પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચોથો અધ્યાય અને મુગ્ધાની કથા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની ચોથ. તો આ સુદ ૪ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચોથો અધ્યાય અને મુગ્ધાની કથા…..

 

અધ્યાય ચોથો : મળમાસની પ્રભુપ્રાર્થના

PM Photo (7)

શ્રી નારાયણ બોલ્યા : “ હે નારદ ! લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું તે તમે સાંભળો. અધિકમાસે શ્રીહરિની આગળ જે શુભવચન કહ્યું હતું તે આ છે : ‘ હે નાથ ! હે કૃપાના ભંડાર શ્રીહરિ ! હું આપને શરણે આવ્યો છું. મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કર્મમાં મારો બહિષ્કાર કર્યો છે. મારા ત્રીસ દિવસ દરમ્યાન સૂર્યનું સંક્રમણ ન થવાને કારણે લોકો મને ધિક્કારે છે. સર્વથી તિરસ્કૃત થયેલો હું દુર્ભાગી છું,નિરાધાર છું. મારો કોઈ સ્વામી નથી. માટે આપ મારું રક્ષણ કરો. દુ:શાસનથી દ્રૌપદીનું, યમુનાનાં ઝેરી પાણીથી ગોવાળો તથા પશુનું અને ઝૂંડના મોઢામાંથી ગજેન્દ્રનું આપે જેમ રક્ષણ કર્યું હતું તેમ આજે આપના શરણે આવેલ મારું આપ કેમ રક્ષણકરતા નથી ? કેમ મને દુ:ખરહિત કરતા નથી ?” લક્ષ્મીપતિને એમ વિનંતી કરીને સ્વામી રહિત એ મળમાસ બોલતો બંધ થયો અને આંસું સારતો, પરમેશ્વરની આગળ ઊભો રહ્યો ત્યારે મળમાસને શ્રીહરિ વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું :

“ હે વત્સ ! તું અતિશય દુ:ખમાં કેમ ડૂબી ગયો છે ? તારા મનમાં એવું ક્યું મોટું દુ:ખ છે ? શોક ન કર, હું તારો ઉદ્ધાર કરીશ. જેને મહાદુ:ખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી. આ વૈકુંઠ, શોક તથા વૃદ્ધાવસ્થાથી રહિત આનંદયુક્ત તથા મૃત્યુરહિત છે. છતાં આવા વૈકુંઠધામમાં આવી તું દુ:ખી કેમ થાય છે ? “ હે વત્સ ! તું મરવા કેમ ઈચ્છે છે ? તે હમણાં જ મને કહે.”

અધિક માસ બોલ્યો : “ હે ભગવાન ! આપનાથી કાંઈ ક અજાણ્યું નથી, કેમકે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો. સર્વવ્યાપી છતાં નિર્વિકાર અને સર્વ છો. આપ મુજ અભાગીનું દુ:ખ નથી જાણતા ? આપ બધું જાણો જ છો,છતાં મારુંદુ:ખ તમને કહું છું. આવું દુ:ખ આપે સાંભળ્યું નહી હોય અને જોયું પણ નહી હોય, ક્ષણ, લવ, મુહૂર્તો,પખવાડિયાં, મહિના, દિવસો તથા રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય તથા આનંદિત રહે છે. મારું તો કોઈ નામા નથી, મારો કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રય નથી એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે. મળ માસ હોઈ સત્કર્મોમાં મારો નિષેધ કરાયો છે. આમ, દરેક મારું અપમાન કરે છે તેથી હંમેશા જેમ ખાડામાં પડ્યો રહેતો આંધળૉ માણસ મરવા ઈચ્છે છે તેમા હું પણ મરવા ઈચ્છું છું, મને જીવવાનો ઉત્સાહ રહ્યો નથી. પોતાના જ બંધુ-બાંધવોનો તિરસ્કાર સહન કરી દીન-હીન હાલતમાં જીવવું તેના કરતા મરી જવું વધારે સારું છે. બસ હે મહારાજ ! આથી વધારે કાંઈ પણ મારે  કહેવાનું બાકી રહેતું નથી.”

“ આપ પારકું દુ:ખ સહન કરતા નથી અને પારકા ઉપર ઉપકાર કરવો એ આપને પ્રિય છે. એવા આપ મનાયા છો. વળી, વેદોમાં તથા પુરાણોમાં આપ ‘પુરૂષોત્તમ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છો. તો પોતાનો ધર્મ વિચારી આપને શરણેઆવેલા મુજ પર દયા કરો. મારાં કષ્ટોનું નિવારણ કરો.કોઈ મારો તિરસ્કાર ના કરે, મારા સમયમાં શુભ કાર્યો થાય, અને મારો પણ કોઈ અધિષ્ઠાતા થાય તેવી કૃપા કરો. હે દયાળું ! મને આ મરણતુલ્ય કષ્ટથી ઉગારો. હે કરૂણાનિધાન ! મેં મારી વિપદા તમને જણાવી. હવે આપને જે ગમે તે કરો. હું પામર છું,આપ મહાન છો.હવે વારંવાર કહેવાનો અર્થ નથી. હું મરીશ. હવે હું મરીશ જ.”

એમ વારંવાર કહી એ મળમાસ બોલતો બંધ થયો અને પછી હે નારદ ! શ્રીલક્ષ્મીપતિ પ્રભુની સામે મૂર્છા પામી તેમના ચરણોમાં ઢળી પડ્યો. તેને મૂર્છા પામેલો જોઈ આખી સભા વિસ્મય પામી.

અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની પૂનમનાં ચંદ્રકિરણો જેવા શીતળ, શાંત અને મેઘના જેવા ગંભીર અવાજથી આવાં સુંદર વચનો બોલ્યાં.

નૈમિષારણ્યમાં સર્વ મુનિઓને કથા સંભળાવતા સુતપુરાણી બોલ્યાં : “હે મુનિશ્રેષ્ઠો ! સમગ્ર વેદશાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રયસ્થાન શ્રી નારાયણના મુખેથી પાપના સમુદાયરૂપ સમુદ્રનો નાશ કરવામાં વડવાનલ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું અને પછી હે બ્રાહ્મણો ! એ નારદ મુનિ આદિ પુરૂષ શ્રી વિષ્ણુ ભગવાનનાં વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યાં.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મળમાસની પ્રભુપ્રાર્થના” નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

મુગ્ધાની કથા

PM Photo (8)

સુંદર અવંતિ નગરીમાં વેદનો પાર પામેલો વિષ્ણુપ્રિય નામે બ્રાહ્મણ રહેતો હતો. તે સર્વ કામોમાં કુશળ, શાંત, શ્રીહરિનું વ્રત કરવામાં મુખ્ય હતો. તેને ત્યાં બે પુત્ર જન્મ્યા હતા. એકનું નામ દેવલ તથા બીજાનું નામ માધવા હતું. એક વખત કાળના યોગે તેઓના પિતા મરણ પામ્યા. તેથી એ બંને ચિંતાતુર થઈ પડ્યા. દેવલની પત્ની રૂપ તથા લાવણ્યથી યુક્ત હતી, તેથી તેનું નામ રૂપવતી રાખવામાં આવ્યું હતું. પણ તે કપટી અને ઈર્ષાળુ હતી.તે મોટી જેઠાણી એટલે કે જેઠની પત્ની હોઈ મુખ્ય અધિકારને પામી હતી. જ્યારે માધવની પત્ની ભલી, ભોળી, દયાળુ, ધાર્મિક વૃત્તિની અને સૌ પર સ્નેહ રાખનારી હતી. તેના સરળ સ્વભાવથી સૌ મુગ્ધ થઈ જતા, તેથી તેનું નામ મુગ્ધા રાખવામાં આવ્યું હતું. બંને ભાઈ સાથે જ રહેતા હતા. ઘણી મહેનત કરવા છતાં ભાગ્ય આડેનું પાંદડું ફર્યું નહી અને તેમના ઘરમાં દારિદ્રય આવ્યું. તેથી બંને ભાઈઓએ આ નગરી છોડી પરદેશ કમાવા જવાનો વિચાર કર્યો.  તેથી સગાવહાલાઓ સાથે ચર્ચા-વિચારણા કરી તેઓ કમાવા માટે પરદેશ જવા તૈયાર થયા.

તે વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુ રૂપવતીને કહ્યું કે “ભાભી ! મારી ભોળી પત્નીનું નાની બહેનની જેમ રક્ષણ કરજો તથા પોતાની દીકરીની પેઠે તેની સંભાળ રાખજો.કારણકે આ દુરાચારી સંસારથી તે બિલકુલ અજાણ છે, તે નાના બાળક જેવી બુદ્ધિવાળી છે. સારું-નરસું તે જાણતી નથી તો તમારા ઉપર વિશ્વાસ રાખી હું પરદેશ જાઉં છું.”

કપટી રૂપવતીએ સારી રીતે આશ્વાસન આપી દિયરને વિદાય કર્યો.

બંને ભાઈ દ્રવ્યની ઈચ્છાથી પરદેશ ગયા. પાછળથી કપટી રૂપવતીએ પોતાની જાત બતાવતા ભોળી મુગ્ધાને કાઢી મૂકી : “ કમભાગી ! તું મારા ઘરમાંથી દૂર જતી રહે. ઓ અભાગણી ! તારા નસીબ યોગે જ મારો સ્વામી અતિશય દરિદ્રપણું પામ્યો છે. “

એમ કહી તેણે વ્યભિચાર કરવાની ઈચ્છાથી મુગ્ધાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી મૂકી. રોતી કકળતી મુગ્ધા ઘરમાંથી નીકળી ગઈ અને લોકોના ઘરનું કામ કરવા લાગી અને પેટ ભરવા લાગી. એ એટલા સરળ સ્વભાવની હતી કે પોતાને અન્યાય કરનાર રૂપવતીને ઘેર જઈને પણ તે તેનું કામ કરતી. પણ અભિમાની અને વ્યભિચારમાં રત રૂપવતીને તેની કદર ન હતી.

એવામાં પુરૂષોત્તમ મહિનો આવ્યો. લોકોમાં દેખાડો કરવા દંભી રૂપવતી પણ પોતાની સખીઓ સાથે સ્નાન કરવા તૈયાર થઈ. એણે ઘરમાં દેવની સ્થાપના કરી, પૂજા-પાઠ-ઉપવાસ કર્યા. મુગ્ધા આ બધું જોઈ વિસ્મયપામી. તેણે રૂપવતીને કહ્યું “ આ વ્રતમારે લાયક હોય તો મને પણ કહો તેથી હું પણ કરું.” ત્યારે રૂપવતીએ એમ કહી ઉલટો તેનો તિરસ્કાર કર્યો કે “ તું શું વ્રત કરવાની હતી ? તારા પાસે દોકડોય છે નહીં ને તું શું પૂજન-દાન-દક્ષિણા કરવાની હતી. જા નીકળ અહીંથી. ના જોઈ હોય મોટી વ્રત કરવાવાળી !”  આથી દુ:ખી થતી તે ચાલી નીકળી. રસ્તામાં તેને રૂપવતીની સખી ભામિની મળી. મુગ્ધાને નિરાશ અને દુ:ખી જોઈ તે બોલી : “અલી મુગ્ધા ! તને શું દુ:ખ છે તે આટલી ઉદાસ છે ?”

મુગ્ધાએ કહ્યું : “બધાને વ્રત કરતા જોઈ મને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તમારી સખીને વ્રત વિશે પૂછ્યું તો તેણે કારણ વિના મારો ઘણો જ તિરસ્કાર કર્યો અને મને ગાળો દીધી. જો હું આવું પવિત્ર વ્રત કરવા માટે લાયક નથી તો મારે જીવીનેશું કામ છે ?

આ સાંભળી કુટિલા ભામિની મુગ્ધાની મુંઝવણ સમજી ગઈ અને તેને હેરાન કરવાના આશયથી બોલી : “ એ વ્રત બે પ્રકારનું છે. એક તો પ્રસિદ્ધ અને બીજું ગુપ્ત. આ મળમાસમાં ગુપ્ત રીતે જ સ્નાન કરવું. મળૅમાસની પ્રસન્નતા માટે મેલા પાણીમાં સ્નાન કરવું. પાણીમાં જેટલો દુર્ગંધવાળો મેલ વધુ એટલા શ્રી હરિ જલદી પ્રસન્ન થાય છે. દિવસમાં ત્રણવાર ભોજન કરવું.  ભોજન પણ તીખા અને કડવા પદાર્થનું કરવું, પીપળાનું પૂજન કરવું અને પાંદડાના પાડિયાનું દાન કરવું. મેં રૂપવતીને પણ આ વ્રત કહ્યું છે માટે તું આ ગુપ્ત વ્રત જ કર. જેથી તારા પર શ્રીહરિ જલદી પ્રસન્ન થશે.”

ભામિનીએ ઠગેલી ભોળી મુગ્ધાએ તો અતિ પ્રસન્ન થઈ “ હું તમે જણાવ્યા પ્રમાણે જ વ્રતકરીશ.” એમ કહી દીધું. કેમકે તે કૂડ-કપટ કે કુટિલતાને તો જાણતી જ ન હતી. પછી તે બાળાએ ઘરે જઈ ભામિનીએ જણાવ્યા પ્રમાણે જ વ્રત કરવા માંડ્યું.

તેણે તો ભામિનીના કહેવા પ્રમાણે વ્રતની શરૂઆત કરી. એ પોતે તો વિધિ કે નિષેધને કોઈ રીતે જાણતી જ ન હતી. કેવળ શ્રદ્ધાથી વ્રત કરવા માંડી. તે ગંદા પાણીથી નહાતી, ગંદા પાણીથી પૂજન કરતીઅને કડવા-તીખા પદાર્થોનું દિવસમાં ત્રણ વાર ભોજન કરતી. પછી છેલ્લે દિવસે તે બાળા ભામિનીને ઘેર ગઈ. તેણે કહ્યું : “હે સખી ! મેં તારા જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું. હવે પ્રભુ મારા ઉપર પ્રસન્ન થશે ને ?”  ભામિનીએ કહ્યું : “એ વ્રતનું તારે ઉદ્યાપન કરવું જોઈએ.”  ત્યારે મુગ્ધાને કહ્યું : “હે સખી ! એ ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ તે કહો.”

ભામિની બોલી : “પ્રથમ તો જે પીપળાની પૂજા કરી હોય ત્યાં ઊભા રહેવું. પછી તારે એ પુરૂષોત્તમ સ્વરૂપ પીપળાને પુછવું કે “હે દેવ ! મારું વ્રત જો પૂરું થયું હોય તો ઉદ્યાપનની વિધિ માટે મને આજ્ઞા આપો.” શ્રીહરિ ઉત્તર આપે તો તારે સમજવું કે વ્રત પૂર્ણ થયું છે અને ન આપે તો તારું વ્રત વ્યર્થ ગયું છે એમ મારું માનવું છે. જો પ્રભુ ઉદ્યાપન કરવાની આજ્ઞા આપે તો કહેવું કે આવતી કાલે રાધિકાની સાથે મારે ઘરે જમવા પધારજો. પછી સઘળી રસોઈ તૈયાર કરવી. શ્રી હરિની સાથે બ્રાહ્મણોને જમાડવા અને પાંદડાના બનાવેલા સંપુટોનું દાન કરવું.”

મુગ્ધાએ તો પીપળા પાસે જઈ તેનું પૂજન કર્યું. પછી ભામિનીએ કહેલા વચનો બોલવા લાગી છતાં

પીપળાએ કોઈ જ જવાબ ન આપ્યો ત્યારે તે અતિશય દુ:ખ પામી અને વિલાપ કરવા લાગી. “મેં વિધિ સહિત વ્રત કર્યું તો પણ શ્રી હરિ પ્રસન્ન થયા નથી. આ કારણે હવે મારે જીવવુ% નથી. જીવતરને હું શ્રેષ્ઠ માનતી નથી.”

ત્યારે શ્રીહરિએ મનમાં વિચાર કર્યો : “ દુષ્ટ ભામિનીએ તેને પ્રેરણા કરી છે. ભામિની જો કે કપટી છે તો પણ તેના વચનમાં આ વિશ્વાસ છોડતી નથી. આ સ્ત્રીને પીપળામાંથી પણ જો હું ઉત્તર નહીં આપુ તો આ મુગ્ધા મરી જશે તો મારું ‘ભક્તિપ્રિય’  એવું નામ લોકો કેમ માનશે ?”

આથી પ્રગટ થઈ શ્રીહરિ બોલ્યા : “હે મુગ્ધા ! તારું વ્રત જેવું પૂર્ણ થયું છે તેવું બીજા કોઈનું વ્રત પૂર્ણ થયું નથી. હું તારા ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું. કાલે હું તારે ઘેર આવીશ. તને કોઈ પૂછે ત્યારે એમ કહેવું કે ‘દૂર દેશથી મારો ભાઈ મારે ઘેર આવવાનો છે, તેથી મારે પણ તેની સાથે મારા પિતાના ઘેર જવાનું છે. આ કારણે મને ઘણો જ હર્ષ છે.’ આમ તારે લોકોને કહેવું.”

પ્રભુનાં આવાં વચનો સાંભળી મુગ્ધા ઘણો હર્ષ પામતી હરખાતી હરખાતી ચાલી નીકળી.

પછી મુગ્ધા ભામિનીના ઘેર ઉદ્યાપનની વિધિ કેવી રીતે કરવી તે પૂછવા ગઈ. ત્યાં જઈ મુગ્ધાએ બનેલી વિગત કહી પણ ભામિનીએ તેની વાત સાચી માની નહી. અને તેની વધારે ઠેકડી કરવા કહ્યું : “તારે એકસો આઠ બ્રાહ્મણોને નોતરા આપવા. પછી શ્રીહરિનું ને પીપળાનું સવારે પૂજન કરવું. પછી તારા ભાઈ બની આવેલ પુરૂષોત્તમને કહેવું કે તમે આ બ્રાહ્મણોને જમાડી દો. પુરૂષોત્તમ ભગવાન એકસો આઠે બ્રાહ્મણોને જમાડશે અને એટલા લાડવામાંથી તારું વ્રત પૂર્ણ થઈ જશે. પરંતુ તારે આ વાત કોઈને કહેવી નહી.”

હરખાતી હરખાતી મુગ્ધા રૂપવતીને ત્યાં ગઈ અને બ્રાહ્મણોને નોતરવાની વાત કહી ત્યારે રૂપવતીએ તેનો તિરસ્કાર કર્યો. દુ:ખી મુગ્ધા જાતે જઈને એકસો આઠ બ્રાહ્મણોને નોતરી આવી.રૂપવતીએ પણ તેના પરના દ્વેષથી બ્રાહ્મણોને નોતરા આપી દીધા. બ્રહ્મભોજનનો દિવસ આવ્યો એટલે છયે રસવાળી રસોઈ તૈયાર કરાવી. બીજીબાજુ એક માણસ પણ માંડ તૃપ્તિ ન પામે તેટલી રસોઈ મુગ્ધાએ તૈયાર કરી.

બપોરનો વખત થયો એટલે બંનેના ઘેર બ્રાહ્મણો જમવા આવ્યા.રૂપવતીના ઘેર સો બ્રાહ્મણોને આમંત્રણ મળ્યું હતું. તેઓ તો રસોઈ તૈયાર જોઈને મનમાં ખુશ થઈ ગયા. પરંતુ મુગ્ધાને ઘેર જે એકસો આઠ બ્રાહ્મણો આવીને બેઠા હતા, તેઓ તો રસોઈની કી તૈયારી ન જોઈ વિસ્મય પામ્યા ને કહેવા લાગ્યા : “ આ મુગ્ધા! મુર્ખી દુબળી આપણને શું જમાડશે? તેના કરતાં પેલી રૂપવતી ધન્યવાદને પાત્ર છે.’ આમ ,બ્રાહ્મણો ક્રોધથી જેમતેમ બોલતા હતા ત્યાં જ કૃપાનાથ શ્રી પુરૂષોત્તમ હરિ ત્યાં પધાર્યા. તે રથમાં બેઠા હતા અને બ્રાહ્મણના વેશમાં હતા. “માધવનું ઘર ક્યાં છે ?” તેમ પૂછવા લાગ્યા. ઘડી પહેલા ચણભણાટ કરતા બ્રાહ્મણો તેમના તેજથી મોહિત થઈ પોતાનાં આસનો તેમને આપવા લાગ્યા અને આપ કોણ છો ? ક્યાંથી આવો છો ? કેમ પધારવું થયું ? વગેરે પૂછવા લાગ્યા ? એટલે શ્રી હરિ કહે :”અમે બધા ઉત્તર દેશના છીએ, માધવના સાળા છીએ. અમારા બનેવી માધવ પરદેશ ગયા છે. બહેનનું દુ:ખ સાંભળીને અમે  આવ્યા છીએ અને હવે અમારી બહેનને લઈને, જેમ આવ્યા છીએ તેમ પાછા જઈશું.”

આમ બ્રાહ્મણોને કહ્યા પછી ભગવાને મુગ્ધાને કહ્યું : “ હું પુરૂષોત્તમ નામનો તારો ભાઈ છું. આ બ્રાહ્મણોને જમાડી દે અને તારું વ્રત સફળ કર.”

ત્યારે મુંઝાયેલી મુગ્ધાએ શ્રી પુરૂષોત્તમને કહ્યું : “તમે જ આ બધાને જમાડી દો. મારે હાલ અંગત સગો નથી જે અત્યારે મને મદદ કરે.”

આથી શ્રીહરિએ પોતે બધા બ્રાહ્મણોને સ્નાન કરાવી જમવા માટે બેસાડ્યા. શ્રીહરિરસોઈપાસે ગયા. જોયું તો ફક્ત એક જ બ્રાહ્મણ જમે તેટલું હતું. પ્રભુ વિસ્મય પામ્યા. મુગ્ધાનો મુંઝવણનો ભાવ સમજ્યા.

પ્રભુએ પાસે પડેલી પત્રાવલીના સો ટુકડા કર્યા તો તેમાંથી સોનાની સો થાળી તૈયાર થઈ ગઈ અને પ્રભુએ એક લાડવાના સો ભાગ કર્યા એટલે તેમાંથી તેટલી જાતનાં પકવાનો તૈયાર થઈ ગયાં.

પછી જે ભક્તો બ્રાહ્મણના રૂપે શ્રી હરિની સાથે જ આવેલા તે બધા શ્રીહરિ પુરૂષોત્તમની આજ્ઞાથી પંગતમાં પીરસવા લાગ્યા.એ રસોઈનો સ્વાદ ખરેખર અનુપ હતો ! અને હોય પણ કેમ નહીં. ત્રિલોકના નાથ શ્રીહરિએ મુકેલો તે સ્વાદ હતો. બધા વાહ વાહ બોલવા લાગ્યા. આ કોણ છે ? તેમ પૂછવાને કોઈ સમર્થરહ્યું નહી. બધા મોહિત બન્યા હતા.

આ રીતે બધા બ્રાહ્મણો મુગ્ધાને ઘેર તૃપ્ત થયા અને શ્રીહરિએ તેમને સોનાની થાળીઓઅને સોનાના પડિયા દાનમાં આપ્યા. બ્રાહ્મણો પણ પ્રસન્ન થયા. મુગ્ધાના વારંવાર વખાણ કરવા લાગ્યા અને સત્કાર ભાવ તથા રસોઈ સ્વાદથી તૃપ્ત થયેલા તથા દાનથી પ્રસન્ન થઈ મુગ્ધાને આશીર્વાદ આપતા સર્વ ઘેર ગયા.

આ બાજુ પેલી રૂપવતીને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા એટલામાં બધી રસોઈ અદ્રશ્ય થઈ ગઈ. આથી તે તથા તેની સખીઓ શોકાકુળ થઈ ગઈ. વિસ્મય પામી તેમનેભાન થવા લાગ્યું.આ તો મુગ્ધાની મશ્કરી કરવાથી શ્રીહરિક્રોધ પામ્યા છે. આ બાજુ નોતરેલા બ્રાહ્મણો જમ્યા વગર ઘરે ગયા અને તેઓ પણ તે પાપિણીની નીંદા કરવા લાગ્યા.

આ બાજુ શ્રીહરિ પુરૂષોત્તમ મુગ્ધાને કહેવા લાગ્યા: “મારી પ્રસાદી હવે તું જમી લે, એટલે તારું વ્રતપૂરું થશે.” શ્રી પ્રભુના કહેવાથી મુગ્ધાએ પ્રભુ પ્રસાદીનું ભોજન કરતાં જ તેનું ભોળપણ દૂર થઈ ગયું અને તેની બુદ્ધિ તેજવાન બની અને તેના ચહેરા ઉપર દિવ્ય તેજ પથરાઈ ગયું. તેણે સાક્ષાત લક્ષ્મીપતિ શ્રી પરમેશ્વરને ઓળખ્યા અને તેમના ચરણોમાં પડી હર્ષના આંસુથી ભીંજાતાં ગદગદ સ્વરે તેમની સ્તુતિ કરવા માંડી.

“અતિશય ઘણાં પાપોનો નાશ કરનારા આપનાં ચરણને નમન કરું છું. શુભ ઉત્તમ ભક્તિ તથા મુક્તિના દાતા લક્ષ્મીજીના સ્વામી, ભક્તો પર પરમ પ્રેમ વરસાવનારા, કૃપાનું સ્થાન, ગુણોના ધામ અને જગતના પરમેશ્વરને પ્રણામ કરું છું. હે પ્રભુ ! આપનું દિવ્ય રૂપ  મને બતાવો. મુજ અભાગણીની આટલી ઈચ્છા પૂરી કરો.” મુગ્ધાની આ સ્તુતિથી તે જ ક્ષણે શ્રીહરિ બે ભુજાધારી, હાથમાં મુરલીવાળા, વનમાળાથી સુશોભિત પ્રત્યક્ષ થયા.

શ્રીહરિ બોલ્યા : “ હે મુગ્ધા ! તે ભક્તિથી મારી આરાધના કરી છે તેથી હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. તારી ભક્તિના બળે તારો પતિ પરદેશથી ઘણું જ કમાઈને આવશે. તારે હવે કદી દુ:ખના દા’ડા જોવા નહીં પડે. તે જે ખાડામાં સ્નાન કર્યું છે તે ખાડો હવે મુગ્ધા સરોવર નામે પ્રખ્યાત થશે. જેમાં કોઈ પાપી પણ સ્નાન કરશે તો તેના પાપ બળી જશે અને તે મોક્ષને પામશે. અંતકાળે તારો ગોલોકમાં વાસ થશે.” આમ કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.

આમ, ભોળી મુગ્ધા પુરૂષોત્તમ પ્રભુની કૃપાથી સુખ-શાંતિ પામી અને લાંબુ આયુષ્ય ભોગવી પતિ સાથે ગોલોકમાં વાસ પામી અને અભિમાની રૂપવતી નિંદા કરવાથી નર્કે ગઈ.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી ગોવિંદ નામમાલા

 

ગોવિંદ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ ગોવિંદ રથાંગપાણે I

ગોવિંદ ગોવિંદ મુકંદ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સમુદ્રશાયી, ગોવિંદ ગોવિંદ અપારમાયી I

ગોવિંદ ગોવિંદ સબુદ્ધિદાયી, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અચિન્ત્યરૂપ, ગોવિંદ ગોવિંદ ત્રિલોકરૂપ I

ગોવિંદ ગોવિંદ જગત્સ્વરૂપ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સુરાસુરેશ, ગોવિંદ ગોવિંદ ચરાચરેશ I

ગોવિંદ ગોવિંદ પરાત્પરેશ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ દશાવતાર, ગોવિંદ ગોવિંદ અનંતપાર I

ગોવિંદ ગોવિંદ ભવાબ્ધિસાર, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અનંતમૂર્તે, ગોવિંદ ગોવિંદ અનંતશક્તે I

ગોવિંદ ગોવિંદ અનંતકીર્તે, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ અનંતનામ, ગોવિંદ ગોવિંદ અખંડધામ I

ગોવિંદ ગોવિંદ રમેશરામ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ સરોજનેત્ર, ગોવિંદ ગોવિંદ મહાપવિત્ર I

ગોવિંદ ગોવિંદ સુધાચરિત્ર, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ કૃપાનિકેત, ગોવિંદ ગોવિંદ સદા વિરક્ત I

ગોવિંદ ગોવિંદ મહેશવિત્ત, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ યુગાવતારી, ગોવિંદ ગોવિંદ જનાર્તિહારી I

ગોવિંદ ગોવિંદ ગિરીંદ્રધારી, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ પ્રપન્નપાલ, ગોવિંદ ગોવિંદ કૃતાંતકાલ I

ગોવિંદ ગોવિંદ વ્રજેશબાલ, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ યુગાદિકતા, ગોવિંદ ગોવિંદ સુરાર્તિહર્તા I

ગોવિંદ ગોવિંદ શરીરભર્તા, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ ગોવિંદ જગન્નિયંતા, ગોવિંદ ગોવિંદ સુશાંતિદાતા I

ગોવિંદ ગોવિંદ વિભો વિધાતા, ગોવિંદ ગોવિંદ નમો નમસ્તે II

ગોવિંદ નામે સુખ સર્વ થાયે, ગોવિંદ નામે સહુ દુ:ખ જાયે I

ગોવિંદ નામે અતિ શુદ્ધ-બુદ્ધિ, ગોવિંદ નામે સહુ કાર્ય-સિદ્ધિ II

ગોવિંદ નામે સહુ પાપ પાસે, ગોવિંદ નામે સહુ પુણ્ય પાસે I

ગોવિંદ નામે સહુ ભાગ્ય જાગે, ગોવિંદ નામે ભવભીતિ ભાગે II

(શાર્દૂલવિક્રીડિત વૃત)

કાશીક્ષેત્રવિષે સમે ગ્રહણને, ગૌદાન કોટી કરે I

સો સંક્રાંતિકદી મહામકરની, વાસ પ્રયાગે કરે II

પૂજે યજ્ઞ કરી સહસ્ત્ર દશ વા, મેરુ સમું સ્વર્ણ દે I

પણ તે પુણ્ય ન થાય તુલ્ય કદીયે, ગોવિંદના નામથી  II

(અનુષ્ટુપ છંદ)

 

ગોવિંદ નામની માળા, સર્વ સંતાપહારિણી I

પ્રેમથી પહેરનારને મહા-મંગલકારિણી II

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

 

Advertisements

One Response to “પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ચોથો અધ્યાય અને મુગ્ધાની કથા…..”

  1. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની અમૃતધારા….. | મન નો વિશ્વાસ Says:

    […]      »    અધ્યાય ચોથો : મળમાસની પ્રભુપ્રાર્થના […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: