પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પંદરમો અધ્યાય અને દોઢિયાની દક્ષિણા ની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની  પૂનમ તો આજના આ પૂર્ણિમાના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પંદરમો અધ્યાય અને દોઢિયાની દક્ષિણા ની વાર્તા…..

 

અધ્યાય પંદરમો : સુદેવને વરદાન

sudev vardan

ભગવાન શ્રી નારાયણે કહ્યું : “ હે મહર્ષિ નારદ ! તે પછી સુદેવ બે હાથ જોડી ગળગળા અવાજે ભક્તવત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો :

“હે દેવ ! હે દેવોના ઈશ્વર ! આપને નમસ્કાર હો. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આપ સર્વ કર્મ ફળના બીજ રૂપ, તેજ સ્વરૂપ તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભો ! હું અત્યંત દુ:ખી છું. આપનો ભક્ત છું, છતાં આપ મારાદુ:ખને દૂર કરવા કશું કરતાં કેમ નથી, તો લોકમાં આપને લોકબંધુ કહે છે તે એળે જશે ?”

તે સાંભળીને શ્રીહરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા : “હે પુત્ર! તેં ઘોર તપ કર્યું છે, તું શું ઈચ્છે છે ? તારા તપથી હું સંતુષ્ટ થયો છું. આવું મહાન કર્મ પહેલા કોઈએ પણ કર્યું નથી.”

સુદેવ બોલ્યો : “હે વિષ્ણો ! આપ પ્રસન્ન થયા હો તો મને શ્રેષ્ઠ પુત્ર આપો. પુત્ર વગરનું મારું જીવન નિરસ થઈ ગયું છે. મને જીવવાનો આધાર આપો.” બ્રાહ્મણનું આ વચન સાંભળી ઈશ્વર શ્રીહરિ બોલ્યા :

“હે બ્રાહ્મણ ! પુત્ર વિના બાકી બધું જે ન આપવા જેવું છે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે, તે બધા મેં જોઈ લીધાંછે; તેમાં સાતે જન્મમાં તને પુત્રસુખ નથી.”

શ્રીહરિનું વ્રજના કડાકા જેવું કઠોર વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પદ્યો. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલો જોઈ પત્ની દુ:ખી થઈ રડવા લાગી. પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી.

ગૌતમી બોલી : “હે નાથ ઊઠો ! મારું વચન તમે કેમ યાદ કરતા નથી ? વિધિના લેખને ટાળી શકાતા નથી. ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી.જેને દૈવ અનુકૂળ હોતું નથી તેનું બધુંય વ્યર્થ થાય છે તો હે બ્રાહ્મણ ! બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિ જ કરો. સર્વ પ્રકારના શોકને છોડી માત્ર શ્રી હરિની સેવા કરો.

તીવ્ર શોકવાળાં ગૌતમીનાં એ વચન સાંભળી ગરુડજીને ઘણું દુ:ખ થયું ને તે ક્રોધથી કાંપવા લાગ્યા. તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું.

ગરુડજી બોલ્યા : “હે શ્રીહરિ ! આ બ્રાહ્મણી શોકસાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સારતાં બેભાન થઈ પડ્યો છે.લોકો આપને દયાના સાગર, દુ:ખીઓના દીનબંધુ કહે છે. કારણકે તમે ભક્તોનાં દુ:ખ સહન કરી શકતા નથી. તો આપની દયા આજે ક્યાં ગઈ છે ? આપ આને જો પુત્ર નહી આપો તો હવે પછી આપનાં ચરણકમળને કોઈ સેવશે નહી. આ બંને સ્ત્રી-પુરુષ પુત્ર્ની ઈચ્છાથી આપને શરણે આવ્યા છે.”

ગરુડજીના આવાં વચનો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાનના ચહેરા ઉપર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું. તેમણે ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું : “હે ગરુડજી ! તમને આ બ્રાહ્મણ દંપતિ પ્રત્યે આટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો.તમને મારા આશીર્વાદ છે.”

શ્રીહરિનું પોતાને અનુકૂળ આવું વચન સાંભળી ગરુડજી મનમાં અતિ પ્રસન્નતા પામ્યા અને ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું : “હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! સાત જન્મોમાં પણ તારે પુત્રસુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી હું તને એક સુંદર અને સુયોગ્ય પુત્ર થાય તેવું વરદાન આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તું ધન્યવાદને પાત્ર છે. શ્રીહરિની કૃપાથી જ તને પુત્ર પ્રાપ્તિ થશે. પુત્રપ્રાપ્તિથી તારો સંસાર સુખમય બનશે. માટે હવે બધો શોક છોડી દે અને કોઈ જાતની આસક્તિ રાખ્યા વગર આ સંસારને ભોગવ.”

આવી રીતે ઉત્તમ વરદાન આપીને ગરુડજી પોતાના સ્વામી શ્રીહરિ વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી પોતાના ધામ વૈકુંઠલોકમાં ગયા.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“સુદેવને વરદાન” નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

દોઢિયાની દક્ષિણા 

dodhiya

ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો. બારે માસ વ્રત-તપ કરી દાન-પુણ્ય કરે. રાણી પણ ધર્મનું આચરણ કરવાવાળી. રાજાને બધી વાતે સુખ, પણ શેર માટીની ખોટ. પાછળ કોઈ વારસદાર નહીં. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. રાજા-રાણીએ વ્રત શરૂ કર્યું. રોજ નદીએ નહાવા જાય, કથા-વાર્તા સાંભળે અને નિત્ય બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે. બધા બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. રાજા બહુ આગ્રહ કરે તો કહે કે છેલ્લા દિવસ્સે લઈશ. બ્રાહ્મણ સાવ કંગાળ હતો. ખાવાનાય સાંસા હોય એવી એની કાયા કૃશ હતી. રાજાએ નક્કી કર્યું કે છેલ્લા દિવસે આ બ્રાહ્મણને પાંચ સોનામહોર આપવી.

નક્કી કર્યા પ્રમાણે રાજાએ પાંચ સોનામહોર આપી, પણ બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ પચાસ આપી ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે “આ તો ખજાનાનું ધન છે, મને એ ના ખપે. મારે તો પરસેવાની કમાણી જોઈએ.” રાજાએ થોડો વિચાર કરી એને બીજા દિવસે બોલાવ્યો.

આ બાજુ બ્રાહ્મણી કાગના ડોળે પતિની રાહ જુએ છે. પતિએ ઘેર જઈને વાત કરી કે રાજા કાલે દક્ષિણા આપશે ત્યારે બ્રાહ્મણી હરખાવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે.

રાજા સાંજે ફાટ્યાં-તૂટ્યાં વસ્ત્રો પહેરી મજુરનો વેશ ધરી મહેલના બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો. પણ એને કાંઈ કામ આવડતું ન હતું. એને રાખે કોણ ? ફરતો ફરતો એ લુહારની કોઢે આવ્યો. બહુ કરગર્યો ત્યારે લુહારે એને ધમણ ફુંકવા અને ધણના ઘા મારવા રાખ્યો. આખી રાતની મજુરી ચાર આના નક્કી થઈ, પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી, તેથી એક ઘડીમાં તો હાંફીગયો. પરસેવે રેબઝેબ થઈ ગયો. હાથમાં છાલા પડી ગયા. હથોડો ઉંચકવાના પણ હોંશ ન રહ્યા. લુહારે ખીજાઈને એને દોઢિયું (બે પૈસા) આપીને કાઢી મૂક્યો. રાજા લથડિયા ખાતો મહેલે આવ્યો. પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો દોહ્યલો છે એનું એને ભાન થયું. પલંગમાં પડતાવેંત ઊંઘ આવી ગઈ.

સવારે બ્રાહ્મણ આવ્યો. રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે “ ધન્ય છે રાજા તમને ! તમે મને તમારા પરસેવાની કમાણી આપી. ભગવાન તમારી સર્વ કામના પૂરી કરશે. ભગવાન પુરૂષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં જ તમારે ત્યાં રાજનો વારસદાર જન્મશે.” રાહ જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું. બ્રાહ્મણી તો દોઢિયું જોતાં જ ભડકી ઊઠી અને રોષે ભરાઇ દોઢિયાનો ઘા કરીને પતિને ભાંડવા લાગી. મૂરખ, વેદિયો કહીને ઘર ગજાવી મૂક્યું, પણ બ્રાહ્મણનું રૂંવાડુંય ન ફરક્યું.

બન્યું એવું કે એ દોઢિયું જઈને તુલસીક્યારામાં પડ્યું. બીજા દિવસે ત્યાં છોડ ઊગ્યો. થોડા સમય પછી છોડને શીંગો આવી. વિચિત્ર છોડને જોઈને બ્રાહ્મણીને નવાઈ લાગી. તેણે શીંગ તોડી જોયું તો અંદર દાણાને બદલે સાચા મોતી હતા ! બ્રાહ્મણી તો હરખાતી હરખાતી પતિ પાસે દોડી ગઈ. બ્રાહ્મણ સમજી ગયો કે આ તો રાજાના પરસેવાની કમાણી ઊગી છે. તે પુરૂષોત્તમ પ્રભુની કૃપા માનીને સ્તુતિ કરવા લાગ્યો.

          બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યો. રોકડા બે હજાર રૂપિયા મળ્યા. પછી તો જોતજોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. જેના ઘરમાં ધનનું ઝાડ હોય એને શું મણા ? બ્રાહ્મણે સદાવ્રત બાંધ્યું. અન્નદાન-વસ્ત્રદાન કરવા લાગ્યો. જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા.

વાત રાજાના પ્રધાને સાંભળી. પ્રધાન પાકો બદમાશ હતો. તેણે આ છોડને પચાવી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો અને એ દસ માણસોને લઈને આવ્યો બ્રાહ્મણના ઘેર ! આવીને બોલ્યો : “હે બ્રાહ્મણ ! અમે સાંભળ્યું છે કે તારે ત્યાંરોજ મોતી ઊગે તેવો છોડ છે, સાચી વાત છે ?” બ્રાહ્મણ તો સાચો જીવા હતો. તેણે સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલા દોઢિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ મેલી હતી. એ છોડ પોતાના ઘેર લઈ જવા ઈચ્છતો હતો. બોલ્યો કે, “આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોઢિયું નીકળે તો છોડ તારો, નહિતર રાજની માલિકીનો.”

પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો.માણસો કામે લાગી ગયા. નાનકડા છોડના મૂળિયા ખોદતાં વાર કેટલી ? પણ આ તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. દસે માણસો થાકીને લોથ થઈ ગયા, પણ મૂળ ન મળ્યા.

કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનને બરાબરનો ધમકાવી તેની ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડીને બ્રાહ્મણ-બ્રાહ્મણીની માફી માંગી. બ્રાહ્મણે રાજાને સાચાં મોતી ભેટ ધર્યાં.

બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘેર પારણું બંધાયું ને સૌ સારાં વાનાં થયાં.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રીકૃષ્ણ બાવની

 

દુષ્ટોનો ભૂમિ પર ભાર, હલકો કરવા કર્યો વિચાર.

પ્રભુએ એવી કીધી પેર, જન્મ લીધો વાસુદેવને ઘેર.

મથુરામાં લીધો અવતાર, કૃષ્ણ બન્યા દેવકીના બાળ.

કારાગૂહ જન્મ્યા મધરાત, ત્યાંથી નાઠા વેઠી રાત.

અજન્મા જનમે શું દેવ ? બાળ સ્વરૂપલીધું તત્ખેત.

વાસુદેવ લઈને નાઠા બાળ, ગોકુલ ગામ ગયા તત્કાળ.

જશોદાજીને સોંપ્યા જઈ, માયાદ્દેવીને આવ્યાં લઈ.

કંસે જાણ્યું જન્મ્યું બાળ, દોડી દુષ્ટ ગયો તત્કાળ.

આક્રંદ કરતી માતા રહી, બાળકી કરથી ગ્રહી.

પથ્થર પર પટકે જ્યાં શીર, છટકી જાણે છૂટ્યું તીર.

રક્ષણ કરે જો દીનદયાળ, તેનો થાય ન વાંકો વાળ.

અદ્ધર અટકી માતા કહે, મને મારવા તું શું ચહે.

કૃષ્ણ કનૈયો તારો કાળ,  ઉછરે છે ગોકુળમાં બાળ.

મામા કંસ કરે વિચાર, ભાણાનો કરવા સંહાર.

મોકલે રાક્ષસ મહાવિકરાળ, કૃષ્ણ કરે છે તેનો કાળ.

નિત નિત નવી લીલાઓ કરે, કેશવ કોઈનાથી ના ડરે.

ગોવાળિયાની સાથે રમ્યો, શામળિયો સૌને મન ગમ્યો.

ગાયો ચારી ગોવાળ થાય, કાલિંદીને કાંઠે જાય.

ગાયો પાણી પીએ જ્યાં, કાળીનાગ વસે છે ત્યાં.

જળમાં જોયું ઝાઝું ઝેર, મરે ગાય આવે ને લ્હેર.

દુ:ખ ટાળવા કર્યો વિચાર, કૃષ્ણ ચડ્યા કદમની ડાળ.

ઝંઝાવાત કર્યો જળ માંહ્ય, કાળી નાગ રહે છે ત્યાંય.

પાતળિયો પેઠા પાતાળ, નાગણીઓએ દીઠા બાળ.

અહીં ક્યાં આવ્યો બાળક બાપ, સૂતા છે અહીં ઝેરી સાપ.

બીક લાગશે છે વિકરાળ, ઝેર જ્વાળાથી નીપજે કાળ.

જે જોઈએ તે મુખથી માંગ, જા બાપુ તું અહીંથી ભાગ.

એટલે જાગ્યો સહસ્ત્ર ફેણ, મુખથી બોલ્યો કડવા વેણ.

શીર પર વીર ચડ્યા જોઈ લાગ, નાગણીઓરડતી બેફામ.

નાચ નચૈયા નાચે નાચ, રેશમદોરથીનાથ્યો નાગ.

ટાળ્યું ઈન્દ્ર તણું અભિમાન, ગોવર્ધન તોળ્યો ભગવાન.

વૃંદાવન જઈ કીધો વાસ, રમ્યા ગોપીઓ સાથે રાસ.

વૃજ વનિતા ફરતી ચોપાસ, પેસી જતાં જોઈ સૂતો આવાસ.

મટકાં ફોડી માખણ ખાય, કોઈ દેખે તો નાસી જાય.

અનેક એવી લીલા કરી, પછી નજર થઈ મામા ભણી.

રાક્ષસ સઘળાં કીધાં સાફ, રહ્યો એકલો મામો આપ.

મથુરામાં મામો કરે વિચાર, ભાણાનો કરવા સંહાર.

યુક્તિ અખાડા કેરી કરી, મલ્લયુદ્ધની રચના કરી.

અક્રુર કાકા તેડવા ગયા, દર્શન કરીને પાવન થયા.

કૃષ્ણ કાકાની સાથે ગયા, ગોકુળમાં સૌ દિલગીર થયા.

મલ્લ માર્યા હાથીની સાથ, કંસની સાથે ભીડી બાથ.

પટકી પળમાં લીધો પ્રાણ, રાક્ષસનું ના રહ્યું એંધાણ.

પૂરણ કીધું ધાર્યું કાજ, ઉગ્રસેનને આપ્યું રાજ.

દ્વારમતી પહોંચ્યા જદુરાજ, દ્વારિકામાં જઈ કીધું રાજ.

ભક્તોને ભેટ્યા ભગવાન, ધ્રુવ પ્રહલાદને અમરિષ જાણ.

નરસિંહ સુદામાને કીધી સહાય, સુધંવાની કઢા શીત થાય.

મીરાંબાઈનું ઝેર અમૃત કર્યું, સખુબાઈનું કષ્ટ જ હર્યું.

બોડાણા પર કીધી દયા, દ્વારકાથી ડાકોર ગયા.

અર્જુનને કીધાં રણધીર, દ્રૌપદી કેરા પૂર્યા ચીર.

પાંડવ કેરી રક્ષા કરી, કૌરવ કુળને નાંખ્યું દળી.

લઢી વઢીને જાદવ ગયા, કૃષ્ણ એકલાં પોતે રહ્યાં.

સ્વધામ જોવા ચોંટ્યું ચિત્ત, જરા પારધી બન્યો નિમિત્ત.

ત્રણ વ્રજ જોઈ માર્યું બાણ, પ્રભુ પધાર્યા વૈકુંઠધામ.

કૃષ્ણ બાવની જે કોઈ ગાય, જન્મમરણથી મુક્ત જ થાય.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: