પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો છઠ્ઠો અધ્યાય અને ધનબાઈ મનબાઈની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની છઠ્ઠ. તો આ સુદ ૬ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો છઠ્ઠો અધ્યાય અને ધનબાઈ મનબાઈની વાર્તા…..

 

અધ્યાય છઠ્ઠો : પ્રભુ વિષ્ણુંની વિનંતી

PM Photo (11)

નારદ બોલ્યાં : “હે નિર્દોષ નારાયણ ! વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાને ગોલોકમાં જઈ શું કર્યું હતું ? એ સાંભળવાનીમને ઈચ્છા છે તો કૃપા કરીને તે મને કહો.”

શ્રી નારાયણ બોલ્યાં : “હે નારદ ! વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા, ત્યાં જે બન્યું હતું  તે તમને કહું છું તે સાંભળો : “એ ગોલોકની વચ્ચે શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી શોભતું છે. શ્રી વિષ્ણુ ભગવાને તે દૂરથી જોયું, એના તેજથી અંજાઈ આંખો બંધ થઈ જવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી, ધીમા પગલે તે આગળ ચાલ્યા. અધિક માસને પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડી સ્તુતિ કરી.

શ્રી વિષ્ણુ બોલ્યાં : “વ્યાપક ગુણોથી પર, ભક્તો સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસમંડળમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી ઊભેલી જણાય છે. આપ બે ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનાર તથા પીળાં વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું.” એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુની આજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા.

શ્રી નારાયણ બોલ્યાં : “હે નારદ ! શ્રી વિષ્ણુ ભગવાને કરેલ ઉપર્યુક્ત શ્રીકૃષ્ણ  સ્તોત્રનો પ્રાત:કાળે ઊઠીને જે પાઠ કરે છે, તેનાં સર્વે પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે અને તે જીવનપર્યંત સુખ-સંપત્તિથી સમૃદ્ધ રહે છે.

શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રીકૃષ્ણના ચરણકમળમાં નમન કરાવ્યું. તે વખતે શ્રીકૃષ્ણે પૂછ્યુંકે ”આ કોણ છે ? એ કેમ રડે છે ? ગોલોકમાં વસનારા બધાયે સદા આનંદથી વ્યાપ્ત રહે છે. છતાં હે લક્ષ્મીપતિ ! એને એવું તે ક્યું દુ:ખ છે કે તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં છે અને તે ધ્રુજીરહ્યો છે.”

નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોલોકનાથ શ્રીકૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મળમાસનું સમગ્ર દુ:ખ કહેવા માંડ્યું.

શ્રી વિષ્ણુ બોલ્યાં : “હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન શ્રીકૃષ્ણ ! આપની સમક્ષ આ અધિકમાસનું દુ:ખ હું કહું છું. એ સ્વામી વગરનો છે, એને કોઈ અધિષ્ઠાતા નથી. બારે મહિનાઓએ, તિથિઓ, કાષ્ઠાઓ તથા લવ વગેરે કાળ અંશોએ આને તિરસ્કાર્યો છે. સર્વેપ્રાણીઓ, વનસ્પતિઓ, નદી-નાળા, સરોવરોવગેરે એને ધિક્કારે છે. આ સૂર્યની સંક્રાંતિથી રહિત છે અને આ નધણિયાતો મલિન મળમાસ સદા શુભ કર્મમાં ત્યાજ્યછે અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વ સ્વામીના ગર્વવાળા કહે છે અને તેને તિરસ્કારે છે. આથી તે મરવા તૈયાર થયો, પણ બીજાઓએ તેને મારી પાસે મોકલ્યોછે. તેથી આમારે શરણે આવ્યો છે. ખરેખર આનું દુ:ખ દૂર કરવું અશક્ય છે. આપનાં ચરણકમળને શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો  ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું તો મારું આવવું સફળ કરો.” એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ, ભગવાન શ્રીકૃષ્ણના મુખકમળને જોતાં એમની સાથે ઊભા રહ્યા.

કથા સાંભળવા ઉત્સુક બનેલા શૌનકાદિ વગેરે ઋષિઓ બોલ્યા : “ હે સૂતજી ! તમે ભગવતકથાનું દાન કરનાર છો. તે પછી ગોલોકવાસી શ્રીકૃષ્ણે શું કહ્યું હતું અને શું કર્યું હતું તે કહો. શ્રી વિષ્ણુ તથા શ્રીકૃષ્ણનો આ સંવાદ સર્વ લોકોનો ઉદ્ધાર કરનાર છે. હે સૂત ! બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વર શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો. એ નારદમુનિ ભગવાનના મહાન ભક્ત છે તેથી તેમનું એ પ્રશ્નવચન ઉત્તમ ઔષધ રૂપ જ કહેવું જોઈએ.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પ્રભુ વિષ્ણુંની વિનંતી” નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ધનબાઈ મનબાઈની વાર્તા

PM Photo (12)

ધારાનગરીમાં રાજા ભોજનું રાજ તપે. રાજા ઘણો દાની અને પ્રજાવત્સલ. પ્રજાના દુ:ખે દુ:ખી અને સુખે સુખી થાય એવો. આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની એ બાઈઓ રહે. બંને પડોશણ. સાથે જ વ્રત-તપ કરે. ધર્મ-ધ્યાન ધરે. એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. ધનબાઈ-મનબાઈએ વ્રત લીધાં. બંને રોજ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય. નાહીને પ્રાર્થના કરે. ધનબાઈ નાહીને બોલે કે “મને ફળજો ભોજ ભુપાળ.” જ્યારે મનબાઈ એમ બોલે કે “મને ફળજો નંદગોપાળ.”

એક વાર રાજની દાસી સ્નાન કરવા આવી. એણે ધનબાઈ-મનબાઈની પ્રાર્થના સાંભળી.જઈને રાજાને વાત કરી. રાજા ભોજને નવાઈ લાગી. બીજા દિવસે વેશપલટો કરીને જાતે નદીએ આવ્યો અને વાતની ખાત્રી કરી.

રાજા ભોજે નક્કી કર્યં કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્રય દૂર કરું તો જ હું રાજા સાચો. એણે તો તરત સેવકોમોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખનો પાર ના રહ્યો. નક્કી દયાળુ રાજા સોનામહોર અને હીરામાણેક આપશે.

ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું. ધનબાઈની ભોંઠપનો પાર ના રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું ચાર આનામાં કાછિયાને વેચી દીધું અને ઘરભેગી થઈ ગઈ.

આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ જાઉં. ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે. એ તો છ આના આપીને કોળું લઈ ગઈ. છરીને લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખ…ણ…ણ કરતી હજાર સોનામહોર પડી. મનબાઈ તો રાજી રાજી થઈ ગઈ. નક્કી આ પુરૂષોત્તમ પ્રભુની જ કૃપા.

મનબાઈએ પાંચ સોનામહોર વટાવીને સીધું-સામાન ખરીદ્યાં. એકસો એક બ્રાહ્મણને નોતરી દીધા. જમાડીને મોં માગી દક્ષિણા દીધી. બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશપલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈને બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એને નવાઈ લાગી.

તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું ચાર આનામાં વેચી દીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ના હોય એને ભૂપ પણ ન આપી શકે.

ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યા એનું જ આ પરિણામ હતું.

એમ કરતાં બીજો પુરૂષોત્તમ માસ આવ્યો. ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથીપ્રભુને સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર ટળ્યું.

અમૃતમાસ અંતરથી ભજે, ધરે પુરૂષોત્તમનું ધ્યાન;

અંતરથી આરાધના કરે, અવશ્ય મળે ભગવાન.

          હે પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી માધવ નામમાલા

માધવ માધવ મુરહર માધવ,  માધવ માધવ ગિરિવરધારી;

માધવ માધવ નટવર માધવ,  માધવ માધવ કુંજબિહારી.

માધવ માધવ ગિરિવર માધવ,  માધવ માધવ ભવભયહારી;

માધવ માધવ ભૂધર માધવ,  માધવ માધવ જનસુખકારી.

માધવ માધવ હલધર માધવ,  માધવ માધવ મંગલકારી;

માધવ માધવ નગધર માધવ,  માધવ માધવ સંકટહારી.

માધવ માધવ દરધર માધવ,  માધવ માધવ કરુણાહારીએ;

માધવ માધવ દુર્ઘર માધવ,  માધવ માધવ દેવમુરારી.

માધવ માધવ શ્રીધર માધવ,  માધવ માધવ જયસુખદાતા;

માધવ માધવ દ્યુતિધર માધવ,  માધવ માધવ નિજ જનત્રાતા.

માધવ માધવ મનહર માધવ,  માધવ માધવ જય અવિનાશી;

માધવ માધવ ભવહરમાધવ,  માધવ માધવ જય સુખરાશી.

માધવ માધવ ભયહર માધવ,  માધવ માધવ જય વ્રજવાસી;

માધવ માધવ મદહર માધવ,  માધવ માધવ વિશ્વવિલાસી.

માધવ માધવ બકહર માધવ,  માધવ માધવ હે બહુનામી;

માધવ માધવ અઘહર માધવ,  માધવ માધવ અન્તરયામી

માધવ માધવ ઈશ્વર માધવ,  માધવ માધવ દેવ ગદાધર;

માધવ માધવ નટવર માધવ,  માધવ માધવ જય કમલાવર.

માધવ માધવ શ્રીવર માધવ,  માધવ માધવ અદભુતમાયી;

માધવ માધવ રઘુવર માધવ,  માધવ માધવ હરિ વરદાયી.

માધવ માધવ યદુવર માધવ,  માધવ માધવ હે અવતારી;

માધવ માધવ ગુરુવર માધવ,  માધવ માધવ જય આરાસુરી.

માધવ નામ અમંગલહારણ,  માધવ નામ સુમંગલકારી;

માધવ નામ દહે દુ:ખ દારુણ,  માધવ નામ મહા અઘહરી.

માધવ નામ થકી સુખ સંપત્તિ,  માધવ નામ થકી વશજાયે;

માધવ નામ થકી સહુ સદગુણ,  માધવ નામ થકી દુર્ગુણ વામે.

માધવ નામ નિરંતર જપાય, તો સઘળા શુભધર્મ સધાય;

એ શુભ માધવ નામ મહામણિ, વીણી લઈ ગ્રથિ માધવમાળા

તે જન કંઠ વિશે ધરતાં, કદીયે ન જુએ યમકિંકર કાળા.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: