પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચોવીસમો અધ્યાય અને ગૌસેવાનું ફળ નામની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની નોમ તો આ વદ ૯ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચોવીસમો અધ્યાય અને ગૌસેવાનું ફળ નામની વાર્તા…..

 

અધ્યાય ચોવીસમો : દીપદાનનું માહાત્મ્ય

Dipakjyot

મણિગ્રીવ બોલ્યો : “ હે મુનિશ્રેષ્ઠ ! ચમત્કારપુર નામે સુંદર શહેર છે. ત્યાં હું મારી પત્ની સાથે રહેતો હતો. રાજાએ મારું ઘર લૂંટી લીધું. ધન પણ મારા કુટુંબીઓએ લઈ લીધું. સર્વ લોકોએ મારો તિરસ્કાર કર્યો તેથી હું આ એકાંત જંગલમાં વસવાટ કરું છું. હે બ્રાહ્મણ ! મારા જેવા પાપી પર હવે આપ કૃપા કરો જેથી મારું દારિદ્ર નાશ પામે અને અતુલ વૈભવ મેળવી હું સુખપૂર્વક જીવન ગાળું.”

ઋષિ ઉગ્રદેવ બોલ્યા: “હે મહાભાગ્યશાળી ! તેં મારો અતિથિ સત્કાર કર્યો છે. ભૂખ-તરસથી પીડાતા મને તેં નવજીવન આપ્યું છે. હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. હું તને આશીર્વાદ આપું છે કે તારું તારી પત્ની સહિત કલ્યાણ થશે. કોઈ પણ સમયે ભગવાન સામે જો દીવો કરવામાં આવે તો તે મનુષ્યની લક્ષ્મી વધારનાર થાય છે. તો પુરૂષોત્તમ માસમાં જો વિધિપૂર્વક દીવો કરવામાં આવે તો એમાં કહેવાનું શું ?એટલું જ નહીં, પણ કુરુ વગેરે ઉત્તમ ક્ષેત્રો તથા દંડકાદિ વનો પણ શ્રી પુરૂષોત્તમ ભગવાન સમક્ષ કરેલા દીવાની સોળમી યોગ્યતાને પ્રાપ્ત થતા નથી. માટે તમે આવનારા પુરૂષોત્તમ મહિનામાં પુરૂષોત્તમ વ્રત-પૂજા કરજો. ઘીનો દીવો કરજો, ઘી ના હોય તો તલના તેલનો કે ઈઁગોરિયાના તેલનો દીવો કરજો.”

“હે પુત્ર ! આ વ્રત અતિશય ગુપ્ત છે અને તે જેને તેને કહેવા જેવું પણ નથી. દીપદાનનો મહિમા ઘણો મોટો છે. અને તે સર્વ પ્રકારની સંપત્તિ, ધન, પુત્ર, પૌત્ર તથા યશને આપનાર છે. કુમારિકાને યોગ્ય વર આપનાર, સ્ત્રીને સૌભાગ્ય આપનાર, વાંઝણી સ્ત્રીના વાંઝિયાપણાને દૂર કરનાર છે. આ સાધના તીવ્ર દારિદ્રયનો નાશ કરનારી છે અને તે આજે મેં તને જણાવી છે.” આમ, બંને પતિ-પત્નીને આશીર્વાદ આપી મુનિ ચાલી નીકળ્યા.

પુરૂષોત્તમ માસ આવતાં બંને પતિ-પત્નીએ પૂર્ણ ભક્તિથી પુરૂષોત્તમ વ્રત કર્યું અને વૈભવપ્રાપ્તિ માટે ઈઁગોરિયાના તેલથી ભગવાન સામે દીવો કરવા માંડ્યો. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પ્રભાવથી તેમનાં સર્વ પાપો નાશ પામ્યાં અને ત્યાંના ભોગો ભોગવીને જ બંને સ્ત્રી-પુરૂષ આ ભારત ક્ષેત્રની ભૂમિ પર પાછા જન્મ પામ્યા.

પૂર્વજન્મના મણિગ્રીવ તથા સુંદરી, એ જ ચિત્રબાહુ અને ચંદ્રકળા થયા. જે મણિગ્રીવ પૂર્વ જન્મમાં મૃગોની હિંસા કરવા તત્પર રહેતો હતો તે જ વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ નામે પ્રખ્યાત થયો છે. તારી જે પત્ની હતી તે જ હમણાં ચંદ્રકળા નામની તારી રાણી થઈ છે.

શ્રી પુરૂષોત્તમ માસમાં ઈઁગોરિયાના તેલનો દીવો ભગવાન સામે કરવાથી તેને નિષ્કંટક રાજ્યની જો પ્રાપ્તિ થઈ તો જે મનુષ્ય શ્રી પુરૂષોત્તમ માસમાં ઘી કે તલના તેલનો અખંડ દીવો જો કરે તો શું પ્રાપ્ત ન થાય ? તો પછી ઉપવાસ વગેરેથી જે કોઈ મનુષ્ય પુરૂષોત્તમ માસનું સેવન કરે, તેના ફળની તો વાત જ શી કરવી ?

અગસ્ત્ય ઋષિએ એ પ્રમાણે ચિત્રબાહુનો પૂર્વજન્મનો વૃતાંત કહ્યો અને પછી તે રાજાએ કરેલો સત્કાર સ્વીકારી તેને અક્ષય આશીર્વાદ આપી ત્યાંથી વિદાય લીધી.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“દીપદાનનું માહાત્મ્ય” નામનો ચોવીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ગૌસેવાનું ફળ

gauseva

એક નગરમાં એક વિધવા સોનારણ રહે. એકલી ને અટૂલી. નહી દીકરો કે દીકરી. દળણા દળે, પ્રભુનું નામ લે અને જીવતરના દા’ડા વીતાવે.

એક દિવસ ગામમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એક દિવસ કથાકારે યજ્ઞનું માહાત્મ્ય સમજાવ્યું. સોનારણને યજ્ઞ કરવાની ઘણી ઈચ્છા થઈ પણ ઘરમાં ખાવા લોટ નહી ત્યાં યજ્ઞ શાનો કરવો ? એક બપોરે એ કથાકાર પાસેગઈ અને પોતાની ઈચ્છા જણાવી. કથાકાર જ્ઞાની હતો.  એ બોલ્યો કે જેની પાસે ધન ન હોય એ જો સેવાયજ્ઞ અને શ્રમયજ્ઞ કરે તો એનું જીવન સફળ થઈ જાય. સોનારણે ત્યાં ને ત્યાં સેવા યજ્ઞનો સંકલ્પ કર્યો.

ગામને પાદર એક વૃદ્ધ મહાત્મા ઝૂંપડી બાંધીને રહે. સોનારણ તો બ્રાહ્મમુહૂર્તે ત્યાં પહોંચી જાય. મહાત્મા નદીએ સ્નાન કરવા ગયા હોય. સોનારણ ઝૂંપડી વાળે, આંગણામાં પાણી છાંટે, રંગોળી પૂરે, આસોપાલવનાં તોરણ બાંધે, જળ ભરી દે.

મહાત્મા રોજ વિચાર કરે કે રોજ કોણ આવીને આ બધું કરી જાય છે ? એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ બધું કામ આટોપીને જવા લાગી ત્યારે મહાત્માએ એને રોકીઅને પૂછ્યું કે “તું કોણ છે ? શા હેતુથી મારી સેવા કરે છે ?”

સોનારણે પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત જણાવી ત્યારે મહાત્મા બોલ્યા કે “કાલથી પવિત્ર પુરૂષોત્તમ શરૂ થાય છે. તું વ્રત કરજે અને ગાયની સેવા કરજે. તને ત્રીસ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે.”

સોનારણ તો રાજી થતી ઘેર આવી. વ્રતનો સંકલ્પ કર્યો. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને આખો મહિનો ગાયની સેવા-પૂજા કરી. યથાશક્તિ દાન કર્યું. વ્રત પૂર્ણ થતાં ઉજવણું કર્યું.

હવે બન્યું એવું કે એ નગરના રાજાનો સોળ વર્ષનો કુંવર માંદો પડ્યો. આખા શરીરે દાહ ઊઠ્યો. લાય બળવા લાગી. રાજાએ વૈદ્ય-હકીમ બોલાવ્યા. ભુવા-ભરાડી બોલાવ્યા પણ કુંવર સાજો થતો નથી. પીડા વધતી જાય છે. ખાઈ-પી શકતો નથી. રાજાથી કુંવરની હાલત જોઈ જતી નથી.

એક દિવસ રાજાના મહેલે એક સિધ્ધ આવ્યા. રાજાએ સિધ્ધની ખૂબ સેવા કરી. રાજાની સેવા-ભક્તિથી સિદ્ધા રાજા  ઉપર પ્રસન્ન થયા. પછી કુંવરની પીડાની વાત કરી. સિધ્ધ પોતાના યોગબળથી બધું જાણી ગયા અને બોલ્યા:”હે રાજા ! તારો પુત્ર પુર્વજન્મનાં કર્મોના લીધે પીડા ભોગવે છે. તારા પુત્રની પીડા દૂર કરનારી કોઈ દવા જગતમાં નથી. હા, જે કોઈ એને પાંચ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપે તો જ એ સાજો થાય.

રસ્તો દેખાડીને સિધ્ધ તો ચાલ્યા ગયા. રાજા મુંઝાયો. ચક્રવર્તી રાજા પણ એકાદ અશ્વમેઘ યજ્ઞ માંડ કરી શકે ત્યાં પાંચ અશ્વમેઘ યજ્ઞકર્યા હોય તેવો પુણ્યશાળી ક્યાંથી મળશે ? પણ ડૂબતો માણસ તણખલું પકડે.પુત્રની પીડા જોવાતી નથી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ પાંચ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપીને કુંવરનો દાહ મટાડશે એને સવા લાખ સોનામહોરોનું ઈનામ મળશે.

સતત ત્રણ દિવસ સુધી ઢંઢેરો પિટાવ્યો પણ કોઈ આવતું નથી. રાજા હતાશ થઈ ગયો. પુત્રના મોતના ભણકારા થવા લાગ્યા. આ ઢંઢેરો સોનારણે પણ સાંભળ્યો. તેને મહાત્માની વાત યાદ આવી. લાવ હું જઈને ખાતરી કરું કે મહાત્માની વાત સાચી કે ખોટી. એટલે ચોથા દિવસે સોનારણ આવી. એનો વેશ જોઈ પહેરગીરે અંદર ન આવવા દીધી. સોનારણે ઘણી આજીજી કરી ત્યારે માંડ અંદર આવી શકી. રાજાને વાત કરી કે હું પાંચ અશ્વમેઘનું પુણ્ય આપવા આવી છું ત્યારે રાજા વિચારમાં પડી ગયો. પાંચ પૈસાની દક્ષિણા આપવાનોય વેંત ન હોય એવા આ બાઈના દરહણ હતા, ત્યાં પાંચ અશ્વમેઘ ક્યાંથી કરવાની હતી ?

રાજાને વિચારમાં પડેલા જોઈ સોનારણે મહાત્માની વાત કરી અને હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો. જળ છાંટતાં જ કુંવરનો દાહ મટી ગયો. ઉંહ … હાશ… કરતો કુંવર ખિલખિલાટ હસવા લાગ્યો. રાજા રાની અને કુંવર સોનારણના પગમાં પડી ગયાં અને સોનારણને સવા લાખ સોનામહોર આપી.

સોનારણે મળેલું ધન ધર્મકાર્યોમાં વાપર્યું. આજીવન વ્રત કર્યું અને ગૌ સેવા કરી. વ્રત તથા ગૌ સેવાના પુણ્યબળે એ સદેહે વૈકુંઠમાં ગઈ.

હે પુરૂષોત્તમ રાય  ! તમે જેવા સોનારણને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

પ્રગટ્યા શ્રી પુરૂષોત્તમ કંકુને પગલે

પ્રગટ્યા શ્રી પુરૂષોત્તમ કંકુને પગલે

સોના છરીએ બાળની નાળ વધારી રે

રૂપા છરીએ બાળની નાળ વધારી રે

પાણી સાટે બાળને દૂધડાયે નવરાવ્યા રે

ચોખા સાટે બાળને મોતીડે વધાવ્યા રે

હીર સાટે બાળને ચીરે વીંટાળ્યા રે

ઘોડિયા સાટે બાળને પારણિયે પોઢાડ્યા રે

એક આવીને બાળને બાળુડો કહેશે

બીજી આવીને બાળને બળભદ્ર કહેશે

ત્રીજી આવીને બાળને ત્રિભોવન કહેશે

ચોથી આવીને બાળને ચત્રભુજ કહેશે

પાંચમી આવીને બાળને પુરૂષોત્તમ કહેશે

ફઈબાના બોલ વિના અબોલા રે લેશે

ફઈબા આવીને બાળના ફઈયારાં લાવે

માસિ આવીને બાળના મોસાળાં લાવે

ડગમગુ દોરો ને કેડમાં કંદોરો

ડગલો પહેરીને બાળે મૂકી છે દોટ

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી

બાળને ઝુલાવી ગોપી મહાસુખ પામી

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: