પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પચીસમો અધ્યાય અને ગુરુ શિષ્યની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની દસમ તો આ વદ ૧૦ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પચીસમો અધ્યાય અને ગુરુ શિષ્યની વાર્તા…..

 

અધ્યાય પચીસમો : પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ

adhik-mass

દ્રઢધન્વાએ પૂછ્યું : “હે મહામુનિ ! મને પુરૂષોત્તમ માસનો ઉદ્યાપનવિધિ બતાવો.”

ઋષિએ કહ્યું : “હે રાજન ! પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની આઠમ-નોમ અથવા ચૌદશને દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું. ત્રીસ સુપાત્ર બ્રાહ્મણોને નિમંત્રણ દેવું અને પોતાને ત્યાં અર્ધો મણ, દસ શેર, પાંચ શેર કે અ‍ઢી શેર પાંચ પ્રકારના ધાન્યનું સર્વઁતોભદ્ર નામનું ઉત્તમ મંડલ રચવું. એના પર સોનાના, રૂપાના, તાંબાના અથવા માટીના છિદ્ર વિનાના ચાર કળશ સ્થાપિત કરવા. તેના પર ફળ મૂકવાં. વસ્ત્રો પુષ્પ, ચંદન આદિથી તેની પૂજા કરવી. તેમાં પંચપલ્લવ મૂકવા અને વાસુદેવ, બળભદ્ર,પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ ચારે મૂર્તિઓનું ક્રમવાર ચારે દિશામાં સ્થાપન કરવું ને ચાર બ્રાહ્મણો પાસે જપ કરાવીને ભોજન વસ્ત્રો અને દક્ષિણા આપવી. ચારે દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરૂષોત્તમની પૂજા કરવી તથા “વાસુદેવાય સ્વાહા:” એ મંત્રથી તલનો હોમ કરવો. પૂજા કરનાર બ્રાહ્મણને તથા તેની પત્નીને પ્રસન્ન કરીને વાછરડા સહિત ગાયનું દાન આપવું. બની શકે તો ત્રીસ કાંસાના વાડકામાં ત્રીસ-ત્રીસ માલપુડા મૂકીને દાન આપવું.નોંતરેલા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. બ્રાહ્મણ પત્નીઓને વાંસના સુપડાં, હળદર, કંકુ તથા બંગડીઓ દાનમાં આપવી. તે પછી ભગવાન પુરૂષોત્તમની પ્રાર્થના કરી વ્રતની ભૂલચૂક માટે ક્ષમા માંગવી અને તે પછી ગૌ ગ્રાસ તથા શ્વાનભાગ કાઢી કુટુંબ સાથે પોતે ભોજન કરવું.

વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરવું અને પુરૂષોત્તમ ભગવાનનું વિસર્જન કરીને વ્રત પૂર્ણ કરવું. આ વ્રત અને ઉદ્યાપન જે કોઈ સ્ત્રી-પુરૂષ શ્રદ્ધાપૂર્વક કરે છે તે ઘણાં સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ” નામનો પચીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ગુરુ શિષ્યની વાર્તા

guru shishya

એક નદીના કિનારે એક સંતનો આશ્રમ હતો. સંતને એક શિષ્ય હતો. સંત ઘણા જ્ઞાની અને શિષ્ય ઘણો જિજ્ઞાસુ. પાવન પુરૂષોત્તમ માસ આવતાં ગુરૂએ વ્રતની તૈયારી કરી અને શિષ્યને પણ આ વ્રત કરવા જણાવ્યું ત્યારે શિષ્યે પૂછ્યું કે પુરૂષોત્તમ ભગવાન પ્રસન્ન થાય તો શું આપે ?

ગુરુ બોલ્યા : “હે વત્સ ! પુરૂષોત્તમ પ્રભુનો મહિમા અપાર છે. આ મહિનામાં દાન-ધ્યાન, જપ-તપ કરનારનું જીવન સફળ થઈ જાય. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ મળે, અને વ્રતના ઉજવણાના સમયે બ્રહ્મભોજન વખતે સાક્ષાત પ્રભુનાં દર્શન થાય.

શિષ્યે વિચાર કર્યો કે આટલી સહેલાઈથી પ્રભુનાં દર્શન થતાં હોય તો તો આ વ્રત કરવું જ જોઈએ. શિષ્યે તો વ્રત કર્યું. ઉજવણાના દિવસે એક સો એક બ્રાહ્મણ નોંતર્યા. લચપચતા લાડુ બનાવ્યા અને જાતે દેખરેખ રાખવા લાગ્યો. બ્રાહ્મણો જમતા હતા એ વખતે એક મેલોઘેલો દુર્ગંધ મારતો કૃશ કાયાવાળો ભિખારી ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો : “હે ભાઈ ! હું એક અઠવાડિયાથી ભૂખ્યો છું.હવે તો ચાલી પણ શકતો નથી.માટે મને થોડુંક ભોજન આપો, જેથી મારી ભૂખ સંતોષાય.” શિષ્યને તો ભિખારીના દરહણ જોઈને એવી સૂગ ચઢી કે તેને ધક્કા મારીને બહાર કાઢ્યો,પણ ભિખારી કરગરતો ત્યાં જ ઊભો રહ્યો અને ભોજન  માટે વિનવવા લાગ્યો ત્યારે ક્રોધથી આકળો બનેલો શિષ્ય લાકડી લઈને ભિખારી ઉપર તૂટી પડ્યો. ભિખારીને માર મારીને બહાર કાઢ્યો. ભિખારીના ગયા પછી હાશકારો કરતો તે પ્રભુની રાહ જોવા લાગ્યો. હમણાં પ્રભુ પ્રગટ થાય અને દર્શન કરીને જીવન સફળ કરી લઉં.

બ્રાહ્મણો જમી જમીને ઊભા થવા લાગ્યા પણ પ્રભુ ન પ્રગટ્યા. દક્ષિણા લઈને બ્રાહ્મણો વિદાય થઈ ગયા તોય પ્રભુ ન પ્રગટ્યા. ત્યારે શિષ્ય આવ્યો ગુરુ પાસે, ફરિયાદ કરી કે પ્રભુ તો આવ્યા જ નહી. ગુરુ બોલ્યા કે પ્રભુ ન આવે એવું બને જ નહીં. શિષ્યે સોગંદ ખાઈને કહ્યું કે કોઈ આવ્યું નથી. ત્યારે ગુરુએ સમાધિમાં જોયું. બધી વાત જાણી લીધી પછી શિષ્યને કહ્યું કે પ્રભુ તો આવ્યા હતા, પણ તારી આંખો એને ઓળખી ન શકી. જેને તે લાકડીઓ ફટકારી તે સ્વયં પ્રભુ હતા.

શિષ્યના ગળે વાત ન ઊતરી ત્યારે શિષ્યને ખાત્રી કરાવવા ગુરુએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને યાદ કર્યા. તત્કાળ પુરૂષોત્તમ પ્રભુ પ્રગટ થયા. પ્રભુના શરીર પર લાકડીના સોળ જોઈને શિષ્ય પ્રભુના પગમાં પડી ગયો. પ્રભુ બોલ્યા: “ હે અજ્ઞાની ! મારાં અનેક રૂપો છે અને હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાઉં તે કોઈ જાણી શકતું નથી. જે પ્રાણીમાત્ર પર દયા રાખે છે તે જ મને ઓળખી શકે છે. માટે હવે ક્યારેય કદી પણ કોઈનો અનાદર ના કરતો અને ભૂખ્યાને ભોજન કરાવજે. એ અન્ન સીધુ મને પહોંચે છે.” દયાળુ પ્રભુએ એને માફ કરીને અન્નદાનનું મહત્વ સમજાવ્યું.

પ્રભુના દર્શનથી ધન્ય થયેલા એ શિષ્યના મનનો મેલ ધોવાઈ ગયો અને તેણે જીવમાત્ર પ્રત્યે દયા રાખી આખી જિંદગી અન્નક્ષેત્ર ચલાવ્યું અને અંતે વૈકુંઠને પામ્યો.

હે પુરૂષોત્તમ નાથ તમે જેવા ગુરુ-શિષ્યને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

પીળા ઝબલાંવાળો લાલો

(ઢાળ : એક રાજાને છ-છ રાણી ઝમકુડી રે ઝમકુડી રે )

 

પીળા ઝબલાંવાળો લાલો કનૈયો દેખાય છે.

માથે મોર પીંછાવાળો કનૈયો દેખાય છે.

હાથે હેમની પહોંચીવાળૉ કનૈયો દેખાય છે.

બાંયે બાજુબંધવાળો કનૈયો દેખાય છે.

કેડે તો કંદોરાવાળો કનૈયો દેખાય છે.

કંઠે તો સોનમાળાવાળો કનૈયો દેખાય છે.

ઠુમક ઠુમક ચાલવાળો કનૈયો દેખાય છે.

ઘુઘરીયાળા વાળવાળો કનૈયો દેખાય છે.

મંદ મંદ હાસ્યવાળો કનૈયો દેખાય છે.

મોઢે માખણ-છાશવાળો કનૈયો દેખાય છે.

ખેંચતો એ ખાયણાવાળો કનૈયો દેખાય છે.

ઢોંગી સૂતો પાયવાળો કનૈયો દેખાય છે.

યશોદાના પ્રેમવાળો કનૈયો દેખાય છે.

નારાયણના રૂપવાળો કનૈયો દેખાય છે.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: