પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો આઠમો અધ્યાય અને વૈકુંઠની જાતરા નામે કથાવાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની આઠ્મ તો આ સુદ ૮ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો આઠમો અધ્યાય અને વૈકુંઠની જાતરા નામે કથાવાર્તા…..

 

અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ

meghavati vilap

સુત બોલ્યા : “ હે તપોધન ઋષિઓ ! શ્રી વિષ્ણુ તથા શ્રીકૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો.”

નારદે પૂછ્યું : “હે પ્રભુ ! રુકમણિના પતિ શ્રી વિષ્ણુભગવાન વૈકુંઠમાં પધાર્યા તે પછી શું થયું તે મને કહો તેમજ ઈન્દ્રપુત્ર અર્જુન તથા શ્રીકૃષ્ણનું વૃતાંત પણ કહો. કેમકે આદ્યપુરૂષ નરનારાયણ સ્વરૂપે એ બંનેનું વૃતાંત સર્વ લોકોનું હિત કરનારું છે.

શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! રુકમણિના નાથ શ્રી વિષ્ણુ હર્ષપૂર્વક પોતાના વૈકુંઠધામમાં પધાર્યાં તે પછી ત્યાં જઈને તેમણે એ અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. અધિપતિ થઈ સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ બની અધિક માસ પ્રસન્ન થયો. શ્રી વિષ્ણુ પણ આ મળમાસને બારે મહિનાઓમાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ પામ્યા.”

તે પછી હે નારદ ! હવે તમને શ્રીકૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું થયું તે જણાવું  છું. ભકતવત્સલ ભગવાન શ્રીકૃષ્ણે અજુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું : “હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર ! તમે રાજવૈભવ, સંપત્તિ ગુમાવીએ વનમાં દુ:ખી થઈને ભટકી રહ્યા છો. એનું કારણ એ છે કે તમે પુરૂષોત્તમ માસનો અનાદર કર્યો છે. તમે તે માસ વનમાં આચરણહિન બની ગુમાવ્યો છે. ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી હસ્તિનાપુરમાં પણ તમે પુરૂષોત્તમ માસના માહાત્મ્યને જાણી શક્યા નહીં. અને વેદવ્યાસજીથી પ્રાપ્ત વિદ્યા-આરાધનામાં રચ્યાપચ્યા રહ્યાં. આમાં તમારો દોષ નથી. ભાગ્યઅનુસાર મનુષ્યે દુ:ખ ભોગવવું પડે છે. હે મહારાજ ! તમારા દુ:ખનું બીજું પણ આશ્ચર્યકારક તથા ઐતિહાસિક કારણ સાંભળો.

શ્રીકૃષ્ણ બોલ્યા : “ આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી બ્રાહ્મણની પુત્રીહતી. તેનું નામ મેઘાવતી હતું. તે ચતુર, ગુણવાળી તથા ખૂબ સુંદર હતી. તે સાહિત્યશાસ્ત્ર તથા નીતિશાસ્ત્રમાં પંડિતા હતી.”

સમય જતાં ઉંમરલાયક થતાં એક સમયે પાસે રહેતી સખીઓના સંતાનોને લાડ લડાવતાં જોઈ તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે મનમાં ને મનમાં વિચારવા માંડ્યું કે ક્યું વ્રત કરું તો મારી સખી જેવું સુખ મને મળે ? ક્યા દેવની ઉપાસના કરું તો મને ભાગ્યવાન સર્વગુણ સંપન્ન પતિ મળે ? ક્યા મુનિની સેવા કરું તો મને ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય ? માતા તો પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. પિતા પંડિત છે તે પણ આ બાબતે ઉદાસ છે. મારા માટે યોગ્ય પતિ ગોતવા તેઓ શા માટે પ્રયત્ન કરતા નથી ? આવા વિચારોથી તે શોકમાં ડૂબી ગઈ. આ બાજુ ઋષિ મેઘાવી પોતાની પુત્રી મેઘાવતી માટે યોગ્ય વર શોધવાના સંકલ્પ સાથે પૃથ્વીઉપર ભ્રમણ કરવા લાગ્યા. પણ તેમને કોઈ યોગ્ય મુરતિયો મળ્યો નહીં. એટલે નિરાશ થઈ ગયા. આથી દુ:ખની તીવ્ર જ્વાળાઓમાં શેકાતા તે જમીન પર મૂર્છા ખાઈને ઢળી પડ્યા. દૈવયોગે તેમને તીવ્ર તાવ આવ્યો. મહાભયંકર મૂર્છા અવસ્થા સ્વરૂપે તેઓ ઘેર આવ્યા. પુત્રી મેઘાવતી ભયથી ગાભરી બની ગઈ. બ્રાહ્મણ મેઘાવીને પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં ધર્મ પરિશ્રમની કૃપાથી અંતવેળા વાસના છૂટી ગઈ. તેમણે હરિમાં જ ચિત્ત રાખ્યું. મેઘાવીએ પુરૂષોત્તમ શ્રીહરિનું સ્મરણ કરવા માંડ્યું.

જેમનો રંગ કમળોની પાંખડી જેવો કાળો છે અને આકૃતિ ત્રણ ઠેકાણે વાંકી તથા સુંદર છે. તેવા પ્રભુની મરણ સમયે આ પ્રમાણે મુનિએ પ્રાર્થના કરી.

“હે રાસેશ્વર !  હે રાધાપતિ ! આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે, આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરનારા છો અને આપે સ્નાન કરતી ગોપકુમારીઓએ ઉતારી મૂકેલાવસ્ત્રોને હરણ કર્યાઁ હતા.હે શ્રીકૃષ્ણ ! હે ગોવિંદ ! હે શ્રીહરિ ! સંસારસાગરમાં ડૂબી રહેલાઆ અધમ જીવને આપના ચરણોમાં સ્થાન આપો. આપને વારંવાર નમસ્કાર છે. આપ મારા દુ:ખને દૂર કરો.” ઋષિની આર્દ્ર સ્વરે કરેલી સ્તુતિથી ભગવાનના દૂતો મેઘાવી ઋષિને પ્રભુચરણમાં લઈ ગયા.

પિતાના પ્રાણત્યાગથી પુત્રી મેઘાવતી અતિ દુ:ખી થઈ વિલાપ કરવા લાગી. વિહવળ બની બોલવા લાગી : “હે પિતાજી ! આપ મને છોડીને ક્યાં ચાલ્યા ગયા. તમારા વગર નિરાધાર થયેલી મારી હવે કોણ ખબર રાખશે ? મારે ભાઈ નથી. કોઈ કુટુંબ નથી. માતા નથી. મારાં અન્ન-વસ્ત્ર તથા જીવનની ચિંતા કોણ કરશે ? આ ઘોર જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ ? મારે હવે જીવવાનું શું પ્રયોજન છે ? મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા ? ઊઠો ઓ પિતા ! હવે ઊઠો. બહુ વખત થયા સૂતા છો.” એમ કહી આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી.

એ કન્યાનું રુદન સાંભળી ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યાં કે આ તપોવનમાં આવું કરુણ રુદન કોણ કરે છે ? ધીમે ધીમે તેઓને મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાત્રી થઈ એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવી જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. પછી તો તે બધાય વનવાસી રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મડદું ઉઠાવી લઈ સ્મશાનમાં જ્યાં શિવમંદિર હતું. તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવાડી અગ્નિસંસ્કાર કર્યો. પછી એ કન્યા પણ ધીરજ ધરીને પિતાના મરણ પછી શ્રાદ્ધ, તર્પણ, દાન બધી ક્રિયા કરીને એ તપોધનમાં રહેવા લાગી, પણ પિતાના વિયોગથી થયેલા દુ:ખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાછરડું મરી જતાં દુ:ખી થયેલી ગાયની પેઠે આશ્રય વિહોણી બનેલી પીડાયા કરતી હતી.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મેઘાવતીનો વિલાપ” નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

વૈકુંઠની જાતરા

vaikunth jatara

એક ગામમાં પટેલ રહે. પટેલ સાવ ભોળા ! પટેલને ચાર દીકરા. ચારેય દીકરા ખેતી કરે અને પટેલ નિરાંતે ભક્તિ કરે. દાન-પુણ્ય કરે. ભૂખ્યાને ભોજન આપે.

એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યુ. પ્રાત:કાળે સવારે વહેલા ઊઠી નદીએ સ્નાન કરવા જાય, કથા-વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે અને નિત્ય એકટાણું કરે. રાતે પ્રભુ પુરૂષોત્તમનાં ભજન કરે.

પટેલની આવી શ્રદ્ધા-ભક્તિ જોઈ સ્વયં પુરૂષોત્તમ ભગવાન પોતે ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે. ભજન લલકારે છે. ભિખારીને જોઈને પટેલે સૂપડું ભરીને ઘઉં આપ્યા પણ ભગવાન બોલ્યા કે, “આપવો હોય તો આખો ઢગલો આપો.” પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત બોલ્યા કે, “જા, આખો ઢગલો તારો. તારે હક એ મારે હરામ. બોલ, ભાઈ ! તું કહે ત્યાં પહોંચાડી દઉં.”

ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધાં. પટેલ તો પ્રભુનાં ચરણોમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે “હે ભક્ત ! હું તારા પર પ્રસન્ન થયો છું. માંગ, તું માંગીશ એ આપીશ.” ત્યારે પટેલ બોલ્યા : “હે પ્રભુ ! તમારી કૃપાથી બધું જ મારી પાસે છે. બસ, એક ઈચ્છા છે. સદેહે વૈકુંઠની જાતરા કરવી છે, થાય તો એ પૂર્ણ કરો.”

પ્રભુએ પ્રસન્નતાથી પટેલનો હાથ ઝાલીને તેમને વિમાનમાં બેસાડ્યા અને વૈકુંઠ લઈ ગયા. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી શિવલોક, બ્રહ્મલોક, પાતાળલોક અને ઈન્દ્રપુરી લઈ ગયા. પછી અક્ષરધામનાં પણ દર્શન કરાવ્યા.

આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોળ થઈ ગઈ. બાપા ગયા ક્યાં ? ચારે બાજુ પટેલને શોધવા દોડધામ કરી મૂકી. પણ પટેલ હોય તો મળે ને ? એ તો લહેરથી વૈકુંઠની જાતરા કરતા હતા. વાટ જોતાં જોતાં પાંચ દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરા જોષી પાસે ગયા. જોષીએ જોષ જોઈને કહ્યું કે, “અગિયાર દિવસ રાહ જુઓ. બાપા પાછા ન આવે તો બારમા દિવસે બારમું કરી નાખજો.”

અગિયાર દિવસ વાટ જોયા પછી પણ પટેલ ના આવ્યાત્યારે બારમા દિવસેચોકરા દાઢી-મૂંછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા. પિંડદાન દીધાં ત્યાં જ સરસરાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઊતર્યા. બધા ભૂત… ભૂત…. કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે “ભૂતેય નથી અને પલીતેય નથી. જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાતરા કરવા ગયો હતો. પ્રભુ પુરૂષોત્તમ પોતે મને લઈ ગયા હતા.” પણ કોઈએ તેમની વાત માની નહીં.

પટેલે બધાને બહુ સમજાવ્યા પણ વાત લોકોના ગળે ન ઊતરે. સદેહે વળી વૈકુંઠમાં જવાતું હશે ? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાતરા કરાવે તો વાત સાચી માનવી, નહીંતર ચિતાએ ચઢાવી દેવા. પટેલ તો ખરા ફસાયા. પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા ?

તરત પ્રભુ ગરુડ પર ચઢીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયાં. પટેલે પ્રભુને વિનંતી કરી : “હે પ્રભુ ! આ લોકો મારીવાત માનતા નથી. તેથી તમે આ બ્રાહ્મણોને પણ વૈકુંઠની જાતરા કરાવો, નહીં તો આ બધા ભેગા મળી મને ચિતા પર ચઢાવી દેશે.”

ત્યારે પ્રભુબોલ્યા : “પટેલ ! પુણ્યશાળી જીવને જ વૈકુંઠનાં દર્શન થાય. બીજાને નહીં.” પરંતુ પટેલે જીદ કરી એટલે પ્રભુએ હા પાડી. પટેલની સાથે સાત બ્રાહ્મણોએ વૈકુંઠની જાતરાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતાં લંગાર થઈ. ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે “વૈકુંઠમાં લાડવા મળશે ?”  પટેલે ‘હા’ પાડી તો બ્રાહ્મણેપૂછ્યું કે ‘કેટલા ?’ ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું કે ‘આટલા.’

પટેલે હાથ પહોળા કરતાં જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. સાતેય બ્રાહ્મણ મરી ગયા. માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણોને સ્વધામ સંચરેલા જોઈ પટેલ રડતાં રડતાં પ્રભુને વિનવવા લાગ્યા કે “તેં તો મારા પર બ્રહ્મહત્યા ચઢાવી પ્રભુ ! હવે તો આ સાતેય બ્રાહ્મણોને જીવતા કર તો જ અન્નજળ લઉં.”

ભગવાન તત્કાળ દોડી આવ્યા અને સાતેય બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યાં.

હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! તમે જેવા પટેલને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર

નારાયણ નારાયણ જય ગોવિંદ હરે

નારાયણ નારાયણ જય ગોપાલ હરે.

અચ્યુત અશરણશરણા, કમલા લાલિતચરણા –

નારાયણ નારાયણ જય ગોવિંદ હરે

નારાયણ નારાયણ જય ગોપાલ હરે.

ક્ષીરસમુદ્રશયાના, જય પક્ષીશ્વરયાના. નારાયણ…

કોટીમદનછબિસુંદર, શ્યામલ પીતાંબરધર. નારાયણ…

કરચક્રગદાંબ્રુજયુત, ભક્તાનામભયાયુધ. નારાયણ…

અંશકલાવિગ્રહ્ધર, દુર્જનખલનિગ્રહકર. નારાયણ…

હિરણ્યાક્ષહતિકરણા, વરાહ ધરણીધરણા. નારાયણ…

યજ્ઞસકલશુભકર્તા, હરિવર સુરાર્તિહર્તા. નારાયણ…

સાંખ્યાચાર્ય મુનિશ્વર, કર્દમસુત કપિલેશ્વર. નારાયણ…

અનસૂયાસુત ગુરુવર, દત્તાત્રેય દિગંબર. નારાયણ…

શિશુવેશા સનકાધા, નારદ વીણાવાધા. નારાયણ…

જય જય નારાયણ, જનહિત તપ:પરાયણ. નારાયણ…

ભૂદોહનકર ભૂપા, પ્રુથુવિક્રમ પ્રુથુરૂપા. નારાયણ…

ઋષભદેવ યોગીશ્વર, જય જય બ્રહ્મવિદાંવર. નારાયણ…

હયગ્રીવ મધુહંતા, મુખમય વિશ્વનિહંતા.  નારાયણ…

મહામીનતનુધારક, પ્રલયે વેદોદ્ધારક. નારાયણ…

કચ્છપરૂપ કૃપાકર, સિંધુમંથન ધરમંદર. નારાયણ…

નરહરિરૂપ ભયંકર, સુરમુનિનુત લક્ષ્મીવર. નારાયણ…

હિરણ્યકશિપુનિહંતા, પ્રહલાદાભયદાતા. નારાયણ…

ચક્રનક્રસુવિદારક, હરે ગજેંન્દ્રોદ્ધારક. નારાયણ…

જય વામન બલિછલના દેવદુ:ખનિર્દલના. નારાયણ…

ચિદઘન હંસશરીરા, વિધિબોધક મતિધીરા. નારાયણ…

જય સમસ્તમનુરૂપા, ધર્મસ્થાપકભૂપા. નારાયણ…

ધન્વન્તરિ વૈધેશ્વર આયુર્વેદસુધાકર. નારાયણ…

મોહિનીરૂપ મનોહર, આસુરમોહ સુરહિતકર. નારાયણ…

ભૃગુકુલતિલક પરશુધર, નિ:ક્ષત્રિયધરણીકર. નારાયણ…

દશરથકૌશલ્યાસુત સુરવર વિધિહરનુત. નારાયણ…

તાતવચનવનગમના, જય દાનવદમના. નારાયણ…

અદભૂત પુણ્યચરિત્રા રઘુવર કપિવરમિત્રા. નારાયણ…

ગોદ્વિજસુરસુખકારણ સકુલદશાનનદારણ, નારાયણ…

નંદયશોદાજીવન હલધરયુત વ્રજજનધન. નારાયણ…

અઘબકબકીતૃણક્ષય, કાલિયમર્દન જય જય. નારાયણ…

બંદીવાદનશીલા અત્યદભુતશિશુલીલા. નારાયણ…

રાધાનનાબ્જષટપદ, રાસવિલાસવિશારદ. નારાયણ…

વ્રજજનસંકટહરણાં, ગોવર્ધનગિરિધરણા. નારાયણ…

દેવ દેવકીનંદ કેશવ કંસનિકંદન. નારાયણ…

વેદવ્યાસ મુનીશ્વર, વેદવિભાગસુગમકર. નારાયણ…

બુદ્ધમુનીશ મહાશય, સ્થાપક ધર્મ દયામય. નારાયણ…

કલ્કે કલિકલુષાંતક, કલુષીજનવિનિઘાતક. નારાયણ…

એવમનંતચરિત્ર, નામાનંતપવિત્ર. નારાયણ…

શ્રીકૃષ્ણ કૃપાલયનં મામ પ્રતિપાલય. નારાયણ…

તવ દાસં ‘હરિદાસ’ દયયા દદ પદવાસં. નારાયણ…

(આર્યાગીત)

નારાયણ નામામૃત, પીતાં ભવરોગ દુષ્ટ નષ્ટ થશે;

એહ જ અવતાર ચરિત, ગાતાં અવતરણ મરણ કષ્ટ જશે.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો આઠમો અધ્યાય અને વૈકુંઠની જાતરા નામે કથાવાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […]      »    અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: