પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સોળમો અધ્યાય અને મૃગલા મૃગલીની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આ વખતનાં પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષની એકમ એટલેકે  વદ ૧  નો ક્ષય થયેલ હોવાથી આજે પૂનમના શુભ દિને જ માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સોળમો અધ્યાય અને મૃગલા મૃગલીની વાર્તા…..

 

અધ્યાય સોળમો : સુદેવને બોધ

sudev bodh

વાલ્મીકિ બોલ્યા : “હે મહારાજ દ્રઢધન્વા ! એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન મેળવી તે પછી સુદેવ પણ પત્ની સાથે ઘેર પાછો ફર્યો. થોડા સમય પછી એની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને દશમો મહિનો આવતાં ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેણે બ્રાહ્મણોને બોલાવીને પુત્રના જ્ન્મ સંસ્કારનું કર્મ કરાવ્યું. બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી સ્વજનોની સાથે રહી પુત્રનું નામ પાડવાની તૈયારી કરી. બ્રાહ્મણોએ કહ્યું કે આ પુત્ર ગરુડજીના વરદાનથી પેદા થયેલો છે, જે શરદઋતુનાચંદ્ર જેવો ઉદય પામતાં તેજવાળો શુકદેવજીના સરખો છે, માટે આ વહાલા પુત્રનું નામ ‘શુકદેવ’ રાખો.”

પછી જેમ જેમ અજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે તેમ એ પુત્ર પિતાના મનોરથોની સાથે જલદી વધવા લાગ્યો. તેણે વેદાધ્યયન શરૂ કર્યું. પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ઘણાં જ પ્રસન્ન કર્યા. ગુરુના એક જ વાર કહેવાથી તેણે સઘળી વિદ્યા પ્રાપ્ત કરી લીધી.

“એક વખત કરોડો સૂર્યના જેવી કાંતિવાળા દેવમુનિ સુદેવને ત્યાં આવી ચડ્યા. તે વખતે પોતાના પગમાં પડેલા કુમારને જોઈ દેવલે કહ્યું : “હે સુદેવ ! તું ધન્યવાદને પાત્ર છે. આવો પુત્ર કદાચ કોઈનો પણ મેં જોયો નથી.” ત્યારપછી તેમણે તે બાળકનો હાથ જોયો અને આશ્ચર્યમાં પડી ગયા.

તેમણે સુદેવને કહ્યું : “તારો પુત્ર સર્વ ગુણોથી સંપન્ન અને સૌભાગ્યનો સાગર છે. એના હાથમાં ઉત્તમ છત્ર, બે ચામરો અને જળની સાથે કમળ છે અને મધ્ય ભાગ ત્રિવલ્લીથી સુશોભિત છે. તારો પુત્ર ગુણોનો સમુદ્ર છે, પરંતુ એક મોટો દોષ છે.” એમ કહી માથું ધુણાવતાં મુનિ દેવલ મોટો નિ:સાસો નાખી બોલ્યા : “કુમારનું આયુષ્ય લાંબું નથી. તારો પુત્ર બારમે વર્ષે પાણીમાં ડૂબી જઈ મરણ પામશે. માટે મનમાં તું શોક કરીશ મા. જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી. જન્મ અને મરણ ઈશ્વરની ઈચ્છાને આધીન છે.”

આમ કહી દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ ભવિષ્યમાં થનારા પુત્ર વિયોગથી આઘાત પામી બેભાન થઈ પટકાઈ પડ્યો. ગૌતમી પુત્રને ખોળામાં લઈને પ્રેમથી તેના મોઢાને ચુમવા લાગી. પછી તેણે પતિને સાંત્વના આપવા કહેવા માંડ્યું.”

ગૌતમી બોલી : “હે ઉત્તમ બ્રાહ્મણ ! ધીરજ રાખો. વિધાતાએ લલાટમાં જે લખ્યું છે તે મિથ્યા થતું નથી. એ ભોગવવું જ પડે છે. રાજા નળ, ધર્માત્મા યુધિષ્ઠિર, ભગવાન રામને પણ દુ:ખ ભોગવવું પડ્યું છે. એટલે ભવિષ્યમાં જે થવાનું છે તેનો ભય ન કરવો જોઈએ. માટે ઊઠો, હે નાથ ! સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો. એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવા લાયક તથા મોક્ષપદ આપનાર છે. પ્રભુએ જ પુત્ર આપ્યો છે અને એ જ આ દુ:ખને ટાળશે.”

પોતાઈ પત્નીનાં એવાં વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો. તેણે તરત જ હૃદયમાં શ્રીહરિનાં ચરણકમળ સ્થાપી દઈ ભવિષ્યમાં થનારો પુત્રનો શોક છોડી દીધો.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“સુદેવને બોધ” નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

મૃગલા મૃગલીની વાર્તા

mrugalo

એક નદીના કિનારે ગીચ ઝાડીમાં એક મૃગલો-મૃગલી રહે, બંને પશુ હોવા છતાં ઘણાં સંતોષી જીવ. પાવન પુરૂષોત્તમ માસ આવતાં લોકોના ટોળે ટોળા નદીએ નહાવા આવવા લાગ્યા. કાંઠાગોરની વાર્તા સાંભળે, દાન-દક્ષિણા આપે. આ જોઈને મૃગલા-મૃગલીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. બંનેએ સંકલ્પ કર્યો. પણ નદીએ નહાવું કઈ રીતે ? છેવટે ઉપાય ખોળી કાઢ્યો કે નદીએ સ્નાન કરવા આવતાં નર-નારી સ્નાન કરીને ભીનાં વસ્ત્ર પાટ પર મૂકે ત્યારે એની નીચે ઊભા રહેવું. એટલે સ્નાન થઈ ગયું ગણાય. આ રીતે મૃગલો-મૃગલી પાટ નીચે ઊભા રહે. ભીના વસ્ત્રમાંથી જે પાણી નીતરે એના વડે સ્નાન કરે. પુરૂષોત્તમ મહિનામાં દાન કરવું પડે એટલે પછી વનમાંથી કુણુ કુણુ ઘાસ લઈ આવે અને ગાયને ખવડાવે.

એમ કરતાં પુરૂષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને એ કહેવા લાગી કે “હે મૃગલા-મૃગલી ! તમે મારી ઘણી સેવા કરી છે. પુરૂષોત્તમ વ્રતના પ્રભાવે તમને આ જનમે જ માનવા અવતાર મળશે. આજે છેલ્લો દિવસ છે. રાતે સ્વયં પુરૂષોત્તમ પ્રભુ કદંબના વૃક્ષ નીચે પ્રગટ થશે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો, પ્રભુ તમને મૃગોમાંથી મનુષ્ય બનાવશે.

મૃગલા-મૃગલીની આંખમાં ઝળહળિયાં આવી ગયાં. પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે ?

રાતે ભગવાન પુરૂષોત્તમ અચૂક સમયે પ્રગટ થયા. ચોપાસ ઝળહળતો પ્રકાશ છવાઈ ગયો. તરત મૃગલા-મૃગલીએ ગળામાં ગાળિયો નાખ્યો, પણ પ્રભુએ હાથ લંબાવીને બંનેને રોક્યા અને બોલ્યા : “આ તમે શું કરો છો ? તમે અબોલ મુંગા પશુ હોવા છતાં મારું જે શ્રદ્ધા-ભક્તિથી વ્રત કર્યું છે તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. એટલે તમને આ યોનિમાંથી તારવા આવ્યો છું.” આમ કહી પ્રસન્ન થયેલા પુરૂષોત્તમ ભગવાને અમીના છાંટણાં નાખ્યાં કે તરત મૃગલો સ્વરૂપવાન રાજા બની ગયો અને મૃગલી રૂપાળી રાણી બની ગઈ.

બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યાં.

આમ, વ્રતના પ્રભાવે મૃગલા-મૃગલીને મહામૂલો મનુષ્ય અવતારમળ્યો. રાજપાટ મળ્યા. જીવનભર સુખ ભોગવી બંને અંતકાળે સદેહે ગોલોકમાં ગયા.

જોઈજાણીને જીવ વ્રત કરે કે અજાણ્યે થાય

ફળ તેનું અવશ્ય મળે, પ્રસન્ન પુરૂષોત્તમ થાય.

          હે પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મૃગલા-મૃગલીને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

મધુરાષ્ટકમ

 

અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્  I

હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતે રખિલં મધુરમ્:  II ૧  II

 

વચનં મધુરં ચરિતં મધુરં, વસનં મધુરં વલિતં મધુરમ્  I

ચલિતં મધુરં ભ્રમિતં મધુરં, મધુરાધિપતે રખિલં મધુરમ્:  II ૨  II

 

વેણુર્મધુરો રેણુર્મધુરો: પાણિર્મધુર; પાદૌ: મધુરૌ I

નૃત્યં મધુરં સખ્યં મધુરં, મધુરાધિપતે રખિલં મધુરમ્:  II ૩ II

 

ગીતં મધુરં પીતં મધુરં, ભુક્તં મધુરં સુપ્તં મધુરમ્  I

રૂપં મધુરં તિલકં મધુરં, મધુરાધિપતે રખિલં મધુરમ્:  II  ૪ II

 

કરણં મધુરં તરણં મધુરં, હરણં મધુરં રમણં મધુરમ્  I

વમિતં મધુરં શમિતં મધુરં, મધુરાધિપતે રખિલં મધુરમ્:  II ૫  II

 

ગુંજા મધુરા માલા મધુરા, યમુના મધુરા વીચી મધુરા  I

સલિલં મધુરં કમલં મધુરં, મધુરાધિપતે રખિલં મધુરમ્:  II ૬  II

 

ગોપી મધુરા લીલા મધુરા, યુક્તં મધુરં મુક્તં મધુરમ્  I

દ્રષ્ટં મધુરં શિષ્ટં મધુરં, મધુરાધિપતે રખિલં મધુરમ્:  II ૭  II

 

ગોપા મધુરા ગાવો મધુરા,  યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા I

દલિતં મધુરં ફલિતં મધુરં, મધુરાધિપતે રખિલં મધુરમ્:  II ૮  II

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: