૃષ્ણ કનૈયા,

બંસી બજૈયા, કૃષ્ણ કનૈયા, ગૌઆ ચરૈયા, કૃષ્ણ કનૈયા,

રાધા રટૈયા, કૃષ્ણ કનૈયા, રાસ રચૈયા, કૃષ્ણ કનૈયા,

માખણ ચુરૈયા, કૃષ્ણ કનૈયા, બંસીકો બજૈયા, કૃષ્ણ કનૈયા,

ગિરિકો ઉઠૈયા, કૃષ્ણ કનૈયા, ‘રામદાસ’ ગૈયા, કૃષ્ણ કનૈયા.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.