પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ઓગણત્રીસમો અધ્યાય અને અણમાનીતી રાણીની વાર્તા…..

by

ય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની ચૌદશ તો આ વદ ૧૪ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ઓગણત્રીસમો અધ્યાય અને અણમાનીતી રાણીની વાર્તા…..

 

અધ્યાય ઓગણત્રીસમો : સંધ્યાકાળના નિયમો

sandhyapuja

પુરૂષોત્તમ માસનો આવો મહિમા જોઈ દેવો પણ નવાઈ પામ્યા. નારદે પૂછ્યું : “હે નારાયણ ! આપે સવારે પૂજા કરવાની વિધિ બતાવી, હવે દિવસના પાછલા ભાગમાં વ્યક્તિએ શું કરવું તે કહો.”

શ્રી નારાયણ બોલ્યા : “સવારેધ્યાન-પૂજા કર્યા પછી મધ્યાહને શું કાર્યો કરવા તે જણાવું છું. આ માસમાં મધ્યાહને પંચમહાયજ્ઞો કરવા. અન્નનું બલિદાન મૂકવું. અતિથિને જમાડવો. ગાય, કાગડાઅને કૂતરાને અન્નદાન આપવું.  ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું. ભોજન કરતાં પહેલાં ‘સત્યં ત્વર્નેપ પરિપિત્થિમિ’ એ મંત્રનો ઉચ્ચાર કરી પાત્રની ચોતરફ હાથથી પાણીની ધારા કરીને ત્રણ ઢગલી ચોખાની મૂકવી અથવા જે ભોજન થાળીમાં હોય તેમાંથી થોડું થોડું મૂકવું. ભોજન કરતી વખતે કોઈ નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસ્સન ઉપર બેસવું. યોગીએ આઠ કોળિયા, વાનપ્રસ્થે સોળ કોળિયા, ગૃહસ્થાશ્રમીએ બત્રીસ કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું. બ્રાહ્મણ,ક્ષત્રિય તથા વૈશ્યે શાસ્ત્ર વિરુદ્ધ આહાર લેવો નહીં.

વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી. અગસ્ત્ય મુનિને યાદ કરવા. શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવું.

સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘેર અવી ફરી હાથ-પગ ધોઈ સાયં-સંધ્યા કરવી જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે તેનું બ્રહ્મતેજ વધે છે ને જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો. ગાયત્રી જપ કરે છે તે ચૌદલોકમાં પુજાય છે. દશે દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા-કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. શયન કરતી વખતે પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું અને યાત્રા કે પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલાં, ઓશીકા વિના સૂવું નહીં. સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચઋષિઓનું ધ્યાન ધરવું.

પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના બે પ્રહર જ સૂવું, માંસ અને દારૂનો ત્યાગ કરવો. પરસ્ત્રીનો સ્પર્શ ટાળવો અને મર્યાદામાં રહેવું. પોતાના આપ્તજનો પ્રત્યે સમાન ભાવ રાખવો. બીજા ધર્મની નિંદા ન કરવી. આબધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી વૈકુંઠલોકને પામે છે.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“સંધ્યાકાળના નિયમો” નામનો ઓગણત્રીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

અણમાનીતી રાણીની વાર્તા

anmaniti rani

ચિત્રસેન રાજાને બે રાણી. એક માનીતી અને બીજી અણમાનીતી. માનીતી રાણી એશ કરે અને અણમાનીતી ઠેબાં ખાય. રાજા અણમાનીતીને કદી બોલાવે પણ નહી. દાસી રોજ ભોજન આપી જાય અને અણમાનીતી એ ખાઈને પેટ ભરે. માનીતી રૂપરૂપનો અંબાર. જાણે કાચની પૂતળી ! પણ અદેખી અને અભિમાની. જ્યારે અણમાનીતીનો દેખાવ સામાન્ય, પણ દયાળું અને સર્વ ગુણોનો ભંડાર ! એમાં વળી માનીતીને પુત્ર જન્મ્યો. પછી તો ધરતીથી વેંત ઊંચી ચાલવા લાગી.

એમ કરતાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. અણમાનીતીએ વ્રત લીધું. રોજ વહેલી સવારે નદીએ નહાવા જાય. કથા-વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે, એકટાણું કરે, પ્રભુસ્મરણ કરે અને ભજન ગાય. આ જોઈને માનીતીના પેટમાં તેલ રેડાય. એણે વ્રત તોડાવવા માટે વધ્યું-ઘટ્યું એંઠું ભોજન મોકલવા માંડ્યું, પણ અણમાનીતી સમજી ગઈ કે માનીતી વ્રત તોડાવવા માંગે છે, આથી તેણે એકટાણાં છોડીને નકોરડા ઉપવાસ શરૂ કરી દીધા. આથી ઝેરીલા સ્વભાવની માનીતી રાણી છંછેડાઈ અને રાજાના કાન ભંભેર્યા કે તમને મારી નાખવા માટે આ ચુડેલ આવા વ્રત કરે છે. તમે મરો તો એના પિયરિયાને રાજ મળે.

માનીતીની આંખે જ જોતા રાજાએ વાત સાચી માની લીધી અને તેણે રોષે ભરાઈને અણમાનીતીને કાઢી મૂકી. બિચારી અણમાનીતી તો રડતી કકળતી ચાલી નીકળી. લથડીયા ખાતી જાય અને આગળ વધતી જાય. રસ્તામાં એક તરસી ગાય મળી. રાણીથી જોયું ના ગયું. તરત જ તેણે કૂવેથી પાણી લાવી ગાયને પાયું અને આગળ વધી. આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું. રાણીએ ત્યાં વાળીચોળીને ચોખ્ખુચણાક કરી નાખ્યું. જળ લઈને શિવને ચઢાવ્યું. બિલિપત્ર લાવી શિવની પૂજા કરી, પછી આગળ વધી. આગળ જતાં બે નાગ એકબીજાના પ્રાણના તરસ્યાથયા હોય તેમ ઝનૂનથી લડતા હતા. રાણીએ બંનેને સમજાવીને શાંત કર્યા. થોડી વાર થાક ખાઈ આગળ વધી. અન્નજળ લીધા વગર સાત દિવસ સુધી ચાલતી રહી. ભૂખના લીધે આંખે અંધારા આવતા હતા. પગ લથડતા હતા, તોય હિંમતથી ચાલતી રહી. આઠમા દિવસે એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી.

ઋષિ દયાળુ હતા. રાણીને શીતળ જળ છાંટી ભાનમાં લાવ્યા પછી બોલ્યા : “હે બહેન ! તું કોણ છે ? અને તારી આવી હાલત કેમ થઈ ?”  રાણીએ અશ્રુભીના સ્વરે બધી વિગત જણાવી. તેની વાત સાંભળી ઋષિને દયા આવી અને બોલ્યા : “હે દેવી ! તેં પૂર્ણ શ્રદ્ધાભાવે પુરૂષોત્તમ પ્રભુને સેવ્યા છે તેથી તારો જન્મ સાર્થક થઈ ગયો. પ્રભુ પુરૂષોત્તમ તારા ઉપર ઘણા જ પ્રસન્ન થયા છે અને એમની કૃપાથી આ ક્ષણથી જ તારા સમસ્ત દુ:ખોનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે તારી કાયા કંચનવરણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે, જે તારી કીર્તિ વધારશે અને અંતકાળે તું વૈકુંઠ પામીશ.”

રાણી પાછી ફરી. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. રાણીને બહેન કહીને બોલાવી અને ધનનાં સાત ગાડાં આપ્યાં.

આગળ જતાં શિવાલય આવ્યું. રાણીએ શિવજીની પૂજા કરી જળ ચઢાવ્યું. તરત જ શિવજીએ પ્રગટ થઈ સ્વહસ્તે પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતાં જ રાણીની કાયા કંચનવરણી થઈ ગઈ. જાણે ચંદ્ર સૂર્યના તેજ મળ્યાં હોય એવું દેવતાઈ રૂપ થઈ ગયું.

આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતાં કહ્યું : “રાણી ! તેં મારી તરસ છિપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યાં મિષ્ટાન્ન મળશે.”

રાણી ચાલતી ચાલતી પોતાના નગર પાસે આવી. નગરના દરવાજે ગાયોનો ગોવાળ મળ્યો. રાણીનું સુંદર સ્વરૂપ જોઈ તે આભો બની ગયો અને દોડતો રાજમહેલે ગયો અને રાજા-રાણીને સમાચાર આપ્યાં કે રાણીજી આવ્યા છે. સાક્ષાત દેવી મા જેવું રૂપ છે. રાજા-રાણી આ સાંભળી અચરજ પામ્યા અને દોડતા નગરના દરવાજે ગયા તો રાણીનુંતેજ જોઈ આભા બની ગયા. રાણી સાથે કરેલા વહેવારથી અપરાધભાવ અનુભવી અને પશ્ચાતાપ કરવા લાગ્યા. રાજા-રાણીએ અણમાનીતીની માફી માંગી. પુરૂષોત્તમ પ્રભુએ રાજા-રાણીનું હૃદય પલટાવી નાખ્યું. રાણીનાં વાજતે ગાજતે સામૈયા થયાં.

સમય જતાં રાણીએ પુત્રને જન્મ આપ્યો.જીવનભર સુખ ભોગવીને રાણી અંતકાળે સદેહે સ્વર્ગે ગઈ.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા, એવા સહુને ફળજો.

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

જય શ્રીકૃષ્ણ કહેવાની મને ટેવ પડી

 

જય શ્રીકૃષ્ણ કહેવાની મને ટેવ પડી… (ટેક)

મારા વાલાજીને વીસરું ન એક ઘડી

મારા શામળિયાને છોડું નએક ઘડી… જય 0

પીળાં પીતાંબર જરકશી જામા ધર્યા

વ્હાલે કંઠે મોતીની માળા ધરી… જય 0

કાને કુંડલ મસ્તકે મુગટ ધર્યા

વ્હાલે મુખ પર મોરલી અધર ધરી… જય 0

ચાર ચોક વચ્ચે હરિએ મંદિર બાંધ્યા

વ્હાલો આપ બિરાજે છપ્પર ધરી… જય 0

શંખ ચક્ર ગદા ને વળી પદ્મ ધર્યા

વ્હાલો ચાલે છે ચાલ લટકતી રુડી… જય 0

ત્યાં તો રાધા ને કૃષ્ણ બિરાજે છે

સામા મહારાણીજી ઊભા માળા ધરે… જય 0

ત્યાં તો વૈષ્ણવની ભીડ ઘણી રે ઘણી

ચાલો ઝાપટિયાની ઝાપટ વાગે તડા રે તડી… જય 0

હું તો પાયે પડું છું લળી રે લળી

મને ચરણમાં રાખો સદાય હરિ… જય 0

હું તો કર જોડીને કરું વિનંતી રે

વ્હાલો વ્રજમાં તે વાસ આપો સદાય હરિ… જય 0

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ઓગણત્રીસમો અધ્યાય અને અણમાનીતી રાણીની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […] […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: