પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ઓગણીસમો અધ્યાય અને ચાર ચકલીની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની ચોથ તો આ વદ ૪ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ઓગણીસમો અધ્યાય અને ચાર ચકલીની વાર્તા…..

 

અધ્યાય ઓગણીસમો : પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય

AM (8)

          પ્રાચીનમુનિ શ્રી નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું : “હે તપોનિધિ ! પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાને તપના ભંડાર સુદેવને શું ઉત્તરઆપ્યો હતો તે કહો.”

શ્રી નારાયણે નારદજીને કહ્યું : “ભગવાન વિષ્ણુએ પોતાની વાણીથી તેને ખુશ કરતા આ પ્રમાણેકહ્યું : “હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તેં અને તારી પત્ની એ જે કાંઈ કર્યું છે તે બીજા કોઈથી થાય તેમ નથી. હે તપોધન ! આ પુરૂષોત્તમ માસમાં જે મનુષ્ય એક ઉપવાસ કરે છે, તેનાં અનેક પાપો નાશ પામે છે અને તે વૈકુંઠનો અધિકારી બને છે. જ્યારે તમે પતિ-પત્નીએ પુત્રના શોકમાં વ્યથિત થઈ આખો મહિનો નિરાહાર રહી ઉપવાસ કર્યા અને વરસતા વરસાદમાં બેસી રહ્યા તેથી ત્રણે કાળનું સ્નાનફળ તમને મળ્યું. આ રીતે જાણે અજાણે તમે પતિ-પત્નીએમારા પ્રિય પુરૂષોત્તમ માસની જે સેવા-ભક્તિ કરી તેથી હું પ્રસન્નબન્યો છું અને તારા પુત્રને મેં જીવતદાન આપ્યું છે. આ પુરૂષોત્તમ માસ પૂજવાથી ફળદાયી બને છે. જેઓ મનુષ્યજન્મ મળવા છતાં પણ શ્રી પુરૂષોત્તમ માસમાં સ્નાન, દાન આદિ પુણ્યકર્મોથી રહિતરહે છે, તેઓ જન્મે જન્મે દરિદ્ર થાય છે; એને સેવનારો મનુષ્ય મને પ્રિય થાય છે.

એક વખત પ્રજાપિતા બ્રહ્માએ દેવોની સમક્ષ વેદમાં કહેલા બધાં સાધનો ત્રાજવાના એક પલ્લામાં અને બીજા પલ્લામાં પુરૂષોત્તમ માસનાં વ્રત-ભક્તિ મૂક્યાં. ત્યારે વેદના સાધનો હળવા નીકળ્યાં અને પુરૂષોત્તમ માસની ભક્તિવાળું પલ્લું નમી ગયું. એટલે જ પુરૂષોત્તમ માસનું સેવન ફળદાયી કહેવામાં આવ્યું છે. જે પણ ભક્ત પુરૂષોત્તમ માસ કરશે તે ભાગ્યશાળી મને પ્રાપ્ત કરશે.”

શ્રી નારાયણ બોલ્યા : “હે નારદમુનિ! એમ કહી જગદીશ શ્રીહરિ તરત જ ગરુડ પર બેસી પવિત્ર વૈકુંઠધામમાં પધારી ગયા. સુદેવ પણ મરેલા પુત્ર શુકદેવને પુરૂષોત્તમ માસના સેવનથી (જીવતો) ઊઠેલો જોઈ પત્ની સાથે હંમેશા આનંદમાં રહેવા લાગ્યો. એનો પુત્ર શુકદેવ પણ પોતાના સત્કર્મોથી પિતાને ખુશ કરવા લાગ્યો.”

પુરૂષોત્તમ માસ સર્વ દુ:ખોનો નાશ કરનાર હોઈ સર્વ મહિનાઓ કરતાં શ્રેષ્ઠ છે. હજારો વર્ષ સુધી સર્વ વિષય ભોગો ભોગવ્યા પછી છેવટે બ્રાહ્મણોમાં ઉત્તમ તે સુદેવ પત્નીની સાથે વૈકુંઠ લોકમાં ગયો હતો, જ્યાં જઈને ભક્તો કદી શોક પામતા નથી અને શ્રીહરિની સમીપ જ વાસ કરે છે.

ઋષિ વાલ્મીકિ બોલ્યા : “હે રાજન ! ત્યાંનું સુખ ભોગવ્યા પછી એ જ બ્રાહ્મણ સુદેવ પત્ની સાથે પૃથ્વી પર પાછો આવ્યો. અને રાજા દ્રઢધન્વા રૂપે પ્રસિદ્ધથયો. હે રાજા !એ સુદેવ બ્રાહ્મણનો તું બીજો અવતાર છે. હે રાજન ! પુરૂષોત્તમ માસનું (પૂર્વજન્મમાં) સેવન કરવાથીઆ સંપૂર્ણ સમૃદ્ધિ તને પ્રાપ્ત થઈ છે. પૂર્વજન્મમાં તારો પુત્ર જે શુકદેવ હતો અને મૃત્યુ પામતાં શ્રીહરિએ જીવતો કર્યોહતો તે બાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવી વૈકુંઠમાં ગયો હતો એ જ પુત્ર આ જન્મમાં પોપટ તરીકે જન્મ પામ્યો છે અને તે તને ઓળખી જતાં તેણે તને સંસારા મોહથી મુક્તિ પામવા માટે ધર્મનો ઉપદેશ આપ્યો. એ પ્રમાણે તેં મને પૂછ્યું તે બધુ મેં તને કહ્યું. હવે તારો સંદેહ નાશ પામ્યો હશે અને તું શંકામુક્ત થઈ ગયો હોઈશ. હવે હું પાપનો નાશ કરનારી સરયુ નદી તરફ હું જાઉં છું.

શ્રી નારાયણ બોલ્યા : “ એમ લાંબાકાળ સુધી પ્રસિદ્ધ થયેલ વંશવાળા રાજા દ્રઢધન્વાના પૂર્વજન્મનું ચરિત્ર કહી વાલ્મીકિ જવા તૈયાર થયા તે વેળા અગણિત પુણ્યવાળા મહારાજ દ્રઢધન્વાએ તેમને વિનવી, નમન કરી પાછું કાંઈક પૂછ્યું.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય” નામનો ઓગણીસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ચાર ચકલીની વાર્તા

char chakali

એક નાનું ગામ હતું. ગામના પાદરે નદી વહે. નદીના કાંઠે એક વડનું ઝાડ. આ ઝાડ પર ચાર ચકલી રહે. પાવન પુરૂષોત્તમ માસ આવતા ગામના નર-નારી નદીએસ્નાન કરવા આવે. સ્નાન કરીને કાંઠાગોરની વાર્તા સાંભળે. વ્રતનો મહિમા સાંભળે. ઉપવાસ, ધારણા-પારણા અને એકટાણાની વાતો કરે.

આ બધી વાતો ચારેય ચકલી સાંભળે અને વિચાર કરે કે આવા મહાફળદાયી વ્રતની પરખ તો કરવી જ જોઈએ. એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો. બીજીએ ધારણા-પારણા શરૂ કર્યા. ત્રીજીએ એકટાણા લીધા ત્યારે ચોથી બોલી કે ભગવાને પેટ આપ્યું છે તો ત્રણ ટંક ખાઈને મજા કરો.

વ્રતના છેલ્લા દિવસે ચારેય ચકલી મરી ગઈ અને એક નગરશેઠના ઘેર દીકરીઓ બની અવતરી. શેઠને સંતાનમાં એક દીકરો જ હતો તેથી એક પછી એક ચાર લક્ષ્મી જન્મતા શેઠ રાજી રાજી થઈ ગયા.

લાડ-કોડમાં ઉછરતી છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં સૌથી મોટી દીકરી રાજાના કુ&વરને ગમી ગઈ તેથી એ પરણીને રાજમહેલમાં રહેવા ગઈ. બીજીના લગ્ન ધનપ્તિના દીકરા સાથે થયા. એ પરણીને સાત માળની હવેલીમાં ગઈ. ત્રીજીને નાની હાટડીવાળો વર મળ્યો. જ્યારે ચોથીને મજુરી કરતો અને રોજનું લાવીને રોજ ખાતો વર મળ્યો. આ તો ભાગ્યની વાત હતી, જેનો ભેદ ભગવાન પણ જાણી શકતા નથી.

થોડા સમય પછી શેઠે દિકારાના લગ્ન લીધા. દીકરીઓને તેડાવી. લગ્ન પત્યા પછી દીકરીઓને આગ્રહ કરીને રોકી. જ્યારે દીકરીઓ જવા લાગી ત્યારે શેઠે ભેટ આપી. મોટીને વીસ તોલાનો સોનાનો હાર આપ્યો. એનાથી નાનીને પંદર તોલાનો સોનાનો હાર આપ્યો. ત્રીજીને દશ તોલા સોનું આપ્યું અને સૌથી નાનીને માત્ર એક જોડી કપડાં આપ્યા.

આવા ભેદભાવથી નાની દીકરીને ઘણું ઓછું આવી ગયું. એ રડવા લાગી. “મા-બાપે વેરો-વંચો ન રાખવો જોઈએ. મા-બાપને તો સૌ સરખા” એવા બળખા બોલવા લાગી. ત્યારે મોટી બહેને એને પૂર્વજન્મની વાત કરી કહ્યું :  “જો બહેન ! પુરૂષોત્તમ માસમાં મેં પૂર્ણ શ્રદ્ધાથી આખો મહિનો ઉપવાસ કર્યા તો મને રાજપાટ મળ્યું, બીજીએ ધારણાં-પારણાં કર્યા તો એને નગરશેઠનું ઘર મળ્યું, ત્રીજીએ એકટાણું કર્યું તો તેને સુખી ઘર મળ્યું, જ્યારે તે વ્રત કર્યું નહી અને ખાવા-પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં તેથી તને ગરીબ ઘર મળ્યું. એટલે હવે તું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પુરૂષોત્તમ વ્રત કરજે, જેથી તું સુખી થઈશ.”

નાની દીકરીની આંખો ખુલી ગઈ. તેણે પુરૂષોત્તમ માસ આવતાં શ્રદ્ધાઅને ભક્તિભાવથી પુરૂષોત્તમ વ્રત પૂર્ણ કર્યું અને એના પુણ્યબળે તેણે અ‍ઢળક સંપત્તિ પ્રાપ્તકરી અને સુખી થઈ.

“વ્રત ઉપવાસ જે કરે, પામે સુખ અપાર;

કરે ધારણા-પારણા, સુખે ભોગવે સંસાર.

એકટાણા જે આદરે, સમજે સદા સાર;

વ્રત નિયમ જે ના કરે, સદાય હાહાકાર.”

          હે પુરૂષોત્તમ પ્રભુ ! શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે …નરસિંહ મહેતા

 

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી !

મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી ! (ટેક)

 

રાણાજીએ રઢ કરી, મીરાં કેરે કાજ;

ઝેરનાં પ્યાલા મોકલ્યા રે,

તમે ઝેરના જારણહાર રે. શામળા0

 

સ્તંભ થકી વા’લો પ્રગટિયો, ધરિયાં નરસિંહ રૂપ;

પ્રહલાદને ઉગારીઓ રે,

વા’લે માર્યો હિરણાકંસ ભૂપ રે. શામળા0

 

ગજને વા’લે ઉગારીઓ, સુદામાની ભાંગી ભૂખ;

દોહ્યલી વેળાના મારા વા’લમા રે,

તમે ભક્તોને ઘણાં આપ્યાં સુખ રે. શામળા0

 

પાંડવની પ્રતિજ્ઞા પાળી, દ્રૌપદીનાં પૂર્યા ચીર;

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે,

તમે સુભદ્રા કેરા વીર રે. શામળા0

 

ચાર જણા તીરથવાસી ને, રૂપિયાછે સો સાત;

વહેલા પધારજો દ્વારકા રે,

એને ગોમતી ન્હાયાની ઘણી ખાંત રે. શામળા0

 

રહેવાને નથી ઝૂંપડું, જમવાને નથી જુવાર;

બેટા-બેટી વળાવિયાં રે,

મેં તો વળાવી ઘર કેરી નાર રે. શામળા0

 

ગરથ મારું ગોપીચંદ, તુલસી હેમનો હાર;

સાચું નાણું મારે શામળો રે,

મારે દોલતમાં ઝાંઝપખાજ રે. શામળા0

 

તીરથવાસી સહુ ચાલિયા રે, આવ્યા નગરની માંહે;

આ શહેરમાં એવું કોણ છે રે,

જેનું શામળશા શેઠ એવું નામ રે. શામળા0

 

નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ, નથી ભાટ;

લોક કરે છે ઠેકડી રે,

નથી શામળશા શેઠ એવું નામ રે. શામળા0

 

તીરથવાસી સહુ ચાલિયા, આવ્યા નગરની બહાર;

વેશ લીધો વણિકનો રે,

વા’લા તૈયાર થયા તત્કાળ રે. શામળા0

 

હૂંડી લાવો હાથમાં, આપું પૂરા દામ;

રૂપિયા આપું રોકડા રે,

મારું શામળશા શેઠ એવું નામ રે. શામળા0

 

હૂંડી સ્વીકારી વા’લે શામળે, અરજે કીધાં કામ;

‘મહેતાજી’ ફરી લખજો રે,

મુજ વાણોતર સરખાં કાજા રે. શામળા0

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: