પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સાતમો અધ્યાય અને વનડિયાની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની સાતમ તો આ સુદ ૭ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સાતમો અધ્યાય અને વનડિયાની વાર્તા…..

 

અધ્યાય સાતમો : મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ

mal mas aish

 

સૂતજી બોલ્યા : “હે તપોધન ભાઈઓ ! તમે જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદમુનિએ શ્રી નારાયણને કર્યો હતો અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું.”

નારદે પૂછ્યું : “એ મળમાસનું અપાર દુ:ખ જણાવી વિષ્ણુ ભગવાન મૌન રહ્યા. તે પછી હે બદ્રીનાથ નારાયણ ! તે પુરૂષોત્તમ પરમાત્માએ શું કર્યું હતું તે હવે કહો.”

શ્રી નારાયણ બોલ્યા : “હે પુત્ર નારદ ! ગોલોકનાથ શ્રીકૃષ્ણ ભગવાને જે ગુહ્યવચન શ્રી વિષ્ણુને કહ્યું હતું તે જ હું કહું છું. દંભરહિત ઉત્તમ ભક્તને સર્વ કહેવું જોઈએ. પુરૂષોત્તમનું  એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકારક, ઉત્તમ પુત્ર આપનાર, ઘણા બધા પુણ્યોને આપનારું છે. માટે અનન્ય ભક્તિથી તે સાંભળવા જેવું અને આચરવા જેવું છે.”

શ્રી પુરૂષોત્તમે શ્રી વિષ્ણુને તે વેળા કહ્યું “ હે વિષ્ણુ ! આ મળમાસનો હાથ પકડી તમે અહીં આવ્યા તે ઠીક કર્યું છે. આથી તમે લોકમાં કીર્તિ પામશો. તમે જે જીવને સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે અને એમ જાણીને તેને મારા જેવો સર્વોપરી કરીશ. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, છ ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે જે ગુણોથી લોકમાં પુરૂષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું તે સર્વે ગુણો આજથી આ મળમાસને અર્પણ કરું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું ‘પુરૂષોત્તમ’ એવું પ્રસિદ્ધ નામ છે તે પણ હે જનાર્દન ! હુ આને આપું છું. આનો સ્વામી પણ હું જ થાઉં છું. આના નામથી આખું જગત પવિત્રથશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. વળી, જગતમાં પૂજ્ય અને વંદનીય થશે. આની પૂજા જપ-તપ, દાન-વ્રત કરનાર સર્વ લોકોના દારિદ્રનો નાશ થશે. બધા મહિનાઓ તો કામવાળા છે પણ આને હું નિષ્કામ કરું છું. સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે.”

“મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેને માટે આહાર રહિત તપશ્ચર્યા કરે છે. દ્રઢ વ્રતો ધારે છે, ફળ, પાંદડાં તથા વાયુનો જ આહાર કરે છે. કામ, ક્રોધ ત્યાગી જિતેન્દ્રીય બની ચોમાસામાં પણ વગડામાં રહી ટાઢ તડકો સહન કરે છે તો પણ હે ગરુડધ્વજ ! તેઓ મારા અવિનાશી પદનેપામતા નથી,પરંતુ જેઓ આ પુરૂષોત્તમ માસની ભક્તિ કરશે, તેનાં પૂજા-વ્રત કરશે,તેઓ તો માત્ર એક જ મહિનામાં ઘડપણ તથા મરણથી રહિત તે પરમપદને અનાયાસે પ્રાપ્ત કરશે. એવો મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ-મરણ,ભય, આધિ, વ્યાધિતથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો જ નથી. આવું વેદવચન સત્ય છે. આજથી આ મહિનાનો અધિપતિ હું થાઉં છું. આને હું જ પ્રતિષ્ઠા પમાડું છું અને આને ‘પુરૂષોત્તમ’ એવું મારું નામ પણ હું અર્પણ કરું છું. તેથી આ માસને પૂજનાર ભક્તોની ચિંતા રાત-દિવસ મને જ રહેવાની, આના (પુરૂષોત્તમ માસના) ભક્તોની સર્વ કામનાઓહું જ પૂરી કરવાનો છું. હે વિષ્ણુ ! મારા પોતાના આરાધન કરતા મારા ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે.”

અતિશય મુઢ જેવા જે લોકો આ પુરૂષોત્તમ માસમાં જપ, દાન, આદિ નહી કરે, સત્કર્મો તથા સ્નાનથી રહિત રહેશે અને દેવો તથા તીર્થો,બ્રાહ્મણોનો દ્વેષ કરશે તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્ય ઉપર જીવનારા થશે. જેમ ‘સસલાને શીંગડું કદી હોઈ શકે નહિ.’ તેમ તેઓને સ્વપ્નમાં પણ કદી સુખ મળશે નહિ. જેઓ મને પ્રિય આ પુરૂષોત્તમ માસને ‘મળમાસ’ ગણી તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહિ તેઓ અધમ નર્કવાસી બનશે અને કુંભીપાક નામના નરકમાં પડશે.”

“ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરૂષોત્તમ માસમાં સ્નાન, દાન તથા પૂજન આદિ કરશે તેઓને હું પોતે જ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ.”

પણ જેઓ પુરૂષોત્તમ માસનો અનાદર કરશે તેઓને સ્વામી સુખ, ભાઈ-પુત્ર તથા ધનનું સુખ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નહીં થાય. માટે બધા લોકોએ આ માસમાં સ્નાન-પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન દેવું. જે મનુષ્ય આ પુરૂષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કરશે તે ધન તથા પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે.

“મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. માટે હે લક્ષ્મીવર ! તમે આ અધિક માસની ચિંતા છોડી દઈ આ પુરૂષોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠધામમાં જાઓ ! “

શ્રીકૃષ્ણ ભગવાનનું એ રસિક વચન સાંભળી વિષ્ણુએ મેઘ જેવી કાંતિવાળા શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક એ પુરૂષોત્તમ માસને સાથે લઈ જલદી ગરુડ પર બેસી પોતાના વૈકુંઠ ધામમાં તે પધાર્યા. અને તે દિવસથી મળમાસ “ પવિત્ર પુરૂષોત્તમ માસ” ના નામે ઓળખાવા લાગ્યો.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ” નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ.

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

વનડિયાની વાર્તા

vanadiyo

સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે. એનું નામ ‘સોનબાઈ’. આ સોનબાઈને સાત ભાઈ અને સાત ભાભી. સાત ભાઈની એકની એક બહેન એટલે લાડકી. એવી કે એનો પડ્યો બોલ ઝીલે. ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે. એટલે આખો દિવસ નવરી ને નવરી. રસોઈ થાય એટલે જમી લે. પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર-સાંજ દેવદર્શન જાય, દાન-પુણ્ય કરે અને ભજન-ભક્તિમાં લીન રહે. વ્રતેયકરે અને ઉપવાસેય કરે. કથાવાર્તાય સાંભળે ને ધરમ-ધ્યાનેય કરે.

એવામાં અધિક માસ આવ્યો. પાવન પુરૂષોત્તમમાસ… જીવનનાં પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. સાતેય ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે.

આમ કરતા મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. સાતેય ભાભી સોનબાઈને કહેવા લાગી કે “નણંદબા રે નણંદબા, ચાલો, વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એણે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે.” આ સાંભળીને સોનબાઈ બોલી કે “ના રે બાઈ, ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાઉં તો એક મારા ભગવાનના… બીજા કોઈની કથાયે ન સાંભળું ને વાર્તાયે ન સાંભળુ. મારે તો કાઈ પાપમાં પડવું નથી.”

ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે, પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ના રહ્યો. આ તો વનડિયો દેવ. કોપે તો દાટ વાળી દે અને રીઝે તો રાજ આપી દે. કનડે તો એવો કનડે કે ભલભલા સીધા દોર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય.

દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતાં છે, ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. એણે ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપરૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપા ધર્યું. અબીલ છાંટ્યાં… ગુલાલ છાંટ્યાં… અત્તર છાંટ્યાં… અને ગુલાબના ફૂલ પાથર્યા… એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય.

સવાર પડતાં જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતાં જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાત્રી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે. જઈને બધી વાત કરી. પાંપણના પલકારે આખાય ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધાં ફીટકાર આપવા લાગ્યા.

આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વા વાત લઈ જાય… સાંજ પડતાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ પર થું… થું… કરવા લાગ્યા.

આ તો હજાર મોઢાવાળું જગત કહેવાય. આમેય બોલે ને તેમેય બોલે, સતી સીતાને કલંક લગાડે. સાતેય વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારીપેઠે મીઠું મરચું ભભરાવ્યું. આ તો આખા કુળનું નાક જાય એવી વાત. સાતેયની આંખોમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાડા પાડીકે “સાચુંબોલી નાખ. કોણ છે તારી પાસે આવનાર ? નામ જણાવ એનું ! નહીંતર ધડથી માથું જુદું થઈ જશે.”

બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકીને કહ્યું : “મારા પ્રભુના સોગંધ. સપનેય મેં પુરૂષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો.”

ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ? સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો? ખાત્રી કર્યા વગર બેનની હત્યા કરીએ તો તો નરકે જવું પડે. પહેલાં વાતની ખાત્રી તો કરવી જ પડે. સાતેય ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું.

મધરાત થઈ. સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડિયો ભ્રમરનું રૂપ લઈનેઆવ્યો અને અબીલ-ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતાં જ સાતેય ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતાં જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે “ કોણ છે તું ? માનવ છે કે દાનવ છે ? ગંધર્વ છે કે કિન્નર છે ? યક્ષ છે કે દેવ છે ? જલ્દી બોલ, નહીંતર તલવારના એક ઘાએ માથું જુદું થઈ જાશે.”

આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે “મારું નામ વનડિયો દેવ… શસ્ત્ર મને મારી ન શકે. શસ્ત્રો મારો વાળ પણ વાંકો ન કરી શકે. રીઝું તો રાજ આપું અને ખીજાઉં તો ખેદાનમેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું.”

આ સાંભળીને સાતેય ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે “હે દેવ ! શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ ?”

ત્યારે વનડિયો બોલ્યો કે “એક ઉપાય છે, જો સોનબાઈ વાડને પાડુ, પાળને પુરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભાવ પૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય…”

“હે વનડિયા દેવ ! અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય ? ગામના મોંઢે ગળણું કઈ રીતે બાંધવું ?”

“એનોય ઉપાય છે” વનડિયો બોલ્યો : “ નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવરાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીનેસતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલિમા દૂર થશે.”

સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો.

સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડુ, પાળને પુરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી, તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી.

આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે “હે મહારાજ! મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો.”

રાજ જ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્ર અને તિથિ-વાર જોયાં. પછી કહ્યું કે : “હે રાજન ! કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચઢે, જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન ! આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પિટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે.”

તત્કાળ રાજાએ ઢંઢેરો પિટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાનાં મોં સામે જોવા લાગી. આ તો સતનાં પારખાં કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજેતો થાય.

આ બાજુ સોનબાઈ  સાતેય ભાઈ-ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે “ હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ.” એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા પણ સોનબાઈ દ્ર્ઢ રહી.

બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે. એનો ફજેતો થશે.

સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈને ચાળણી સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાળણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો, તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો.

આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી :

વનડિયા તું વનડીશ મા;

ભાઈની બેનને કનડીશ મા;

કુડા કલંક ચઢાવીશ મા;

સતમાં વહેમ જગાડીશ મા;

રીઝે તો તું આપતો રાજ;

બગડેલાં સુધારતો કાજ;

તું ખિજાય તો વાળે દાટ;

ચો દિશ ગુંજે તારી હાક;

તારો વાસ પ્રભુની પાસ;

અમે તારા ચરણોના દાસ;

પુણ્ય ફળ્યાને પાતક ટળિયાં;

પુરૂષોત્તમ પ્રભુ આવી મળિયા.

          હે વનડિયા દેવ ! તમે જેવા સોનબાઈને ફળ્યા, એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો.

II જય વનડિયા દેવ II

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી મુકુંદ નામમાલા

જય જય મુકુંદ સુખમય મુકુંદ, ચિન્મય મુકુંદ નિર્ભય મુકુંદ.

હરિ હરિ મુકુંદ નરહરિ મુકુંદ, માધવ મુકુંદ કેશવ મુકુંદ.

ભૂધર મુકુંદ હલધર મુકુંદ, શ્યામલ મુકુંદ કોમલ મુકુંદ.

વ્રજપતિ મુકુંદ પશુપતિ મુકુંદ, ગોપતિ મુકુંદ શ્રીપતિ મુકુંદ.

જનપતિ મુકુંદ નરપતિ મુકુંદ,  સત્પતિ મુકુંદ સદગતિ મુકુંદ.

સુરપતિ મુકુંદ નિધિપતિ મુકુંદ, મતિપતિ મુકુંદ ક્ષિતિપતિ મુકુંદ.

પયહર મુકુંદ દધિહર મુકુંદ, મનહર મુકુંદ ભવહર મુકુંદ.

મદહર મુકુંદ બકહર મુકુંદ, અઘહર મુકુંદ ભયહર મુકુંદ.

જયકર મુકુંદ હિતકર મુકુંદ, શ્રીકર મુકુંદ શુભકર મુકુંદ.

હરિવર મુકુંદ શ્રીવર મુકુંદ, રઘુવર મુકુંદ યદુવર મુકુંદ.

ગુરુવર મુકુંદ નટવર મુકુંદ, નટવર મુકુંદ સુરવાર મુકુંદ.

અચ્યુત મુકુંદ અદભૂત મુકુંદ, શાશ્વત મુકુંદ સુવ્રત મુકુંદ.

કારણ મુકુંદ તારણ મુકુંદ, ભોજન મુકુંદ ભોક્તા મુકુંદ.

વિક્રમ મુકુંદ વામન મુકુંદ, પદ્મી મુકુંદ પાવન મુકુંદ.

ઉદભવ મુકુંદ સંભવ મુકુંદ, કર્તા મુકુંદ ભર્તા મુકુંદ.

મંગલ મુકુંદ મોહન મુકુંદ, ઉત્તમ મુકુંદ ગુરુત્તમ મુકુંદ.

ભોગી મુકુંદ યોગી મુકુંદ, ધાતા મુકુંદ સત્તા મુકુંદ.

ભાવન મુકુંદ જીવન મુકુંદ, ગુણમય મુકુંદ નિર્ગુણ  મુકુંદ.

દિનકર મુકુંદ ભાસ્કર મુકુંદ, ઈશ્વર મુકુંદ મહેશ્વર મુકુંદ.

મોક્ષદ મુકુંદ અભયદ મુકુંદ,  અવ્યય મુકુંદ પ્રત્યય  મુકુંદ.

વ્યાપક મુકુંદ રક્ષક મુકુંદ, વંદિત મુકુંદ પૂંજિત મુકુંદ.

પ્રભુવર મુકુંદ વિભુવર મુકુંદ, સાધન મુકુંદ સિદ્ધિદ મુકુંદ.

ભુક્તિદ મુકુંદ ભક્તિદ મુકુંદ, મુક્તિદ મુકુંદ શાંતિદ મુકુંદ.

સ્વસ્તિદ મુકુંદ કામદ મુકુંદ, અવિચળ મુકુંદ અનુપમ મુકુંદ.

આશ્રય મુકુંદ આત્મા મુકુંદ, શ્રીમન મુકુંદ ભગવન મુકુંદ.

શંખી મુકુંદ ચક્રીત મુકુંદ, વ્યંકટ મુકુંદ વિઠ્ઠલ મુકુંદ.

એ હરિ મુકુંદ ભાવે ભજાય, સૌ દુરિત જાય દુર્ગુણ તજાય.

એ હરિ મુકુંદ ભાવે ભજાય, સદગુણ સજાય સહુ કષ્ટ જાય.

એ હરિ મુકુંદ સહેજે સ્મરાય, શ્રમ નહિ જરાય ભવજળ તરાય.

એ હરિ મુકુંદ જો મુખ જપાય, કલિમલ કપાય કેશવ કૃપાય.

ટળતાં અપાય સુખ નવ મપાય, જન જઈ મુકુંદ-પદમાં સ્થપાય.

(અનુષ્ટુપ છંદ)

મુકુંદ નામ રત્નોની, માળા જેણે કરે ધરી;

અથવા કંઠમાં પહેરી, તે આવે ભવે ફરી.

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

2 Responses to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો સાતમો અધ્યાય અને વનડિયાની વાર્તા…..”

  1. Free Hindi Ebooks Says:

    સુંદર કથા…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: