પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો વીસમો અધ્યાય અને દોકડાની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની પાંચમ તો આ વદ ૫ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો વીસમો અધ્યાય અને દોકડાની વાર્તા…..

 

અધ્યાય વીસમો : પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન

mal-maas-image

 

રાજા દ્રઢધન્વાએ પૂછ્યું : “હે મુનિ ! આપના કહેવા મુજબ મેં પૂર્વજન્મમાં આ વ્રત કર્યું હતું, પણ એ બધું આ જન્મમાં હું ભૂલી ગયો છું. માટે હે તપોધન! તમે મને એનું પૂજન-વિધાન વિસ્તારથી જણાવો.

વાલ્મીકિ બોલ્યા :  “હે રાજા ! પુરૂષોત્તમ માસની ઉત્તમ વિધિ હું તને વિસ્તારથી સમજાવું છું, સવારમાં ઊઠીને સ્નાનાદિથી પરવારી, ભગવાન પુરૂષોત્તમનું ધ્યાન ધરવું. રવિવારે દાતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી બાર કોગળા કરવા. જો સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો વધારે સારું છે, પણ તેવું પવિત્ર સ્થાન નજીકમાં ન હોય તો નજીકની નદી, કૂવો કે તળાવમાં સ્નાન કરવું એ મધ્યમ છે અને ઘેર સ્નાન કરવું એ સામાન્ય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવું ને ઓઢવું. શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું; કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ચંદન-ઊર્ધ્વપુંડ્રમાં કરવું. અને તેની વચ્ચે ટપકું કરવું, કારણકે ઊર્ધ્વપુંડ્રમાં લક્ષ્મી સહિત ભગવાન અને ત્રિપુંડમાં પાર્વતી સહિત શંકર નિવાસ કરે છે. તે પછી ભગવાનના ચારે આયુધો – શંખ, ચક્ર, ગદા અને પદ્મ આદિ ચિહ્નો ધારણ કરવાં.આથી સર્વ પાપો નષ્ટથાય છે. ત્યાર પછી પ્રાણાયામ કરીને સંધ્યાવંદન અને જપ કરવો. સૂર્યના દર્શન કરીને ગાયત્રી પાઠ કરવો. આ બધી વિધિ દિવસના પહેલા ભાગની છે.

તે પછી જ શ્રી પુરૂષોત્તમ  ભગવાનની પૂજાનો પ્રારંભ કરવો, બેસવાની જગ્યાએ છાણથી લીંપીને ચતુષ્કોણ મંડલ બનાવવું, તેના ઉપર ચોખાનું અષ્ટદલ બનાવવું, તેના ઉપર સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે માટીનો છિદ્ર વિનાનો કળશ લઈને સ્થાપિત કરવો. એ કળશમાં ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી આદિ પવિત્ર નદીઓનું સ્મરણકરીને તીર્થોનું આવાહન કરવું અને કળશ પર ચંદન, અક્ષત, પુષ્પ વગેરેથી અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજાકરીને તેનાપર ત્રાંબાનું તરભાણું ઢાંકી તેના પર પિતામ્બરધારી પુરૂષોત્તમ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપનાકરવી, અને તેની ભક્તિભાવથી પૂજા કરવી.

“હે શ્રેષ્ઠ રાજા ! ફૂટેલા ઘડામાંથી નીકળતા પાણીની જેમ મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે. લક્ષ્મી પણ સમુદ્રના મોજાની માફક આવે છે ને ચાલી જાય છે. યુવાનીના ફૂલને પણ કરમાતાં વાર લાગતી નથી. માયાના મોહક પદાર્થો પણ પાણીના પરપોટા જેવા મિથ્યા છે. માટે ધન; યઓવન અને જીવન એ બધાને નાશવંત સમજીને ધર્મપાલન કરવામાં મનુષ્યે ઉદાર બનવું, પોતાના અત્માનો ઉદ્ધાર પોતે જ કરવો, જેમ સાપના મોંમા અડધો ગળાયેલો દેડકો પાસે ઉડતા મચ્છરને મારવાની ઈચ્છા કરે છે, તેમ કાળના મોંમા ફસાયેલો જીવ માયાના પદર્થો મેળવવાની આશા કરે છે. પોતાના તુચ્છ સુખ માટે એ બીજા જીવોને બહુ દુ:ખ આપે છે. ધન-ધર્મને બહુ મેળ નથી. જ્યારે ધન હોય ત્યારે ધર્મમાં બહુ ચિત્ત જોડાતું નથી ને ધર્મમાં ચિત્ત હોય ત્યારે ધન તુચ્છ લાગે છે; ધન અને ધર્મ બંને મળે ત્યારે સુપાત્ર મળતો નથી; આ ત્રણેના સુયોગમાં જે મનુષ્યનો લાભ લે છે તે મહાન ભાગ્યશાળી છે. આ પુરૂષોત્તમ માસમાં થોડા ધનથી મહાન ધર્મનું પાલન થઈ શકે છે માટે સ્નાન, દાન, જપ અને પૂજન કરી પુરૂષોત્તમ ભગવાનની કથા સાંભળવી. હે રાજા ! જેમ નદીઓમાં ગંગા ઉત્તમ છે, તેમ બધા વ્રતોમાં પુરૂષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ છે. જેમ હાથીના પગલામાં બધા જીવોનાં પગલાંઓનો સમાવેશ થઈ જાય છે તેમ પુરૂષોત્તમ માસના વ્રતમાં બધાં વ્રતોનું પુણ્ય સમાયેલું છે. જેમ બધી નદીઓ ગંગાજી જેવી નથી, બધાં વૃક્ષો કલ્પવૃક્ષ જેવાં નથી, બધાં રત્નો જેમ ચિંતામણી જેવા નથી, જેમ બધી ગાયો કામધેનુ જેવી નથી, બધા પુરૂષો રાજા સમાન નથી, બધાં શાસ્ત્રો વેદ જેવા નથી, તેવી રીતે બધાં વ્રતો કે પુણ્યો પુરૂષોત્તમ માસ સમાન ફળવાળાં નથી. તેથી આ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પુરૂષોત્તમ ભગવાનની પૂજા-વ્રત કરવા અને પવિત્ર કથા સાંભળવી.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન” નામનો વીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

દોકડાની વાર્તા

dokada varta

એક નાના ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે. ઘણી જ ધર્મિષ્ઠ અને વ્રત-તપ કરનાર. સંતાનમાં એક દીકરો.એનુંનામ બટુક. દીકરો આખો દિવસ ગામમાં લોટ માંગે. જે મળે એ મા-દીકરો સંતોષથી ખાય. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત આદર્યું. એની ઈચ્છા તો એવી હતી કે દીકરો પણ વ્રત કરે. પણ બટુકનું મન તો ભિક્ષામાં જ ચોંટ્યું હતું તેથી એ હા ના કરતો. છેલ્લા પાંચ દિવસ રહ્યા ત્યારે બ્રાહ્મણીએ પરાણે સંકલ્પ કરાવ્યો. માનું મન રાખવા બટુકે વ્રત લીધું. સવારે મોડુ ન થાય એટલા માટે એ પરોઢિયે નહાવા ઉપડી જતો. ડૂબકી ખાઈને ભીના લુગડે જ ઘેર આવતો.

પહેલા દિવસે બટુક નહાઈને ઘેર આવતો હતો. રસ્તામાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું. બટુકે વિચાર્યું કે શિવજીને જળ ચઢાવતો જાઉં, નહિતર મા કચકચ કરશે. બટુક તો ગયો શિવાલયમાં. અંદર શિવ-પાર્વતી ચોપાટ રમે છે. બાજી પૂરી થતા શિવજી બોલ્યા કે હું જીત્યો, પાર્વતી બોલ્યા કે હું જીતી. શિવ-પાર્વતી રકઝક કરવા લાગ્યા. ત્યાંજ શિવજીની નજર બટુક પર પડી. શિવજીએ બટુકને બોલાવીને પૂછ્યું કે સાચુ બોલજે કોણ જીત્યું ? બટુકે વિચાર કર્યો કે સાચું બોલીશ તો માતાજી રોષે ભરાશે અને ભસ્મધારી પિતાજી પાસે આપવા જેવું કાંઈ છે નહી. બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા. પાર્વતીજીએ ખુશ થઈને બે રત્ન આપ્યા. મહામૂલા રત્નો જોઈને બટુક તો રાજી રાજી થઈ ગયો. આખી જીંદગી ખાય તોય ન ખુટે એવા રત્નો કિંમતી હતા.

બટુક તો હરખાતો હરખાતો ઘેર જવા નીકળ્યો. રસ્તામાં નદી આવી. બટુક લોટો ભરવા વાંકો વળ્યો. રત્નો પડી ગયા પાણીમાં, ખુબ ગોત્યા પણ ન મળ્યા. બટુક તો હતાશ હૈયે ઘેર આવ્યો. માને વાત કરી, અક્કરમીનો પડિયો કાણો એમ માની માએ આશ્વાસન આપ્યું.

બીજા દિવસે પણ એવું જ બન્યું. બટુક બોલ્યો કે માતાજી જીત્યા.પાર્વતીએખુશ થઈને કાનની ઝાલ આપી. બટુકે સાવચેતીથી ધોતિયાના છેડે ઝાલ બાંધી અને ઘેર જઈને માને આપી. બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. આખી જીંદગીનું દારિદ્રય એક જ ઝાલથી ટળી જાય એવું હતું. એ તો ઝાલ ગોખલામાં મૂકીને ચૂલેથી શાક ઉતારવા ગઈ ત્યાં જ પડોશણ સમુડી દેવતા લેવા આવી. ઝાલ જોઈને એનાં મોંમાં પાણી આવી ગયું. એ તો ઝાલ લઈને ચાલી ગઈ. બ્રાહ્મણીએઆવીને જોયું તો ઝાલ ન મળે. બિચારી બ્રાહ્મણી તો લમણે હાથ દઈને રડવા લાગી.

ત્રીજા દિવસે ખુશ થઈને પાર્વતીજીએ બટુકને લાલ માણેકની માળા આપી. બટુક એ ઘેર લઈ ગયો. બ્રાહ્મણી તો માળા લઈને તાત્કાલિક બજારમાં જઈને વેચવાનું નક્કી કરવા લાગી. હજુ એ માળા જોતી જ હતી ત્યાં જ સમડીએ તરાપ મારી.સમડીને એમ કે ખાવાનું હશે. એ તો માળા ચાંચમાં લઈ ઊડી ગઈ. મા-દીકરો એ જાય… એ જાય… કરતા રહી ગયા.

ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે જે થવું હોય એ થાય, ભલે કાંઈ ન મળે પણ સાચું જ બોલવું. બટુકે કહી દીધું કે પિતાજી જીત્યા, ત્યારે શિવજીએ જટા ખંખેરી. જટામાંથી એક દોકડો પડ્યો. એ દોકડો બટુકને આપતાં શિવજી બોલ્યાકે આ દોકડાથી તારા ભાગ્ય આડેથી પાંદડું ખસી જશે. તારું દારિદ્રય દૂર થશે. નગરમાં પગ મૂકતાં જ જે વસ્તુ સામી મળે એ ખરીદી લેજે.

બટુક મનોમન હસ્યો. રત્નો-માણેકથી કાંઈ ન વળ્યું ત્યાં આ દોકડાથી શું વળવાનું હતું ? છતાં એ તો લઈને ચાલતો થયો. નગરમાં પગ મૂકતાં જ માછીમાર મળ્યો. શિવજીએ કહેલું કે પહેલું સામે મળે તે ખરીદી લેજે. પણ માછલી ખરીદીને શું કરવી ? પણ આ તો શિવજીની આજ્ઞા હતી, એટલે બટુકે કચવાતા મને માછલી ખરીદી અને દોકડો દઈ દીધો.

આજે બટુક કંઈક નવું કમાઈ લાવશે તેવું વિચારી તેની મા તેની વાટ જોઈ રહી હતી. ત્યાં તો બટુક તો માછલી લઈને ઘેર આવ્યો. માને મરેલી માછલી આપી. બ્રાહ્મણના ઘરમાં માછલી જોઈ મા તો ક્રોધી ભરાઈ કે માછલીનો ઘા કરી દીધો અને બટુકને ધમકાવીને નહાવા બેસાડ્યો. નહાઈને બટુક વસ્ત્ર બદલતો હતો ત્યાં જએક સમડી ઊડતી ઊડતી આવી. એની ચાંચમાં લાલ માણેકની માળા હતી. માછલી પર નજર પડતાં સમડી નીચે ઉતરી. માળા જોતાં જ બ્રાહ્મણીએ બૂમ પાડી : “ઝાલ… સમડી … ઝાલ”

બ્રાહ્મણીની બૂમ પડોશણ સમુડીએ સાંભળતાં જ એને ધ્રાસકો પડ્યો. એને લાગ્યું કે પોતાની ચોરી પકડાઈ ગઈ છે. નક્કી હવે ફજેતો થશે. એ તો તરત પટારામાંથી ઝાલ કાઢીને બ્રાહ્મણીના આંગણામાં ફેંકી ગઈ.

એ વખતે મા-દીકરો સમડી પાછળ દોડતા હતા. ટેકરે પહોંચતાં જ સમડીએ માળા ફેંકી દીધી. અને ચાંચ મારતાં જ બે રત્નો માછલીમાંથી નીકળી પડ્યાં. બનેલું એવું કે પાર્વતીએ બટુકને જે બે રત્નોઆપેલાં એ પાણીમાં પડતાં જ આ માછલી ગળી ગયેલી.

          પુરૂષોત્તમ પ્રભુની આવી અકળ લીલા જોઈને મા-દીકરાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. હરખથી ઘેલા ઘેલા થતાં ઘરમાં આવ્યા. આંગણામાં ઝાલ મળી.

પૂર્ણ શ્રદ્ધાથી ભજ્યા, પુરુષોત્તમ ભગવાન;

કૃપા થકી એમની, મળ્યાં હાર-રત્નો-ઝાલ.

          માળા મળી, રત્નો મળ્યાં અને ઝાલ પણ પાછી મળી. આ બધી પુરૂષોત્તમ પ્રભુની કૃપા હતી. મા-દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું. પ્રભુકૃપાથી જે ધન મળ્યું હતું એ ધર્મકાર્યોમાં વાપર્યું.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મા-દીકરાને ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

જય શ્રીકૃષ્ણ શરણાગતિ

 

તારી આશાની છાંયે જે કોઈ બેસે,

તેને હરિ તું સાંભળજે (૨)

હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.

 

કામળી ઓઢીનેતારે આવવું જ હોય તો,

વાંસળી ભેળી લાવજે તું.

તારી આશાની છાંયે જે કોઈ બેસે,

તેને હરિ તું સાંભળજે (૨)

હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.

 

સ્વપ્ન વિહોણી કોઈ અણજંપી રાતડીમાં,

સુની નીંદરડીમાં આવજે તું.

તારી આશાની છાંયે જે કોઈ બેસે,

તેને હરિ તું સાંભળજે (૨)

હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.

 

પાંખોમાં પાંખ મૂકી ઊડતી વાદળીમાં,

વીજળીને જળ લાવે છે તું.

તારી આશાની છાંયે જે કોઈ બેસે,

તેને હરિ તું સાંભળજે (૨)

હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.

 

આકરા ઉનાળાના વેળુના તાપને,

શિયાળુ સંગીત સંભળાવજે તું.

તારી આશાની છાંયે જે કોઈ બેસે,

તેને હરિ તું સાંભળજે (૨)

હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.

 

આંખડી બંધ થતાં અજવાળું શોધવા,

લાકડી બનીને આવજે તું.

તારી આશાની છાંયે જે કોઈ બેસે,

તેને હરિ તું સાંભળજે (૨)

હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: