Archive for the ‘આરતી’ Category

શિક્ષક દિન … ओम् जय शिक्षा दाता …… ડૉ. રૂપચંદ્ર શાસ્ત્રી

સપ્ટેમ્બર 5, 2016

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

                આજે છે ૫મી સપ્ટેમ્બર ૨૦૧૬. આજનો દિવસ એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ જેને આપણે સૌ શિક્ષક દિન તરીકે મનાવીએ છીએ. આપણી જિંદગીમાં દરેક પળે કોઈને કોઈ આપણને કંઈક શીખવતા જ હોય છે. જેમકે  માતા કે જે વ્હાલનો દરિયો, ખાવુ, પીવુ, હસવુ, ચાલવુ, બોલવુ અને ઘણુ બધુ ન શીખવે, તો પિતા કે જે સંસ્કારનુ બીજ માતા સાથે મળી આપણામાં વાવે, વાત કરતા, જિંદગી જીવતા શીખવાડે, તો વળી મિત્ર, ભાઈ કે બહેન, પતિ/પત્નિ કે નાના બાળકો પણ આપણને કંઈક જ્ઞાન આપતા રહે છે. આ ઉપરાંત વૃક્ષ, નદી વગેરે કુદરત ના તત્વો પણ આપણા શિક્ષકની ગરજ સારે છે. તો પુસ્તકો તથા આપણી આસપાસ રહેલ તમામ ચીજવસ્તુઓ પણ આપણા ઘડતરમાં ક્યાંક ને ક્યાંક આપણને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તો ચાલો આ આપણા સૌ શિક્ષકને વંદન કરતાં આજે શિક્ષકની એક આરતી જ કરી લઈએ. તો માણીએ ડૉ. રૂપચંદ્ર શાસ્ત્રીની રચના. આ અગાઉ શિક્ષક દિન પર રજૂ થયેલ રચના શિક્ષકદિન…નવા યુગનો ચેલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’  પણ આપ સૌ જરૂરથી માણશો. અને આપ સૌના અમૂલ્ય પ્રતિભાવોની આશા સહ.

aarati

ओम् जय शिक्षा दाता, जय-जय शिक्षा दाता।
जो जन तुमको ध्याता, पार उतर जाता।।

तुम शिष्यों के सम्बल, तुम ज्ञानी-ध्यानी ।
संस्कार-सद्गुण को गुरु ही सिखलाता ।।

कृपा तुम्हारी पाकर, धन्य हुआ सेवक ।
मन ही मन में गुरुवर, तुमको हूँ ध्याता ।।

कृष्ण-सुदामा जैसे, गुरुकुल में आते ।
राजा-रंक सभी का, तुमसे है नाता ।।

निराकार है ईश्वर, गुरु-साकार सुलभ ।
नीति-रीति के पथ को, गुरु ही बतलाता ।।

सद्गुरू यही चाहता, उन्नति शिष्य करे ।
इसीलिए तो डाँट लगाकर, दर्शन समझाता ।।

श्रीगुरूदेव का वन्दन, प्रतिदिन जो करता ।
सरस्वती माता का, वो ही वर पाता ।।

Advertisements

મા જીવંતિકા વ્રત….

ઓગસ્ટ 12, 2016

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજે છે શ્રાવણ માસનો શુક્રવાર, આજના દિનનો મહિમા અનેરો છે આજે માતાઓ પોતાના બાળકના રક્ષણ માટે મા જીવંતિકાનું વ્રત કરે છે. તો ચાલો આજે આ વ્રતના વિધી-વિધાન તથા તેની વાર્તા તથા આરતી આજે માણીએ….  

વ્રતની વિધી

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી.

આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.

કથા પુરી થયા પછી પાંચ દીવેટોના દીવાથી આરતી ઉતારવી. ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. વ્રતના દિવસે એકટાણું કરવું. જૂઠું ન બોલવું. કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે.

વ્રતની વાર્તા

Jivantika vrat

પ્રાચીનકાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો. તેની  રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા-રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનુ દુ:ખ હતુ તેમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન હતું નહી, તેથી રાણીબા ચિતામા સુકાતા જતા હતા. એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા.

એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી. એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી. એટલે ગામમા કોઇને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતાં.

દાસી ઘણી સમજું હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. તેણે રાણીને કહ્યુ : “રાણીજી ! તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારૂ વાંઝિયામેણું હંમેશને માટે દૂર થઈ જશે.”

“જલ્દી બતાવ મને…” રાણીએ કહ્યું.

દાસીએ ધીમે થી રાણીના કાનમા  કહ્યુ : “ સાંભળો રાણીજી ! ગામમા એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે. તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો. બસ, ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે, તે હું તમને લાવીને સોંપી દઈશ !”  દાસીની વાત સંભાળી રાણીએ પ્રથમ ખચવાટ અ‍નુભવ્યો પણ દાસીએ તેમને કહ્યુ : “તમે બીશો નહીં, કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે” બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે, એ વાત ફેલાવવા માંડી.

જોત જોતામાં છ મહિના વીતી ગયાં. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસુતિની પીડા ઉપડતાં દાસીને બોલાવવામાં આવી ! મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ. થોડીવારમાં તો ઘરનાં બધા ઘસઘસાટ ઊંઘી ગયા.

દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું. રાણી તો ખુશ ખુશ થઈ ગઈ. ત્યાર બાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યાં કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે.

આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઘેર ઘેર દીપમાલા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચી મા બ્રાહ્મણી વિલાપ કરે છે. પુત્ર ગુમ થવાથી રડે છે, ટળવળે છે.

ત્યાર બાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર, જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું. શીલસેન મોટો થવા લાગ્યો.  એ યુવાના થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યાં અને શીલસેન રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળું અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ.

થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એણે એક વણીકના ઘેર ઉતારો રાખ્યો. આ વાણીયાને છ બાળકો થયાં અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યાં. આજે વણીકના ઘેર સાતમાં પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાતા, વણીકના પુત્રના લેખ લખવા આવ્યાં. એટૅલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળધર્યું અને કહ્યું : “દેવી વિધાતા ! તમે અહીં કેમ આવ્યા ?”

“વાણીયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું.”

મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું : “ બહેન ! લેખમાં શું લખશો ?” ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે “ એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે.”

આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું : “ ના, ના વિધાત્રી ! એવું તમારાથી ન લખાય ! જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપિ ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો.” છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ધાયુષ્ય લખીને ચાલતાં થયાં. .

બીજા દિવસે વાણીયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો. એને ખાત્રી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે.

શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણીયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી. ત્યાંથી એ ઘણાં દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી, જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યાં. આ જોઈ શીલસેનના અચરજનો પાર ના રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડીતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહી. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધો. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર એક વર્ષે પેલા વાણીયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણીયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા.

રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યાં. તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું : “ મા ! તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો ?”  આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાઅત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો.

મા જીવંતિકાએ કહ્યું: “ દેવી વિધાતા ! આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી, આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણીયાને ઘેર છું. જ્યાં સુધી વાણીયાને ઘેર મારો વાસ હોય, ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ?”

“ભલે.” કહી વિધાતા જતા રહ્યાં.

આ સાંભળી શીલસેન વિચારામાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછી ખાત્રી કરવા નક્કી કર્યું.

સવાર થતાં વાણીયાએ જોયું તો તેનો બીજો દિકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શીલસેને રજા માંગી ત્યારે વાણીયાએ એમને આનંદથી રજા આપી.

ઘણાં જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું : “મા ! તમે ક્યું વ્રત કરો છો ?”

“બેટા ! હું કોઈ વ્રત કરતી નથી.” રાણી સુલક્ષણા બોલી.

આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી મા નથી. પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યાં ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે?

થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહી પહેરવાનું વ્રત છે.

આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યાં. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતાં જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી… અને શીલસેનના મોંમા પડી. આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા : “ આ જ રાજકુમાર શીલસેનની માતા છે.”

ત્યાર બાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું.

શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું.

“હે મા જીવંતિકા ! તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું, તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ-સંપત્તિ આપજો.”

II જય જીવંતિકા મા II

જીવંતીકા માતાની આરતી

(રાગ – જય આદ્યાશક્તિ)

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 90

જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા,

સુખ સંપત્તિ શુભદાતા, સંતતિ સુખદાતા, ઓમ… જય… ૧

શુક્રવાર શ્રાવણનો આવે, મા શ્રાવણનો આવે,

રક્તાંબર ધરી અંગે, વહાલું વ્રત ધારે, ઓમ… જય…૨

તારા વ્રતના પ્રભાવે, મા તારા વ્રતના પ્રભાવે,

મધરાતે ભરી ચોકી, ષષ્ઠીને રોકી, ઓમ… જય…૩

લેખ છઠ્ઠીના પર મેખ તે મારી, મા મેખ તે મારી,

દાસને સુખ-શાંતિ જગમાં દેજે, દુ:ખ હરજે દીનવાળી, ઓમ… જય…૪

વ્રત કર્યું બ્રાહ્મણીએ, મા વ્રત કર્યું બ્રાહ્મણીએ,

કુંવરે માને ઓળખી, છૂટી દૂધની ધીરાવાડી, ઓમ… જય…૫

તારા વ્રત જે કરશે, મા જે ભાવે કરશે,

સકળ મનોરથ ફળશે, મા દુ:ખડા હરશે, ઓમ… જય…૬

શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી…..

જૂન 17, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં રોજે કથા વાર્તાના અધ્યયન બાદ ચાલો હવે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી…….

 

aarati

 

ઉતારો આરતી પુરૂષોત્તમ ઘરે આવ્યાં,

ઝીણે ઝીણે મોતીડે ને ફૂલડે વધાવ્યાં રે. ઉતારો આરતી…

 

મીરાનું વિષ અમૃત કીધું, મીરાંએ એ પ્રેમે પીધું,

રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી…

 

શામળશાના વિવાહ કીધા, કુંવરને મામેરા દીધા,

નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી…

 

ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યાં,

અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી…

 

કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સાધી કીધી,

ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી…

 

સ્તંભ કોડી હિરણ્યાકશ્યપ માર્યો, પ્રહલાદજીને પોતે તાર્યો,

ભાવ અંતરમાં આણ્યો રે. ઉતારો આરતી…

 

સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી,

લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી…

 

સુદામાના તાંદુલ ખાધા, શબરી બાઈના બોર ખાધા,

જમ્યા વિદુર ઘેર ભાજી રે. ઉતારો આરતી…

 

દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી,

મહાર થયા મોહનજી રે. ઉતારો આરતી…

 

માટી ખાતા મોહનજીને, માતાજીએ જોયું જઈને,

ચૌદ લોક બતાવ્યા રે. ઉતારો આરતી…

 

મહા શંકરને માધવ મળ્યા, જન્મોજન્મના પાપો ટળ્યા,

રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી…

ખોડિયાર માતાની જન્મજયંતિ…આઈ શ્રી ખોડિયાર માતાની આરતી…..

ફેબ્રુવારી 3, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે મહા સુદ આઠમ.આજે છે આઈ શ્રી ખોડિયાર માતાની જન્મજયંતિ.તો ચાલો આજે ખોડિયાર માતાનું સ્મરણ કરતા તેમના પ્રાગટ્યની ટૂંકમાં કથા જોઈએ અને પછી તેમની આરતી પણ ઉતારીએ.અને હા આ આરતીને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.સંતો અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં અનેક સંતો અને સતીઓ થઇ ગયાં. જેમાં આઇ શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્ત્વ જોવા મળે છે. ખોડિયાર માતાનાં પ્રાગટય અંગે જોઇએ તો અનેક દંતકથાઓ છે.

ઈ.સ. પૂર્વે ૭૦૦મા, પાળિયાદ પાસે આવેલા નાનકડા ગામમાં રહેતો મામડિયો ચારણ વલ્લભીપુરના રાજા શીલભદ્રના દરબારમાં મામૈયા દેવ તરીકે રાજાનો માનીતો ગઢવી હતો. જેની અનેક દરબારીઓ ઇર્ષા કરતા હતા, તેથી તેમણે રાજાના મનમાં એવું ઠસાવ્યું કે મામડિયો નિ:સંતાન હોઇ તેનું મોઢુ જોવું એ અપશુકન ગણાય અને ભવિષ્યમાં તેના લીધે રાજય પર આફત આવી શકે. આથી રાજાએ રાજદરબારમાં આવવાની તેને ના પાડી દેતાં ચારણ પર આભ તૂટી પડયું. તેણે પત્ની દેવલબાઇને કહ્યું કે , હું સંતાન માટે ભોળાનાથને મનાવીને જ પાછો ધેર આવીશ. જો ભગવાન પ્રસન્ન નહીં થાય તો દેહ પાડીશ અને કમળપૂજા કરીશ. ચારણદેવે ઉગ્ર તપશ્ચર્યાથી ભોળાનાથે તેમને દર્શન આપી સાત પુત્રી અને એક પુત્રનું વરદાન આપ્યું. દીકરો અવતર્યા. એમના નામ અનુક્રમે આવળ, જોગલ, તોરલ, જાનબાઈ, હોલબાઈ, વીજબાઈ, સોસાઈ અને દીકરાનું નામ મેરખિયા રાખેલ. આ પૈકી આવળ એ ખોડીયાર માતા.

ખોડિયાર નામ અંગે પણ કેટલીક વાયકાઓ જોવા મળે છે. મામડિયાનો દીકરો મેરખિયાને કાળોતરા સાપે દંશ દેતાં તે મૃત્યુ પામ્યો. આ વાતની ખબર પડતાં આવળ પાતાળલોકમાં નાગરાજા પાસે અમૃતનો કુંભ લેવા ગયાં. ત્યાંથી પરત આવતી વખતે પગમાં ઠેસ લાગતાં તેમને ગંભીર ઇજા પહોંચી પણ તેની દરકાર કર્યા વગર ખોડાતા પગે તેઓ ધરતી પર આવ્યાં હોઇ મા આવળનું નામ ખોડી-ખોડિયાર પડયું. તેમણે મગરના નાકમાં સોનાની કડી પહેરાવતાં મગરને મા ખોડિયારના વાહન તરીકે સ્થાન મળ્યું.

અન્ય એક કથા અનુસાર કૈલાસમાં બિરાજમાન શંકર પાર્વતીએ તેમના સેવકો ચૂંડ અને મૂંડની સેવાથી ખુશ થઇને પોતાના નંદીને ચરાવવા જતાં કોઇ વિધ્ન ન આવે તે માટે ચૂંડને અમર ફૂલ આપી વરદાન આપ્યું કે કોઇની સાથે લડવું પડે તો પોતે એકના અનેક થઇ શકશે. સમય જતાં ચૂંડમાં આસુરીવૃત્તિ પ્રગટતાં તે શંકર સાથે લડવા તૈયાર થઇ ગયા અને પાર્વતીજીને પોતાને સોંપી કૈલાસ છોડી દેવાનું કહેતા મૂંઝાયેલા શંકર ભગવાને ચૂંડ પાસેથી અમર ફૂલ પડાવી લેવાનું કામ મામડિયાની દીકરીઓને સોંપ્યું. દેવી આવળે સોનેરી ચકલીનું રૂપ લઇ અસુર ચૂંડની જટામાં રાખેલ અમર ફૂલ ઝૂંટવી લીધું. અચાનક થયેલા આક્રમણથી બેબાકળો બનેલો ચૂંડ સોનેરી ચકલીની પાછળ પડયોને તેને ભસ્મ કરવા અગ્નિજવાળાની ફુંક મારતાં સોનેરી ચકલી બળીને કાળી થઇ ગઇ અને પગ બળી જતાં તેમને પગમાં ખોટ આવી ગઇ. આમ છતાં દેવી આવળે તેની દરકાર કર્યા વગર અમર ફૂલ માતા પાર્વતીજીને સુપરત કરી દીધું. તેથી પાર્વતીજીએ આવડને આશીર્વાદ આપતાં કહ્યું કે ચૂંડ સાથેના યુદ્ધમાં તને પગે ખોડ આવી ગઇ છે. જેથી તું ખોડી-ખોડલ ખોડિયાર તરીકે જગતમાં પ્રસદ્ધિ થઇશ.

 

khodiyar-mata 

જય ખોડિયાર માતા,માડી જય ખોડલ મા,

સંકટહરણી,ઉજ્વલવરણી,મંગલકરણી મા,

માડી જય જય ખોડલ મા…(૨)

 

મામડિયા ઘેર જન્મી,માડી દુખડા તમે હર્યા,

દુખડા હર્યા, જલડા તર્યા, અમૃત ભર્યા મા,

માડી જય જય ખોડલ મા…

 

નવઘડ કેરા ભાલે બેઠી ચકલીરૂપ ધર્યું,

જાળ શીદ મહાચાવી સંકટ તો હર્યું,

માડી જય જય ખોડલ મા…

 

આરતી પૂજન અર્ચન કરીએ,માડી ધરીએ તમારું ધ્યાન,

બાળા ઘોડા સૌ બાળ તમારા,લેજો રે સંભાળ,

માડી જય જય ખોડલ મા…

 

ખોડિયારમાંની આરતી જે ઘરમાં રોજ ગવાય,

કરજોડી ચતુર કહે છે આનંદ મંગળ થાય,

માડી જય જય ખોડલ મા…

 

જય ખોડિયાર માતા,માડી જય ખોડલ મા,

સંકટહરણી,ઉજ્વલવરણી,મંગલકરણી મા,

માડી જય જય ખોડલ મા…(૨)

શ્રી દાદા ભગવાનનો જન્મદિન…શ્રી સીમંધર સ્વામીની આરતી…..સ્વામી સચ્ચિદાનંદ.

નવેમ્બર 26, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી નવેમ્બર.બ્રહ્મજ્ઞાનના દ્રષ્ટા શ્રી દાદા ભગવાનનો જન્મ ૨૬-૧૧-૧૯૦૮ના રોજ નડીયાદ પાસેના ભાદરણ ગામે થયો હતો.તેમનું સાંસારીક નામ અંબાલાલ મૂળજીભાઈ પટૅલ હતું.સુરત રેલ્વે સ્ટેશનના કોલાહલ અને મેદનીમાં પણ તેમને શાંતિનો અનુભવ થયો અને તેઓ સમાધિમં લીન થઈ ગયા. આ સાક્ષાત્કાર બાદ તેઓ પરમ વિભૂતિ બની ગયા.આ રીતે એકાએક થયેલ બ્રહ્મજ્ઞાનને તેઓ “અક્રમજ્ઞાન” કહે છે.તેઓ કહેતા કે સંસાર ચલાવતા પણ કર્મમાં ન બંધાય તે અક્રમમાર્ગ.આખરે તેમનું ૧૯૮૮માં વડોદરા ખાતે અવસાન થયું.હજી હમણાં જ ૩૦ ઓક્ટોમ્બર થી ૧૩ નવેમ્બર સુધી તેમનો જન્મજયંતિ મહોત્સવ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ઉજવાઈ ગયો જેમાં આધ્યાત્મિક જ્ઞાન સાથે બાળકોને માટે પણ રમત રમતમાં પણ એક ઊંડી સમજ આપતા જુદા જુદા પ્રોગ્રામ પણ હતા. તો અડાલજ ખાતે આવેલા તેમના ત્રિમંદિરમાં રહેલા વર્તમાન તીર્થકર શ્રી સિમંધર સ્વામીની આરતી અહીં રજુ કરું છું.તથા દાદા ભગવાન વિશે જાણાવા તથા તેમના પુસ્તકો મેળવવા કે ડાઉનલોડ કરવા અહીં અથવા સિમંધર સ્વામીના ફોટા પર ક્લીક કરો.

 

simandhar_swaami

જય સીમંધર સ્વામી, પ્રભુ તીર્થંકર વર્તમાન
મહાવિદેહ ક્ષેત્રે વિચરતા, (૨) ભરત ઋણાનુબંધ …..જય

દાદા ભગવનસાક્ષીએ, પહોચાડુંમસ્કાર…..(સ્વામી)
પ્રત્યક્ષ ફળ પામું હું, (૨) માધ્યમ જ્ઞાન અવતાર…..જય

પહેલી આરતી સ્વામીની, ૐ પરમેષ્ટિ પામે……(સ્વામી)
ઉદાસીન વૃત્તિ વહે, (૨) કારણ મોક્ષ સેવે………….જય

બીજી આરતી સ્વામીની, પંચ પરમેષ્ટિ પામે……(સ્વામી)
પરમહંસ પદ પામી, (૨) જ્ઞાન-અજ્ઞાન લણે……….જય

ત્રીજી આરતી સ્વામીની, ગણધર પદ પામે……..(સ્વામી)
નિરાશ્રિત બંધન છૂટે, (૨) આશ્રિત જ્ઞાની થયે…….જય

ચોથી આરતી સ્વામીની, તીર્થંકર ભાવિ………..(સ્વામી)
સ્વામી સત્તા દાદાકને, (૨) ભરત કલ્યાણ કરે……જય

પંચમી આરતી સ્વામીની, કેવળ મોક્ષ લહે………(સ્વામી)
પરમ જ્યોતિ ભગવંત હું‘, (૨) અયોગી સિધ્ધપદે…..જય

એક સમય સ્વામી ખોળે જે, માથું ઢાળી નમશે…..(સ્વામી)
અનન્ય શરણું સ્વીકારી, (૨) મુક્તિ પદને વરે…….જય

સ્વામી સચ્ચિદાનંદ.


%d bloggers like this: