પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાંઠાગોરની વાર્તા

by

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની એકમ. તો આ સુદ ૧ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો પ્રથમ અધ્યાય અને કાંઠાગોરની વાર્તા…..

 

અધ્યાય પહેલો : શુકદેવજીનું આગમન

sukdevji

 

વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેઠે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને (વિકસિત તથા આનંદિત કરવામાં) ચંદ્રમાં સમાન અને સમગ્ર આશ્ચર્યમય એવા પુરૂષોત્તમ ભગવાનને ચરણે હું વંદન કરું છું.

શ્રી નારાયણને, નરોમાં ઉત્તમ નર ભગવાનને, દેવી સરસ્વતીને તથા વ્યાસમુનિને નમસ્કાર કર્યાં. પછી ‘જય’ નામનો ઐતિહાસિક ધર્મગ્રંથ કરવો.

 

પૂર્વ નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત, દેવલ, પૈલુ રથીતર, રૈભ્ય શક્તિ, બૌધાયન, કણાદ, જૈમિનિ, શરમિત્ર અને પૃથુશ્રવા એ નામના મુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવ્યા હતાં. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચુકેલા વેદો તથા વેદમાં અંગરૂપ ગણાતા સર્વ શાસ્ત્રોમાં પારંગત, લોકો પર કૃપા કરનાર, પરોપકાર કરવાના

સ્વભાવવાળા, બીજાનું ભલું કરવામાં તત્પર અને વેદમાં તથા સ્મૃતિઓમાં કહેલા કર્મો કરવામાં કાયમ તત્પર રહેનારા હતાં. એ મુનિઓ નૈમિષારણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે મહાજ્ઞાની મહર્ષિશ્રી વ્યાસ મુનિના શિષ્ય સુત પુરાણી તેમના શિષ્યો સાથે તીર્થયાત્રા નિમિત્તે પૃથ્વી પર ફરતાં ફરતાં નૈમિષારણ્યમાં પધાર્યા. એ સર્વ મુનિઓ તેમના દર્શન કરી અત્યંત હર્ષિત થઈ ગયા. તે વખતે સુતજીએ રાતી છાલના વસ્ત્રો પહેર્યા હતાં. તે અતિશય સુંદર લાગતા હતાં. પરમાનંદમાં મગ્ન, ઊભું તિલક, ગોપીચંદનથી શંખચક્રના દિવ્ય ચક્ષું ધારણ કર્યા હતા. શ્રી હરિનો શ્રેષ્ઠ મંત્ર “ૐ નમો વાસુદેવાય “ રટતા હતા.

સર્વ શાસ્ત્રોના અર્થ તથા સાર જાણનાર શ્રી વ્યાસમુનિની કૃપાના પાત્ર અને વ્યાસમુનિ જેવા જ અત્યંત નિ:સ્પૃહી તે સુતને ત્યાં આવેલા જોઈ બધા મુનિ એકદમ ઊભા થયા અને હાથ જોડી જગતનું હિત થાય તથા સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા વીંટળાઈ વળ્યાં.

ઋષિઓ બોલ્યા : “ હે મહાભાગ્યશાળી સુત, તમે લાંબો કાળ જીવો, તમે થાકી ગયા હશો. અમે તમારા માટે આસન ગોઠવી મૂક્યું છે. તેના પર હવે તમે બિરાજો !” બધા પોતાના આસને બેઠા. પછી સુત પુરાણી સર્વના ક્ષેમકુશળ પૂછી, એ ઋષિઓએ બનાવેલ આસન પર બેઠા. તે પછી ઋષિઓએ કથા સાંભળવાની ઈચ્છાથી આ વચન કહ્યું.

ઋષિઓ બોલ્યાં : “ તમે એક જ ભાગ્યશાળી છો. તમે ગુરુની કૃપાથી વ્યાસમુનિના વચનોને જાણો છો. ડૂબતાં મનુષ્યોને પાર પહોંચાડનાર અને તેમનું કલ્યાણ થાય તેવી પવિત્ર કથા અમને સંભળાવો.”

શૌનાદિક મહર્ષિઓએ (કથા સાંભળવા) એમ પૂછ્યું ત્યારે સુત પુરાણી બે હાથ જોડી બોલ્યાં : “ હે મુનિશ્રેષ્ઠો ! તમે લોકહિતાર્થે સારી વાત પૂછી છે. આ ઉદ્દેશથી જ હું તીર્થ ભ્રમણે નીકળ્યો છું. હું પુષ્કરતીર્થમાં ગયો હતો. પછી ઘેનુમતી નદીમાં સ્નાન કરી ત્યાંથી સરસ્વતી નદીના કિનારે ગયો હતો. ત્યાં ત્રણ રાત્રિ રહ્યો હતો. તાપી, નર્મદા વગેરે સ્થળે ગયો હતો. શ્રી નારાયણનાં દર્શન કરવા બદરિકાશ્રમ ગયો હતો. એમ ઘણાં તીર્થોમાં ફરતો ફરતો કુરુદેશમાં તથા મંગલદેશમાં જઈ ચડ્યો અને ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો.”

“ હે બ્રાહ્મણો ! ત્યાં મેં સાંભળ્યું કે રાજા પરીક્ષીત રાજપાટ છોડી ઋષિશાપથી મુક્ત થવા ઋષિમુનિઓની સાથે મહાપવિત્ર ગંગાના કિનારા પર ગયા છે અને ત્યાં સિદ્ધો, યોગીઓ તથા સિદ્ધરૂપ ભૂષણોવાળાં દેવર્ષિઓ આવ્યા છે. તેમાંના કેટલાક આહાર રહિત, વાયુનો આહાર કરનાર, શ્વાસનો, ફળનો, પાંદડાનો, ફીણનો આહાર કરનાર હતા, તેમના દર્શન કરવા ગયો. તે વખતે વ્યાસજીના સોળ વર્ષની ઉંમરના પુત્ર શુકદેવજી પણ ત્યાં આવી ચડ્યાં. જે જોરાવદાર હાંસળીવાળા, પ્રકાશિત કાંતિવાળા છે તે અવધૂતની આસપાસ થૂંકતા બાળકો અને ગંદકીથી ખરડાયેલ સ્ત્રીઓ, જેમ હાથીની આસપાસ વીંટળાઈ જાય તેમ વીંટળાઈ વળ્યા હતા.

તેમને જોઈને બધા મુનિઓ હર્ષથી હાથ જોડીને ઊભા થયા.

મુનિઓએ શુકદેવજી માટે ઊંચું આસન ગોઠવ્યું. બધા મુનિઓ પણ બેઠા. ત્યાં બેસી બ્રાહ્મણોએ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો અને તે વખતે વ્યાસપુત્ર મહામુનિ શુકદેવજી, તારાઓથી વીંટળાયેલા ચંદ્રમાની પેઠે શોભી રહ્યાં હતા.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

શુકદેવજીનું આગમન” નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

કાંઠાગોરની વાર્તા

kanthagor

 

નદી કિનારે આવેલા સુંદર ગંગાનગરમાં એક ડોશી રહે. ડોશીને બે દીકરા. બેયને પરણાવ્યા. મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તે તરત જુદી થઈ. નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી. ડોશી નાની વહુ ભેગી રહે. વહુ, દીકરો ને ડોશી ભગવાન જે આપે એમાં સંતોષ માને. જપ-તપ કરે અને પ્રભુ ભજન કરે.

એમ કરતા પુરૂષોત્તમ માસ આવ્યો. ડોશી, વહુએ વ્રત લીધાં. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરી. મોટી વહુ તો તરત છણકો કરતાં બોલી : “ જા બાઈ જા, હું કાંઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડીકનોયે નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે અને વહુ પિયરથી આવે. મારે તો જમવા બત્રીસ ભોજન ને તેત્રીસ શાક જોઈએ. મારે તો કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતુ પારણું ને ઘમ્મર વલોણું, ખદખદતી ખીચડી ને સુવાવડી દીકરી ! જા રે બાઈ ! મારે તો કાંઈ ટીલાં-ટપકાં કરવાં નથી કે નથી અપવાસા કરવા. ‘ભગવાન જાય રસાતાળ ને કાંઠાગોરનું ફૂટે કપાળ.’ તું તારે ભજ તારા ભગવાનિયાને અને જમાડ તારા એ ભામટાઓને, મારી જાણે બલારાત ! જા અહીંથીવેગળી ખસ ! ”

નાની વહુ તો એનું આવું અપમાન થયું એટલે દુ:ખી હૈયે ચાલી ગઈ. એણે તો પુરૂષોત્તમ માસમાં ભગવાનનાં જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરૂષોત્તમ ભગવાનને ભજવા લાગી. રોજ બ્રાહ્મણને જમાડી ને પછી જમતી. રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી.

આ વાતને થોડા દિવસ વીત્યા અને કાંઠાગોર જેઠાણી ઉપર કોપાયમાન થયા. ધણી પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી, અને ઢોર સીમમાં જ રહી ગયા.

જેઠાણીના શોકનો પાર ન  રહ્યો. એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદણાં રોવા માંડી : “મારો દીકરો ને ધણી ખોવાઈ ગયા. મારી દીકરી સાસરેથી ન આવી અને મારી વહુ પણ પિયરમાંથી પાછી ના આવી. મારું તો કિસ્મત રુઠ્યું છે.” ત્યારે ડોશીએ એને સમજાવ્યું કે આ તો કાંઠાગોરનો કોપ છે. ‘તે ભગવાન પુરૂષોત્તમનું અપમાન કર્યું છે એટલે ભગવાન તારા ઉપર રુઠ્યા છે. માટે પુરૂષોત્તમ ભગવાનનું વ્રત-પૂજન કર, ધરમ-ધ્યાન કર અને પ્રભુની ક્ષમા માગ. સ્નાન કરીને કાંઠાગોરને રાજી કર.’ હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાન ભજ્યા નહી અને કાંઠાગોરનું અપમાન કર્યું એટલે આ દહાડા આવ્યા. તેણે મનથી કાંઠાગોરની માફી માંગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જેઠાણીએ તો લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ-થાળ લીધાં. ધૂપ-દીપ, પુષ્પ લીધા અને અબીલ-ગુલાલ લીધા, શ્રીફળ સોપારી લીધા અને કાંઠાગોરનું ભાવથી પૂજન કર્યું. આંખના અશ્રુથી કાંઠાગોરના ચરણ પખાળ્યા. આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો અને કાંઠાગોરની માફી માંગતી બોલી : “હે માતાજી ! હું અજ્ઞાની છું. તમારા મહિમાને સમજી શકી નહી અને મેં તમારો અનાદર કર્યો, તેનું ફળ મને મળી ગયું છે. હે માતાજી ! હું તમારી માફી માંગું છું, મને ક્ષમા કરો.”

કાંઠાગોરની કૃપાથી છેવટે સારાં વાનાં થયા. પતિ-પુત્ર પાછા ફર્યા, દીકરી સાસરેથી આવી,  વહુ પણ પિયરમાંથી દોડી આવી અને  ઢોર સીમમાંથી પાછા આવ્યાં.

જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાંઠાગોરનો આભાર માનવા લાગી. મનમાં પસ્તાવા લાગી. અને જીવનભર હવે કાંઠાગોરનું વ્રત કરીશ, તેમ મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું.

  જે કોઈ પૂજે કાંઠાગોરને, કૃપા પ્રભુની થાય,

સુખ-સમૃદ્ધિની છોળ ઊડે, વૈકુંઠવાસ થાય.

          હે કાંઠાગોર ! પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દેરાણીને અને સાસુને તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

નમો નારાયણ

ગંગા કાઠે ખેતર રે, નમો નારાયણ,

વાવજો જમણે હાથ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ ખેતર ખેડિયા રે, નમો નારાયણ,

ખેડી છે કાશીની ભોમ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ ખેતર વાવીયા રે, નમો નારાયણ,

વાવ્યા જવા ને તલ, હરિહર વાસુદેવાય.

કૃષ્ણજીએ સાથીડા રાખિયા રે, નમો નારાયણ,

રાખ્યા છે અર્જુન-ભીમ, હરિહર વાસુદેવાય.

ખેતરે ખેતરે બળદિયા રે, નમો નારાયણ,

દાસ રણછોડને હાથ, હરિહર વાસુદેવાય.

ધર્મ ને પાપ બે તોળિયા રે, નમો નારાયણ,

ત્રાજવાં ત્રિકમ ને હાથ, હરિહર વાસુદેવાય.

ધર્મનો છાબડો ઉપાડ્યો રે, નમો નારાયણ,

પાપનો ગયો છે પાતાળ, હરિહર વાસુદેવાય.

ધર્મીને વૈકુંઠ ઢુંકડું રે, નમો નારાયણ,

પાપીને વેગળું દૂર, હરિહર વાસુદેવાય.

ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ,

કૂંચી છે કેશવને હાથ, હરિહર વાસુદેવાય.

હરિએ દ્વાર ઉઘાડિયા રે, નમો નારાયણ,

આવ્યો છે સંતોનો સાથ, હરિહર વાસુદેવાય.

બેસો ભાઈઓ અને બેસો બેનડી રે, નમો નારાયણ,

સુણો કલજુગડાની વાત, હરિહર વાસુદેવાય.

કળજુગ કડવો લીંબડો રે, નમો નારાયણ,

મીઠાં છે સ્વર્ગનાં દ્વાર, હરિહર વાસુદેવાય.

ગાય શીખે ને સુણે સાંભળે રે, નમો નારાયણ,

તેનો હોજો વૈકુંઠમાં વાસ, હરિહર વાસુદેવાય.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: