પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીસમો અધ્યાય અને સાસુ વહુની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસનો છેલ્લો દિવસ તો આ અમાસ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીસમો અધ્યાય અને સાસુ વહુની વાર્તા…..

 

અધ્યાય ત્રીસમો : પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ

IMG-20150713-WA0001

(આ ચિત્ર દ્વારકા મંદિરના દ્વારકાધીશના પુરૂષોત્તમ માસના શણગારનો છે)

          નારદ બોલ્યા : “હે સ્વામી શ્રી નારાયણ ! આપે સર્વ સાનોમાં કાંસાના સંપૂટના દાનને શ્રેષ્ઠ કહ્યું છે તેનું કારણ આપ જણાવશો ?”

શ્રી નારાયણ બોલ્યા : “હે બ્રાહ્મણ ! પહેલાં એક વખતે પાર્વતીજીએ આ પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું હતું તે વેળા તેમણે શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે “હે દયાના સાગર શિવજી ! મારે ક્યું ઉત્તમ દાન દેવું જોઈએ, જેથી મેં કરેલું પુરૂષોત્તમનું વ્રત સંપૂર્ણતા પામે ?”

શિવજી બોલ્યા : “હે સુંદર મુખવાળી ! પુરૂષોત્તમ માસમાં કોઈ પણ દાન એવું છે જ નહીં કે તે પૂર્ણ ગણાય. આ વ્રતની પૂર્ણતા માટે સંપૂટ આકારના આખા બ્રહ્માંડને દાનમાં આપી દેવું. એ બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાંસાનો સંપૂટ કરવો. તેમાં ત્રીસમાલપુડા મૂકી તેને સાત તાંતણા વીંટાળી અને તે પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું.”

શ્રી નારદજી બોલ્યા : “હે પ્રભુ ! આપની પાસેથી આ ઉત્તમ માહાત્મ્ય સાંભળી મને ઘણી જ તૃપ્તિ થઈ છે. હવે મારે સાંભળવાનું કાંઈ બાકી રહેતું નથી.”

શ્રી પુરૂષોત્તમ કથા શ્રવણ – માહાત્મ્ય

          સુતપુરાણી બોલ્યા : “હે શૌનકાદિ મુનિઓ ! જે લોકો આ ઉત્તમ પુરૂષોત્તમ માસનું સેવન કરતાં નથી અને સંસારમાં જ રચ્યાપચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યોમાં અધમ છે, એટલું જ નહી પણ તેઓ આ સંસારમાં અવરજવર કર્યા કરે છે; જન્મે જન્મે અભાગિયા થાય છે અને પુત્ર, મિત્ર, સ્ત્રી તથા સગાસંબંધીઓના વિયોગથી દુ:ખી રહ્યા કરે છે.

હે બ્રાહ્મણો !  આ પવિત્ર પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે. કેમકે તે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેનો એક શ્લોક સાંભળવાથી પણ બ્રાહ્મણ બ્રહ્મતેજવાળો અને રાજા તથા વૈશ્ય ધનપતિ થાય છે અને શૂદ્ર ઉત્તમપણું પામે છે. એટલું જ નહી, શુદ્ર જાતિના લોકો કે જેઓ પશુઓ જેવું જીવન ગાળનારા છે, તેઓ બધા પણ આ ઉત્તમ માહાત્મ્ય સાંભળી મુક્તિ પામે છે.

જે માણસ આ પુરૂષોત્તમ માહાત્મ્ય લખીને પોતાના ઘરમાં રાખે છે તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિલાસ કરે છે.

પુરૂષોત્તમ માસમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ રીતે ધ્યાન કરવું : “ગોવર્ધન પર્વતને હથેળીમાં ધારણ કરનારા, ગોવાળના વેશમાં ગોકુળમાં ઉત્સવ રચનારાઅને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. મેઘ જેવા શ્યામ, બે ભૂજાવાળા, મોરલીને ધારણ કરવાવાળા, સુશોભિત પીળાં વત્રો ધારણ કરનારા, સુંદર અને રાધિકાજી સહિત શ્રી પ્રભુ પુરૂષોત્તમને હું વંદન કરું છું.”

આ પ્રમાણે અપાર મહિમાવાળા અને અનંત પુણ્ય આપનારા અને બધા મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય સાંભળી શૌનક આદિ સર્વે મુનિઓ અત્યંત હર્ષ પામ્યા. ઋષિઓ બોલ્યા : “ઓ મહાભાગ્યશાળી સુત ! તમને ધન્ય છે. પુરૂષોત્તમ માસની કથા સાંભળી અમે કૃતાર્થ થઈ ગયા. હે પુરાણવેત્તાઓના શિરોમણિ ! તમે ઘણું લાંબું જીવો.”

“તમારા મુખકમળમાંથી નીકળેલી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુર આ નૈમિષાસન તમને અર્પણ કર્યું છે તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહે છે ત્યાં સુધી અહીં મુનિવરોની સભામાં શ્રીહરિની સુંદર કથા કહ્યા કરો.

એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણકરીતે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી સુત પુરાણી પોતાનું નિત્ય કર્મ કરવા ગંગા નદી પર ગયા. તે પછી નૈમિષારણ્યમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દિવ્ય, સર્વ કરતાં શ્રેષ્ઠ પુરાણુ તથા ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ” નામનો ત્રીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

સાસુ વહુની વાર્તા

AM (22)

ધરમપુર ગામમાં એક ડોશી દીકરા ને વહુ સાથે રહે. ડોશી ધાર્મિક સ્વભાવના. વ્રત-તપ કરે, ધર્મ-ધ્યાન કરે. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. સાસુએ આખો પુરૂષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ગામમાં સઘળી સ્ત્રીઓ પણ વ્રત કરતી હતી તે જોઈ દીકરાની વહુનેય વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે સાસુને વાત કરી : “બા ! હુંય પુરૂષોત્તમ માસનું વ્રત કરું.”

પણ વહુની વાત સાંભળી ડોશી છણકો કરીને બોલી કે “જોઈ ના હોય તો મોટી ભક્તાણી. ઘરમાં બેસીને ધર્મ-ધ્યાન કરો, કાંઈ વ્રત-તપ કરવા નથી, હું બેઠી છું વ્રત કરવાવાળી.”

બિચારી વહુ શું બોલે ? એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠાં વ્રત આદર્યું. તેણે વિચાર્યું કે પ્રભુનું ભજન ક કરવું છે ને, તો પછી ઘેર બેસીને વ્રત કરવું. વળી, કહ્યું છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે. પુરૂષોત્તમ પ્રભુની પૂજા કરે. આંગણામાં બેસીને વાર્તા કરે. માંગવા આવનાર બ્રાહ્મણને દક્ષિણા આપે.

એક દિવસ સાસુ નદીએ નહાવા ગઈ. નહાતાં નહાતાં આંગળીએ પહેરેલી વીંટી ખોવાતાં સાસુ તો રઘવાઈ થઈ ગઈ. ઘણી ગોત કરવા છતાં વીંટી ન મળી એટલે સાસુ ઉતરેલા મોંએ ઘેર આવી.

આ બાજુ વહુ કથરોટમાં સ્નાન કરતી હતી. સ્નાન કરતાં કરતાં કથરોટમાં વીંટી દેખાણી. વહુ ઓળખી ગઈ કે આ તો મારા સાસુજીની વીંટી. ભૂલથી પડી ગઈ લાગે છે.

સાસુ ઘેર આવ્યા ત્યારે વહુએ વીંટી આપીને બધી વાત કરી. સાસુને વીંટી જોઈ ઘણું અચરજ થયું, પણ છણકો કરીને વીંટી લઈ લીધી.

બે દિવસ પછી સાસુ નદીએ નહાવા ગયા ત્યારે નદીમાં નહાતાં નહાતાં ગળામાં પહેરેલો હાર પાણીમાં પડી ગયો. સાસુ બહાવરી બની ગઈ. કથા-વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી.

સાસુ તો કપાળ કૂટતી કૂટતી ઘેર આવીને કકળાટ કરવા લાગી. ત્યાં જ વહુએ આવીને હાર સાસુના હાથમાં મૂકતાં કહ્યું: “બા ! આ તમારો હાર મને કથરોટમાંથી મળ્યો છે, તમે નક્કી ભૂલી ગયા હશો.”
હવે સાસુના વિસ્મયનો પાર ના રહ્યો. આવું ચળીતર તો કદી જોયું નથી કે જાણ્યું નથી. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં. નક્કી આ વહુ ડાકણ લાગે છે. નક્કી મેલી વિદ્યા જાણતી લાગે છે. સાસુના મનમાં ગભરાટ વ્યાપ્યો. ડાકણનો ભરોસો નહીં. ખીજે તો લોહી પીતાં પણ ના અચકાય. કાલ ઊઠીને છોકરા થાય અને તેને ભરખી જાય તો વંશવેલો રહે નહીં.

સાસુના ગભરાટનો પાર નથી. આ ડાકણનો ઈલાજ કરવો પડશે. નહીં તો ધનોત-પનોત કાઢી નાંખશે. એ તો ગઈ રાજાના મહેલે. રાજાને બધી વાત કરી : “મારા છોકરાની વહુ ડાકણ છે. મેલી વિદ્યાની જાણકાર છે. જાત-જાતનાં ચળીતર કરે છે. પહેલાં અમને, પછી પડોશીને અને પછી ધીમે ધીમે આખા રાજને અને તમનેય ભરખી જશે, માટે એને મોતને ઘાટ ઉતારો.”

રાજા સમજુ અને વિવેકી હતો. જોયા જાણ્યા વગર સત્યને પારખ્યા વગર તે કોઈ પગલું ભરવા માંગતો નહોતો. એટલે એણે ડોશીને આશ્વાસન આપ્યું : “માજી! તમે શાંતિ રાખો. આ પવિત્ર પુરૂષોત્તમ માસ્સ ચાલે છે એટલે મારાથી કોઈ જીવહત્યા થાય નહીં. આ મહિનો પૂરો થયે હું ચોક્કસ તમારી વહુનો ઈલાજ કરીશ.” આમ રાજાએ ડોશીને ધીરજ બંધાવી. રાજાના વચનથી ડોશીને હૈયે શાંતિ થઈ.

મહિનો પૂરો થયા પછી રાજાએ મોટો યજ્ઞ કર્યો. વિદ્વાન બ્રાહ્મણોને નોંતર્યા. આખું ગામ યજ્ઞનાં દર્શને આવ્યું. વહુ બોલી કે “બા હુંય આવું. યજ્ઞનાં દર્શન થાય તો જનમારો સફળ થાય.” ત્યારે સાસુ ધમકાવતાં બોલી કે “બેસ, બેસ, ડાકણ ! કાંઈ આવવું નથી, ઘેર બેસી રહે.” વહુંને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાનીમાની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી.

હવનની પૂર્ણાહુતિ સમયે યજ્ઞમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને ગેબી વાણી સંભળાઈ : “હે રાજા ! તમે બધાએ ભલે મારું વ્રત કર્યું હોય, ભલે તમે દાન-દક્ષિણા આપી હોય, મારા હોમ-હવન-પૂજા કરી હોય, પણ મારુંવ્રત સાચા ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી માત્ર આ ડોશીના છોકરાની વહુએ જ કર્યું છે. તેના ભક્તિભાવના પ્રતાપે જ મેં ડોશીની ખોવાયેલી વીંટી અને હાર તેને કથરોટમાં આપ્યા હતાં. તેની મારા પ્રત્યેની સાચી શ્રદ્ધાએ મને સંતુષ્ટ કર્યો છે અને હું તેના પર ઘણો જ પ્રસન્ન થયો છું અને તેને આશીર્વાદ આપું છું કે તેનું સદાય કલ્યાણ થશે, તેના વ્રતના પ્રતાપે તારા રાજમાં સુખ-શાંતિ રહેશે અને બધા પ્રજાજનો સમૃદ્ધ બનશે.” આમ બોલી તે ગેબી વાણી શાંત થઈ ગઈ.

રાજા યજ્ઞમાં ભાગ લેવા આવનાર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનો આ ચમત્કાર જોઈ વહુના પગમાં પડી ગયા અને તેનો જય જયકાર કરવા લાગ્યા. સાસુ તો એવી ભોંઠી પડી ગઈ કે કાપોતો લોહી ના નીકળે. જે વહુને ડાકણ માનતી હતી, તે તો દેવી નીકળી. તેણે વહુની માફી માંગી.

આખી જિંદગી સુખ-સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ.

હે પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા ભોળી વહુને ફળ્યા, એવા સહુને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

આજે સૌને જય શ્રીકૃષ્ણ

આજે સૌને જય શ્રીકૃષ્ણ, કાલે વહેલા આવજો; આજે 0

હરિગુણ ગાવા, હરિરસ પીવા, આવે તેને લાવજો; આજે 0

મનમંદિરના ખૂણે ખૂણેથી, કચરો કાઢી નાખજો; આજે 0

અખંડ પ્રેમની જ્યોતને તમે, કાયમ જલતી રાખજો; આજે 0

વ્યવહારે પૂરા જ રહીને, પરમાર્થમાં પેસજો; આજે 0

સઘળી ફરજો અદા કરીને, સત્સંગમાં બેસજો; આજે 0

હરતાં ફરતાં કામો જ કરતાં, હૈયે હરિને રાખજો; આજે 0

માન બડાઈ છેટાં મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો; આજે 0

હૈયે હૈયા ખૂબ મિલાવી, હરિનું નામ દીપાવજો; આજે 0

ભક્તિ કેરાં અમૃત પીને, બીજાને પીવડાવજો; આજે 0

સૌમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતિ બોલજો; આજે 0

‘શંકર’ની શીખ હૈયે ધરી, હરિની શૂરતા સાધજો; આજે 0

***

બોલ મેરે ભૈયા, કૃષ્ણ કનૈયા, જશોદા કે છૈયા, કૃષ્ણ કનૈયા,

નંદન કે નંદા, કૃષ્ણ કનૈયા, બલિભદ્ર ભૈયા, કૃષ્ણ કનૈયા,

બંસી બજૈયા, કૃષ્ણ કનૈયા, ગૌઆ ચરૈયા, કૃષ્ણ કનૈયા,

રાધા રટૈયા, કૃષ્ણ કનૈયા, રાસ રચૈયા, કૃષ્ણ કનૈયા,

માખણ ચુરૈયા, કૃષ્ણ કનૈયા, બંસીકો બજૈયા, કૃષ્ણ કનૈયા,

ગિરિકો ઉઠૈયા, કૃષ્ણ કનૈયા, ‘રામદાસ’ ગૈયા, કૃષ્ણ કનૈયા.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીસમો અધ્યાય અને સાસુ વહુની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […] […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: