પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો અગિયારમો અધ્યાય અને વણિકની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની અગિયારસ તો આ સુદ ૧૧ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો અગિયારમો અધ્યાય અને વણિકની વાર્તા…..

અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન

meghvati shiv vardan

નારદે પૂછ્યું : “હે મહામુનિ ! એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું હતું તે કહો.”

શ્રી નારાયણ બોલ્યા : “તે પછી તે ઋષિકન્યા મેઘાવતીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે.

“એ શંકર દેવનો આશ્રયકરી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચાગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળ મધ્યે બેસતી, ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ રહેતી. આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી તે કન્યા તપ કરવા લાગી. સર્વ દેવોતેને તપથી રોકી શક્યા નહી અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. આ રીતે ઋષિકન્યા મેઘાવતીએ નવ હજાર વર્ષ સુધી તપ કર્યું.

મેઘાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરનાં દર્શનમાત્રથી ઉત્સાહિત બની ઊભી થઈ ગઈ જાણે દેહમાં પ્રાણ આવ્યા હોય ! ભગવાન શંકરની કૃપાદ્રષ્ટિથીસિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએનીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતુ કરવા લાગી.

“હે પાર્વતીનાપ્રિય પ્રાણનાથ ! હે પ્રભો શંકર ! હે ભુતેશ ! હે ગૌરેશ ! હે શંભો ! ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્રવાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનારા હે પ્રભુ ! આપને નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયેલો હોય તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુ:ખોથી છૂટી જાય છે. હે જનમ-મરણને હરનારા આપને નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ ! હું આપના શરણે આવી છું. મારી રક્ષા કરો.”

એમ મન તથા વચનથી શંકરની સ્તુતિ કરીને એ તપસ્વિની મેઘાવી કન્યા શાંત થઈ. તેણીએ કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું :         “હે તપસ્વિની !તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ, હું તારા પર પ્રસન્ન થયો છું. “

શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની, તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું :

બાળા બોલી : “હે દીનાનાથ ! જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ આપો.મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો… પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી.”

શંકરને એમ કહી ઋષિ કન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું : “હે મુનિકન્યા ! તેં તારા મોઢે જે કહ્યું તે થાઓ. તેં પાંચ વાર પતિની માંગણી કરી તેથી હવે તારે પાંચ પતિ થશે.જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર,દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જિતેન્દ્રીય, પરસ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટીથી ન જોનાર,રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે.”

મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી ડઘાઈ ગઈ અને બોલી : “હે પાર્વતીપતિ ! તમે આ કેવું વરદાન આપ્યું. એક પુરૂષને પાંચ પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને પાંચ પતિ હોય તેવું મેં જોયુંય નથી કે સાંભળ્યુંય નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાનથી જગત આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું. આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપસ્યા એળે ગઈ એવું મને લાગે છે.”  આમ બોલી તે અત્યંત દુ:ખી થઈ રુદન કરવા લાગી.

તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શિવ બોલ્યા : “હે ભયભીત થયેલી બાળા ! આ જન્મમાં એમ નહિ થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. તેમના શબ્દોનું તેં અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો ત્રણે જગતને બાળી નાખવા સમર્થ છે અને સર્વ દેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરૂષોત્તમ માસ તેં કર્યો નથી અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા પાંચ પતિ થશે. અમે બધા દેવો પણ પુરૂષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે જપ, તપ, વ્રત, પૂજા કરવામાં આવે તો પુરૂષોત્તમ ભગવાન જલદી પ્રસન્ન થાય છે. પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. તેં એમનું અપમાન કર્યુંછે, તેનું ફળ તારે ભોગવવું જ પડશે.”

એમ બોલી ભગવાન નીલકંઠ શંકર તરત અદ્રશ્ય થઈ ગયા અને એ ઋષિકન્યા તો ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ.

સુત બોલ્યા : “હે મુનિશ્વરો ! જેમનો લલાટપ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઈંદ્રને દુ:ખી કર્યો હતો તેમ ચિંતાએ દુ:ખી કરી નાખી.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મેઘાવતીને શિવનું વરદાન” નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ.

 

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

વણિકની વાર્તા

vanik varta

એક ગામમાં ગરીબ વિપ્ર દંપત્તિ રહે. સંતાનમાં સાત છોકરા, માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી ગરીબી. એક વાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેના ઉપાય તરીકે તેને પૂર્ણ શ્રદ્ધાથી પુરૂષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું.

પાવન પુરૂષોત્તમ માસ આવતાં બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એવો મહાકંજૂસ. ક્યારેય દાન-ધરમ કરે નહીં. સંતાનમાં એને સાત દીકરી પણ દીકરો એકેય નહી. પુરૂષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતાં જોઈ વણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે. લાવને હુંય આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણ-બ્રાહ્મણી સાથે નદીએ નહાવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે. વાર્તા સાંભળે પણ જ્યાં દાન-દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાઈ-પૈસો આપતાં જીવ ન ચાલે.

એમ કરતાં કમલા એકાદશી આવી.રાતે શેઠને પુરૂષોત્તમ પ્રભુએ દર્શન દીધાં અને કહ્યું કે “હે વણિક ! જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી, તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાઈનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા પર ક્યાંથી ઊતરે ? પણ હે શેઠ ! ભલે સ્વાર્થવશ પણ તેં મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્ત થશે.પરંતુ તારે મારી વાત માનવી પડશે. તારા એ પુત્રના ભારોભાર સુવર્ણદાન તારી પડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દારિદ્રયને ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાય રહેશે.”  સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયાં.

સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એને મોં માગ્યું ઈનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ-ગુરબાને દાન દીધાં.

પ્રથમ પ્રહરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોનામહોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્રય ટળ્યું. આખી જિંદગી બેઠાં બેઠાં ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ અને શેઠ-શેઠાણીએ આજીવન પુરૂષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણી અને શેઠ-શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

એકાદશી માહાત્મ્ય

એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ,

મારે એકાદશીનું વ્રત કરવું છે,

મારે ધ્યાન પ્રભુનું ધરવું છે,

મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે… ધન્ય એકાદશી

 

મારે એકાદશીનું વ્રત સારું છે,

એ તો પુરૂષોત્તમને પ્યારું છે,

એ તો વૈકુંઠ લઈ જનારું છે… ધન્ય એકાદશી

 

જે બાર માસ કરે એકાદશી,

તેના અંતરમાં વસે અવિનાશી,

નહિ કરશે તે જાય હાથ ઘસી… ધન્ય એકાદશી

 

મારે ગંગા નહાવા જાવું છે,

મારે યમુના જળમાં નહાવું છે,

મારે ભવસાગર તરી જાવું છે… ધન્ય એકાદશી

 

જેણે એકાદશીનું વ્રત કીધું છે,

તેના ચાર પદાર્થ સિધ્યા છે,

તેને પ્રભુએ પોતાના માની લીધા છે… ધન્ય એકાદશી

 

અંબરીષે એ વ્રત કીધું છે,

દંડ દુર્વાસાને દીધું છે,

રસ પ્રીતમ પ્રભુએ પીધું છે … ધન્ય એકાદશી

 

અલૌકિક વ્રત તારું એકાદશી,

પુરૂષોત્તમ પ્રતાપે તૂટે ચોર્યાશી.

સકળ તીરથ એના આંગણે અવિનાશી… ધન્ય એકાદશી

 

પદ્મિની / કમલા એકાદશી

          ધર્મરાજા આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હવે દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીનાં માહાત્મ્યો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી.

દશમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાનાદિથી નિવૃત થઈને ભગવાન વિષ્ણુનું જ પૂજન કરવું, સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું, ભગવાન વારાહથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા અથવા  માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજનપ્રતિષ્ઠા આદિ કરવું. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું, બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલાહાર કરીને ઉપવાસ કરવો, રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું.

બારસને દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ ભોજન કરીને બ્રાહ્મણભોજન કરાવીને પારણું કરવું.

આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ કાર્તવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે –

ત્રેતાયુગની આ કથા છે. માહિષ્મતિ નામની નગરીમાં હૈહય નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક કૃતવીર્ય નામે પુત્ર જન્મ્યો હતો; તેને એક હજાર સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ એના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં, નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યો.

એક હજાર રાણીઓમાં વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ પાછળ ચાલી. રાજ્ય સુખ-સંપત્તિનો તેણે પોતાના પતિની ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ પાછળ ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસીને દશ હજાર વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું.

એક વાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો :”હે માતા ! મારા પતિદેવ હજારો વર્ષોથી પુત્રસુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી !

અનસૂયાએ કહ્યું : “હે પરમસાધ્વી ! પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી, અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત કર.” માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને દશે દિશામાં વિજય મેળવે તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનાંચરણોમાંપડી ગયો.

તપશ્ચર્યા પૂર્ણ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા સમયમાં રાજા-રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનનાં વરદાનથી એને ત્યાં દશમે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું. એ કાર્તવીર્યે  મહાપરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ ત્રણે લોકમાં વૃદ્ધિ પામ્યો.

જેને ત્યાંસંતાનસુખ ન હોય તેવાઓએ, પુત્ર, ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું.

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો અગિયારમો અધ્યાય અને વણિકની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […] […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: