પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સત્તરમો અધ્યાય અને દાનફળની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની બીજ તો આ વદ ૨ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સત્તરમો અધ્યાય અને દાનફળની વાર્તા…..

 

અધ્યાય સત્તરમો : સુદેવનો વિલાપ

sudev vilap

શ્રી નારદે પૂછ્યું : “હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ ! તપનો ભંડાર એ સુદેવ ખૂબ બોધ પામ્યો. સાંભળનારના પાપનો નાશ કરનાર એ ચરિત્ર મને કહો.”

શ્રી નારાયણ બોલ્યા : “ પોતાનું એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દ્રઢધન્વાનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું. વાલ્મીકિએફરી આગળ કહ્યું.”

વાલ્મીકિ બોલ્યા : “પત્નીના મોંઢેથી એવી શીતળ વાણી સાંભળી સુદેવે ધૈર્ય ધર્યું ને શ્રીહરિમાં ચિત્ત લગાડી દીધું. એમ પોતાની નિત્ય ક્રિયા કરતાં તેનો કેટલોક સમય વીતી ગયો. તેનો પુત્ર બાર વર્ષનો થયો હતો.

એક સમયે યજ્ઞ માટે કાષ્ઠ, દર્ભ તથા ફળ વગેરે માટે તે વનમાં ગયો. તે જ દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો. બધા છોકરા પ્રેમપૂર્વક સંતાકૂકડી રમતા હતા. શુકદેવે પોતાના મિત્રોને છેતરવા, તથા તેઓ તેને શોધી ન શકે તે માટે કૂવામાં ઊતરી તેના ઊંડા જળમાં પોતાનો શ્વાસ રોકી ડૂબકી મારી. પણ પાણી ઘણું ઊંડું હતું તેથી તેણે બહાર નીકળવા ઘણા પ્રયત્નો કર્યા પણ બધા વ્યર્થ ગયા અને પાણીમાં જ ગુંગળાઈ જઈને તે મરણ પામ્યો.

ઘણા સમય સુધી તેના મિત્રોએ તેની રાહ જોઈ પણ પાણીમાંથી બહાર ન આવતાં બાળકોએ આ વાત તેની માતાને જણાવી. બાળકોની વાત સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત બેભાન બની જમીન પર ઢળી પડી. એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યો અને પુત્રનું મૃત્યું થયું છે તે જાણી તે પણ બેભાન થઈ પૃથ્વી પર ઢળી પડ્યો. થોડી વારે ભાનમાં આવતાં તેઓ બંને પેલી વાવ પર ગયાં. ત્યાં મરેલા પુત્રને ભેટી પડી સુદેવ પુત્રના મુખ પર વારંવાર ચુંબન કરવા લાગ્યો. મરેલા પુત્રના શરીર ઉપર તે વારંવાર હાથ ફેરવવા લાગ્યો ને વિલાપ કરી રડતો આમ કહેવા લાગ્યો.

સુદેવ બોલ્યો : “ઓ પુત્ર ! મારા શોકનો નાશ કરનારી સંદર વાણી તું બોલ ! હે પુત્ર ! ઘરડા માતા-પિતાને અહીં છોડી દઈ તારે જતા રહેવું યોગ્ય નથી. તારા મિત્રો તને વેદાધ્યાન કરવા બોલાવે છે. હું તને છોડીને ઘેર જવાનો નથી. અરે રે ! મારા ક્યા પાપકર્મના પરિણામથી મારો પુત્ર અકાળે મરણ પામ્યો છે ! ઓ નિર્દય વિધાતા ! હું ગરીબ છું. મારા પુત્રને ખંચવી લેતાતને કંઈ શરમ નથી આવતી ? મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે. બેટા ! દયા કરી એક વાર તો તારી મીઠી વાણી સંભળાવ ! બેટા ! તને અમારા પ્રત્યે દયા કેમ ઊપજતી નથી ? આજે અમને પૂછ્યા વિના જ મરણના લાંબા માર્ગે તું કેમ જતો રહ્યો છે ! ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદને પાત્ર હું માનું છું કે તેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તાપથી બળી જઈ પ્રાણ છોડી દીધા, પણ મારો પુત્ર તો મરી ગયો છે છતાં હું હજી જીવી રહ્યો છું તો મને ધિક્કાર હો.”

એમ વિલાપ કરી સુદેવે ભગવાનને સંબોધી કહેવા માંડ્યું : “હે ગોવિંદ ! હે ભગવાન ! હે દયાળું ! પુત્રના વિરહરૂપ અગ્નિના તાપથી બળતાં આપ મારું રક્ષણ કરો. હે ગોપીઓના ઈશ્વર! હે યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર, પુત્રના વિયોગરૂપ અગ્નિના તાપથી બળતાં આપ મારું રક્ષણ કરો. ખરેખર ! મારા જેવો બીજો કોઈ લુચ્ચો નહી હોય કે જેણે દેવકીનંદન પરમેશ્વરના વચનનો અનાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા કરી ! પ્રભુ શ્રીહરિએ મને સ્પષ્ટ ના પાડી હતી કે તારા ભાગ્યમાં પુત્રસુખ નથી છતાં મેં હઠ કરીને મારા ભાગ્યમાં જે નહોતું તે માંગ્યું, પરંતુ દૈવે નષ્ટ કરેલી વસ્તુને ક્યો અભાગિયો માણસ મેળવી શકે છે ?”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“સુદેવનો વિલાપ” નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ.

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

દાનફળની વાર્તા

danfalaa

એક ગામમાં પટેલ-પટલાણી રહે. બેય ઘણાં ધર્મિષ્ઠ. કોઈને ખવરાવીને રાજી થાય. મન-કર્મ-વચનથી પવિત્ર રહે. કોઈના પ્રત્યે દ્વેષ નહી કે કદી કોઈનું બુરું ઈચ્છે નહીં. સંતાનમાં એક દીકરો. એ પણ મા-બાપ જેવો પરગજુઅને પરોપકારી. પ્રભુથી ડરીને ચાલનારો. દિવસે બાપ-દીકરો ખેતી કરે અને રાત્રે ત્રણે ભેગા થઈને પ્રભુનું ભજન કરે.

પાવન પુરૂષોત્તમ માસ નજીક આવતાં પટેલી વિચાર કર્યો કે આ વખતે તો વ્રત ગંગા કિનારે કરવું. રોજ ગંગાસ્નાનનું પુણ્ય મળે. તરત બે ગાડાં તૈયાર કરી એમાં ઘરવખરી ભરી એકમાં પટેલ બેઠા, બીજામાં મા-દીકરો બેઠાં અને પ્રયાણ કર્યું.

મારગ કપાતો જાય અને ભજન-કીર્તન થતાં રહે. આ બાજુ વૈકુંઠમાં પ્રભુ પુરૂષોત્તમે વિચાર કર્યો કે ભક્તની પરીક્ષા તો લેવી જ. પ્રભુ તો સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા પટેલ પાસે. રોંઢા વેળા થઈ છે. પટેલ-પટલાણી અને દીકરો ત્રણે રોંઢો કરવા બેઠાં છે.

સાધુને જોઈ પટેલે આસન આપ્યું. પ્રણામ કરીને જમવા પધારવાનુંભાવથી કહ્યું ત્યારે સાધુ બોલ્યા : “હું તો સદા ઉપવાસી છું. તારે આપવું હોય તો ગાડું આપ. મારે ગંગાસ્નાન કરવા જવું છે. ચાલીને જાઉં તો દિવસો વીતી જાય અને મને ગંગા કિનારે પહોંચવાની ઉતાવળ છે.” પટેલ તો જરાય વિચાર કરવા ન રોકાયા. ઘરવખરી પણ ન ઉતારી. સીધી બળદની રાસ સાધુના હાથમાં આપી દીધી. સાધુ તો ગાડુ લઈને રવાના થયા. પટેલ પગપાળા ચાલવા લાગ્યા.

મા-દીકરો પટેલને સમજાવવા લાગ્યા કે અમારા ગાડામાં બેસી જાવ પણ પટેલે ના પાડી, બોલ્યા કે “તમતમારે આગળ વધો. હું તમારી પાછળ જ આવું છું.”

મા-દીકરો ગાડું લઈને આગળ વધ્યાં. પટેલ પાછળ ચાલ્યા આવે છે. ચાલતાં ચાલતાં પ્રભુના ગુણગાન ગાય છે. એમાં એવા ડૂબી ગયા કે રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા. જઈ ચડ્યા અઘોર જંગલમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. અન્ન-જળ વગર ત્રણ દિવસ વીતી ગયા. ચાલવાની શક્તિ ન રહી. ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધબાક કરતું એક મોટું ફળ પડ્યું. પટેલે તો જિંદગીમાં કદી આવું ફળ જોયું ન હતું. ભૂખ લાગી છે પણ અજાણ્યું ફળ ખવાય કેવી રીતે અને અઘોર જંગલમાં આ ફળ વિશે પૂછવું કોને ?

પટેલે તો ફળ પછેડીના છેડે બાંધ્યું અને આગળ વધ્યા.આગળ જતાં જીર્ણશીર્ણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે ભોળાનાથને જ પૂછી લઉં . પટેલ તો શિવાલયમાં જઈને બેસી ગયા. ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા ત્યારે શિવજી પ્રગટ થયા. પટેલ તો શિવજીના ચરણોમાં ઢળી પડ્યાં. શિવજીએ વરદાન

માંગવા કહ્યું ત્યારે પટેલ બોલ્યા કે “આ ફળ ખવાય કે નહી ?” ભોળાનાથ હસીને બોલ્યા : “આ ફળ વિશે તો હું પણ કાંઈ જાણતો નથી.ચાલો વિષ્ણુને જઈને પૂછીએ.”

શિવજીની ઈચ્છા આ બહાને પટેલને વિષ્ણુલોકના દર્શન કરાવવાની હતી. શિવજી તો પટેલને લઈને વિષ્ણૂલોકમાં આવ્યા. પુરૂષોત્તમ પ્રભુના દર્શન થતાં જ પટેલની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પછી બોલ્યા કે “હે નાથ ! છ દિવસનો ભૂખ્યો છું. આ ફળ ખાઉં કે ન ખાઉં ?” ભગવાન પટેલના આ ભોળપણ પર હસી પડ્યા અને બોલ્યા : “હે મારા ભોળિયા ભક્ત ! આ તો દાનફળ છે. મહાપુણ્યશાળીને જ મળે. તમ તમારે મોજથી ખાવ.” પટેલે ફળ ખાધું. ફળ ખાતાં જ બત્રીસ કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું પડ્યું છે. એમાં પટલાણી અને દીકરો બેઠાં છે. પટેલે પ્રભુ સામે જોયું ત્યારે ત્રિભુવન તારણ બોલ્યા કે “હે ભક્ત ! તેં જરાય ખચકાટ વગર રાજીખુશીથી ગાડું આપી દીધું તેના પુણ્યફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે બોલ, તારે અહીં વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે ?”

પટેલ બોલ્યા : “વૈકુંઠ પ્રાપ્ત થયા પછી ક્યો મૂર્ખો પૃથ્વી પર પાછો જાય ? હવે અમે તો વૈકુંઠમાં તમારી સાથે જ રહીશું.”

અમૃત માસે સ્નાન-ધ્યાન કરી, કરે જે દાન

વૈકુંઠ સદેહે ભોગવે, રહે સાથ ભગવાન.

          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા પટેલ અને એના પરિવારને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી કૃષ્ણ સ્તવન

 

કરારવિન્દેન પદારવિન્દં, મુખારવિન્દે વિનિવેશયંતમ્  I

વટસ્ય પત્રસ્ય પુટે શયાનં, બાલં મુકુન્દં મંસાઅ સ્મરામિ II ૧ II

 

શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારે ! હે નાથ નારાયણ વાસુદેવ I

જિહવે ! પિબસ્વામૃત મેતદેવ, ગોવિન્દ દામોદર માધવેતિ II ૨ II

 

વિક્રેતુકામા કિલ ગોપકન્યા, મુરારિ પાદાર્પિત ચિત્તવૃતિ I

દધ્યાદિકં મોહવશાદચોદ, ગોવિન્દ દામોદર માધવેતિ II ૩ II

 

ગૃહે ગૃહે ગોપવધુ કદમ્બા: સર્વે મિલિત્વા ત્સમવાપ્ય યોગમ્ I

પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં, ગોવિન્દ દામોદર માધવેતિ II ૪ II

 

સુખંશયાના નિલયેનિજેડ઼પિ, નામાનિ વિષ્ણો: પ્રવદન્તિ મર્ત્યા I

તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ, ગોવિન્દ દામોદર માધવેતિ II ૫ II

 

જિહવે ! સદૈવં ભજ સુન્દરાણિ, નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ  I

સમસ્ત ભક્તાર્તિ વિનાશ નામી, ગોવિન્દ દામોદર માધવેતિ II ૬ II

 

સુખાવસાને ઈદમેવ સારં, દુ:ખાવસાને ઈદમેવ જ્ઞેયમ્ I

દેહાવસાને ઈદમેવ જાપ્યં, ગોવિન્દ દામોદર માધવેતિ II ૭ II

 

શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ, ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો I

જિહવે ! પિબસ્વામૃતમેતદેવ, ગોવિન્દ દામોદર માધવેતિ II ૮ II

 

જિહવે રસજ્ઞે મધુરપ્રિયા ત્વં, સત્યં હિતં ત્વાં પરં વદામિ  I

અવર્ણમેય મધુરાક્ષરાણિ, ગોવિન્દ દામોદર માધવેતિ II ૯ II

 

ત્વામેવ યાચે મમ દેહિ જિહવે, સમાગતે દણ્ડધરે કૃતાંતે I

વક્તમ્યમેવં મધુરં સુભક્ત્યા, ગોવિન્દ દામોદર માધવેતિ II ૧૦ II

 

શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે, શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો I

જિહવે ! પિબસ્વામૃતમેતદેવ, ગોવિન્દ દામોદર માધવેતિ II ૧૧ II

 

ગોપીયતે કંસરિયો મુકુન્દ, લક્ષ્મીપતે કેશવ વાસુદેવ I

જિહવે ! પિબસ્વામૃતમેતદેવ, ગોવિન્દ દામોદર માધવેતિ II ૧૨ II

 

ગોવિન્દ માધવ સ્તોત્ર, પ્રેમથી પાઠ જે કરે;

દામોદર દયા દાને, સહેજે ગોલોક સંચરે.

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સત્તરમો અધ્યાય અને દાનફળની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […]      »    અધ્યાય સત્તરમો : સુદેવનો વિલાપ […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: