પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બાવીસમો અધ્યાય અને ઉમા માની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની સાત તો આ વદ ૭ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બાવીસમો અધ્યાય અને ઉમા માની વાર્તા…..

 

અધ્યાય બાવીસમો : પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો

astroprofit-vishnu-555x741

મહર્ષિ વાલ્મીકિને હાથ જોડીને દ્રઢધન્વા રાજાએ પૂછ્યું : “હે મુનિ ! આ પુરૂષોત્તમ માસમાં વ્રત કરનારે ક્યા ક્યા નિયમો પાળવાના છે ? એ બતાવો.”

ઋષિ બોલ્યા : “હે રાજન ! પુરૂષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, કેળાં, સિંધવ, દહીં, ફણસ, આંબો, હરડે, જીરૂ, સૂંઠ, આમલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે હવિષ્યાન્ન તથા ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, બે દાળ થાય તેવું ધાન્ય, રાઈ, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન, ઝેર-કાંકરાથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું, વાણીથી દૂષિત થયેલું અન્ન લેવું નહીં. પરદ્રોહ ન કરવો. પરસ્ત્રીનું ગમન કરવું નહીં અને તીર્થ સિવાયની બીજી મુસાફરી છોડી દેવી. આ માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, મહાત્મા તથા વ્રત કરનારની નિંદા કરવી નહીં, જાયફળ, મસુર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસના દૂધ સિવાય બીજા કોઈ પ્રાણીનું દૂધ, જે માંસ ગણાય છે તથા તાંબાના વાસણમાં રહેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધાનો ત્યાગ કરવો.

પ્રત્યેક સ્ત્રી-પુરૂષે વ્રતમાં બ્રહ્મચર્ય પાળવું. પતરાળીમાં જમવું, ચોથે પહોરે જમવું, રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું, અત્યંત, મ્લેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સંસ્કારહીનો સાથે બોલવું નહીં, કાગડાએ એંઠું કરેલું અન્ન કે જળ, સૂતકીનું, બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ખાવું નહીં, કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડાં, મૂળો અને સરગવાની શીંગો ખાવી નહી. આ બધા પદાર્થ તજી દેવા.

ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ચાંદ્રાયણ આદિ વ્રતો કરવાં. પડવાને દિવસે કોળું, બીજને દિવસે રંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચોથે મૂળા, પાંચમે નિલું, છઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આંબળા, નોમે નાળિયેર, દશમે દૂધી, અગિયારસે પંડોળું, બારશે બોર, તેરસે કાળાં રીંગણ, ચૌદશે વેલાનું શાક, પૂનમે પાણીમાં થનારા શાક લેવાં નહીં. રવિવારે આમળા ખાવા નહીં. જે પદાર્થોનો ત્યાગ કર્યો હોય તે પદાર્થો બ્રાહ્મણોને દાન કર્યા પછી જ ખાવાં. આ પ્રમાણે કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખો પુરૂષોત્તમ માસ ઉપવાસ કરવો. તેમ નબને તો માગ્યાવિનાના ઘી કે દૂધ ઉપર કે ફળાહાર ઉપર રહેવું. વ્રતનો આરંભ થયાને દિવસે સવારમાં વહેલા ઊઠીને સ્નાનાદિથી પરવારી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો અને નિયમપૂર્વક આખો માસ વૃતાચરણ કરવું. આ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદભાગવત સાંભળવું. બની શકે તો એક લાખ તુલસીદલથી શાલિગ્રામની પૂજા કરવી. તેનું પુણ્ય અનંત છે. આ માસમાં વ્રત કરનારને સો યજ્ઞ કરવાનું ફળ મળે છે. જે આ વ્રત કરે છે તેને, હાથીઓ જેમ સિંહને જોઈ નાસી જાય છે તેમ યમના દૂતો નાસી જાય છે. આ વ્રત કરનારને કોઈ જાતની આધિવ્યાધિ કે ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે, સુખ,સંપતિમાં વૃદ્ધિ થાય છે અને સંતાન તથા અમર કીર્તિ પ્રાપ્ત થાય છે. ભૂત, પ્રેતકે પિશાચ તેને પીડી શકતા નથી. “હે રાજન ! આવા હરિભક્તનું ઈન્દ્રાદિ દેવતાઓ તેનું સર્વ વિધ્નોથી રક્ષણ કરે છે. જે વિધિપૂર્વક પુરૂષોત્તમ માસનું વ્રત કરે છે, તેનું ફળ કહેવા બ્રહ્માજી, શારદા કે સાક્ષાત હજાર મુખવાળા શેષનાગ પણ સમર્થ નથી.જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન રાસિકેશ્વરનું આ ઉત્તમ વ્રત કરે છે, અંતે તે અનેક સુખો ભોગવીને શ્રી વિષ્ણુ ભગવાનના લોકમાં જાય છે.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો” નામનો બાવીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ઉમા માની વાર્તા

umama

પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલતો હતો ત્યારે એક દિવસ શિવ-પાર્વતી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં એક ગામમાં આવ્યાં. એક ખેતર પાસેથી પસાર થતાં એક બાજરીયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. લીલોછમ મીઠો-કૂણો બાજરો જોઈ, પાર્વતીજીથી રહેવાયું નહીં અને એ તો બાજરીયું મસળીને લીલોછમ બાજરો ખાવા લાગ્યા. થોડોક ખાધો ત્યાં શિવજી બોલ્યા : “હે દેવી ! માલિકને પૂછ્યા વગર ખાવું એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યાં.” ત્યારે પાર્વતીજીને પણ શિવજીની વાત સાચી લાગી. તેમણે પૂછ્યું : “તમારી વાત તદ્દન સાચી છે. હું દોષમાં પડી છું. પણ એનો કોઈ ઉપાય તો હશે ને ?” શિવજી બોલ્યા : “ હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘેર રહીને કામ કરો.”

પાર્વતીજીએ તો હસીને સજા સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘેર. પુરૂષોત્તમ મહિનો હતો એટલે ખેડૂત અને એની પત્ની નદીએ નહાવા અને દેવદર્શને ગયા હતાં. નવ વર્ષની દીકરીએ મીઠો આવકાર આપી પાણી પાયું. ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી : “મને કામે રાખો. જગતમાં એકલી છું. એક ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ.”

ખેડૂત ગરીબ હતો, પણ ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો : “ભલે બહેન ! ખુશીથી રહો. થાય એ કામ કરજો. તમારું શું નામ છે ?”

“ભાઈ ! લોકો મને ઉમાના નામથી બોલાવે છે.”

જગતજનનીનાં પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યાં. સો ગણો પાક થયો. ગામમાંથી રોગ-દોગ-શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળીમળી ગયાં કે ઉમા મા… ઉમા મા… કર્તાં સૌના મુખ શોભવા લાગ્યાં.

પાવન પુરૂષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઊજવ્યું, બ્રાહ્મણ જમાડ્યા. પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય. એમ કરતાં ત્રણસો દિવસ પૂરા થયા. પાંસઠ દિવસ બાકી રહ્યા ત્યારે ગામે સંઘ કાઢી કાશીની જાતરા કરવાનું નક્કી કર્યું. ખેડૂત અને એની પત્નીને પણ સંઘમાં કાશીએ જવાની ઈચ્છા થઈ, પણ દીકરી નાની હતી એટલે એને ઘેર રાખવી પડે તેમ હતી અને તેની સંભાળ કોણ રાખે ? ઉમામા ખેડૂતની મૂંઝવણ સમજી ગયાં અને બોલ્યા : “ભાઈ ! તમ તમારે નિરાંતે ભાભીને લઈ કાશીએ જાવ, હું દીકરીની અને ઘરની સંભાળ રાખીશ.” મૂંઝવણ ટળતાં નચિંત બની ગયેલા ખેડૂત દંપતી દીકરી અને ઘર ઉમા માને ભળાવી સંઘમાં જોડાયા. સંઘ ઊપડ્યો ત્યારે ઉમા માએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતાં કહ્યું કે “ભાઈ !ગંગાને કહેજો કે ઉમા માએ મોકલ્યું છે. હાથોહાથ લેતો જ આપજો.” ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું.

રસ્તામાં આવતાં તીર્થોના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો. પાંચ દિવસ સૌ રોકાયા.ગંગાસ્નાન કર્યું. ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અર્ધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે. જઈને વિનંતી કરી કે જો સંઘ પાંચ દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા.

આ બાજુ સવાર પડતાં સંઘપતિએ તંબુઓ ને રાવટી સંકેલી લીધી. બધો સામાન ગાડામાં લાદી આગળ વધવાનો આદેશ આપ્યો. પણ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી, પણ બળદ ડગલુંય ન ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું.

પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું. પછી ગંગાને પ્રાર્થના કરી : “ઉમા આએ કપડું મોકલ્યું છે. હાથોહાથ સ્વીકારો તો જ આપવાનું છે.” ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી બે રત્નકંકણ પહેરેલા હાથ બહાર આવ્યા.કપડું સ્વીકારીને અદ્રશ્ય થઈ ગયા. આવું સત જોઈ ખેડૂત ગદગદ થઈ ગયો.

ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેરવ્યો, ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા. બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાજતે ગાજતે સામૈયા થયા. ખેડૂતે સંઘ જમણ કર્યું.

આમ કરતાં ત્રણસો ને સાંઈઠ દિવસ વીતી ગયા. પાંચ દિવસ રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા : “ ભાભી ! આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. કોઈ દિ’ ગઈ નથી. આજ તો જવું છે.” ઉમા મા તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જુએ છે, પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું કે “આજ ભાત દેવા કેમ ના આવી ?” ત્યારે પત્ની બોલી કે “ભાત દેવા તો ઉમા મા સવારના નીકળ્યા છે, તે તમને મળ્યાં નથી ?”

ખેડૂતને ચિંતા થઈ. આખા ગામમાં ઘેર ઘેર તપાસ કરી. ખેતરે ખેતરે શોધ કરી.પણ ઉમા મા ન મળ્યાં. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે “હવે તો ઉમાબેન આવીને થાળી પીરસે તો જ જમવું, નહિતર ભૂખ્યા પ્રાણ તજવા.” ચાર દિવસ વીતી ગયા. ખેડૂત નથી અન્ન લેતો નથી જળ લેતો. પત્નીએ પણ અન્નજળ ત્યાગ્યાં. ખેડૂતની આવી અગાધ ભક્તિ જોઈ પાંચમા દિવસે પાર્વતી પ્રગટ થયાં. ખેડૂત દંપતિ ભાવવિભોર થઈ પાર્વતીના પગમાં પડી ગયું. તત્કાળ પાર્વતીએ આદ્યશક્તિનું રૂપ ધારણ કર્યું અને પતિ-પત્નીને આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યાં ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે “મા ! મારે એકેય ભાઈ નથી. હું રાખડી કોને બાંધું ?” દેવીએ આશીર્વાદ દીધા કે નવા માસે પુત્ર જન્મશે.આદ્યશક્તિ અંતર્ધ્યાન થયાં. ખેડૂત દંપતિ આનંદ પામ્યાં. અવતાર ધન્ય થઈ ગયો. પાર્વતીના આશીર્વાદથી ખેડૂતની પત્નીએ પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરૂષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂતદંપતિ મહાફળ પામ્યા.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

આંબો અખંડ ભુવનથી ઊતર્યો

 

આંબો અખંડ ભુવનથી ઊતર્યો, વ્રજભૂમિમાં આંબાનો વાસ;

સખી રે આંબો રોપિયો…  ૧

 

આંબે વસુદેવજીએ બીજ વાવ્યાં, હવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ;

સખી રે આંબો રોપિયો…   ૨

 

આંબે યશોદાજીએ જળ સિંચ્યા, નંદ ગોપ આંબાના રખવાળ;

સખી રે આંબો રોપિયો…

 

બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા,

મુનિ નારદે કીધા છે જાણ. સખી રે 0

 

વ્યાસ મુનિએચાર પત્ર કર્યા,

તેના નવા ખંડમાં છે નામ. સખી રે 0

 

આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો,

તેની સેવનારી છે વ્રજનારી. સખી રે 0   ૫

 

દ્વાદશસ્કંદ આંબાના થડ થયા,

ત્રણસો પાંત્રીસ અધ્યાય છે ડાળ. સખી રે 0  ૬

 

અઢાર હજાર શ્ર્લોકના આંબે તીર થયા,

પોણોસો લક્ષ અક્ષર આંબે પાન. સખી રે 0   ૭

 

કલ્પવૃક્ષ થઈ આંબો દુઝિયો,

એની ચૌદ ભુવનમાં છે છાંય. સખી રે 0   ૮

 

પ્રકરણ તેતાલીસનાં આંબે ઝૂમખાં,

શ્રીમદ ભાગવત આંબાના ફળ. સખી રે 0   ૯

 

તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા,

પરીક્ષિત બેઠા છે ગંગાને તીર. સખી રે 0   ૧૦

 

તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં,

ખરો અનુગ્રહનો આધાર. સખી રે 0   ૧૧

 

સાત દિવસમાં કૃષ્ણપદ મળ્યું,

જય શ્રી પુરૂષોત્તમ અભિરામ. સખી રે 0  ૧૨

 

આંબો ગાયે શીખે અને સાંભળે,

એનો ચરણ કમલમાં વાસ. સખી રે 0  ૧૩

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બાવીસમો અધ્યાય અને ઉમા માની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […] […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: