પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો દસમો અધ્યાય અને દેડકાદેવની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની દશમ તો આ સુદ ૧૦ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો દસમો અધ્યાય અને દેડકાદેવની વાર્તા…..

 

અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ 

durvasa meghavati

નારદે ભગવાન નારાયણને પૂછ્યું : “ હે પ્રભુ ! મહા તેજસ્વી અને ઘણાં જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો ! ”

સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! નારદનું વચન સાંભળી બદરીપતિ શ્રી નારાયણ સર્વેને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા.”

શ્રી નારાયણ બોલ્યા : “ હે નારદ! મેઘાવી ઋષિની કન્યાનું દુ:ખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમને કહું છું.”

દુર્વાસા બોલ્યા : “ હે પુત્રી ! તારા સર્વે દુ:ખોના નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે સાંભળ ! આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતા પણ અતિશય મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે ત્રીજો મહિનો આવશે તે પુરૂષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં સ્નાન કરનારો મનુષ્ય બાળહત્યાના પાપથી છૂટી જાય છે. હે દીકરી ! કાર્તિક વગેરે મહિનાઓમાં પુરૂષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. હે બાળા ! પુરૂષોત્તમ નામનો એ મહિનો શ્રીકૃષ્ણને ઘણો જ વહાલો છે. આ માસમાં સ્નાન, દાન, જપ, વગેરે કરવાથી સર્વ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલેતું આ પવિત્ર પુરૂષોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષથી પુરૂષોત્તમ માસને સેવું છું.”

“એક વખત મેં ક્રોધથી અંબરીષ રાજાને બાળી નાખવા (અગ્નિની તીવ્ર શક્તિ) કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા ! પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રીહરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા મેં સેવેલા પુરૂષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો. માટે હે બાળા ! મારી તને સલાહ છે કે તું પુરૂષોત્તમ માસનું સેવન કર. જેથી તારાં તમામ દુ:ખોનું નિરાકારણ થશે.”

શ્રીકૃષ્ણે કહ્યું: “હે રાજા યુધિષ્ઠિર! દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિશ્રેષ્ઠને કહેવા લાગી:

“હે મહામુનિ ! તમારી વાતને હું સ્વીકારી શકતી નથી. આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી પુરૂષોત્તમ દેવને કેમ વખાણો છો ? આ પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવ-દેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે. એમાં પણ શિવ અને શ્રી રામ તો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દેવતાઓ છે, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટો  નાશ પામે  છે. હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું જ સ્મરણ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે. મારા દુ:ખોને દૂર કરશે. આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓને ઓછા ફળ આપનારા અને મળમાસને શ્રેષ્ઠ ફળ આપનાર શા માટે કહો છો ? આપ જેને કોઈ જાણતું નથી તેવા પુરૂષોત્તમ માસના વખાણ શા માટે કરો છો ?”

બ્રાહ્મણપુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઊઠ્યા. ત્પ પણ પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો. પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલછ, તો આ તો દુનિયાદારીથી અજાણ મૂઢ બાળક જેવી છે, જે પોતાના હિતને સમજતી નથી, તેથી તે પાવન પુરૂષોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે. આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહવળ બનેલી તે બાળાને કહેવા માંડ્યું.

દુર્વાસા બોલ્યા : “ હે બાળા  ! તું મારા મિત્રની પુત્રી છે. તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી. તેં પુરૂષોત્તમ માસનો અનાદર કર્યો છે તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. હું તો બદરિકાશ્રમમાં જાઉં છું. તારું કલ્યાણ થાવ.”

એમ કહી તમોગુણી છતાં મહાતપસ્વી એ દુર્વાસા મુનિ તરત જજતા રહ્યા અને તે જ ક્ષણે એ મુનિકન્યા પુરૂષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. ખૂબ મનોમંથનના અંતે તેણે વિચાર્યું: “હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું. કેમકે એ ભગવાન તત્કાળ ફળ આપનાર છે.”

પછી પોતાના આશ્રમમાં જ રહી તેણે ઘણું મોટું ફળ આપનારા લક્ષ્મીપતિ વિષ્ણુ અને એવું જ મહાન ફળ આપનારા સાવિત્રી પતિ બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા આદરી.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“દુર્વાસા- મેઘાવતી સંવાદ” નામનો દસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

દેડકાદેવની વાર્તા

Dedakadev

એક ગામમાં ડોશી રહે. દુનિયામાં એનું કોઈ આગળ નહિ અને કોઈ પાછળ નહિ. રેંટિયો કાંતે ને પેટ ભરે. પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. ડોશી વલોપાત કરવા લાગ્યાં કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત. ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુભક્તિ કરત. રાંધવા-ચીંધવાની કડાકૂટમાં પુરૂષોત્તમ પ્રભુને નિરાંત જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાતણ કાપવા ગઈ. દાતણ કાપતાં કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં થયો ફોડલો. પીડાથી રહેવાય નહી. પાણી અડે ને ફોડલો મોટો થતો જાય. પીડા વધતી જાય. પુરૂષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નહાવા તો જવું જ પડે.

એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો. ડ્રાંઉ ડ્રાંઉ કરતો આખા ઘરમાં  ફરવા લાગ્યો. ડોશીને તો મજા પડી ગઈ. સુખ-દુ:ખની વાત સાંભળનારું મળી ગયું. ડોશી તો દેડકાને રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોશી કહીને દાંત કાઢે પણ ડોશીને કોઈની પરવા નહીં. એ તો ભલા ને એનો દેડકો ભલો !

પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો પણ દેડકો તો રોજ ડ્રાંઉ ડ્રાંઉ કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે અને ઘેર આવે. એ દેડકો સ્વયં પુરૂષોત્તમ પ્રભુ હતા.

નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઊડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવ પુરૂષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરૂષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરૂષને જ પરણું. બીજા બધા મારે ભા‌ઈ-બાપ !

પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઊઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરૂષનાં દર્શન કરે.

એવામાં કુંવરીના માંગાં આવ્યાં. પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધીઅને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મુર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ-દામ-દંડ-ભેદ અજમાવ્યા. પણ કુંવરી એકની બે ન થઈ. એણે તો અન્નજળ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી. વાત જાણતાંજ ડોશી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું.

ઘડિયા લગ્ન લેવાયાં. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાતજાતની વાતો કરવા લાગ્યા. રાજા-રાણીની ભોંઠપનો પાર નથી પણ કુંવરી હરખાય છે. કુંવરી દેડકા સાથે ચાર ફેરા ફરી. ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી.

રાત પડતાં તો ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યોછે. મધરાત થતાંકુંવરી બોલી : :દેવ ! હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે.”

ત્યારે દેડકો બોલ્યો કે “તારા પિતા મહાયજ્ઞ કરી, સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું.”  કુંવરી તરત મહેલે ગઈ. પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોનાં દાન દીધાં. શ્રીફળ હોમાતાં જ પ્રભુ પુરૂષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોશીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા.

હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ડોશીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી હરિ: શરણં સ્તોત્ર

 

ગયો ગુરુદેવને શરણે નમન કીધું ચરણકમળે;

કરી વિનંતી કૃપાસિંધો, ટળે ભવરોગ શી રીતે ?

વદ્યા ગુરુદેવ બહુ પ્રીતે, શ્રવણ કર તાત ઘર ચિત્તે;

પરમ નિર્ભયા થવા નિત્યે, હરિ: શરણં હરિ: શરણં.

અટળ ભવરોગ ટળવાને, સુકૃત સઘળાય ફળવાને;

અમૃતમય મોક્ષ મળવાને, હરિ: શરણં હરિ: શરણં.

કદા કંઈ કષ્ટ આવે તો, કુડી વ્યાધિ સતાવે તો;

કુમતિ મનને ભમાવે તો, હરિ: શરણં હરિ: શરણં.

ભલે સંપત્તિ સુખ હોયે, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દારિદ્રય દુ:ખ તોયે, હરિ: શરણં હરિ: શરણં.

છકી જાવું નહીં સુખમાં, હરિ: શરણં હરિ: શરણં;

દબાવું નહીં કદી દુ:ખમાં, હરિ: શરણં હરિ: શરણં.

પરાયું દુ:ખ જોઈને, હરિ: શરણં હરિ: શરણં;

ભલે સુખ હોય કોઈને, હરિ: શરણં હરિ: શરણં.

સદા સંતોષને માટે, હરિ: શરણં હરિ: શરણં;

ટળે સહુ દોષ તે માટે, હરિ: શરણં હરિ: શરણં.

થવું નિષ્પાપ હોયે તો, હરિ: શરણં હરિ: શરણં;

સદાની શાંતિ ચ્હાયે તો, હરિ: શરણં હરિ: શરણં.

સતાવે કામ ક્રોધાદિ, હરિ: શરણં હરિ: શરણં;

દબાવે મોહ લોભ કદી, હરિ: શરણં હરિ: શરણં.

વિષયમાં ઈન્દ્રિયો દોડે, હરિ: શરણં હરિ: શરણં;

ચપળ મનને હરે જોડો, હરિ: શરણં હરિ: શરણં.

વચન કુડાં કહે કોઈ, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દુ:ખ દે અબળ જોઈ, હરિ: શરણં હરિ: શરણં.

વૃથા અભિમાન જાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ક્ષમા અપરાધ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.

અધિક ઉદ્વેગમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં;

અતુલ આનંદમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં.

કદી કોઈ હાણ્ય થાયે તો, હરિ: શરણં હરિ: શરણં;

ભલે કાંઈ લાભ થાયે તો, હરિ: શરણં હરિ: શરણં.

અશક્તિમાં સશક્તિમાં, હરિ: શરણં હરિ: શરણં;

સહુ વાતે સદા સ્મરવું, હરિ: શરણં હરિ: શરણં.

ઘણું કહેવા થકી શું છે, હરિ: શરણં હરિ: શરણં;

શ્રુતિનું વાક્ય સમજી લે, હરિ: શરણં હરિ: શરણં.

ખરો એ સાર સંસારે, હરિ: શરણં હરિ: શરણં;

સુભાવી જન ઉર ધારે, હરિ: શરણં હરિ: શરણં.

સદા સંતો જપે છે જે, હરિ: શરણં હરિ: શરણં;

તપસ્વીઓ તપે છે તે, હરિ: શરણં હરિ: શરણં.

રટે શિવ શેષ બ્રહ્માદિ, હરિ: શરણં હરિ: શરણં;

મહા મુનિરાય સનકાદિ, હરિ: શરણં હરિ: શરણં.

ભજનનું તત્વ એ જાણો, હરિ: શરણં હરિ: શરણં;

પરમ સુખ એ થકી માણો, હરિ: શરણં હરિ: શરણં.

ભલે હો જાગતા સૂતા, હરિ: શરણં હરિ: શરણં;

ભલે બેઠા ભલે ફરતા, હરિ: શરણં હરિ: શરણં.

ભલે કંઈ કાર્ય હો કરતા, હરિ: શરણં હરિ: શરણં;

રખે એ વાત વિસરતા, હરિ: શરણં હરિ: શરણં.

સફળ આ જન્મ થાવાને, હરિ: શરણં હરિ: શરણં;

સુખે વૈકુંઠ જાવાને, હરિ: શરણં હરિ: શરણં.

સુખદ હરિગીત ગાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ખરા હરિદાસ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: