Archive for the ‘ફાગણ ગીત’ Category

ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ….. અદિતી સોની

માર્ચ 13, 2017

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજ ફાગણ વદ એકમ એટલે કે ધુળેટી. આમ તો આજનો તહેવાર એટલે રંગોનો તહેવાર. મેઘધનુષ્ય ના સાતેય રંગો પણ તો વરસાદના આગમન બાદ કેવુ સરસ રૂપ આકાશને અર્પી જાય છે. તેમ સંબંધોમાં પણ અવનવી યાદો, સ્મરણોના રંગો ઉમેરી એને પણ રંગીન બનાવી દઈએ. અને આજે બધા મતભેદ-મનભેદો ભુલાવી ચાલો ફરીથી એ સંબંધોને રંગીન યાદોથી ભરી દઈએ. રંગોતો માત્ર બહાનું જ છે ને ખરેખર એ તો એકબીજાને સાથે વીતાવવા. અને એટલે જ તો કહે છે ને કે “बूरा ना मानो होली है “ તો ચાલો આજે માણીએ આજના આ પાવન પર્વે આ સુંદર રચના…  

ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

કાનો કાન પણ પડે ના ખબર કોઈને ના તો કહિએ.
વિસરી ને જગતની જંજાળ છાનામાના જઈએ,
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

કેસુડાં પાસેથી લઈએ રંગ મજાનો કેસરી,
વાતો એટલી મીઠી કરીએ કે મોરી લાગે મીસરી.

પાન પાસેથી લઈએ રંગ મજાનો લીલો,
મોહક તો એટલા થઈએ કે ચાંદ પણ લાગે ફીકો.

સૂરજ પાસેથી લઈએ રંગ મજાનો સોનેરી,
મંજીલો ને પામતાં પામતાં યાદો લાગે અનેરી.

વાદળો પાસેથી લઈએ રંગ મજાનો વાદળી,
એક્મેકમાં ગુમ થતાં આજે જીંદગી લાગે ખાનગી.
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

તારાં જોડે વિહાર કરતાં ગગનમાં કાંઈ ભમીએ.
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ.

ધુળેટી બહું રંગીન લાગે છે…..રઈશ મણિયાર

માર્ચ 20, 2011

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ઘણા સમય બાદ આજે નવી રચના સાથે આવ્યો છું, તો તે બદલ ક્ષમાપ્રાર્થી છું.હમણાથી કામમાં ખુબ જ વ્યસ્ત રહેવાય છે. પણ આજના દિવસે તો ખાસ સમય નિકાળીને આવ્યો છુ, આજે છે ફાગણ વદ એકમ.એટલે કે ધુળેટી. તો સૌ મિત્રો/વડીલોને મારા,મન અને અમાર પરિવાર તરફથી હોળી અને ધુળેટીની ખુબ ખુબ શુભકામનાઓ.અને આજના જ દિને અમારા ગુરૂજીનો પણ જન્મદિન છે.વળી તમને ખબર છે આજે છે ૨૦મી માર્ચ જે વિશ્વ ચકલી દિન અને વિશ્વ વાર્તા કથન દિવસ તરીકે ઉજવાય છે. અને આ સૌ પ્રસંગે એક વાર્તા જ જેવી અને આપણા બાળપણ તથા ભૂતકાળને યાદ કરાવી દે તેવી શ્રી રઈશ મણિયારની રચના સંદેશ સમાચારપત્રમાં વાંચી તો થયું કે આપ સૌ સાથે તેને માણું. તો ચાલો માણિએ આ રચના..અને હંમેશા તમારા અમૂલ્ય અભિપ્રાયોથી સાથ આપતા રહેશો…

 

 

ધુળેટીના તમાશાઓ બહું રંગીન લાગે છે,

આ પરણ્યાઓ, કુંવારાઓ બહું રંગીન લાગે છે.

 

તેં ખેંચ્યા એ દુપટ્ટાઓ બહું રંગીન લાગે છે,

પડ્યા ગાલે તમાચાઓ બહું રંગીન લાગે છે.

 

પાડોશણને તું રંગે ત્યાં જ પત્ની જોઈ ગઈ, માર્યા !

ધુળેટીના ધબડકાઓ બહું રંગીન લાગે છે.

 

કયા મારા, પાડોશીના કયા એ પણ કળાતું ક્યાં,

સમી સાંજે આ ભૂલકાઓ બહું રંગીન લાગે છે.

 

જે નિકળ્યા શ્વેત ટોપી, શ્વેત કફની, શ્વેત ધોતીમાં,

ફર્યા પાછા તો કાકાઓ બહું રંગીન લાગે છે.

 

જીવન બસ બ્લેક પિક્ચરસમ અને કાઈટ્સનું બસ ટ્રેલર,

આ ટ્રેલર જેવા દહાડાઓ બહું રંગીન લાગે છે.

 

લપસવું, ભાગવું, પકડાવું, ભીંજાવું ને ખરડાવું,

નર્યા ગમગીન કિસ્સાઓ બહું રંગીન લાગે છે.

હોળી…રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…રંગીલો ફાગણનો મહિનો…..

ફેબ્રુવારી 28, 2010

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ફાગણ સુદ પુનમ એટલેકે હોળી. વળી આજે છે ૨૮મી ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પણ.વળી ગઈકાલે હતી ઈદ-એ-મિલાદ.આમ હમણાં તો તહેવારોનો મેળો ભરાયો છે અને આ તહેવારો જ તો છે કે જે આપણી જિંદગીમાં એકબીજાને નજીક લાવે છે ખુશીઓ છલકાય છે અને પ્રેમ સર્વત્ર પ્રસરે છે. 

               ગત વર્ષે જો કે હોળી પર કુદરતી રંગો બનાવવાની રીત આપી જ હતી પણ આ વર્ષે ફરીવાર તેની મુલાકાત લઈ એ રીત નોંધી લેજો તથા સાથે સાથે મારી મિત્ર મન ની રચના રંગીલી આવી આ હોળી આવી…..“મન પણ માણજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો તેવી આશ સહ… 

               વળી વિજ્ઞાનદિવસની જાણકારી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાનવી અને વિજ્ઞાન…..દિલીપ આર.પટેલ રચનાની મુલાકાત પણ જરૂરથી લેજો હોં ને…અને આજ પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ માલવ પતિ મુંજ ની આ રચના આશા છે આપ સૌને ગમશે….. આ રચનાને સુર સાથે માણવ સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો 

 

 

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

યૌવન ? યૌવન એટલે શું ?

 

અરેરે ! યૌવન નથી સમજતાં !

 

શું મને થાય, ના સમજાય,

નિંદરમાંથી ઝબકી જવાય…(૨)

 

કોઈ સુંદર સાવરી સૂરત નિરખતાં,

મનમાં ખળખળ થાય,

ના સમજાય, ના સૂવાય

 

આમ થાય ત્યારે સમજી લેવું, આવી ગયો અનંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

આ ભ્રમર અને આ ફૂલ, એને પણ એક પ્રિત છે,

ફૂલની પાંખે ભ્રમર બીડાય, એવી પ્રિતની રીત છે.

 

સમજાવો મને દીપક ઉપર જલતો કેમ પતંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

તમને જોઈ તનમન નાચે, એવું થાય કેમ ?

કેમ કરી સમજાવું, એનું નામ પ્રેમ.

 

ચંદ્ર ને જોઈ ઉરસાગરમાં, ઉછળી રહે તરંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

 

રંગીલો ફાગણનો મહિનો, ચારેકોરે રંગ છે,

નાચી રહ્યા છે આંખ ને અંતર, યૌવન અંગેઅંગ છે.

ફાગણને વિદાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય …..ઉમાશંકર જોશી

માર્ચ 25, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ફાગણ વદ ચૌદશ.તમે કહેશો કે વળી હિતેશ બોરિંગ કોઈ નવો દિવસ લાવ્યો,ના બાબા ના, આટલા સુંદર વસંતઋતુના મોસમમાં આપને બહું બોર તો ન કરાય ને, અને પ્રણયની આ ઋતુમાં કુદરત પણ વૈભવી જાજરમાન શણગાર સજીને બેઠી હોય,આંબાડાળૅ હવે મોર બેસી ગયા છે અને કોયલના ટહુકાઓ ક્યારના સાદ પાડી રહ્યાં છે તો હિતેશ આ મહામુલા ફાગણને કેમ ભુલી જાય અને હવે જ્યારે આ ફાગણ જઈ રહ્યો છે અને ચૈત્ર મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે શ્રી ઉમાશંકર જોશીની આ રચના યાદ આવી ગઈ અને સાથે આ ગીત સ્વર સાથે પણ મળી ગયું તો પછી આ ગીતને ન મુકીએ તો કેમ ચાલે? તો ચાલો માણીએ આ ગીતને…અને હા આપનો ફાગણ કેવો વીત્યો તે જણાવશો ને,અને મનના વિશ્વાસ પરની ફાગણની ઉજવણી કેવી લાગી તે પણ જરૂર જણાવશો.અને આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.

અને હા મિત્રો આજે એક સચોટ અને વેધક લખાણ લખનારા અને અનેક નવલકથા અને સાહિત્યનું સર્જન કરનારા શ્રી ચંદ્રકાંત બક્ષીની આજે પુણ્યતિથિ છે તો તેમને ભાવભીની શ્રદ્ધાંજલી.અને આ પ્રસંગે ૨૦૦૬માં લયસ્તરો પર મુકેલ બક્ષી હવે નથી રહ્યાં મમળાવવી આપને જરૂર ગમશે.

 

 gori-no-fagan

 (ભીંજાતી મેં અહીં ખડી રે લોલ. )

 

 

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

 

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

 

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

 

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખજેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

 

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

 

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે લોલ.

રંગીલી આવી આ હોળી આવી…..“મન”

માર્ચ 10, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ફાગણ સુદ પુનમ.આજે છે હોળી.તો આપ સર્વેને હોળીની શુભકામનાઓ.અને હા મિત્રો આજે મહમ્મદ પયગંબરને યાદ કરવાનો દિન એટલે કે ઈદ-એ-મિલાદ પણ છે તો સૌ મુસ્લિમ બિરાદરોને પણ ઈદ મુબારક. અને આવતીકાલે છે ધુળેટી એટલે કે રંગોનો તહેવાર રંગોત્સવ.તો ચાલો કાલ માટે થોડી તૈયારી કરી લઈએ.તે પહેલા ધ્યાનમાં રાખવાનું ન ભુલીએ કે આપણે કેમિકલયુક્ત રંગો ન વાપરીએ.કારણકે તેનાથી આપણી ત્વચાને નુકસાન થાય છે જેમકે,

કાળા રંગમાં વપરાતો લેડ ઓક્સાઈડથી મૂત્રપિંડના રોગો,

કોપર સલ્ફેટથી આંખની એલર્જી,અને અંધાપો પણ આવી શકે,

સિલ્વર બ્રોમાઈડ અને મર્ક્યુરી સલ્ફાઈટના લીધે કેન્સર પણ થઈ શકે છે.

અરે ગુલાલમાં રહેલ એસ્બેસ્ટોસ પણ નુકસાન કરે છે.

તો આપણે નક્કી કરીએ કે આ વખતે પણ હોળી આપણે ઈકોફ્રેન્ડલી રંગોથી જ રમશું.હવે તમે કહેશો કે આવા રંગો ક્યાથી લાવવા?તો ચાલો અહિં જુદા જુદા રંગો બનાવવાની રીત જ આપી દઉં તો…

કેસરિયો રંગ – આ માટે કેસુડાના ફૂલોને સુકવીને બનાવેલ પાવડર લઈ શકાય.તથા પ્રવાહી કલર બનાવવા કેસુડાનાં ફુલને પાણીમાં આખી રાત પલાળી રાખી સવારે ઉકાળી લો.અને જો કેસર હોય તો બે ચમચી કેસરને પણ પાણીમાં પલાળી કેસરી રંગ બનાવી શકાય જે તમારી મસ્તી સાથે ત્વચાને સૌંદર્ય પણ આપશે.

 

પીળો રંગ સૂકો પીળો રંગ બનાવવા ચણાના લોટમાં થોડી હળદર ભેળવી બનાવી શકાય.અને પ્રવાહી રંગ બનાવવા ચમચી હળદરને કે ગલગોટાનાં ફુલોને પાણીમાં નાખી ઉકાળવાથી બની શકે છે.

રાણી રંગ – એક બીટને છીણી પાણીમાં નાખી ઉકાળવાથી બનશે.

લીલો રંગ – સુકો લીલો રંગ બનાવવા મહેંદીના પાવડરને લોટ સાથે ભેળવી બનાવી શકાય તથા પ્રવાહી રંગ બનાવવા તમે આ મહેંદી પાવડરને પાણીમાં નાખી બનાવી શકાય.અને જો રંગ લાગે તો પાછો પાકા કલર જેવો જ જાણે કે કોઈની પ્રિતનો રંગ લાગ્યો હોય.

ભૂરો રંગ – આ માટે તમે કાથા પાવડર નો ઉપયોગ કરીઑ શકો છો.અથવા કોફી કે ચા ના પાનને પાણીમાં ઉકાળવાથી પ્રવાહી રંગ બનશે.

કાળૉ રંગ – આ માટે તમે સુકા આંબળાને પાણીમાં પલાળી રાખશો તો સવારે કાળો રંગ મળશે.

તો હવે આપ સૌની પાસે રંગો તૈયાર છે ને તો ચાલો રમીએ હોળી એટલે કે ધુળેટી સાથે મન ના આ રંગીલા ગીતને પણ માણીએ…

 

holi 

 

ફાગણીયા સુદ પુનમ રંગીલી આવી આ હોળી આવી,

અજવાળી આ રાતલડીમાં રંગીલી આવી આ હોળી આવી.

 

રંગોની ઉજાણી ઉડી રંગીલી આવી આ હોળી આવી,

લાલ,પીળા સપ્પટ રંગોની રંગીલી આવી આ હોળી આવી.

 

કેસુડે રંગ ભરી પિચકારી રંગીલી આવી આ હોળી આવી,

રંગીલી મન મસ્ત મજાની રંગીલી આવી આ હોળી આવી.

 

ખોબો ભરી ગુલાલ ઉડાવી રંગીલી આવી આ હોળી આવી,

નાના મોટા સૌને રમાડતી રંગીલી આવી આ હોળી આવી,

હોળીએ રંગો તણી ધૂમ મચાવી રંગીલી આવી આ હોળી આવી.

 

લડ્ડુગોપાલના ધામમાં થાળ ભરી ગુલાલ ઉડાવી,

રમાયો રંગો કેરો રાસ રંગીલી આવી આ હોળી આવી.

હોળી આવી રે…..રમેશ પટેલ ‘આકાશદીપ’

માર્ચ 10, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ફાગણ સુદ પુનમ.આજે છે હોળી.તો આપ સર્વેને હોળીની શુભકામનાઓ.આજના દિન ઉજવવા વિવિધ મત મતાંતરો છે

કેટલાક આ તહેવાર વસંતના આગમનને વધાવવા કરે છે,

તો કેટલાક રંગોની મજા માણવા ઉજવે છે.

તો એક કથા મુજબ ભગવાન શિવે કામદેવનું દહન કરેલ તેની યાદમાં પણ મનાવાય છે.

પરંતુ મુખ્યત્વે તો આ તહેવાર ભક્ત પ્રહલાદ અને હોલીકાદહન સાથે સંકળાયેલ છે.

તો આપણે તો બધા જ કારણો લઈને આ તહેવાર મસ્તીથી ઉજવીએ,અને આપણામાં રહેલા દોષો અવગુણોને આ હોળી માં દહન કરી ફરી સંબંધોમાં મધુરતા લાવી દઈએ. અને તેની ઉજવણીમાં ખોવાઈ જઈ આવતીકાલે રંગોથી હોળીએ રમશું.તો અત્યારે માણો રમેશ પટેલની આ રચના..અને હા બીજી પોસ્ટમાં કાલ માટેના રંગોની તૈયારી છે અને સાથે મન નું મસ્તીભર્યું રંગીલું ગીત પણ…

 

holi11

વગડે મહોર્યા કેસુડા ના રંગ ,કે હોળી આવી રે
છાયી  મસ્તી મનને અંગ, કે   હોળી આવી  રે

આવી વસંતની વણઝાર, ઉછળે રંગોના ઉપહાર
આજ આવી કાનાની યાદ, આવો હેતે રમીએ રાસ
                                     
કે હોળી આવી રે
 
ટહુકે કોયલ  આંબા ડાળ,   વૃક્ષો ઝૂમે મંજરી   સાથ
પુષ્પોએ ધરિયા રુપ રંગ, નવોઢાના ઉરે છલકે ઉમંગ
                                 
કે હોળી આવી રે
 
ખેતરે મલકે મોંઘા મોલ, ફાગણે વાગે ફાગિયા ઢોલ
મનમાં ઝૂમે ખુશીનાં ગીત, આજે ઝૂમે મનના મીત
                                  
કે હોળી આવી રે
 
મલકે યૌવન  ઊભા   બઝાર,   ખાશું આજ ધાણી  ને ખજૂર
અબીલ ગુલાલ છાયો રે આકાશ, પાપનો થાજો રે ભાઈ નાશ
                                    
કે હોળી આવી રે
 
હલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે
છાયી મસ્તી મનને અંગ, કે હોળી આવી રે
                              
કે હોળી આવી રે

ફાગણની વધામણી(૨)…સાંવરિયા રમવાને ચાલ !…..સુરેશ દલાલ

માર્ચ 3, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે ફાગણની વધામણી ખાતુ સુરેશ દલાલનું આ ગીત એક નવયૌવનામાં ઉભરાતાં સ્વપ્ના અને તેના રૂપની માદકતાને ફાગણનો રંગ લાગ્યો છે અને આમ્રમંજરી ડાળૅ કૂ કૂ કરતી કોયલના સાદમાં તે પણ તેના સાંવરિયાને બોલાવે છે કે આટલા સુંદર વાતાવરણમાં તેની સાથે પળો માણવા.તો વધું ન કહેતા ચાલો માણીએ આ ગીત.

 kajal-no-kef

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !