પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પાંચમો અધ્યાય અને ભલી ભરવાડણની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની પાંચમ. તો આ સુદ ૫ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પાંચમો અધ્યાય અને ભલી  ભરવાડણની વાર્તા…..

 

અધ્યાય પાંચમો : શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું

vishnusupersoul

નારદજીએ પૂછ્યું: “હે મહાભાગ્યશાળી ! મળમાસ ઢળી પડતા પ્રભુએ તેને શું કહ્યું ?”

શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! મળમાસ બેભાન થઈ ઢળી પડ્યો એટલે શ્રીહરિએ ગરુડને આજ્ઞા કરી. આથી ગરુડ મળમાસને પોતાની પાંખો વડે શીતળ પવન નાખવા લાગ્યો. થોડી વારે કળ વળતાં મળમાસ ભાનમાં આવી ઊભો થયો ને ફરી કહેવા લાગ્યો : “હે પ્રભુ ! મારા ઉપર જે વિપત્તિ આવી પડી છે તેથી મને કાંઈ ગમતું નથી. આવું કષ્ટદાયક અને ઉપહાસ ભરેલું જીવન જીવવા કરતાં મને મૃત્યુ મળે તો હું મુક્તિ પામું.” એમ કહી તે ધ્રુજવા લાગ્યો ને વિલાપ કરવા લાગ્યો.

શ્રી વિષ્ણુએ મળમાસના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસન આપી શાંત કર્યો અને બોલ્યાં : “હે પુત્ર ! ઊઠ, તારું કલ્યાણ થાઓ. હે નિરિશ્વર ! તારું દુ:ખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે.” એમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યા પછી મધુસુદન ભગવાન ફરી બોલ્યા.

“ હે પુત્ર ! તું ગોલોકમાં ચાલ, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાન રહે છે. રત્નોના સિંહાસન પર બેસે છે. સ્વર્ગના આધાર છે. પરથી પણ પર છે. ચાલ, આપણે ત્યાં જઈએ. એ તારું દુ:ખ દૂર કરશે.”

એ ગોલોક વિશે તને જણાવું છું. ગોલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે, જ્ઞાનરૂપી માર્ગ દેખાડવાવાળો છે. જ્યોતિસ્વરૂપ છે. ત્રણે લોક કરતાં સુંદર છે. એની લંબાઈ તથા પહોળાઈ ત્રણ કરોડ યોજનની છે. સર્વ કરતાં ઉત્તમ છે, ત્યાં મનનું કે શરીરનું દુ:ખ નથી અને ઉત્ત્મ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે.

એ ગોલોકની નીચે જમણી બાજુ પચાસ કરોડ યોજનના અંતરે વૈકુંઠલોક છે. અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા વૈષ્ણવો વસે છે. એ બધા સુંદર પીળાં વસ્ત્રો પહેરનારા છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા ચાર બાહુથી યુક્ત છે. ત્યાં બધી સ્ત્રીઓ સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં રહે છે. તેઓ બધા જટાઓ ધારણ કરનાર, સર્પોની જનોઈ પહેરનાર, બધાય ગંગાધારી, શુરા, ત્રણ નેત્રોવાળા તથા જયથી શોભનારા છે.

ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. એ જ્યોતિની અંદર મનોહર સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે. એમનો રંગ શ્યામ કમળની પાંખડી જેવો છે. હાથમાં મુરલી ધારણ કરે છે, છાતીમાં શ્રીએ વત્સનું ચિહ્ન છે. રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને વનમાળાથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોર (આઠ વર્ષની જ કાયમ) જણાય છે,તે ગોવાળનો વેશ ધારણ કરે છે. સર્વનાપ્રભુ છે. રાસમંડળની વચ્ચે બિરાજે છે. સર્વ મંગળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. અવિનાશી તથા અવિકારી છે. નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરૂષ છે. શાંતિપરાયણ અને શાંત એવા તે શ્રીકૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતાં એ જ એક માત્ર ‘પુરૂષોત્તમ ભગવાન’ છે.”

પછી શ્રી વિષ્ણુ ભગવાન એ મળા માસનો હાથ પકડી પોતાના વાહન ગરુડ ઉપર સવાર થઈ ગોલોકમાં ગયા કે જે રજોગુણ રહિત ભક્તોથી વ્યાપ્ત તથા સર્વશ્રેષ્ઠ છે.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું” નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

ભલી  ભરવાડણની વાર્તા

PM Photo (10)

ગંગાપુર ગામમાં એક ભલી ભરવાડણ રહે. પાવન પુરૂષોત્તમ માસ આવતાં સૌને વ્રત કરતા જોઈ ભલીને પણ વ્રત કરવાનું મન થયું. એ તો રોજ નદીએ નાહવા જાય. વાર્તા સાંભળે પછી આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લે. એમ કરતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભલી તો ઘણી ગરીબ. પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ નહિ અને ઘરમાં ખાવા લોટ નહિ ત્યાં જમાડે શું અને દાન શાનું કરે ?

ભલી તો મુંઝાણી ! બ્રાહ્મણ તો જમાડવાજ પડે. એ તો ગઈ બ્રાહ્મણને નોતરું દેવા. જઈને કહ્યું કે જુવારની ઘેંસ અને ખાટી છાશ જમવા પધારજો. બ્રાહ્મણ તો મોં બગાડવા લાગ્યા. લચપચતા લાડુ છોડીને ઘેંસ ખાવા કોણ આવે ? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. ભલી તો નિરાશ થઈને રડવા લાગી.

ત્યારે ગોલોકમાં બિરાજેલા પુરૂષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. પ્રભુ તો બાર વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા ભલી પાસે અને કહેવા લાગ્યા :”માજી રડો છો શું કામ ? હું ય બ્રાહ્મણ છું. મને સીધુ આપી દો. હું જાતે રાંધીને જમી લઈશ.”

ભલી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને વિદાય માંગી. ભલી છેક પાદર સુધી વળાવવા આવી. પાદરે આંબળાનું ઝાડ હતું. પ્રભુ એ ઝાડ પર ચઢી ગયા અને આંબળા પાડવા લાગ્યા. કહ્યું : “માજી ! આંબળાની ગાંસડી બાંધીને ઘેર લઈ જાઓ. તમારું દારિદ્રય ટળી જશે.”

ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘેર આવી. ભૂખ કકડીને લાગી હતી. ખાવા બેઠી પણ જોયું તો ઘેંસ ગાયબ અને તેની જગ્યાએ બત્રીસ પકવાન પડ્યાં છે.”

ભલી તો અચંબામાં પડી ગઈ. ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી. એમાં અજવાળું જોઈ ગાંસડી ખોલી તો આંબળાં સોનાનાં થઈ ગયાં છે. ભલી સમજી ગઈ કે સાક્ષાત પ્રભુજી પોતેજ પધાર્યા હતા. ભલી તો વલોપાત કરવા લાગી. અરેરે, હું કેવી અભાગણી છું ! પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું ઓળખી ન શકી. મેં પ્રભુના ચરણ પણ ન ધોયાં.મારો તો અવતાર એળે ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્ન-જળ લેવાં.

ભલીએ અન્નજળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા અને ભલીને દર્શન આપ્યાં. ભલીનો અવતાર ધન્ય થઈ ગયો.

ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માંગે મિષ્ટાન પકવાન,

શ્રદ્ધા થકી જે કોઈ ભજે, તેને આપે દર્શનનાં દાન,

વિદૂર ઘેર ભાજી જમે છે, છોડે દુર્યોધનનાં મિષ્ટાન,

ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન.

          હે પુરૂષોત્તમ નાથ ! તમે જેવા ભલી ભરવાડણને ફળ્યા એવા સૌ ભાવિકને ફળજો.

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

અમારા પ્રભુશ્રી નંદનંદન

અમારા પ્રાણથી પ્યારા, પ્રભુ શ્રી નંદનંદન છે;

અમારા નેત્રના તારા, પ્રભુ શ્રી નંદનંદન છે.

અમારા કષ્ટ હરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે;

પરમ સુખ દાન દેનારા, પ્રભુ શ્રી નંદનંદન છે.

અમારું સર્વ હિત કરતા, પ્રભુ શ્રી નંદનંદન છે;

સકલ દાતા અને ભર્તા, પ્રભુ શ્રી નંદનંદન છે.

અખિલ આ વિશ્વના સ્વામી, પ્રભુ શ્રી નંદનંદન છે;

બહુરૂપી બહુનામી, પ્રભુ શ્રી નંદનંદન છે.

સદા વ્રજ વાસ કરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે;

કરે ગિરિરાજ ધરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે.

અમરવર ગર્વ હરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે;

સ્વજન સંતાપ હરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે.

પીતાંબર કચ્છ ધરનારા પ્રભુ શ્રી નંદનંદન છે;

શિરે શિખિપિચ્છ ધરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે.

કુસુમ નવગુચ્છ ધરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે;

અધર પર વેણુ ધરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે.

મધુર સ્વર ગાન કરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે;

ત્રિલોકે તાન ભરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે.

દહીંના દાન લેનારા, પ્રભુ શ્રી નંદનંદન છે;

મનો નવનીત હરનારા, પ્રભુ શ્રી નંદનંદન છે.

અમારા જીવના જીવન, પ્રભુ શ્રી નંદનંદન છે;

અમારું નિર્ધનોનું ધન, પ્રભુ શ્રી નંદનંદન છે.

કૃપા કીધી ઘણી વહાલા, મહા પ્રભુ વલ્લભાધીશે;

બતાવ્યા પ્રેમથી અમને, પ્રભુ શ્રી નંદનંદન છે.

કરી વિનંતી શરણ સંપ્યા અમોને વલ્લભાધીશે;

અભય શરણું અમારું એ, પ્રભુ શ્રી નંદનંદન છે.

હવે ‘હરિદાસ’ને માથે, પ્રભુ શ્રી નંદનંદન છે;

સદા શ્રી સ્વામીની સાથે, પ્રભુ શ્રી નંદનંદન છે.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પાંચમો અધ્યાય અને ભલી ભરવાડણની વાર્તા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […] […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: