પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સત્તાવીસમો અધ્યાય અને અકળ લીલાની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની બારશ તો આ વદ ૧૨ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સત્તાવીસમો અધ્યાય અને અકળ લીલાની વાર્તા…..

 

અધ્યાય સત્તાવીસમો : મહાલોભી કદરી બ્રાહ્મણ

kadari

શ્રી નારાયણ બોલ્યા : “મુનિશ્વર વાલ્મીકિની પાસેથી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય જાણ્યા પછી રાજા દ્રઢધન્વાએ તેમને નમન કર્યું. વાલ્મીકિએ આશીર્વાદ આપ્યા. અને એ પછી તેણે વિદાય લીધી. ઘેર આવીને તેણે પોતાની સુંદર પત્ની ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું.

દ્રઢધન્વા બોલ્યો : “હે સુંદરી ! આ અસાર સંસારમાં માણસોને કોઈ જાતનું સુખ નથી. માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જવા ધારું છું. ત્યાં હું પુરૂષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યા કરીશ.”

તે સાંભળી તેની પતિવ્રતા પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને હાથ જોડી શોક સાથે કહેવા લાગી.

“હે રાજા ! હું પણ તમારી સાથે જ આવીશ. અમાપ સુખ આપનારો તો એક જ પતિ હોય છે અને નારી પતિના પડછાયારૂપ હોય છે. પતિના પગલે ચાલવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે, તો પછી કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય ?”

પત્નીની વાત સ્વીકારી લઈ રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કરી, બધી જવાબદારી તેને સોંપી, ચિંતાઓથી નિવૃત થઈ, પછી પત્ની સાથે વનમાં જતો રહ્યો. વ્રત કરવામાં સ્થિર રહી રાજા તપનો ભંડાર બની ગયો. તેની પતિવ્રતા રાણી પણ તેની સેવા કરવામાં જ તત્પર રહેતી હતી. એમ વ્રત કરતાં પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો. તેની પતિવ્રતા પત્ની પણ પુરૂષોત્તમ માસમાં તપ કરતાં પોતાના પતિની સારી રીતે સેવા કરીને ગોલોકમાં ગઈ.

શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! હું આ પુરૂષોત્તમ માસના મહિમાનું શું વર્ણન કરું ? જેણે અજાણતાં પણ (માત્ર સ્નાન કરનાર) દુષ્ટ વાંદરાને પણ  શ્રીહરિ પાસે પહોંચાડ્યો હતો. પુરૂષોત્તમ માઅનું સેવન કરે છે તેઓ કૃતાર્થ થાય છે અને તેઓનો જન્મ સફળ થાય છે.”

આથી નારદજીએ જીજ્ઞાસાથી પૂછ્યું : “હે પ્રભુ ! વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવાય છે, તો એ મૂંગા અજ્ઞાની વાંદરાએ કઈ રીતે વ્રત કર્યું ? એ વાંદરો કોણ હતો ? શું આહાર કરતો હતો ? ક્યાં જન્મ્યો હતો ? ક્યાં રહેતો હતો ? શ્રી પુરૂષોત્તમ માસમાં અજાણતાં પણ તેણે ક્યું પુણ્ય કર્યું હતું ? તે મને વિસ્તારથી કહો. હું કથામૃત સાંભળી રહ્યો છું પણ મને તૃપ્તિ થતી નથી.”

મહાલોભી બ્રાહ્મણની કથા

           શ્રી નારાયણ બોલ્યા : “કેરલ દેશમાં કદરી નામનો એક ઘણો જ લોભી અને દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ચિત્રશર્મા હતું. પણ બધા તેને કદરી કહીને બોલાવતા. દેવ પ્રીતિ માટે કે પિતૃ તૃપ્તિ માટે તેણે કદી કોઈ સારાં કર્મ કર્યા નહોતા. બ્રાહ્મણ હોવા છતાં કદી હોમ-હવન-જપ-તપ કર્યા નહોતાં. કાર્તિક માસમાં દીવાનું દાન તથા બ્રાહ્મણ ભોજન કર્યું ન હતું. માઘ મહિનામાં તલનું દાન તેણે કદી કર્યું ન હતું. એ સઘળાં દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ તેણે કદી કર્યાં ન હતાં. ધન ભેગું કરી તે જમીનમાં દાટી દેતો અને લોકો આગળ ભિક્ષામાંગી પોતાનો નિર્વાહ કરતો હતો. તેના આવા સ્વભાવથી નગરના સર્વ લોકો તેનો તિરસ્કાર કરતા હતા અને તેનું અપમાન કરી કાઢી મૂકતા. નગરનીબહાર એક બગીચામાં માળીનું કામ કરતો એક ભીલ તેનો મિત્ર હતો. એક વાર તેની પાસ્સે જઈ રડતાં રડતાં તેણે પોતાનું દુ:ખ જણાવ્યું : “હે મિત્ર ! નગરવાસીઓ મારો હંમેશા તિરસ્સ્કાર કરે છે. તેથી ત્યાં શહેરમાં હું રહી શકું તેમ નથી !”

એ કંજૂસ બ્રાહ્મણની આવી અતિ દીનવાણી સાંભળી પેલો માળી (ભીલ) દયાથી પીગળી ગયો. અને તેણે તે બ્રાહ્મણને વાડીનો વહીવટ સોંપી દીધો અને આ પોતાનો જ માણસ છે એમ સમજી વાડીની સઘળી ચિંતા છોડી દઈ રાજાને ઘેર જ રહેવા લાગ્યો.

રાજાને ઘેર પણ એ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું. જે વખતે પેલો માળી પૂછતો તે વેળા તેની આગળ તે બ્રાહ્મણ જૂઠ્ઠું બોલતો. “હું તો નગરમાં ભ્રમણ કરી ભિક્ષા માંગી ખાધા કરું છું અને બગીચાની સંભાળ રાખ્યા કરું છું.” આ સાંભળી ભીલ વિશ્વાસ રાખી ચાલ્યો જતો.

તે દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ વાડીમાંથી ફળોની ચોરી કરીને ખાતો અને બાકીનાં ફળો વેચી મારતો.આરીતે તે ચોરી કરતો અને વિશ્વાસઘાતપણું કરતો હતો અને તે જ સ્થિતિમાં તેના સત્યાશી વર્ષ વીતી ગયાં. અને તે મરણ પામ્યો. ત્યારે તેના આત્માને પસ્તાવો થયો : “મેં દુષ્ટ બુદ્ધિવાળાએ જીવનપર્યંત જીવને દુ:ખ દીધા કર્યું અને જઠરના અગ્નિને શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે પણ મેં સારા વસ્ત્રોથી પોતાનું શરીર ન ઢાંક્યું. અરે, એક વાર પણ મેં જાતને મિષ્ટાન્નથી કદી તૃપ્ત કરી નહી. દાન-પુણ્ય કર્યા નહી. ધિક્કાર છે મારી ભ્રષ્ટ બુદ્ધિને… મારો મહામૂલો મનખા અવતાર સાવ એળે ગયો.”

એમ તે પસ્તાતો વિલાપ કરી રહ્યો હતો ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા : ”હે પ્રભો આ બ્રાહ્મણ દુષ્ટ છે. તેણે વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કર્યો છે અને ફળો ચોરીને ખાધા છે. ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે. તેમજ બીજાં પણ ઘણી જાતનાં પાપો આનામાં રહ્યાં છે. આ માણસે આખી જિંદગી ઘોર પાપકર્મો જ કર્યા છે.”

આ સાંભળી યમરાજ ક્રોધથી બોલ્યા : “તેણે જે વિશ્વાસઘાત અને અપકૃત્યો કર્યાં ચે તેનું ફળ તો તેને ભોગવવાનું રહે છે. એને એક હજાર વર્ષ સુધી વાંદરાની યોનિમાં નાખો અને તે સર્વ પ્રકારે રોગીષ્ટ બનાવો.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મહાલોભી કદરી બ્રાહ્મણ” નામનો સત્તાવીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

અકળ લીલાની વાર્તા

akal lila

વેદવતી નગરમાં પુષ્પસેન રાજાનું રાજ ! રાણીનું નામ પુષ્પાવતી. રાજા-રાણી બંને ઘણા ધર્મિષ્ઠ અને દયાળુ. પ્રભુકૃપાથી પાછલી ઉંમરે બે કુંવર જન્મ્યા. રાજા રાણી સુખે પ્રભુને ભજવા લાગ્યા. કુંવર આઠ વર્ષના થયા ત્યારે એકાએક માંદા પડ્યા, એવા માંદા પડ્યા કે ન હલે ન ચલે. ન બોલે ન આંખો ખોલે. સારા સારા વૈદોએ ઈલાજ કર્યો, પણ કુંવર સાજા થતા નથી. રાજા રાણી રડી રડીને દિવસો વીતાવે છે. આખા નગરમાં શોક છવાઈ ગયો.

એક વાર માર્કન્ડમુનિ મહેલે પધાર્યા. રાજાએ ખૂબ સેવા કરી. પછી કુંવરોની માંદગી વિશે જણાવી કોઈ ઉપાય હોય તો જણાવવા કહ્યું. મુનિએ બંને કુંવરોનું કપાળ જોઈને કહ્યું કે “ હે રાજન ! જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરૂષોત્તમ વ્રત કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યા હોય, ગંગાસ્નાન અને ગૌસેવા કરી હોય, જીવનભર પતિવ્રતા ધર્મ પાળ્યો હોય એવી સ્ત્રી જો ગંગાજળની એક અંજલિ કુંવરો પર છાંટે તો તત્કાળ આ કુંવરો સાજા થાય. પ્રભુની લીલા અકળ છે. પુરૂષોત્તમ પ્રભુની કૃપા થાય તો બારણે આવેલો કાળ પાછો ફરે.”

રાજાએ તો તરત નગરમાં ઢંઢેરો પિટાવ્યો. સવા લાખ સોનામહોરનું ઈનામ જાહેર કર્યું. ઈનામની લાલચે ઘણી સ્ત્રીઓ આવી. અંજલિઓ છાંટી પણ કુંવર ઊભા ન થયા. આ ઢંઢેરો નગરમાં લાકડા વેચવા આવેલી એક ગરીબ ભીલડીએ સાંભળ્યો.તે પૂર્ણ પતિવ્રતા હતી. તે આજીવન પુરૂષોત્તમ વ્રત કરતી હતી. નિત્ય પ્રભુનું ધ્યાન-પૂજા કરતી. કાયમ વ્રત-ઉપવાસ-એકટાણાં કરતી. તરત એ મહેલે દોડી આવી. માથેથી લાકડાનો ભારો પણ ન ઉતાર્યો.

પહેરગીરને કેટલાય કાલાવાલાં કર્યા ત્યારે માંડ અંદર જવા દીધી. એના દેદાર જોઈને રાજાને વિશ્વાસ તો ન આવ્યો, પણ ડૂબતાને તણખલાનો સહારો, એમ માની હા પાડી. ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ સંકલ્પ કર્યો. પ્રભુ પુરૂષોત્તમને પ્રાર્થના કરી અને ગંગાજળ છાંટતાં જ બંને કુંવરો આળસ મરડીને ઊભા થયા અને ભીલડીના પગમાં પડી ગયા.

રાજા રાણી ગળગળા થઈ ગયા. પછી ભીલડીને સવા લાખ સોનામહોરો આપી. ભીલડીએ એ બધું ધન દાનમાં આપી દીધું. વાત નગરમાં ફેલાતાં જ સૌને પુરૂષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. સૌએ આ પવિત્ર વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભીલડીએ જીવનભર વ્રત કર્યું અને અંતકાળે કુટુંબસહિત સદેહે ગોલોકમાં ગઈ.

હે પુરૂષોત્તમ રાય ! તમે જેવા ભીલડીને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

બોલ કનૈયા બોલ, તું તો જેલમાં જન્મ્યો

બોલ કનૈયા બોલ, તું તો જેલમાં જન્મ્યો,

ના રે ના હું તો અવિનાશી પ્રગટ્યો.

બોલ કનૈયા બોલ તારા વાસુદેવ પિતા છે,

ના રે ના મારા પરમધામ પિતા છે.

બોલ કનૈયા બોલ તારી દેવકી રે માતા છે,

ના રે ના મારી ધરતી રે માતા છે.

બોલ કનૈયા બોલ તું તો મથુરાનો વાસી છે,

ના રે ના હું તો ભક્ત હૃદયવાસી છું.

બોલ કનૈયા બોલ તારું ગોકુળિયું ગામ છે,

ના રે ના એ તો મારું પરમધામ છે.

બોલ કનૈયા બોલ તારે માથે ગંગાજ્ઞાન છે,

ના રે ના મારું ગીતા રે જ્ઞાન છે.

બોલ કનૈયા બોલ તારી આંખોમાં જાદુ છે,

ના રે ના એ તો દિવ્ય રે તેજ છે.

બોલ કનૈયા બોલ તારે સોળસો નારી છે,

ના રે ના હું તો બાળબ્રહ્મચારી છું.

બોલ કનૈયા બોલ તું તો લક્ષ્મીજીનો નાથ છે,

ના રે ના હું તો નિર્ધનનો નાથ છું.

બોલ કનૈયા બોલ તને રાધા બહુ પ્યારી છે,

ના રે ના મને બંસી બહુ પ્યારી છે.

બોલ કનૈયા બોલ હવે આખરે તું કોણ છે,

પ્રભુ બોલ્યા હું તો પ્રેમ સ્વરૂપ છું.

બોલ કનૈયા બોલ હવે હું હારી,

ના રે ના તું તો મારામાં સમાણી.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: