પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીજો અધ્યાય અને મેનાવ્રતની વાર્તા…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની ત્રીજ. તો આ સુદ ૩ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો ત્રીજો અધ્યાય અને મેનાવ્રતની વાર્તા…..

 

અધ્યાય ત્રીજો : મળમાસ કથાનો પ્રારંભ

PM Photo (5)

શૌનકાદિ તથા અન્ય ઋષિઓ બોલ્યા : “ હે મહાભાગ્યશાળી સૂત ! નરના મિત્ર નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હોય તે કહો.

સૂત બોલ્યા : “ હે શ્રેષ્ઠ બ્રાહ્મણો ! નારાયણનું વચન તમે સાંભળો. નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું તે જેવું મેં સાંભળ્યું છે તે પ્રમાણે કહું છું.

શ્રી નારાયણે કહ્યું : “ હે દેવર્ષિ નારદ ! ભક્તોના દુ:ખને હરનારા મહાત્મા શ્રીકૃષ્ણે રાજા યુધિષ્ઠરને પૂર્વે જે કથા કહી હતી તે જા હું કહું છું. દુર્યોધને પાંડવોને દગાથી જુગારમાં હરાવી, અગ્નિથી ઉત્પન્ન થયેલી ધર્મપારાયણ સતી દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવીને દુષ્ટ દુ:શાસને વાળ પકડી ખેંચી હતી તથા તેના વસ્ત્રો ઉતારવા માંડ્યાં હતા તે વેળા શ્રીકૃષ્ણે દ્રૌપદીને ચીર પૂરી રક્ષણ કર્યું હતું. પછીથી શરત પ્રમાણે રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા હતા.

ત્યાં સર્વ પાંડવો ઘણું જ દુ:ખ પામ્યા હતા, એ દુ:ખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકીપુત્ર શ્રીકૃષ્ણ મુનિઓ સહિત કામ્યક વનમાં ગયા હતા. નકુલ તથા સહદેવે શ્રીકૃષ્ણનાં ચરણકમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા. દુ:ખથી પીડીત દ્રૌપદીએ પણ સ્વસ્થ બની શ્રીકૃષ્ણને નમન કર્યં.

પાંડવોને દુ:ખી જોઈ શ્રીકૃષ્ણના શરીરમાં ક્રોધ ઉત્પન્ન થયો અને કૌરવોને બાળી નાખવાની તેમને ઇચ્છા થઈ. તેથી ભક્તવત્સલ ભગવાનનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું. ત્રણે લોકને જાણે બાળી નાખવા માંગતા હોય તેમ આવેશથી બંને હોઠને દાંત વતી તે પીસવા લાગ્યા.

શ્રીકૃષ્ણનું આવું રૌદ્ર સ્વરૂપ જોઇ તે વખતે અર્જુન વીર હોવા છતાં ધ્રુજી ઊઠ્યો. ભયથી બે હાથ જોડી શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો.

“હે શ્રીકૃષ્ણ ! આપ સર્વ કારણોના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ સર્વ શાસ્ત્રોનાં બીજના પણ બીજરૂપ છો. આપ જ જીવમાત્રના પાલનકર્તા છો. એવા ઈશ્વર, તમને શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થાઓ છો ? આપના ક્રોધને શાંત કરો. ઘરમાંના મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે ?” શત્રુવીરોનો નાશ કરનારા અર્જુને એ પ્રમાણે વિનંતી કરી. બે હાથ જોડી જનાર્દન શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા.

અર્જુનની સ્તુતિથી ભક્તોનું દુ:ખ હરનાર શ્રીકૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય (શાંત સ્વરૂપ) થયા. પાંડવોએ શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદમૂળ તથા ફળથી તેમનો સત્કાર કર્યો.

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : “ હે કૌંતેય ! હું સ્વયં પરમાત્મા હોવા છતાં સર્વે દુ:ખોને સહન કરી લઉં છું. પરંતુ મારા ભક્તો ઉપર રાઈના દાણા જેટલું પણ દુ:ખ આવે તે હું સહન કરી શકતો નથી. ભક્તોના દુ:ખને દૂર કરવા માટે જ હું અજન્મા હોવા છતાં યુગેયુગે અવતાર ધારણ કરું છું.”

ત્યારે અર્જુને પૂછ્યું : “હે પ્રભુ ! અમારા આ દુ:ખનો કોઈ ઉપાય છે ?

તે સાંભળી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું : “ દરેક મનુષ્યે પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે. આ કર્મબંધનોમાંથી મુક્ત થવા માનવીએ જપ-તપ, વ્રત-ઉપવાસ, કથા-પઠન-શ્રવણ, દાન-ધર્મ આદિ પુણ્યનાં કામ કરવા જોઈએ. આથી તેનો આત્મા નિ:સ્પૃહ અને પવિત્ર બનશે અને તે પોતાના કર્મોના બંધનોને તોડીને મુક્ત થશે. થોડા સમયમાં અધિક માસ આવે છે. આ માસમાં તમે વ્રત-જપ-દાન-પુણ્ય વગેરે પૂર્ણ શ્રદ્ધાથી કરશો તો તેના પ્રભાવે તમારું ગયેલું  રાજ, સમૃદ્ધિ-વૈભવ, સુખ-ચેન તમને પાછા મળશે અને તમે સુખી થશો.”

ત્યારે અર્જુને પૂછ્યું : “હે પ્રભુ ! આ અધિક માસ વિશે અમે અજ્ઞાની છીએ અને તેના વિશે કાંઈ જાણતા નથી. આ માસ કેવી રીતે કરવો ? તેનું પૂજન કેમ કરવું ? તેનું માહાત્મ્ય શું છે અને તેનું શું ફળ છે તે અમને વિસ્તારથી જણાવો.”

શ્રીકૃષ્ણ બોલ્યા : “ હે યુધિષ્ઠિર ! અર્જુન ! મારું વચન ધ્યાનથી સાંભળો. હે ઉત્તમ વ્રતવાળા ! ચૈત્ર વગેરે જે મહિના, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો તથા પરાર્ધ મહિના સુધીના જે કાળ વિભાગો છે તેમજ નદીઓ, સમુદ્રો, શહેરો, પર્વત તથા નગરો આ બધા પોતાના ગુણોને લીધે પૂજાય છે. હે અર્જુન ! આવા સંજોગોમાં એક વધારાના માસની ઉત્પત્તિ થઈ. અને તે મળમાસ (મેલો) કહેવાયો.  આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો આ માસમાં કોઈ સત્કર્મ કરતા નહી અને આ માસની ધૃણા કરવા લાગ્યા. લોકો પાસેથી પોતાની નિંદા સાંભળી એ મહિનો ઉદ્યોગ રહિત થા ઝંખવાણો પડી ગયો.”

જગત આખું આ મળમાસની નિંદા કરવા લાગ્યું. આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થતું નહી. સહુ એને ધુત્કારતા અને અપમાનિત કરતા. જગત આખાના ધિક્કારઅને ધૃણાથી મળમાસ ત્રાસી ગયો. તે દુ:ખી દુ:ખી થઈ ગયો. તે દરેક દેવતાના શરણે ગયો પણ કોઈ દેવે તેને આશ્રય ના આપ્યો. આથી સર્વ જગ્યાએથી હડધૂત થયેલો નિરાશામાં ડૂબી ગયેલો મળમાસ છેવટે છેલ્લા ઉપાય તરીકે જીવમાત્રને પોષતા, શેષનાગની શૈયા પર બિરાજતા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયો.

અમૂલ્ય રત્નજડિત સિંહાસન પર બેઠેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરી તેણે રડવા માંડ્યું. તે ગળગળી વાણીથી તેણે લક્ષ્મીપતિને પોતાનું દુ:ખ કહ્યું.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મળમાસ કથાનો પ્રારંભ” નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ.

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

મેનાવ્રત


menavrat

એક વાર બ્રહ્મર્ષિ વશિષ્ટનાં પત્ની સતિ અરુંધતી કૈલાસ શિખર પર આવ્યાં. પાર્વતીએ સતિને અતિ માનપાન દીધાં, જળપાન કરાવ્યા. એ પછી અરુંધતી પૂછવા લાગ્યા : “હે ભવાની ! આ પવિત્ર પાવન અધિક માસમાં મારે ક્યું વ્રત કરવું જોઈએ, જેથી કરીને અખંડ સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય. આપ મને એ શ્રેષ્ઠ વ્રતની વિધિવિષે કૃપા કરીને કહો.

ત્યારે જગતજનનની પાર્વતી બોલ્યા : “ હે દેવી ! તમે પુરૂષોત્તમ માસમાં ક્યું વ્રત કરવું તે વિશે પૂછ્યું છે, તો સાંભળો, એવું વ્રત, મેના વ્રત છે.”

અરુંધતી બોલ્યા : “ હે માતાજી ! એ વ્રતનો મહિમા શું છે ? એ વ્રત કેવી રીતે કરવું ? એના વિધિ-વિધાન શું છે અને એ વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને વિગતથી જણાવો.

પાર્વતીજી બોલ્યા : “એક વાર હું અને શિવજી સોગઠે રમતાં હતાં. ત્યારે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં તેમનું સારી રીતે સ્વાગત કર્યું. તેમના ખબર અંતર પૂછ્યા.

ત્યારે મારા માતાજી બોલ્યા : “ હે દીકરી ! તું જગત આખામાં પૂજાય છે.  દેવો, અસુરો, અને મનુષ્યો તારી પૂજા-આરાધના કરે છે. મને એ જોઈ ઘણો જ આનંદ થાય છે. જ્યારે હું તારી માતા હોવા છતાં પણ મને કોઈ ઓળખતું નથી. તો પૂજા-આરાધના કરવાની વાત જ ક્યાં આવી ? તું બારે માસ પૂજાય અને મારા માટે વર્ષમાં એક દિવસ પણ નહીં ! આ કેવું કહેવાય ?”

માતાજીની ફરિયાદ સાંભળી હે સતી ! મેં તેમને કહ્યું : “હે માતાજી ! પુરૂષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તમારી કહેવાશે. જે કોઈ નર-નારી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરશે એના સંપૂર્ણ મનોરથો પૂર્ણ થશે અને તે સુસંતતિ અને શ્રેષ્ઠ સંપત્તિને પ્રાપ્ત કરશે. તેની જન્મોજન્મની દરિદ્રતા અને બાધાઓ નષ્ટ પામશે અને જે સ્ત્રીઆ વ્રત કરશે તેનો ચુડી-ચાંદલો અખંડ રહેશે અને તે અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરશે.”

અરુંધતી બોલ્યા : “ હે જગદંબા ! હવે આ વ્રત કેમ કરવું તેનું વિધિવિધાન જણાવો ! ”

પાર્વતીજી બોલ્યા : “હે સતી ! પુરૂષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મથી પરવારી ઘરમાં પવિત્ર જગ્યામાં એક બાજઠ પર લાલ વસ્ત્ર પાથરી, મારી માતા મેનાવતીની પુત્ર અને પતિ સાથે હાથી ઉપર બેઠાં હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી સ્થાપિત કરવી. મૂર્તિ ઉપર ધતુરાનાં પાંચ ફૂલ ચઢાવવાં. ધૂપ-દીપ કરી નૈવેદ્ય ધરાવવું. મૂર્તિ ઉપર સુગંધિત દ્રવ્યો ચઢાવવાં. એકટાણું કરવું.

આ પ્રમાણે આખો પુરૂષોત્તમ મહિનો કરવો. મહિનો પૂરો થતાં વ્રતનુંઉજવણું કરવું. પાંચ દંપતિને સજોડે જમાડવા અને નવાં વસ્ત્રોતથા દાન-દક્ષિણા આપી તેમને રાજી કરવા. આ રીતે વ્રત કરવાથી મનુષ્યને કદી દુ:ખ, કષ્ટો પડતાં નથી. દુ:ખનો પડછાયો પણ તેનાથી દૂર રહે છે અને અંતકાળે વ્રતકરનાર દેહ ત્યાગીને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે.”

મેનાવ્રત જે કરે, તેના કોડ પુરણ થાય,

રિદ્ધિ-સિદ્ધિ રહે સેવામાં, દુ:ખ દારિદ્રય દૂર થાય.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રીકૃષ્ણ નામમાલા

 

શ્રીકૃષ્ણ કૃષ્ણ યદુનન્દન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મુનિવન્દન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મુરલીધર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ જગદીશ્વર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ કરુણાકર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ કમલાકર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મથુરાપતિ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મધુરાકૃતિ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ વ્રજવર્ધન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મુરમર્દન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ વ્રજભૂષણ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મધુસુદન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ વિધુવંશજ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ભવભેષજ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ રસિકેશ્વર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ અખિલેશ્વર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ મનમોહન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ખગવાહન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ વાસુદેવજ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ પશુપાંગજ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ નટનાગર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ સુખસાગર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ભવમોહન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ રવિલોચન કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ પુરૂષોત્તમ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ગતિસત્તમ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ગિરિધારણ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ જનતારણ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ યમુનાવર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ ધનસુંદર કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ જય કેશવ કૃષ્ણ કૃષ્ણ

શ્રીકૃષ્ણ કૃષ્ણ જય માધવ કૃષ્ણ કૃષ્ણ

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: