Archive for the ‘લોકગીત’ Category

વિશ્વ માતૃભાષા દિન ૨૦૧૭….. ભાષા મારી ગુજરાતી છે…..

ફેબ્રુવારી 21, 2017

જય શ્રીકૃષ્ણ મિત્રો / વડીલો,

        આજે છે ૨૧મી ફેબ્રુઆરી. આજનો દિવસ તો ખરેખર બહુ જ રૂડો છે. કારણકે આજનો દિન વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવાય છે. અને એનો ઈતિહાસ પણ એટલો જ અનેરો છે… એ વાત છે ૧૯પ૨ની કે જ્યારે પાકિસ્તાને તેના તાબા હેઠળના પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં ઉર્દૂ ભાષાને ફરજીયાત બનાવી તેમને ઉર્દૂને માતૃભાષા તરીકે અપનાવવા ફરજ પાડી, ત્યારે તેના વિરોધમાં ત્યાંના બાંગ્લાદેશવાસીઓએ પોતાની માતૃભાષા બંગાળીના ગૌરવને જાળવવા લોક આંદોલન કર્યું. જેમાં તા.૨૧ ફેબ્રુઆરી, ૧૯પ૨ના રોજ ૪ બાંગ્લાવાસીઓ શહીદ થયા. તેની યાદમાં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આમ આ દિવસનાં પાયામાં ચાર ભાષાપ્રેમીઓની શહાદત રહેલી છે.  

        વળી આપણી માતૃભાષા ગુજરાતીની વાત કરીએ તો પણ એની સમૃદ્ધિની વાત જ ન્યારી છે, કેટ કેટલો શબ્દભંડૉળ છે એમાં, અને નીતનવાં શબ્દોથી એ સભર છે. અને આપણે ગુજરાતીઓ તો દેશના ખૂણેખૂણે ફેલાયેલા છીએ. અને તે સાથે આપણી ગુજરાતીને પણ ફેલાવીએ છીએ. કહે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને આટલું બધું ફરવા અને વસવાને કારણે ગુજરાતીમાં પણ નવા નવા શબ્દો બીજી ભાષાઓના સંપર્કમાં આવતા ઉમેરાય છે, અને માટે જ આપણા શબ્દકોષ ભગવદગોમંડલ ને આપણે વધુ સદ્ધર કરવા પ્રયાસ કરવો જોઈએ, જેથી આપણી ભાવી પેઢી માટે વધુ સારી ભાષાનો વારસો છોડી શકીએ.

        અને એક વાત મારા અનુભવે કહુ તો ભલે હું એક મેડીકલ અભ્યાસક્રમમાં છું અને જે પૂર્ણ પણે અંગ્રેજીમાં છે તેમ છતાં જ્યારે તેને સરળ રીતે અને એક ગુજરાતી લહેકા સાથે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવું છું ત્યારે તેની મજા કંઈક અનેરી જ હોય છે. જે કદાચ બીજી ભાષામાં એ અસરકારકતા આવી જ ના શકે. અને આ વાત મારા એ વિદ્યાર્થી મિત્રોએ જ મને કરી છે.

        તો આજના આ અવસરે ચાલો માણીએ આ રચના જે આપણી ગુજરાતી ભાષાના ગૌરવને વર્ણવે છે. તથા આ ગીતને વિડીયો સ્વરૂપે સાંભળવા માટે નીચે જુઓ.  અને આપ પણ આપના અમૂલ્ય  પ્રતિભાવો આપશો ને…      

images

માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે.

એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી એ,

ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

હાં મીઠા બોલા ગુજરાતી અમે, થોડામાં કહી દઈએ ઘણું,

ભૂલચૂક છે લેવી દેવી, ભૂલું ત્યાંથી ફરી ગણું,

અરે આવે કોઈ તો આવો કહીએ,  આવો, આવો આવો…

આવજો જ્યારે થાય વિદાય,

નામની પાછળ ભાઈ ને બહેન, માન દઈને બોલાવાય…

સંબોધનમાં સ્નેહ છલકતો, હેતભર્યું હરખાતી એ,

આપણા ગાંધીબાપુની ભાષા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે…

અ લે લે કાં ફાય્ટા નંઈ કાંય ? મગ ભર્યા છે મુંઢામાંય ?

મું પુસું અલ્યા ચ્યોંના દિયોર ? ચ્યોંથી આયા ને ચ્યોં હેંડ્યાં ?

ના હમજો ટો હુરટીમાં કેહું… હહરીના ટમે છો કંઈના ?

અચો અચો અપા કચ્છી માડુ… મીઠા માડુ…

રંગ ગજબ છે બોલીના,

બાર ગાઉએ બોલી બદલે..રૂપ અનોખા ધરતી એ,

કોને પડે એના કાળજા માથે, કામણ રૂડા કરતી એ,

હરખઘેલા ગુજરાતીના, હૈયામાં હરખાતી એ,

મીઠડા માડુ મીઠડી ભાષા, મધમીઠુ મલકાતી એ,

અષાઢી ધન ગરજે કદી.. હાં … ઝીણું ઝીણું ઝરમરતી એ,

ગરવા આ ગુજરાતની ભાષા, ભાષા મારી ગુજરાતી છે.

ભાષા મારી ગુજરાતી છે….

ભાષા મારી ગુજરાતી છે….

Advertisements

રામદેવપીર નવરાત્રિ…રમો રમો રામદેવ…..

ઓગસ્ટ 30, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે તો ભાદરવા સુદ દશમ.આજે રામદેવ પીરની નવરાત્રિની પૂર્ણાહુતિ અને આજે છે રામદેવપીરનો મેળો. માફ કરજો કે અભ્યાસમાં અને એનેટોમી ડિપાર્ટમેન્ટમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાના હોવાથી અત્યંત વ્યસ્ત રહેવાથી આજે છેલ્લા દિવસે રામદેવપીરનું એક ભજન રજું કરું છું આશા છે કે આપ સર્વેને તે ગમશે. વળી રમઝાન માસ પણ શર થઈ ગયો છે અને આપણા દુંદાળા દેવ ગણપતિ પણ હવે વિદાય લેવાના છે તો ગણપતિ બાપા મોરિયા…!!! આ ગીતને સાંભળીને શબ્દો લખેલ છે જેથી તેમાં ભૂલ હોય તો આ ગીતને સુલભગુર્જરી પર સાંભળી મને જાણ કરવા વિનંતી છે.. ગત વર્ષે રજુ કરેલ રામદેવપીરનો હેલો અને ખમ્મા મારા હિંદવાપીરને પણ ફરી જરૂર માણશો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ… 

 

ramapir

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

પ્રગટ્યો રે સુરજ, કરુણા કીધી,

ગાયું ના દુખડા આર્યાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે વાણિયાની બેડલી બૂડવા ને લાગી,

ત્યારે અલખધણીને સંભાર્યાજી(?),

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે અગમદેવના વાજા રે વાગ્યા,

ત્યારે સમદરમાંથી ચાલ્યા જી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે સોનલા ચાકડી ને રૂપલાની પાવડી,

રૂમઝુમ રૂમઝુમ આવ્યા જી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 


નવા શબ્દો સાથે આ ગીતને ૧૦/૦૯/૨૦૧૬ નાં રોજ ફરી અપડેટ કરેલ છે.

રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે વાણિયે વાણ હંકારીયા જી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

એબ ગેબના વાગે નગારા મારેકાને મંજીરા સુનાયાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

સોનાની પાવડીને રુપાની બાવડી રૂમઝુમ કરતા આવ્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી ત્યારે હિંદવાપીરને સમર્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

હરી ચરણે ભાટી હરજી બોલ્યા તારા બાનાની પત રાખોજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

અક્ષયતૃતિયા…હાલો ને કીડીભાઈની જાનમાં…..

એપ્રિલ 27, 2009

અક્ષયતૃતિયા હાલો ને કીડીભાઈની જાનમાં…..

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ.અક્ષયતૃતિયા. તો ચાલો આ અક્ષયતૃતીયા વિશે પણ થોડું જાણીએ.અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નામકરણમાં બે શબ્દો છે, અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય નથી થતો અને તૃતીયા એ તિથિ ક્રમ છે. અક્ષય એટલે જે વસ્તુ કે અવસ્થાનો કયારેય નાશ- ક્ષય ન થઇ શકે તે અવસ્થા. ક્ષય તેનો નથી થતો જે સર્વદા સત્ય છે. હિંદુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઇશ્વરીય તિથિ- સ્વયંસિદ્ધિ અભિજિત મુહૂર્ત છે. જે દિવસે તમામ માંગલિક કાર્યોમુહૂર્ત જોયાં સિવાય થઇ શકે છે.અક્ષય તૃતીયા એટલે જે દિવસે કરવામાં આવેલ દાન-પુણ્ય-ધાર્મિક કાર્યો-સત્કાર્યોનાં પુણ્યનો કયારેય ક્ષય ન થાય તેવી તિથિ.અતિથિ સત્યયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી રોહિણી નક્ષત્રમાં શિવની પૂજા કરી જળના ઘડાનું દાન કરનાર શિવલોકમાં પૂજાય છે.

                વિષ્ણુ ધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આજે વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતરણના આ દિવસે ભગવાન વિષ્ણુને ઉત્તમ સાથવો ધરાવી, અક્ષતનો હોમ કરી બ્રાહ્મણો-ભૂદેવોને ઉત્તમ સાથવો તથા પકવાન દાન કરવાથી સર્વતૃતીયાનું ફળ પ્રાપ્ત થાય છે.

                અક્ષય તૃતીયાના પર્વ કાળે ઉનાળો તેના યૌવન પર હોવાથી આ પર્વે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેના દાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. જગતનો તાત ખેડૂત પણ તેનું કામ-ખેતીકામ આજના દિવસથી શરૂ કરતા હોવાથી તરસ્યા લોકો અને તરસી ધરતી માટે અતિ આવશ્યક જળ હોવાથી માનવીને માટે પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણી માટે હવાડા બનાવવા પણ પુણ્યનું કાર્ય મનાય છે.

                દેવાધિદેવ મહાદેવજીના પ્રિય ગોરખનાથજીનું કથન પણ છે જ કે સાધક જુનો હોય કે નવો, અનુભવી હોય કે બિનઅનુભવી કે પછી ઉચ્ચારણ માં પણ નવો સવો હોય અર્થાત્ સાધકનું ઉચ્ચારણ પણ પૂરેપૂરું શુદ્ધ ન હોય તો પણ તેને અક્ષય તૃતીયાના દિવસે કરેલ પૂજનનું શુભફળ અવશ્ય મળે છે.

                ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કòપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જે શ્રદ્ધાળુ ભાવિકને ત્યાં લક્ષ્મી ટકતી ન હોય સ્થિર ન રહેતી હોય તેમણે લક્ષ્મી પ્રાપ્ત કરવા તથા લક્ષ્મીની ચંચળતા સદાકાળ માટે સ્થિર કરવા તથા દુ:ખ દરિદ્ર દૂર કરવા અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ પ્રકૃતિના વરદાન એકાંક્ષી નાળિયેરનું વિધિવત્ સ્થાપન કરી અર્થાત્ ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર (આસન) બિછાવી સ્નાન-આદિ વિધિ પશ્ચાત્ અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરી આસન પર એકાંક્ષી નાળિયેર સ્થાપિત કરી તેના પર ચંદન-કંકુ પધરાવી, એકાંક્ષી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અગર પીળા રેશમી વસ્ત્ર પર મંત્ર લખી ગંગાજળ-પુષ્પ-અક્ષત તથા નૈવેધ મૂકવાં. મંત્ર લેખન પહેલાં દીપ-ધૂપ અવશ્ય લખી પ્રગટાવવાં તેમજ મંત્રની ત્રણ માળા કરી મંત્ર જાપ કરવાં…આ મુજબની પૂજનવિધિ પછીના બીજા દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઇ એકાંક્ષી નાળિયેર પર ૧૨૦ ગુલાબનાં ફૂલો ચઢાવવાથી આ એકાંક્ષી નાળિયેર સિદ્ધ થયું ગણાય છે. આ સિદ્ધ એકાંક્ષી નાળિયેરને નિત્ય પૂજા સ્થાને સ્થાપિત કરવું જેનું નિત્ય પૂજન કરનાર સર્વે સાધકોને લક્ષ્મી પ્રાપ્તિ-સ્થિરતા-સુખાકારી-સમૃદ્ધિમાં વધારો થવાના અનુભવે આનંદની પ્રાપ્તિ થાય છે. અલબત્ત લક્ષ્મી પ્રાપ્તિ માટે દીપાવલીના સમયે લક્ષ્મીપૂજનની પરંપરા જે ચાલી આવે છે તે તો યોગ્ય-ઉચિત જ છે પરંતુ લક્ષ્મીને સ્થિર કરવા માટે સદાકાળ માટે સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.

                વળી અક્ષય તૃતીયાનો દિવસ ભારતભૂમિમાં વિવિધરૂપોએ ઉજવાય છે તો ચાલો એ વિશે પણ જાણકારી મેળવીએ.આજનો દિન સર્વત્ર પરશુરામ જયંતીના પર્વ મહોત્સવ રૂપે ભવ્ય યાત્રા સાથે ધામધૂમથી ભારે દબદબાપૂર્વક ઊજવાય છે.અને ચારધામના ઉલ્લેખનીય ધામમાં ભગવાન બદ્રીનારાયણનાં દર્શનનો માર્ગ આજે ખૂલતાની સાથે જ અક્ષય તૃતીયાએ બદ્રીનાથમાં દર્શનાર્થી ભકતોનો માનવ મહેરામણ છલકાય છે.આજે અહીં ભાવિકો શ્રદ્ધા-ભાવપૂર્વક ગંગાજળમાં સ્નાન કરી પુણ્યકાર્ય કરી કૃતાર્થ બનતાં હોવાથી અહીં બદ્રીનાથ વિસ્તારમાં આ તિથિ બદ્રીનારાયણ દર્શન તિથિ તરીકે મનાવાય છે. વર્ષમાં એક જ વાર થતાં શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયના દિવસે જ થતાં હોવાથી આ દિવસે રાષ્ટ્રભરમાંથી ભાવિકો શ્રી વિહારીજીનાં ચરણ દર્શનાર્થે વૃંદાવન પધારે છે.

                અયોઘ્યામાં આજે શ્રી ઠાકુરજીની વિશેષ અર્ચના થાય છે. વ્રજમાં આજે સ્ત્રીઓ વૈશાખસ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવી તે ગ્રહણ કરાય છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિન્દ ચંદન ચર્ચિત વિગ્રહનાં નિરાવરણ દર્શન પણ ફકત આજના દિવસે જ થાય છે.

યાત્રાધામ જગન્નાથપુરીમાં અષાઢી રથયાત્રા માટેના રથોના નિર્માણનું કાર્ય પણ આજથી જ પ્રારંભ થાય છે. ખેડૂતો દ્વારા ખેતરમાં બીજ રોપવાનો પ્રારંભ થાય છે. આજે અહીં ભવ્ય ચંદનયાત્રાનું પણ આયોજન થાય છે. બુદેલખંડમાં આજનું પર્વ પૌત્ર-પૌત્રઓનું પૂજન કરી સંપન્ન થાય છે, જે બાલિકાઓને અપરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે.

                આજે મહારાષ્ટ્રમાં ત્યાં ચાલતો હલ્દીરોરીનામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરદસ્તીથી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉરચારણ કરવા ફરજ પડાય છે.સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉરચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવાય છે, જેને ત્યાં ઉખાણા તરીકે ઓળખાય છે.

                ગુજરાતમાં આજે ઘટ, વસ્ત્ર, પંખા તથા અન્ન દ્રવ્ય આદિનું દાન કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ પીવાનાં પાણીની પરબ પણ શરૂ થાય છે. આજે શ્રીનાથજીમાં ભગવાનને વિશેષ કરીને મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીનાં આભરણ ધરાવાય છે અને કીર્તન પણ ગવાય છે. રાજસ્થાનમાં એવી માન્યતા પ્રચલિત છે તે મુજબ આજના દિવસે કરેલાં લગ્ન ખંડિત નથી થતાં તેથી હજારોની સંખ્યામાં બાળ-લગ્ન પણ થાય છે.

                આજનો દિન એટલે તો કોઈ પણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત.અને આજે તો કહે છે કે સુવર્ણ ખરીદવા માટેનો સોનેરો દિવસ પણ અને ઘણા લોકો આજે કોઈ ચીજ-વસ્તું કે આભૂષણોની ખરીદી કરશે.પણ ચાલો આજે એક વધું સંકલ્પ કરીએ કે આજથી આપણે એક વધું સારો માણસ બનવા પ્રયત્ન કરીશુ.આડોશ-પડોશ,સગા સંબંધી કે સહકર્મીઓને બને તેટલા ઓછા નડતરરૂપ થઈશું,અને હંમેશા સત્કાર્ય કરવાની કોશિશ કરીશુ.વળી આજના દિવસે તો સદીયોથી કેટલાય લોકો લગ્નગ્રંથિથી જોડાયા હશે અથવા તો આજે જોડાવવાનાં પણ હશે.તો આવા શુભપ્રસંગે એક લગ્નગીત માણીએ તો કેવું ? પણ પછી આવા સારા પ્રસંગમાં આપણા નાના ભૂલકાઓને કેમ કરી ભૂલી જવાય વળી અત્યારે તો તેમનું વેકેશન પણ છે.તો આજે નાના-મોટાં સૌને ગમતું એક લોકગીત અહીં રજું કરું છું.પણ જ્યાં સુધી મને યાદ છે હજી આમાં છેલ્લે એક પંક્તિ ખૂટે છે જે મારી પાસેના ગીતમાં નથી પણ જેમાં કંઈક એવું આવે છે કે ચતુર કરો રે વિચાર‘… અને આ પંક્તિ પરથી આ બાળગીત જેવું લોકગીત એક આધ્યાત્મ તરફ અને જીવનનાં અકળ સત્ય તરફ લઈ જાય છે.તો આપ સર્વે મિત્રો/વડીલોને વિનંતી છે કે આપને જો આ પંક્તિની જાણ હોય તો મહેરબાની કરીને મને જણાવશો.વળી આ ગીતને સુર સાથે માણવાની મજા પણ કંઈક ઓર જ છે,જે માટે સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશોને…..

 

 akshay-trutiya

 

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઘોડલે બાંધ્યો રૂડો માંડવો રે,

ખજુરો પીરસે ખારેક,

ઉંદરડે ગાયા રૂડા ગીતડાં,

હે…પોપટ પીરસે પકવાન,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

મકોડાને મોકલ્યો માળવે રે,

લેવા માળવિયો ગોળ,

મકોડો કેડેથી પાતળો,

હે…ગોળ ઉપડ્યો ના જાય,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

મીનીબાઈને મોકલ્યાં ગામમાં રે,

એવા નોતરવાં ગામ,

સામે મળ્યા બે કૂતરાં,

હે..બિલાડીનાં કરડ્યાં બે કાન,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઘોડે રે બાંધ્યા પગે ઘૂઘરાં રે,

હાથીએ બાંધી છે કટાર,

ઊંટે બાંધ્યા ગળે ઢોલકાં,

હે…ગધેડો ફૂંકે શરણાઈ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઉંદરમામા હાલ્યા એ રિસામણે રે,

બેઠા દરિયાને બેટ,

દેડકો બેઠો ડગમગે,

હે…મને કપડા પહેરાવ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

વાંસડે ચડ્યો એક વાંદરો રે,

જુએ જાનુની વાટ,

આજે તો જાન ને લૂંટવી,

હે…લેવા સર્વેના પ્રાણ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

હનુમાન જયંતિ…બોલો રામ રામ રામ…..

એપ્રિલ 9, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ચૈત્ર સુદ પુનમ.આજે છે હનુમાન જયંતિ.હમણાં જ રામનવમી ગઈ અને હવે આવ્યો મહાબલી હનુમાનનો જન્મદિવસ.અને હનુમાનજી તો શ્રીરામના અનન્ય ભક્ત હતા અને તેમણે તો છાતી ચીરીને પ્રભુના દર્શન તેમના અંતરમાં કરાવ્યા હતા. અને આ વાતને જો મેડિકલ સાયન્સ પ્રમાણે કહું તો ઓપન હાર્ટ સર્જરી Open Heart surgery ના પ્રણેતા તેઓને કહી શકાય કદાચ તેમના પરથી પ્રેરાઈને જ આવી શસ્ત્રક્રિયા શક્ય બની.તો ચાલો પહેલા તેમની જન્મજયંતિ પર શ્રી હનુમાનજીની પૂજાવિધી પણ જાણી લઈએ.

                વ્રતની પૂર્વ રાત્રિએ બ્રહ્મચર્યપાલનપૂર્વક પૃથ્વી પર શયન કરવું. પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને શ્રીરામ તેમજ જાનકીજી તથા હનુમાનજીનું સ્મરણ કરી નિત્યક્રિયામાંથી નિવૃત્ત થઈ સ્નાન કરવું. હનુમાનજીની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરી સવિધિ ષોડશોપચાર પૂજન ૐ હનુમંતે નમઃ મંત્રથી કરવું. આ દિવસે વાલ્મીકિય રામાયણ અથવા તુલસીકૃત શ્રીરામચરિત માનસના સુંદરકાણ્ડનો કે શ્રી હનુમાન ચાલીસાનો અખંડ પાઠ કરવો જોઈએ. હનુમાનજીનાં ગુણગાન, ભજન અને કીર્તન કરવાં જોઈએ. શ્રી હનુમાનજીની મૂર્તિ ને સિન્દૂરથી શૃંગાર કરવો જોઈએ. નૈવેદ્યમાં ગોળ, પલાળેલા ચણા યા શેકેલા ચણા તથા બેસનનો લાડુ મૂકવો જોઈએ.

                તો ચાલો આજે માણીએ હનુમાનજીનું આ એક લોકગીત જેમાં તેમની લંકાયાત્રાનું પણ વર્ણન કરેલ છે.અને હા મિત્રો આ ગીતને સુર સાથે સુલભગુર્જરી માં જરૂર માણજો.અને આ ગીત સાંભળીને લખેલ છે તો જો તેમાં કોઈ ભૂલ કે ક્ષતિ હોય તો તે પણ જણાવશો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો.

 

hanuman1 

 

ઉડધી ઉલંગે ઉડ્યો,હે હાકલ મારીને હનુમાન,

હે રુદિયામાં તો રામને રાખ્યાં,સમર્યાં સીતા રામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ….(૨)

 

અંગદ સુગ્રીવ નલ નીલ ને અગણિત યોદ્ધા નાવ,

હે વાનરસેના એ વસમી વેળાએ કર્યા પ્રભુનાં કામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ… (૨)

 

 

કપૂર તરે તો પીચર(?) લીધો,લખ્યું રામનું નામ,

પથ્થર તર્યાં ને પાંજ બાંધી,કીધા પ્રભુને પ્રણામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ… (૨)

 

પવનપુત્ર એ પગલાં પાડ્યાં,હો ગજાવ્યું લંકા ગામ,

દરિયા માથે દોટ દીધી તી,કીધા જ ઈશ્વર કામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ… (૨)

 

શ્રી હરિનંદન કામ જ કીધું, નથ આવ્યા નિજ ધામ,

સદા સમીપમ દર્દ પીધાં દશરથનંદન રામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ… (૨)

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

વળી ગઈ હનુમાન જયંતિ પર ભાવાર્થ સાથે મુકેલ  શ્રી હનુમાન ચાલીસા….તુલસીદાસ અને સાથે સાથે હમણાં જ રજું થયેલ  હનુમાનજીનું હાલરડું…..રમેશ પટેલ ‘આકાશદીપનીપણ જરૂર મુલાકાત લેજો.

રામનવમી…રામ રમે સોગઠે રે…..

એપ્રિલ 3, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે આમ તો ચૈત્ર સુદ આઠમ છે પણ નોમનો ક્ષય હોવાથી બપોર બાદ નોમ ગણવામાં આવે છે.તો આજે છે ચૈત્રી નવરાત્રીનું છેલ્લું નોરતું અને વળી હવે બપોર થઈ ગઈ હોવાથી આજે રામનવમી પણ છે.રામનવમી એ સમગ્ર જગતને માટે એક સૌભાગ્યનો દિવસ છે કેમકે અખિલ વિશ્વપતિ સચ્ચિદાનંદધન શ્રી ભગવાન આ દિવસે રાવણના અત્યાચારથી પીડાતી પૃથ્વીને સુખી કરવા અને સનાતન ધર્મની મર્યાદાની સ્થાપના કરવા માટે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામના રૂપમાં પ્રકટ થયા હતા. અગસ્ત્થ સંહિતા અનુસાર ચૈત્ર સુદ નોમના દિવસે પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્યાન્ય પાંચ ગ્રહોની શુભ દૃષ્ટિની સાથે મેષ રાશિ પર બિરાજમાન હતો ત્યારે સાક્ષાત ભગવાન શ્રીરામનો માતા કૌશલ્યાના ગર્ભથી જન્મ થયો હતો.

શ્રી રામ અખિલ વિશ્વના એક પ્રાણારામ છે. સર્વવ્યાપી નારાયણ સૌના છે, સર્વમાં છે, સૌની સાથે સદા સંયુક્ત છે અને સર્વમય છે. જે પણ કોઈ જીવ તેમની આદર્શ મર્યાદા – લીલા, તેમના પુણ્ય ચરિત્રનું શ્રદ્ધપૂર્વક ગાન, શ્રવણ અને અનુકરણ કરે છે, તે પવિત્ર હૃદય બનીને પરમ સુખને પ્રાપ્ત કરી શકે છે. શ્રીરામ સમાન આદર્શ પુરુષ, આદર્શ ધર્માત્મા, આદર્શ નરપતિ, આદર્શ મિત્ર, આદર્શ ભાઈ, આદર્શ પુત્ર, આદર્શ ગુરુ, આદર્શ શિષ્ય, આદર્શ પતિ, આદર્શ સ્વામી, આદર્શ સેવક, આદર્શ વીર, આદર્શ દયાળુ, આદર્શ શરણાગત, વત્સલ, આદર્શ તપસ્વી, આદર્શ સત્યવાદી, આદર્શ દૃઢપ્રતિજ્ઞા તથા આદર્શ સંયમી હતા. જગતના ઈતિહાસમાં શ્રીરામની તુલનામાં એક શ્રીરામ જ છે. સાક્ષાત્ પરમપુરૂષ પરમાત્મા હોવા છતાં પણ શ્રીરામે જીવોને સત્યપથ પર આરૂઢ કરાવવા માટે એવી તો આદર્શ લીલાઓ કરી કે જેનું અનુકરણ સઘળા લોકો સુખપૂર્વક કરી શકે છે. શ્રીરામનો જન્મ દિવસ ચૈત્ર સુદ નોમ છે. સૌ શ્રીરામને સાક્ષાત્ ભગવાન અને પોતાના આદર્શ પૂર્વ પુરુષના રૂપમાં અવતરિત થયેલ માને છે. તો ચાલો આ રામનવમીના વ્રતની વિધી પણ જાણી લઈએ.

ચૈત્ર સુદ નોમને દિવસે શ્રી રામનવમીનું વ્રત હોય છે. આ વ્રત મધ્યાહ્ન વ્યાપિની દશમી વિદ્યા નવમીએ કરવું જોઈએ. અગસ્ત્ય સંહિતામાં કહ્યું છે કે જો ચૈત્ર સુદ નોમે પુનર્વસુ નક્ષત્ર યુક્ત હોય અને તે મધ્યાહ્નના સમયે તે રહે તો તે મહાન પુણ્યદાયિની હોય છે. પુનર્વસુ નક્ષત્રથી યુક્ત નોમની તિથિ સઘળી કામનાઓને પૂર્ણ કરનારી છે. અષ્ટમીવિદ્યા નોમ વિષ્ણુ ભક્તોએ છોડી દેવી જોઈએ. આ નોમના દિવસે વ્રત તથા દશમના દિવસે પારણાં કરવા જોઈએ. જે રામનવમીનું વ્રત કરે છે તેનાં અનેક જન્મોનાં પાપોનો નાશ થઈ જાય છે અને તેને ભગવાન વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય છે. શ્રીરામનવમીના વ્રતથી ભક્તિ અને મુક્તિ એ બંનેની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

          શ્રીરામનવમીના દિવસે પ્રાતઃ કાળે નિત્યકર્મમાંથી પરવારી પોતાના ઘરના ઉત્તર ભાગમાં એક સુંદર મંડપ બનાવી લેવો. મંડપના પૂર્વ દ્વાર પર શંખ, ચક્ર તથા શ્રી હનુમાનજીની સ્થાપના કરવી. દક્ષિણ દ્વાર પર બાણ, ધનુષબાણ તથા શ્રી ગરુડજીની, પશ્ચિમ દ્વાર પર ગદા, ખડગ અને શ્રી અંગદજીની અને ઉત્તર દ્વાર પર પદ્મ, સ્વસ્તિક અને શ્રી નીલજીની સ્થાપના કરવી. વચમાં ચાર હાથ વિસ્તારની વેદિકા હોવી જોઈએ, જેમાં સુંદર તોરણ બાંધેલું હોવું જોઈએ. આ પ્રકારની તૈયારી કરી મંડપની મધ્યે ભગવાન શ્રી સીતારામને સ્થાપિત કરી વિવિધ ઉપચારોપૂર્વક યથાવિધિ પૂજન કરવું. તે પછી નીચે આપેલા મંત્રથી ભગવાનની આરતી કરવી જોઈએ.

મંગલાર્થ મહીપાલ નીરાજનમિદં હરે I

સંગૃહાણ જગન્નાથ રામચન્દ્ર નમોડસ્તુતે II

અર્થાત્ હે  પૃથિવીપાલક ભગવાન શ્રી રામચન્દ્ર આપના સર્વવિધ મંગળને માટે આ આરતી છે. હે જગન્નાથ ! તેનો આપ સ્વીકાર કરો. આપને પ્રણામ છે.

ઉપરોક્ત શ્લોકના રટણ સાથે કોઈ શુદ્ધ પાત્રમાં કપૂર તથા ઘીની દીવેટોથી ભગવાન શ્રી સીતારામજીની આરતી ઉતારવી જોઈએ. અંજલિમાં પુષ્પ લઈને આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. દેવોના દેવ, શાર્ડુ, ધનુર્ધર, ચિન્મયા, અનંત રૃપ ધારણ કરનારા, સીતાપતિ ભગવાન શ્રી રઘુનાથજીને વારંવાર પ્રણામ છે. મંદિરોમાં પણ ભગવાનને પંચામૃતસ્નાન, યથાવિધિ પૂજન તથા પંચાજીરી અને ફળોનો ભોગ ધરાવી મધ્યાહ્ન  કાળમાં (બાર વાગે) વિશેષ આરતી અને પુષ્પાંજલિ વગેરે કરવાની એક પરંપરા છે.

વ્રતાર્કઅનુસાર રામનવમીનો દિવસ સાંસ્કૃતિક પાવનતાનો એકચ્છત્ર રામરાજ્યનો દિવસ છે. શ્રીરામ વિશ્વમૂર્તિ  છે, જ્ઞાનગમ્ય છે, સર્વાત્મા છે. તેમના જીવનનો એક જ જીવનમંત્ર હતો – ભૂમા વૈ સુખં નાલ્યે સુખમસ્તિ I અર્થાત્ બધાની સાથે ચાલવામાં જ સાચું સુખ છે, અલ્પમાં નથી. શ્રી રામનવમી આપણને એ સાંસ્કૃતિક સંદેશ  આપે છે. પોતાને શુદ્ધ કરો, જ્ઞાનની સીમાનો વિસ્તાર કરો, આત્માની સાથે જ વિશ્વાત્માને ઓળખો તથા સદ્ભાવ, સમભાવ અને સહજ ભાવે પોતાના જીવનને સફળ અને સાર્થક બનાવો. રામની ભક્તિમાં લીન થઈને રામ બની જાઓ. શ્રી રામાર્પણ મસ્તુસ્વયં આનંદિત રહીને બીજાઓને આનંદિત કરવા એ જ રામનું સાચું રામત્વ છે.

તો ચાલો આ શુભદિને આ સંકલ્પ કરીએ અને આજે માણીએ ભગવાન શ્રી રામની જીવનગાથા ગાતું એક સુંદર લોકગીત.અને આ લોકગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે. આ માહિતી માટે સંદેશનો આભાર.

 ram-sita1

 

 

હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હે પહેલી બાજી રમિયા રામ અવધપુરીમાં જઈ,

તિલક તાણીયાં રે,તિલક તાણીયાં રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હે બીજી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈ,

ધનુષ તોડીયા રે, ધનુષ તોડીયાં રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હો ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈ,

વાલી માર્યો રે,વાલી માર્યો રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હે ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈ,

રાવણ માર્યો રે,રાવણ માર્યો રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

મહા શિવરાત્રી…હેમાડે હાલી ઓલી જાડેરી જાન……

ફેબ્રુવારી 23, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.અને તેમા પણ આજે છે સોમવાર એટલે ભૉળા શંભુનો જ દિવસ. એટલે તો બહુ જ ખાસ દિન બની જાય છે આજ.આપણા ભારતવર્ષમાં ૩૩ કરોડ દેવી દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ ભગવાન શંકરને તો ભોળાનાથ કહે છે કારણકે તેઓ સહેજ ભક્તિભાવ,પૂજાઅર્ચનાથી પણ પ્રસન્ન થઈ જાય છે.આવા ભોળાનાથને યાદ કરીને ૐ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી આજે તો દરેક શિવાલય ગૂંજી ઉઠશે.અને તેમાં પણ ગીરનારની તળેટીમાં થતો ભવનાથનો મેળો તો જગ આખામાં પ્રખ્યાત છે.વળી આ ઉપરાંત સોમનાથમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે અને મહારાષ્ટ્રના નાગેશ્વર ઉપરાંત ગુજરાતમાં દ્વારકા પાસે આવેલ નાગેશ્વર પણ દ્વાદશ જ્યોતિર્લિંગમાં ગણવામાં આવે છે.

પણ અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે તો શિવ પાર્વતીના લગ્ન સાથે સંકળાયેલ ત્ર્યંબકેશ્વરની વાત કરવી છે જેનો ફોટો અહીં નીચે છે.તો કહે છે કે લગ્ન સમયે આમંત્રિત દેવોમાં પરમપિતા બ્રહ્માનું પણ વિશેષ સ્થાન હતું.સતી પાર્વતીના અપ્રતિમ સૌંદર્યને જોઈને ખુદ બ્રહ્માજીના મનમાં પણ મોહ વ્યાપ્યો હતો.આ જોઈને ભગવાન સદાશિવે બ્રહ્માજીને ગંગા નદીનું જળ આપી સ્નાન કરી શુદ્ધ થવા જણાવ્યું.અને બ્રહ્મદેવે તેમ કરી આત્મશુદ્ધિ મેળવી.તેથી જ અહીં જ્યોતિર્લિંગથી માંડી ગર્ભગૃહ સુધી પવિત્ર પાણી આખા વર્ષ દરમિયાન વહેતું રહે છે.તો આવી લગ્નની વાત થઈ છે તો ચાલો આજે શિવરાત્રી પર તેમના લગ્નપ્રસંગનું એક લોકગીત આપ સર્વેને સંભળાવું.તો માણૉ આ રચના અને આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.અને આ રચનાને સુર સાથે માણવી ખુબ જ ગમશે અને તે માટે સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત લેજો.

 

 tryambakeshvar

shiv-parvati

 

હેમાડે હાલી ઓલી જાડેરી જાન,જાડેરી જાન,

પરણૅ પારવતી ને શંકર ભગવાન,ભોળા ભગવાન,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે દેવોનો ડાયરો ને જોગીની જમાત,

જાનમાં આવ્યાં છે ભૂત કેરી નાથ,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે ઉતારો આપ્યો એને મહાણની માથ,

ચોળી ભભૂતિ ભોળે સજ્યો શણગાર,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે વાગ્યા છે ઢોલ અને વાગી શરણાઈ,

ચીબરી બાઈ રુડાં ગીતડા રે ગાય,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે માંડવે ઊભો વર પોંખવાને જાન,

ભડકી ને ભાગ્યા સાસુ જોતા જમાત,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હે ઘનશ્યામ કહે મંગળ, વરતાણા જાય

તેથી પરણ્યા શિવ પાર્વતી નાથ,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

 

હેમાડે હાલી ઓલી જાડેરી જાન,જાડેરી જાન,

પરણૅ પારવતી ને શંકર ભગવાન,ભોળા ભગવાન,

હાલો હેમાડે જાઈ હાલો રે હેમાડે…(૨)

વિશ્વ માતૃભાષા દિન…મળે સુર જો મારો તારો…..

ફેબ્રુવારી 21, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી ફેબ્રુઆરી.આજે છે વિશ્વ માતૃભાષા દિન.સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો દ્વારા આ દિનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.દરેક ભાષાની સાથે એક આખો સમાજ,એક આખી અનોખી સંસ્કૃતિ તો ધબકતી હોય છે.આ ઉપરાંત એક અજોડ માનવવિશ્વ-અનુભવવિશ્વ પણ અસ્તિત્વ ધરાવતું હોય છે.અરે આપણા ગુજરાતમાં પણ જોઈલોને આમ તો ગુજરાતી જ પણ છતા પણ જુદા જુદા જિલ્લા પ્રમાણૅ ભાષા પણ બદલાય અને તેનો લહેકો પણ.જેમકે અમદાવાદની હોય કે પછી મહેસાણા કે સુરતી કે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષા.

આજે આ દિન નિમિત્તે યુનેસ્કોએ લુપ્ત થવાનો ભય છે તેવી ભાષાઓની યાદી તૈયાર કરી છે જેમાં સૌથી વધુ ૧૯૬ ભારતીય ભાષાઓ લુપ્ત થવાના આરે હોઈ પ્રથમ ક્રમે છે.આ માટૅ આપણૅ આપણી સંસ્કૃતિ ભાષાનું જતન કરવું જોઈએ અને આજકાલ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાની જાણે ઘેલછા લાગી છે.હું એ નથી કહેતો કે સમાજમાં સ્પર્ધાના આ યુગમાં આપણૂં સંતાન પાછળ રહી જાય પણ એ પોતાની માતૃભાષાથી પણ આ મા ના પ્રેમથી વંચિત રહી જાય એ કેમ ચાલે.કમ સે કમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં હોવું જ જોઈએ.

ચલો એક વાત જ લઈ લો ને આપણી ગુજરાતી ભાષામાં કૌટુંબિક સંબંધોનું એક અનોખું માળખું છે.મમીની બેન માસી, અને પપ્પાની બેન તે ફોઈ, કાકાની પત્ની તે કાકી, અને મામાની વહું મામી.હવે આ ચારેય સંબંધો કેટલા જુદા જુદા છે અને આ ચારેય સંબંધોમાં લાગણીના તાણાવાણા,પ્રેમ અને ઉષ્માની સંવેદના એકબીજાથી સાવ જુદી જુદી.માસી કહેતા જે ઉષ્મા અનુભવાય તે મામી કહેતા અનુભવાય તેના કરતા સાવ જુદી જ હોય.હવે વિચારો આપણું સંતાન ૩ વર્ષની ઉંમરથી જ અંગ્રેજી માધ્યમમાં ભણે તે આ ચારેય સંબંધ માટે એક જ શબ્દ વાપરશે આન્ટી.હવે આપ જ કહો કે જન્મ થયો ત્યારથી જેના લાડ-દુલાર પ્રેમ પામેલા તે માસી અને ફોઈ પણ આન્ટી અને કાકાની જાનમાં જઈને અથવા મામાના વરઘોડામાં નાચીને લાવેલ કાકી કે મામી પણ આન્ટી.આ કહીને અંગ્રેજી ભાષાનું અપમાન નથી કરવા માંગતો પણ આપણી ગુજરાતી ભાષાના સંબોધનમાં પણ કેટલો પ્રેમ રહેલો છે તે જણાવવું હતું.જે સંવેદના તે બાળક ન સમજી શકે.

આવો જ કંઈક કિસ્સો ક્યાંક વાંચેલો કે જોયેલો જેમાં એક કાકા નાના બાળકોને વાર્તા કહેતા હતા.જેમાં બે ત્રણ બાળકો અંગ્રેજી માધ્યમના પણ હતા.હવે વાર્તામાં વશરામ કાકા છાનામાના રસોડામાં પહોંચી તપેલીમાં ચોંટેલો શ્રીખંડ ઉસેડી ઉસેડીને ટેસથી ચાટતા હતા એવી વાત આવેલી.હવે આ વાત તે અંગ્રેજીમાં ભણતા બાળકને કઈ રીતે સમજાવવી..? ચાટવાની ક્રિયાને તો  Suck અથવા lick એમ કહી સમજાવ્યા પણ તેમાં આ વાર્તામાં શું કહેવું Suck કે lick.તો પાછો સવાલ હતો કે ઉસેડી ઉસેડી એટલે.તો આ માટે તેમને ઉસેડવું એટલે To collect એમ સમજાવ્યું તો વળી સવાલ કે તો પછી બે વખત ઉસેડી ઉસેડી શા માટે.?અને આનો જવાબ આપવા તે કાકા અંગ્રેજીના શિક્ષક હોવા છ્તા પણ મૂંઝાઈ ગયા, તો એક બાળકે તો પૂછ્યું પણ ખરું કે બે વખત કલેક્ટ કરીને સક કરી ગયા.?.ત્યારે તેમણે હા કહી વારંવાર ક્રિયા થાય છે તેમ કહી વાર્તા આગળ ચલાવેલી.પણ મિત્રો વાત કેટલી સરળ હતી કે  શ્રીખંડ નામ માત્ર ચોંટેલો હોવા છતાં એ આંગળીની મદદથી વારંવાર એનો ટેસ કરતા હતા તે બીજા બાળકોને આસાનીથી સમજાઈ ગયું હતું.કહેવાનો આશય એટલો જ કે આપણી માતૃભાષાની તોલે તો બીજી કોઈ ના આવે અને આ દરેક વ્યક્તિ માટે લાગું પડે જ છે ફરક છે સમજવાની.

આજે આ પ્રસંગે આ ગીત નો વિડીયો દૂરદર્શન પર હું નાનો હતો ત્યારથી જોતો આવ્યો છું અને આ ગીતમાં શબ્દો તો બહુ જ ઓછા છે પણ ગીત બહુ જ સુમધુર છે કે મળે સુર જો મારો તારો, બને આપણૉ સુર નિરાળો, પણ તેને ભારતની વિવિધ ભાષા અને પ્રાકૃતિક સૌંદર્ય અને ભારતના સારા કલાકારો પર ફિલ્માવવામાં આવેલ છે અને આજે જ્યારે ૧૯૬ જેટલી ભારતીય ભાષા લુપ્ત થવાના આરે છે ત્યારે આ રચના મૂકવાનું મન થયું.આશા છે આપને ગમશે અને આપ આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.

 


मिले सुर जो मेरा तुम्हारा,तो सुर बने हमारा,

सुर की नदीयां हर दिशा से बहते सागरमें मिले,

बादलों का रुप लेकर बरसे हलके हलके

मिले सुर जो मेरा तुम्हारा,तो सुर बने हमारा.

 

 

માફ કરશો કાલે આ પોસ્ટ મુકતો હતો ત્યારે વીજળી ચાલી ગઈ અને પછી આવી ત્યારે ફોન બંધ થઈ જતા ઈન્ટરનેટ ચાલું ન થતા આ પોસ્ટ તૈયાર હોવા છતા થોડી મોડી રજું થઈ.


%d bloggers like this: