પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો એકવીસમો અધ્યાય અને ભગવાને ભૂખ ભાંગી નામની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠ તો આ વદ ૬ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો એકવીસમો અધ્યાય અને ભગવાને ભૂખ ભાંગી નામની વાર્તા…..

 

અધ્યાય એકવીસમો : પુરૂષોત્તમની પૂજનવિધિ

Lord Vishnu

વાલ્મીકિ કહે છે કે “હે રાજા ! મેં તારા આગળ પુરૂષોત્તમ માસનો વ્રતવિધિ કહી સંભળાવ્યો. હવે એનો પૂજાવિધિ કહું છું. સુવર્ણની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તે સિવાય તેમાં દેવતાનો વાસ થતો નથી. જમણા હાથથી પ્રતિમાના બે ગાલનો સ્પર્શ કરવો. તે પછી તેમાં શ્રી પુરૂષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું. પવિત્ર બનીને ષોડશોપચારથી પૂજન કરી એ પ્રતિમા સામે હાથ જોડીને કહેવું કે “હે પ્રભો !  મારે આપની પૂજા કરવી છે, આપ પધારો !” ત્યાર પછી તેમને આસન આપવું; જળથી આચમની મૂકવી અને કહેવું કે “પ્રભો! ગંગા અને યમુનાનું પવિત્ર જળ હું આપને આચમનમાં સમર્પું છું.” ત્યાર પછી ઈચ્છાઓ પૂર્ણ થવાની ભાવના સાથે તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવી તીર્થના જળથી સ્નાન કરાવવું,સ્વચ્છ પીતાંબર અર્પણ કરવું; ચંદન, અક્ષત અને તુલસી સમર્પણ કરવાં અને અબીલ તથા ગુલાલ આદિ સુગંધિત દ્રવ્યો ચઢાવવા. પછી ‘નંદનંદનને હું નમસ્કાર કરું છું’એમ કહીને ધૂપ, નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવવા અને પછી પ્રતિમાના દરેક અંગ પર એક એક પુષ્પ ચઢાવતાં દરેક અંગની પૂજા કરવી અને કહેવું : “હે દેવાધિદેવ ! ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે હું આપની પૂજા કરું છું, માટે મારા પર કૃપા કરો.” ત્યાર પછી યથાશક્તિ દક્ષિણા મૂકવી અને આરતી ઉતારવી. પ્રદક્ષિણા કરવી. મંત્ર પુષ્પાંજલિ આપીને બે હાથ જોડીને પ્રભુની પ્રાર્થના કરવી.

મંત્રહીન ક્રીયાહીનં ભક્તિહીનં સુરેશ્વર,

યત પૂજિતં મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મેં.

          અર્થાત “હે પ્રભો ! આપની પૂજામાં કાંઈ ખામી રહી ગઈ હોય તો મારા ભક્તિપૂર્વક પૂજનથી તેને પૂર્ણ માની સ્વીકારી લેજો.” આખો પુરૂષોત્તમ મહિનો પ્રભુની પ્રસન્નતા માટે અખંડ દીવો બળતો રાખવો અને “પુરૂષોત્તમ સ્વાહા” એ નામમંત્રથી દરરોજ તલનો હોમ કરવો. આ પ્રકારે પૂજા કરનાર સંસારમાં અનેક સુખો ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમની પૂજનવિધિ” નામનો એકવીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ભગવાને ભૂખ ભાંગી

bhagvane bhukh

એક નાનકડા ગામમાં એક ડોશી રહે. ડોશીને એક રૂપાળો દીકરો. શરીરે સાજો-નરવો. ભણવામાં હોંશિયાર, પણ એક વાતનું ભારે દુ:ખ. દીકરો થોડા સમયથી ખાય નહી. પીવે નહી. કોળિયો ધાન ગળે ન ઊતરે. દીકરાની આવી હાલત જોઈ ડોશી ચિંતામાં પડી ગઈ અને એ ચિંતામાં તે બિચારી પણ ભૂખી રહે. છતાં ધાને ભૂખ વેઠવી પડે. ખાધા-પીધા વગર દીકરો દિવસે દિવસે દુબળો થતો જાય છે. વૈદ્ય-હકીમને બતાવ્યું પણ કાંઈ ફેર પડ્યો નહી. ડોશી તો મંદિરનાં પગથિયાં ઘસે. પથ્થર એટલા દેવ કરે. બધાય ભગવાનને એક જ આજીજી કરે કે મારા દીકરાને ખાતો કરો.

એક દિવસ પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી. દીકરો ખાતો થઈ ગયો. પણ એવો ખાતો થઈ ગયો કે રાંધ્યું હોય એટલું બધું ખાઈ જાય. તપેલાં ને કડાયાં સાફ કરી દે. દસ માણસનું એકલો ખાઈ જાય. તોય એની ભૂખ ના મટે. આખો દિ’ ખા ખા જ કરે. ડોશી તો મુંઝાણી. દાણાની કોઠી ખાલી થવા માંડી. પાઈ પાઈ કરીને બચાવેલા પૈસા વપરાઈ ગયા. ગમે તેટલું રાંધે તોય દીકરો ખાઉં ખાઉં જ કરે.

ડોશી તો પાછી દોડી ગઈ મંદિરમાં અને પ્રભુને વીનવવા લાગી કે “હે પ્રભુ ! આ નહોતો ખાતો ત્યારેય હું દુ:ખી હતી અને આજે ખાય છે તો પણ દુ:ખી છું. હવે આને અકરાંતિયાની જેમ ખાતો બંધ કરો અને માફકસર ખાય તેવું કરો.” મંદિરનો પુજારી બધો તાલ જોતો હતો. તે ઘણો જ્ઞાની હતો, વિદ્વાન હતો. ડોશીની મુસીબત જોઈ એણે સલાહ આપી કે “માજી ! પુરૂષોત્તમ માસ કાલથી શરૂ થાય છે. તમે પુરૂષોત્તમ માસનું વ્રત કરો. દીકરાને પણ વ્રત કરવાનુંકહો. પ્રભુની દયાથી સૌ સારાં વાનાં થશે.”

ડોશીએ પૂર્ણ શ્રદ્ધાથી પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું. દીકરાને પણ ઘણો સમજાવી-પટાવી વ્રત કરાવ્યું. મા-દીકરો રોજ વહેલી સવારે ઊઠે અને નદીએ નહાવા જાય, કથા-વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે. એમ પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો. ડોશીએ બ્રાહ્મણોને જમાડ્યા અને યથાશક્તિ દાન-દક્ષિણા આપ્યાં. એ વ્રતના પુણ્ય પ્રતાપે ડોશીના દીકરાની મૂઢતા નાશ પામી અને તેની બુદ્ધિમાં ચેતન આવ્યું અને તેનું ખાઉંધરાપણું દૂર થયું અને તે પ્રમાણસર ખાતો થયો. ત્યારે ડોશીને હૈયે નિરાંત થઈ. ડોશીએ કરૂણાપૂર્ણ સ્વરે ભગવાન પુરૂષોત્તમનો આભાર માન્યો.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા ડોશીને ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રીકૃષ્ણ શરણં મમ

 

શ્રીકૃષ્ણ શરણં મમ, એ મંત્ર સદા તું જપતો જા;

આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા;

 

મન વાણી કાયા વશ રાખી, મમતાનો બોજો દૂર નાખી;

દાન દીધું જો ધણીએ તુજને, પેટ ભૂખ્યાનાં ભરતો જા;

આવ્યો છે તું આ સંસારે…

 

આ જગમાં તું મહાન કહાવે, આશ કરી આંગણે આવે;

દીન દુ:ખિયાની દુ:ખની વાતો, કર્ણપટે તું ધરતો જા;

આવ્યો છે તું આ સંસારે…

 

હુંપદની ગ્રંથીનેછેદી, માયાના ઘેરા ગઢને ભેદી;

પ્રકાશમય શ્રીપ્રભુના પંથે, હળવે હળવે સરતો જા;

આવ્યો છે તું આ સંસારે…

 

ગોવિંદ ગુરુનું શરણ ગ્રહી લે, દુ:ખ પડે તો દુ:ખ સહી લે;

માનવ સરોવરના મોતી તું, હંસ બનીને ચરતો જા.

આવ્યો છે તું આ સંસારે…

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: