Archive for જૂન, 2015

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો તેરમો અધ્યાય અને મૌન મહિમાની વાર્તા…..

જૂન 30, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની તેરસ તો આ સુદ ૧૩ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો તેરમો અધ્યાય અને મૌન મહિમાની વાર્તા…..

 

અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા

dradhdhanva

શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું : “હે મહાભાગ્યશાળી સુત ! જેમ અમૃત પીતાં તૃપ્તિ થાય નહી તેમ અમને તૃપ્તિ જ થતી નથી. હવે અમને પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢધન્વા રાજાને પુરૂષોત્તમ માસના સેવનથી પુત્ર-પૌત્ર અને પતિવ્રતા પત્ની કેવી રીતે મળી અને યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યો તે કથા અમને વિસ્તારથી કહો.”

સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! હે મુનિઓ ! રાજા દ્રઢધન્વાનું ચરિત્ર પાપોનો નાશ ક્કરનાર છે. રાજા દ્રઢધન્વાની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે, તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું.”

હૈહય દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો. તેને દ્રઢધન્વા નામે પ્રખ્યાત પુત્ર થયો હતો. તે સર્વ ગુણોથી યુક્ત, સત્ય બોલનારો, ધર્મને જાણનારો અને શૂરવીર હતો. વેદ-પુરાણો શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યાભ્યાસ પૂર્ણ થતાંતે ગુરુને દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો આવ્યો. ચિત્રધર્મા પણ પોતાનાપુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો.

તે પછી પોતાના એ યુવાન પુત્રને સર્વ ધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માના મનમાં સંસારપ્રત્યે વૈરાગ્ય ઊપજ્યો અને તેણે મનમાં વિચાર્યું કે “હવે આ સંસારમાં મારે શું કામ છે ? હવે હું નિરાંતે પ્રભુભક્તિ કરીશ.” એમ મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢધન્વાને રાજ્યનો કારભાર સોંપી દીધો. પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને શ્રીહરિની ભક્તિ કરતાં તે પ્રભુશરણ થયો. દ્રઢધન્વાએ પણ પોતાના પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી.

તેથી તેને હર્ષ અને શોક બંને થયા. તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધકર્મ કર્યું અને બ્રાહ્મણૉને જમાડી દાન-પુણ્ય કર્યું. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુંવરી ગુણવંતી સાથે તેના વિવાહ થયા.તેણીએ ચાર પુત્રોને જન્મ આપ્યો.શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેણે જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું. ચાર પુત્રો પણ ચિત્રવાક, ચિત્રવાહ,મણિમાન તથા ચિત્રકુંડલ, એવા નામોથી પ્રખ્યાત હતા. બધાય વિવેકી, સુંદર તથા શુરા હતા.

દ્રઢધન્વા અનેક ગુણોથી પ્રખ્યાત હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્નીવ્રતને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મપાલન કરતો હતો અને બીજા કાર્તિકવીર્ય (સહસ્ત્રાર્જુન) પેઠેઅતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો.

એક વખત રાત્રે દ્રઢધન્વા સૂતો હતો તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું હશે ? ના મેં આ જન્મમાં કોઈ વ્રત કર્યું છે, ના કોઈ તપ કર્યું છે, ના જપ કર્યાછે, ના હોમ-હવન કર્યા છે, છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ ક્યા કારણે પ્રાપ્ત થઈ છે. મારા ભાગ્યનું આ રહસ્ય મારે કોને પૂછવું ? એમ વિચાર્યા કરતો હતો એટલામાં રાત્રિ સમાપ્ત થઈ.

ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધાં. એ પછી તે ઘોડા પર સવાર થયો અને પોતાના રસાલા સાથે જંગલમાં શિકારે નીકળ્યો. ત્યાં તેણે ઘણા મૃગો માર્યાં. પણ એક મૃગની પાછળ દોડવા જતાં તે પોતાના સિપાહીઓથી છૂટો પડી ગયો. રાજાએ એ મૃગને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મૃગ ક્યાંય જંગલમાં અદ્રશ્ય થઈ ગયું. એટલે થાકેલો રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભો. ત્યાં એક મોટું ઝાડ જોયું, આથી થાકેલો રાજા એક વડવાઈએ ઘોડો બાંધીને સરોવરમાંથી પાણી પી પોતાની તરસ છીપાવી આરામ કરવા ત્યાં બેઠો.”

એટલામાં ત્યાં પોપટ આવ્યો. એ પોપટ ત્યાં બેઠેલા દ્રઢધન્વાને સંબોધી એક ઉત્તમ શ્ર્લોક બોલવા માંડ્યો.”હે રાજા ! તું પૃથ્વી ઉપર મળેલા સુખ-વૈભવમાં જ રચ્યોપચ્યો રહે છે, જીવનના સારરૂપ તત્વને તું ભીલી ગયો છે. જો તું એ તત્વનો વિચાર નહીં કરે તો તું ભવપાર કેવી રીતે થઈશ ? જીવનના સાચા સિદ્ધિરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ?” પોપટનાં આવાં ઉપદેશાત્મક બોધવચનો સાંભળી રાજા નવાઈ પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ શુકદેવજી પોતે તેને ઉપદેશ આપી રહ્યા છે. સંસારસાગરમાં ડૂબેલા મારાજેવા અજ્ઞાનીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે જ મોકલ્યા લાગે છે. રાજા આવો વિચાર કરતો હતો એટલામાં રાજાના સિપાહીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.”

પેલો પોપટ રાજાને બોધ આપી અદ્રશ્ય થઈ ગયો. વિચારોમાં ડૂબી ગયેલો રાજા સેના સાથે પોતાના રાજ્યમાં આવ્યો. રાજમહેલમાં આવ્યા પછી પણ તે પોપટના વિચારોમાં જ ડૂબેલો રહ્યો. તેને ખાવા ભાવ્યું નહીં. રાત્રે તેની ઊંઘ પણ જતી રહી. રાજાનેઆરીતે ચિંતામગ્ન જોઈ તેની રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી.

ગુણસુંદરી બોલી : “ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ ! આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી ! આટલા કેમ હતાશથઈ ગયા છો ? બધી ચિંતાઓ છોડી ભોગ ભોગવો અને આનંદિત થાઓ.” પરંતુ પત્નીના પ્રમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. તે ઉદાસીમાં ડૂબી ગયો.

પતિના દુ:ખથી રાણીને ઘણું દુ:ખ થયું. રાજા દ્રઢધન્વા કઈ ચિંતામાં ડૂબી ગયો હશે તે જાણવાની તેણે ઘણી કોશિશ કરી, પણ રાજાને એ સંદેહરૂપ સમુદ્રમાંથી બહાર કાઢે તેવો કોઈ ઉપાય તેના જોવામાં ન આવ્યો.

રાજાને સતત ઘેરી વળેલી ઉદાસીથી મંત્રીઓ, સેનાપતિ,દાસ-દાસીઓ, નગરજનો પણ ચિંતામાં ડૂબી ગયા.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“દ્દઢધન્વાની કથા” નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

મૌન મહિમાની વાર્તા

maun

અવંતિ નગરીમાં ચાર વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ-જપ-વ્રતમાં સૌથી આગળ રહે. મહીના મહીનાના ઉપવાસ્સ કરે. પાંચ પાંચ વર્ષના ધારણા-પારના કરે. એમ કરતા એ સિત્તેર વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ પાંચ ડગલા ચાલી શકે.

એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે.શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહિ. છતાયબ્રાહ્મણે હિંમત કરી. મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો, તે થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી, વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા. સિધો પડ્યો પથારીમાં, થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા.

પ્રભુ બોલ્યા : “હે ભક્ત ! તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તુટવા ન દીધો તેથી હું ઘણો પ્રસન્ન થયો છું, પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ ? તારુ વ્રત તુટશે, તારો સંકલ્પ તુટશે; તેથી તું દોષમાં પડીશ. હે વત્સ ! તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તુટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરૂષોત્તમમાસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સુર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે.

માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.

બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી.

આયુષ્ય પૂર્ણ થતા6 બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયો.

આમ, એકટાણા કરવા છતાં મૌનવ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌનવ્રતના ફળથી ઈન્દ્રરાજાએ વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો.

ન બોલ્યામાં નવ ગુણ, બોલ્યે બગડી જાય;

મૌન તણો મહિમા ઘણો, પુરૂષોત્તમ પ્રસન્ન થાય.

          “પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મૌનવતી બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો.”

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી હરિનામ મંગલાયનમ

(રાગ : આરતી શ્રી જગન્નાથ મંગલા કરી)

 

જય જય હરિનામ મહા મંગલાયનં;

મેટ ન ભવ દીર્ઘ રોગ ચિદ રસાયનં;

જય જય હરિનામ મહા મંગલાયનં.  II૧ II

 

દુરિત દુ:ખ દોષ કોશ નાશ કારણં;

અંતર અજ્ઞાન અંધાકરવારણં. જય0      II ૨ II

 

ત્રિવિધ તાપ શમન જાપ નામનો સદા;

તત કથાય ક્યમ કથાય કોઈથી કદા. જય0      II ૩ II

 

તત પ્રતાપ ઈશ આપ ઓળખાય છે;

વેદ શાસ્ત્ર ને પુરાણ સર્વ ગાય છે. જય0      II ૪ II

 

ઈશ નામરૂપ, નામ ઈશરૂપ છે;

સાધનો સમસ્તમાંય નામ ભૂપ છે. જય0      II ૫ II

 

સ્પર્શ અગ્નિનો અજાણતાંય થાય જો;

તત્ક્ષણે અવશ્ય તે થકી દઝાય તો. જય0      II ૬ II

 

ત્યમ ઉદાર નામનૂં સ્મરણ અમોઘ છે;

ત્વરિત કરે દહન ગહન પાપ ઓઘને. જય0      II ૭ II

 

રિદ્ધિ સિદ્ધિ શુદ્ધિ બુદ્ધિ સર્વ સદગુણો;

નામમાં સદા વસે સમૂહ તે તણો. જય0      II૮  II

 

ચાહ્ય તેહ થાય નામની સહાયથી;

થાય ના અપાય લેશ ઈશમાયથી. જય0      II ૯ II

 

દેશ કાલ નિયમ નામ જાપને નહીં;

જ્યાં સદા જપાય શુભદ સર્વથા સહી. જય0      II ૧૦ II

 

અંતકાળ ઉચ્ચરાય નામ જો મુખે;

નિશ્ચયે પમાય બ્રહ્મ ધામ તો સુખે. જય0      II ૧૧ II

 

નામ ગર્જના સદાય થાય જે ઘરે;

આવી ના શકે યમો કદાપિ ત્યાં ખરે. જય0      II ૧૨ II

 

વદ્યા ધર્મરાય સુણો સર્વ કિંકરો;

શીખ માહરી સદાય અંતરે ધરો. જય0      II ૧૩ II

 

સંભળાય જ્યાંય નામ નાથનું જગે;

ભૂલથી કદાપિ કોઈ ત્યાં જતા રખે. જય0      II ૧૪ II

 

કો પ્રમાદ વશ્ય એહ શીખ ભૂલશે;

કઠિણ દંડપાત્ર દૂત એ થકી થશે. જય0      II ૧૫ II

 

જાણતાં અજાણતાં કુભાવ-ભાવથી;

હાસ્ય હેલનાદિ કોઈ દુષ્ટ દાવથી. જય0      II ૧૬ II

 

નામ ઉચ્ચરાય અઘ હરાય સર્વથા;

એ વિશે ઘણી અજામિલાદિની કથા. જય0      II ૧૭ II

 

તો પછી રટાય નામ શુદ્ધ સ્નેહથી;

તે તણું મહત્વ તે શકાય શું કથી. જય0      II ૧૮ II

 

એ મહા પ્રભાવ જન જાણી શું શકે;

થાય ગુરુ કૃપાય નામ તો ચઢે મુખે. જય0      II ૧૯ II

 

નામ નિત્યજો સ્મરાય કે ગવાય છે;

સંભળાય તો અશુભ સર્વ જાય છે. જય0      II ૨૦ II

 

વિવિધ રોગ જાય કષ્ટ સૌ કપાય છે,

બંધનો કપાય અંતરાય જાય છે. જય0      II ૨૧ II

 

પામર પણ એ જપી પ્રબુદ્ધ થાય છે;

સર્વ પાપ ધોઈને વિશુદ્ધ થાય છે. જય0      II ૨૨ II

 

અબલ બલી, અધન ધનસમૃદ્ધ થાય છે;

વિકળ ચપળ ચિત્ત યોગસિદ્ધ થાય છે. જય0      II ૨૩ II

 

સર્વ સૌખ્યયુક્ત ભવવિમુક્ત થાય છે;

સ્થાપીને સુકીર્તિ પરમધામ જાય છે. જય0      II ૨૪ II

 

ઈતિ અમાપ એ પ્રતાપ ગુરુવરે લહ્યો;

કિંકર હરિદાસને કૃપા કરી લહ્યો. જય0      II ૨૫ II

 

પઠન કરે જન એ પ્રસન્ન મન થકી;

સ્નેહ નામમાં જડાય તેઅહ્નો નકી. જય0      II ૨૬ II

 

તદુપરાંત એક વાત ગુરુવરે કહી;

સાવધાન થઈ કદા વિસારવી નહી. જય0      II ૨૭ II

 

નામ છે રસાયણ એ આદિમાં કહ્યું;

પથ્યવિણ રસાયણ તો જાય ના સહ્યું. જય0      II ૨૮ II

 

જો પુપથ્ય થાય તો કપાય રોગ ના;

ભોગવી મરાય કષ્ટ દુષ્ટ ભોગનાં. જય0      II ૨૯ II

 

તે થકી કુપથ્ય ટાળવા ગણાવિયાં;

ગુરુવરે ઘણી કૃપા કરી ભણાવિયાં. જય0      II ૩૦ II

 

 

રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ

હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ

હરે કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ

હરે શ્યામ ગોવિંદ જય જય ગોવિંદ

ગોવિંદ ગોવિંદ જય જય ગોવિંદ

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Advertisements

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બારમો અધ્યાય અને અદેખી ભાભીની વાર્તા…..

જૂન 29, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની બારસ તો આ સુદ ૧૨ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બારમો અધ્યાય અને અદેખી ભાભીની વાર્તા…..

 

અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ

Dh--1

નારદે કહ્યું : “હે નાથ ! ભગવાન શંકર અંતરધ્યાન થઈ ગયા, તે પછી તે મુનિ કન્યાનું શું થયું તે મને વિગતે આપ કહો, કેમકે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે.”

શ્રી નારાયણ બોલ્યા : “આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું કહું છું. સાંભળો –

શ્રીકૃષ્ણેકહ્યું : “ હે રાજન ! ભગવાન શિવ વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા પછી આવા વિચિત્ર વરદાનથી એ તપસ્વિની કુમારીના હૃદયમાં શોકરૂપીઅગ્નિની જ્વાળા ભભૂકી ઊઠી. તે ચિંતામાં અને નિરાશામાં ડૂબી ગઈ. ઉદાસીએ તેને ઘેરી લીધીઅને દિવસે દિવસે તે કૃશ થઈ કાળને વશ થઈ મૃત્યુ પામી.

તે સમયે પૃથ્વી પર ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપુર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. ત્યારેયજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારી જન્મી, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે લોકમાં પ્રખ્યાત થઈ.

આ જ દ્રૌપદીને વિવાહ યોગ્ય થતાં દ્રુપદરાજાએ યોજેલ સ્વયંવરમાં અર્જુને, કર્ણાદી જેવા મહાપરાક્રમી રાજાઓનું માન-મર્દન કરી માછલીની આંખ વીંધી દ્રૌપદીને પ્રાપ્ત કરી. પણ માતા કુંતાનું વચન પાલન કરવા માટે તે પાંચે પાંદવોની પત્ની બની.

“હે રાજન ! એમ પૂર્વેઋષિકન્યા જે મેઘાવતી હતી તે હાલ બીજા જન્મમાં દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. તેણે પૂર્વજ્ન્મમાં પુરૂષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેના લીધે તેને દુષ્ટ દુ:શાસને વાળૅથી પકડિ તેનાં વસ્ત્રો ખેંચ્યા હતાં. દ્રૌપદી આ સાંભળી બોલી: “હે ઈન્દ્રિયોના નિયંતા ! મારે તો બધૂ6યે આપ જછો. દુ:શાસને દુ:ખી કરેલી મને શું આપ નથી જાણૅતા ? “

“પાપી દુ:શાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને કરુણ સ્વરે પોકાર કર્યો. એટલે હે રાજન ! તરત ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યાં હતાં અને તેની લાજ રાખી હતી. હે રાજન! પુરૂષોત્તમ માસ સર્વ ફળ આપનારો છે. આ માસ અત્યંત  પવિત્ર અને સર્વકામનાઓ  પૂર્ણ કરનાર છે. સૂરસૂર-નાગ-મુનિ સર્વે આ માસને શ્રદ્ધા અને ભક્તિથી સેવે છે. માટે તમે હવે આવનારા પુરૂષોત્તમ માસનું આરાધન કરો. ચૌદ વર્ષ પૂરાંથતા6 તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. તમારાં કષ્ટો નાશ પામશે અને તમારું ગયેલું રાજ પાછું મળશે અને તમે સર્વ પ્રકારે સુખ-સંપત્તિ પામી અંતે મોક્ષને પ્રાપ્ત કરશો.”

“હે પાંડુપુત્ર રાજા ! દુ:શાસન, દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને હું યમલોકમાં પહોંચાડીશ.યમરાજા તેમને તેમની કરણીનું ફળ આપશે. હું તો તે દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી.”

“હે રાજા યુધિષ્ઠિર ! હવે હું દ્વારકા જઈશ. ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે. મારાં દર્શન માટે બધા ખૂબ ઉત્સુક રહે છે.’

ભગવાન શ્રીકૃષ્ણે એમ કહ્યું ત્યારે પાંડવો ગળગળાં અવાજે માંડ બોલી શક્યા. હે પ્રભુ ! તમે જ અમારા તારણહાર છો. અમે તમારા શરણે આવેલા છીએ. તમે અમને માર્ગદર્શન આપજો અને અમારી રક્ષા કરજો.” પાંડવોને આશ્વાસન આપી ધીરજ બંધાવી શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાજવા નીકળ્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુ:ખ પામતાં તીર્થાટન કરવા લાગ્યા.હે નારદમુનિ ! એ પછી પાંદવોએ પુરૂષોત્તમ માસ આવતાં તેનું વિધિ-વિધાનથી પૂજા-જપ-તપ-દાન કર્યું. ભગવાન પુરૂશોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા. એ વ્રતની સમાપ્તિ થયા પછી ચૌદ વર્ષ પૂરાં થતાં જ તેઓએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું.”

સુતજી બોલ્યા : “હે બ્રાહ્મણો ! મેં પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય મહામુનિ શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે તમને કહ્યું છે. ગોલોકપતિ ભગવાન શ્રીકૃષ્ણે જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દેવો પણ જાણી શકતા નથી તો આપણે પામર મનુષ્યો ક્યાંથી જાણી શકવાના? “

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ” નામનો બારમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

અદેખી ભાભીની વાર્તા

adekhi bhabhi

ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી. તેણે ધણીને એવો વશ કરેલો કે ભાઈ પોતાની બેનને કાંઈ મદદ ના કરે. બ્રાહ્મણીને સાત સાત દીકરા. પેટનો ખાડો માંડ પુરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન. ગામમાં ભાઈના વખાણ કરતી ફરે.

એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું.એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું. એને સંપત્તિ અપાર હતી, પણ સંતતિ ન હતી. ભાભી તો સોળ શણગાર સજીને પૂજન કરવા જાય. એમ કરતાં વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામના તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવાલાગી : “લોકલાજે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો, કાળમાંથી ઊઠ્યા હોય એમ ભુખાવળાની જેમ દોડી ન આવતા.”

નણંદને ભાભીના વેણ વસમાં તો બહુ લાગ્યાં પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ ! મામાના ઘેર જમવા જવાનું, અને મેવા-મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની.

બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમપછાડા કરે છે. બ્રાહ્મણી “હમણાં આવશે, હમણાં આવશે.” એમ સમજાવીને શાંત પાડે છે. એમ કરતાં સાંજ પડી. દી’ આથમી ગયો. ખાઉં ખાઉં કરતાં બિચારા છોકરા ભૂખ્યા-તરસ્યા સૂઈ ગયા. પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરા ઊઠીને ખાવા માંગશે ત્યારે શું આપીશ ? બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે ? અત્યારે તે માંડ માંડ ઝંપીને સૂઈ ગયા છે પણ સવારે વહેલા ઊઠીને પાછા ખાવાનું માંગશે ત્યારે મારે શું જવાબ દેવો ? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશની ઝળહળે છે. મંગલગીત ગવાય છે. ઘરના ખૂણે એઠાં પતરાળાંનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો આઠ-દસ પતરાળાં સાડલામાં છુપાવીને ઘેર આવી, એમાં જે એઠું-જૂઠું વધ્યું હતું એના લાડવા વાળીને પતરાળાં ઘરના ખૂણે ફેંકી દીધાં અને સૂઈ ગઈ. એણે વિચાર્યુંકે છોકરા સવારે ઊઠશે એટલે આ લાડવા આપીશ, તો બચારા ખુશ ખુશ થઈ જશે.

રોજની ટેવ પ્રમાણે બ્રાહ્મમુહૂર્તે ઊઠીને એણે દીવો કર્યો. ત્યાં ખૂણામાં કાંઈક ચળકતુ જોયું. જઈને જોયું તો બધાય પતરાળાં સોનાના થઈ ગયાં છે. એણે તો પતિને જગાડ્યો. પતિ-પત્ની વિચાર કરવા લાગ્યા કે આ તો ભાઈનાં પતરાળાં, ભલેને સોનાનાં રહ્યાં તોય આપણાથી ન લેવાય.

બ્રાહ્મણી તો તરત દોડતી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાનાં પતરાળાં બતાવીને બધી વાત કરી ત્યારે બહેનની ખાનદાની જોઈ ભાઈની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડ્યાં. એણે એ પતરાળાં બહેનને કાપડામાં દઈ દીધાં. પુરૂષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા તેડ્યું. ભાભીને પણ નોંતરું દીધું. ભાઈ-ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં સવા શેર સોનાનો લાડવો મૂક્યો.

મામી ભડકી ! “કેમ આમ સોનાનો લાડવો મૂકો છો ?”

“મામી!” ભાણેજડા બોલ્યા : “અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા નહોતા અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે. જમો તમ તમારે નિરાંતે !”

મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યાં. એ ઊઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી.

બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારા વાનાં થયાં.

 “શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર;

ફળ તેને લાધશે, નિશ્ચે માનજો એ સાર.”

          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૈને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રીહરિનામારતિ:

વંદે હરિનામં, મંગલમય હરિનામં:

જય જય જય હરિનામં, વંદે હરિનામં.

 

અગુણં સગુણમનંતં, સુગમં સખસદનં;

અમૃતંવિમલં વિવિધ, જય કલિમલકદનં. વંદે0

 

ભગવદગુણભંડારં હરિચરિતાગારં;

પ્રત્યક્ષં હરિરૂપં સ્વયમેકાકારં. વંદે0

 

જાપકન- ચિંતામણીરૂપં ભવસારં;

ઈહ પરલોકે નિજજનરક્ષણકરણપરં. વંદે0

 

અજ્ઞાનતિમિરનાશનચિન્મયમણિભાસં;

હરિદર્શનદાનકરં, ભવમુક્તિવિલાસં. વંદે0

 

સર્વમનોરથપૂરણદિવ્યમહામંત્ર;

ન બાધતે ત્વા જપતાં, હરિમાયાતંત્રં. વંદે0

 

તવા જપકીર્તન-ગાન-સ્મરણામૃતધારા;

શિવનારદસનકાદ્યાસ્તવ કીર્તનકારા. વંદે0

 

તેડ઼પિ ન શક્તા: કથનેતવા ગુણમહિમાનં;

પ્રેનિમગ્ના: સતતં, કરણે તવા ગાનં. વંદે0

 

એવં બ્રહ્માશેષરમોમા: શ્રુતિસંઘા:;

સુરમુનિસંઘા: સંતજના ગાયંત્યનઘા:. વંદે0

 

ભુકૃત્વા પૂર્ણ સુખમિહ, તીર્ત્વા ભવવારિં;

યાંતિ સુખં તવ સેવિજના દેવ મુરારિં. વંદે0

 

અધમોદ્ધારણકરણે પ્રથિતા તવ કીર્તિ:;

ત્વાં જપતાં હિ કદાપિ ન યમકિંકર્ભીતિ:. વંદે0

 

અધમાજામિલ-ગણિકા-ગૃધ્રા-ગજ-વ્યાધા:;

ત્વદબલતો યાતા હરિપદમપ્યપરાદ્ધા:. વંદે0

 

ઈથં પ્રભાવપૂર્ણ, હે હરિનામ ત્વાં;

વંદે વારંવારમહં કુરુ કૃપયા મામ. વંદે0

 

હરિદાસં તવ દાસં વાસં વદને મે;

કુરુ સતતં મત્પ્રાણગમનસમયે ચરમે. વંદે0

 

ઈતિ હરિનામસ્ત્વનં નામસ્મૃતિગાનં;

ગાયંતં હરિનામં કુરુતે રતિદાનં. વંદે0

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો અગિયારમો અધ્યાય અને વણિકની વાર્તા…..

જૂન 28, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની અગિયારસ તો આ સુદ ૧૧ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો અગિયારમો અધ્યાય અને વણિકની વાર્તા…..

અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન

meghvati shiv vardan

નારદે પૂછ્યું : “હે મહામુનિ ! એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું હતું તે કહો.”

શ્રી નારાયણ બોલ્યા : “તે પછી તે ઋષિકન્યા મેઘાવતીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી જે ઘણા જ શોભી રહ્યા છે.

“એ શંકર દેવનો આશ્રયકરી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી. ગ્રીષ્મ ઋતુના સૂર્યમાં તે પંચાગ્નિના મધ્યમાં બેસતી, હેમંત ઋતુમાં તે જળ મધ્યે બેસતી, ચોમાસામાં ઘાસની પથારી કરી ઓઢ્યા વગર સૂઈ રહેતી. આહારમાં ફક્ત ધુમાડો જ ગ્રહણ કરતી તે કન્યા તપ કરવા લાગી. સર્વ દેવોતેને તપથી રોકી શક્યા નહી અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. આ રીતે ઋષિકન્યા મેઘાવતીએ નવ હજાર વર્ષ સુધી તપ કર્યું.

મેઘાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમણે પોતાના અગોચર સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. તપ કરવાને લીધે શરીરે સાવ કૃશ થઈ ગયેલી તે કન્યા ભગવાન શંકરનાં દર્શનમાત્રથી ઉત્સાહિત બની ઊભી થઈ ગઈ જાણે દેહમાં પ્રાણ આવ્યા હોય ! ભગવાન શંકરની કૃપાદ્રષ્ટિથીસિંચાઈને ગૌરવશાળી બનેલી તે બાળાએનીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા. ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતુ કરવા લાગી.

“હે પાર્વતીનાપ્રિય પ્રાણનાથ ! હે પ્રભો શંકર ! હે ભુતેશ ! હે ગૌરેશ ! હે શંભો ! ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ દિવ્ય ત્રિનેત્રવાળા, ગળામાં સર્પોની માળા ધારણ કરનારા હે પ્રભુ ! આપને નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયેલો હોય તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુ:ખોથી છૂટી જાય છે. હે જનમ-મરણને હરનારા આપને નમસ્કાર છે. હે પાપને હરનારા પ્રભુ ! હું આપના શરણે આવી છું. મારી રક્ષા કરો.”

એમ મન તથા વચનથી શંકરની સ્તુતિ કરીને એ તપસ્વિની મેઘાવી કન્યા શાંત થઈ. તેણીએ કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું :         “હે તપસ્વિની !તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ, હું તારા પર પ્રસન્ન થયો છું. “

શિવજીનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની, તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું :

બાળા બોલી : “હે દીનાનાથ ! જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ આપો.મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો… પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી.”

શંકરને એમ કહી ઋષિ કન્યા મેઘાવતી તે વખતે બોલતી બંધ થઈ. મહાદેવે તે મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું : “હે મુનિકન્યા ! તેં તારા મોઢે જે કહ્યું તે થાઓ. તેં પાંચ વાર પતિની માંગણી કરી તેથી હવે તારે પાંચ પતિ થશે.જે પોતાના ગુણોથી પ્રખ્યાત, શૂરવીર,દાનવીર, ધર્મનું આચરણ કરવાવાળા, જિતેન્દ્રીય, પરસ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટીથી ન જોનાર,રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે.”

મહાદેવજીનું આવું વરદાન સાંભળી મેઘાવતી ડઘાઈ ગઈ અને બોલી : “હે પાર્વતીપતિ ! તમે આ કેવું વરદાન આપ્યું. એક પુરૂષને પાંચ પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને પાંચ પતિ હોય તેવું મેં જોયુંય નથી કે સાંભળ્યુંય નથી. મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી. આપના આવા વરદાનથી જગત આખામાં મારી હાંસી થશે. હું આપની ભક્ત છું. આપ કૃપા કરી મને આવું અયોગ્ય વરદાન આપશો નહીં. આ તો મારી વર્ષોની તપસ્યા એળે ગઈ એવું મને લાગે છે.”  આમ બોલી તે અત્યંત દુ:ખી થઈ રુદન કરવા લાગી.

તેને આમ વિલાપ કરતી જોઈ ભગવાન શિવ બોલ્યા : “હે ભયભીત થયેલી બાળા ! આ જન્મમાં એમ નહિ થાય, પણ બીજા જન્મમાં એમ થશે. મહામુનિ દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. તેમના શબ્દોનું તેં અપમાન કર્યું છે. એ જો કોપાયમાન થાય તો ત્રણે જગતને બાળી નાખવા સમર્થ છે અને સર્વ દેવોને જે પ્રિય છે એવો ગોલોકપતિ ભગવાન કૃષ્ણનો પુરૂષોત્તમ માસ તેં કર્યો નથી અને ઉપરથી તેનો તિરસ્કાર કરી તેની નિંદા કરી છે. એ કારણથી તારા પાંચ પતિ થશે. અમે બધા દેવો પણ પુરૂષોત્તમ માસને શ્રદ્ધાપૂર્વક સેવીએ છીએ. જો શ્રેષ્ઠ રીતે જપ, તપ, વ્રત, પૂજા કરવામાં આવે તો પુરૂષોત્તમ ભગવાન જલદી પ્રસન્ન થાય છે. પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. તેં એમનું અપમાન કર્યુંછે, તેનું ફળ તારે ભોગવવું જ પડશે.”

એમ બોલી ભગવાન નીલકંઠ શંકર તરત અદ્રશ્ય થઈ ગયા અને એ ઋષિકન્યા તો ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત જ થઈ ગઈ.

સુત બોલ્યા : “હે મુનિશ્વરો ! જેમનો લલાટપ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઈંદ્રને દુ:ખી કર્યો હતો તેમ ચિંતાએ દુ:ખી કરી નાખી.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મેઘાવતીને શિવનું વરદાન” નામનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ.

 

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

વણિકની વાર્તા

vanik varta

એક ગામમાં ગરીબ વિપ્ર દંપત્તિ રહે. સંતાનમાં સાત છોકરા, માંડ માંડ ગુજરાન ચાલે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી ગરીબી. એક વાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેના ઉપાય તરીકે તેને પૂર્ણ શ્રદ્ધાથી પુરૂષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું.

પાવન પુરૂષોત્તમ માસ આવતાં બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એવો મહાકંજૂસ. ક્યારેય દાન-ધરમ કરે નહીં. સંતાનમાં એને સાત દીકરી પણ દીકરો એકેય નહી. પુરૂષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતાં જોઈ વણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે. લાવને હુંય આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણ-બ્રાહ્મણી સાથે નદીએ નહાવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે. વાર્તા સાંભળે પણ જ્યાં દાન-દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું, એટલે પાઈ-પૈસો આપતાં જીવ ન ચાલે.

એમ કરતાં કમલા એકાદશી આવી.રાતે શેઠને પુરૂષોત્તમ પ્રભુએ દર્શન દીધાં અને કહ્યું કે “હે વણિક ! જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી, તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાઈનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા પર ક્યાંથી ઊતરે ? પણ હે શેઠ ! ભલે સ્વાર્થવશ પણ તેં મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્ત થશે.પરંતુ તારે મારી વાત માનવી પડશે. તારા એ પુત્રના ભારોભાર સુવર્ણદાન તારી પડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દારિદ્રયને ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાય રહેશે.”  સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયાં.

સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એને મોં માગ્યું ઈનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ-ગુરબાને દાન દીધાં.

પ્રથમ પ્રહરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોનામહોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્રય ટળ્યું. આખી જિંદગી બેઠાં બેઠાં ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ અને શેઠ-શેઠાણીએ આજીવન પુરૂષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણી અને શેઠ-શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

એકાદશી માહાત્મ્ય

એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ,

મારે એકાદશીનું વ્રત કરવું છે,

મારે ધ્યાન પ્રભુનું ધરવું છે,

મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે… ધન્ય એકાદશી

 

મારે એકાદશીનું વ્રત સારું છે,

એ તો પુરૂષોત્તમને પ્યારું છે,

એ તો વૈકુંઠ લઈ જનારું છે… ધન્ય એકાદશી

 

જે બાર માસ કરે એકાદશી,

તેના અંતરમાં વસે અવિનાશી,

નહિ કરશે તે જાય હાથ ઘસી… ધન્ય એકાદશી

 

મારે ગંગા નહાવા જાવું છે,

મારે યમુના જળમાં નહાવું છે,

મારે ભવસાગર તરી જાવું છે… ધન્ય એકાદશી

 

જેણે એકાદશીનું વ્રત કીધું છે,

તેના ચાર પદાર્થ સિધ્યા છે,

તેને પ્રભુએ પોતાના માની લીધા છે… ધન્ય એકાદશી

 

અંબરીષે એ વ્રત કીધું છે,

દંડ દુર્વાસાને દીધું છે,

રસ પ્રીતમ પ્રભુએ પીધું છે … ધન્ય એકાદશી

 

અલૌકિક વ્રત તારું એકાદશી,

પુરૂષોત્તમ પ્રતાપે તૂટે ચોર્યાશી.

સકળ તીરથ એના આંગણે અવિનાશી… ધન્ય એકાદશી

 

પદ્મિની / કમલા એકાદશી

          ધર્મરાજા આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હવે દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીનાં માહાત્મ્યો કહી સંભળાવું છું. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી.

દશમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાનાદિથી નિવૃત થઈને ભગવાન વિષ્ણુનું જ પૂજન કરવું, સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું, ભગવાન વારાહથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા અથવા  માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજનપ્રતિષ્ઠા આદિ કરવું. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું, બની શકે તો દૂધનો આહાર લઈને કે ફલાહાર કરીને ઉપવાસ કરવો, રાત્રે હરિકીર્તન, ભજન આદિ વડે જાગરણ કરવું.

બારસને દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણનું ઉત્તમ ભોજન કરીને બ્રાહ્મણભોજન કરાવીને પારણું કરવું.

આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ કાર્તવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે –

ત્રેતાયુગની આ કથા છે. માહિષ્મતિ નામની નગરીમાં હૈહય નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક કૃતવીર્ય નામે પુત્ર જન્મ્યો હતો; તેને એક હજાર સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્ર જન્મ થયો ન હતો. રાજાએ એના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં, નિરાશ થયેલા કૃતવીર્યને આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપીને તે જંગલમાં ચાલી નીકળ્યો.

એક હજાર રાણીઓમાં વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ પાછળ ચાલી. રાજ્ય સુખ-સંપત્તિનો તેણે પોતાના પતિની ખાતર ત્યાગ કર્યો. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ પાછળ ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસીને દશ હજાર વર્ષ સુધી તપ કર્યું. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું.

એક વાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો :”હે માતા ! મારા પતિદેવ હજારો વર્ષોથી પુત્રસુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી !

અનસૂયાએ કહ્યું : “હે પરમસાધ્વી ! પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની જરૂર નથી, અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત કર.” માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને દશે દિશામાં વિજય મેળવે તેવા પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનાંચરણોમાંપડી ગયો.

તપશ્ચર્યા પૂર્ણ કરીને રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા. થોડા સમયમાં રાજા-રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનનાં વરદાનથી એને ત્યાં દશમે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તવીર્ય પડ્યું. એ કાર્તવીર્યે  મહાપરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ ત્રણે લોકમાં વૃદ્ધિ પામ્યો.

જેને ત્યાંસંતાનસુખ ન હોય તેવાઓએ, પુત્ર, ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું.

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો દસમો અધ્યાય અને દેડકાદેવની વાર્તા…..

જૂન 27, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની દશમ તો આ સુદ ૧૦ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો દસમો અધ્યાય અને દેડકાદેવની વાર્તા…..

 

અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ 

durvasa meghavati

નારદે ભગવાન નારાયણને પૂછ્યું : “ હે પ્રભુ ! મહા તેજસ્વી અને ઘણાં જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો ! ”

સુત બોલ્યા : “હે બ્રાહ્મણો ! નારદનું વચન સાંભળી બદરીપતિ શ્રી નારાયણ સર્વેને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા.”

શ્રી નારાયણ બોલ્યા : “ હે નારદ! મેઘાવી ઋષિની કન્યાનું દુ:ખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમને કહું છું.”

દુર્વાસા બોલ્યા : “ હે પુત્રી ! તારા સર્વે દુ:ખોના નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે સાંભળ ! આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતા પણ અતિશય મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે ત્રીજો મહિનો આવશે તે પુરૂષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં સ્નાન કરનારો મનુષ્ય બાળહત્યાના પાપથી છૂટી જાય છે. હે દીકરી ! કાર્તિક વગેરે મહિનાઓમાં પુરૂષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. હે બાળા ! પુરૂષોત્તમ નામનો એ મહિનો શ્રીકૃષ્ણને ઘણો જ વહાલો છે. આ માસમાં સ્નાન, દાન, જપ, વગેરે કરવાથી સર્વ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલેતું આ પવિત્ર પુરૂષોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષથી પુરૂષોત્તમ માસને સેવું છું.”

“એક વખત મેં ક્રોધથી અંબરીષ રાજાને બાળી નાખવા (અગ્નિની તીવ્ર શક્તિ) કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા ! પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રીહરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા મેં સેવેલા પુરૂષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો. માટે હે બાળા ! મારી તને સલાહ છે કે તું પુરૂષોત્તમ માસનું સેવન કર. જેથી તારાં તમામ દુ:ખોનું નિરાકારણ થશે.”

શ્રીકૃષ્ણે કહ્યું: “હે રાજા યુધિષ્ઠિર! દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિશ્રેષ્ઠને કહેવા લાગી:

“હે મહામુનિ ! તમારી વાતને હું સ્વીકારી શકતી નથી. આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી પુરૂષોત્તમ દેવને કેમ વખાણો છો ? આ પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવ-દેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે. એમાં પણ શિવ અને શ્રી રામ તો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દેવતાઓ છે, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટો  નાશ પામે  છે. હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું જ સ્મરણ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે. મારા દુ:ખોને દૂર કરશે. આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓને ઓછા ફળ આપનારા અને મળમાસને શ્રેષ્ઠ ફળ આપનાર શા માટે કહો છો ? આપ જેને કોઈ જાણતું નથી તેવા પુરૂષોત્તમ માસના વખાણ શા માટે કરો છો ?”

બ્રાહ્મણપુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઊઠ્યા. ત્પ પણ પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો. પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલછ, તો આ તો દુનિયાદારીથી અજાણ મૂઢ બાળક જેવી છે, જે પોતાના હિતને સમજતી નથી, તેથી તે પાવન પુરૂષોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે. આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહવળ બનેલી તે બાળાને કહેવા માંડ્યું.

દુર્વાસા બોલ્યા : “ હે બાળા  ! તું મારા મિત્રની પુત્રી છે. તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી. તેં પુરૂષોત્તમ માસનો અનાદર કર્યો છે તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. હું તો બદરિકાશ્રમમાં જાઉં છું. તારું કલ્યાણ થાવ.”

એમ કહી તમોગુણી છતાં મહાતપસ્વી એ દુર્વાસા મુનિ તરત જજતા રહ્યા અને તે જ ક્ષણે એ મુનિકન્યા પુરૂષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. ખૂબ મનોમંથનના અંતે તેણે વિચાર્યું: “હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું. કેમકે એ ભગવાન તત્કાળ ફળ આપનાર છે.”

પછી પોતાના આશ્રમમાં જ રહી તેણે ઘણું મોટું ફળ આપનારા લક્ષ્મીપતિ વિષ્ણુ અને એવું જ મહાન ફળ આપનારા સાવિત્રી પતિ બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા આદરી.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“દુર્વાસા- મેઘાવતી સંવાદ” નામનો દસમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

દેડકાદેવની વાર્તા

Dedakadev

એક ગામમાં ડોશી રહે. દુનિયામાં એનું કોઈ આગળ નહિ અને કોઈ પાછળ નહિ. રેંટિયો કાંતે ને પેટ ભરે. પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. ડોશી વલોપાત કરવા લાગ્યાં કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત. ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુભક્તિ કરત. રાંધવા-ચીંધવાની કડાકૂટમાં પુરૂષોત્તમ પ્રભુને નિરાંત જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાતણ કાપવા ગઈ. દાતણ કાપતાં કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં થયો ફોડલો. પીડાથી રહેવાય નહી. પાણી અડે ને ફોડલો મોટો થતો જાય. પીડા વધતી જાય. પુરૂષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નહાવા તો જવું જ પડે.

એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો. ડ્રાંઉ ડ્રાંઉ કરતો આખા ઘરમાં  ફરવા લાગ્યો. ડોશીને તો મજા પડી ગઈ. સુખ-દુ:ખની વાત સાંભળનારું મળી ગયું. ડોશી તો દેડકાને રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોશી કહીને દાંત કાઢે પણ ડોશીને કોઈની પરવા નહીં. એ તો ભલા ને એનો દેડકો ભલો !

પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો પણ દેડકો તો રોજ ડ્રાંઉ ડ્રાંઉ કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે અને ઘેર આવે. એ દેડકો સ્વયં પુરૂષોત્તમ પ્રભુ હતા.

નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઊડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવ પુરૂષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરૂષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરૂષને જ પરણું. બીજા બધા મારે ભા‌ઈ-બાપ !

પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઊઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરૂષનાં દર્શન કરે.

એવામાં કુંવરીના માંગાં આવ્યાં. પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધીઅને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મુર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ-દામ-દંડ-ભેદ અજમાવ્યા. પણ કુંવરી એકની બે ન થઈ. એણે તો અન્નજળ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી. વાત જાણતાંજ ડોશી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું.

ઘડિયા લગ્ન લેવાયાં. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાતજાતની વાતો કરવા લાગ્યા. રાજા-રાણીની ભોંઠપનો પાર નથી પણ કુંવરી હરખાય છે. કુંવરી દેડકા સાથે ચાર ફેરા ફરી. ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી.

રાત પડતાં તો ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યોછે. મધરાત થતાંકુંવરી બોલી : :દેવ ! હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે.”

ત્યારે દેડકો બોલ્યો કે “તારા પિતા મહાયજ્ઞ કરી, સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું.”  કુંવરી તરત મહેલે ગઈ. પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોનાં દાન દીધાં. શ્રીફળ હોમાતાં જ પ્રભુ પુરૂષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોશીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા.

હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ડોશીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી હરિ: શરણં સ્તોત્ર

 

ગયો ગુરુદેવને શરણે નમન કીધું ચરણકમળે;

કરી વિનંતી કૃપાસિંધો, ટળે ભવરોગ શી રીતે ?

વદ્યા ગુરુદેવ બહુ પ્રીતે, શ્રવણ કર તાત ઘર ચિત્તે;

પરમ નિર્ભયા થવા નિત્યે, હરિ: શરણં હરિ: શરણં.

અટળ ભવરોગ ટળવાને, સુકૃત સઘળાય ફળવાને;

અમૃતમય મોક્ષ મળવાને, હરિ: શરણં હરિ: શરણં.

કદા કંઈ કષ્ટ આવે તો, કુડી વ્યાધિ સતાવે તો;

કુમતિ મનને ભમાવે તો, હરિ: શરણં હરિ: શરણં.

ભલે સંપત્તિ સુખ હોયે, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દારિદ્રય દુ:ખ તોયે, હરિ: શરણં હરિ: શરણં.

છકી જાવું નહીં સુખમાં, હરિ: શરણં હરિ: શરણં;

દબાવું નહીં કદી દુ:ખમાં, હરિ: શરણં હરિ: શરણં.

પરાયું દુ:ખ જોઈને, હરિ: શરણં હરિ: શરણં;

ભલે સુખ હોય કોઈને, હરિ: શરણં હરિ: શરણં.

સદા સંતોષને માટે, હરિ: શરણં હરિ: શરણં;

ટળે સહુ દોષ તે માટે, હરિ: શરણં હરિ: શરણં.

થવું નિષ્પાપ હોયે તો, હરિ: શરણં હરિ: શરણં;

સદાની શાંતિ ચ્હાયે તો, હરિ: શરણં હરિ: શરણં.

સતાવે કામ ક્રોધાદિ, હરિ: શરણં હરિ: શરણં;

દબાવે મોહ લોભ કદી, હરિ: શરણં હરિ: શરણં.

વિષયમાં ઈન્દ્રિયો દોડે, હરિ: શરણં હરિ: શરણં;

ચપળ મનને હરે જોડો, હરિ: શરણં હરિ: શરણં.

વચન કુડાં કહે કોઈ, હરિ: શરણં હરિ: શરણં;

ભલે દુ:ખ દે અબળ જોઈ, હરિ: શરણં હરિ: શરણં.

વૃથા અભિમાન જાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ક્ષમા અપરાધ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.

અધિક ઉદ્વેગમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં;

અતુલ આનંદમાં પણ એ, હરિ: શરણં હરિ: શરણં.

કદી કોઈ હાણ્ય થાયે તો, હરિ: શરણં હરિ: શરણં;

ભલે કાંઈ લાભ થાયે તો, હરિ: શરણં હરિ: શરણં.

અશક્તિમાં સશક્તિમાં, હરિ: શરણં હરિ: શરણં;

સહુ વાતે સદા સ્મરવું, હરિ: શરણં હરિ: શરણં.

ઘણું કહેવા થકી શું છે, હરિ: શરણં હરિ: શરણં;

શ્રુતિનું વાક્ય સમજી લે, હરિ: શરણં હરિ: શરણં.

ખરો એ સાર સંસારે, હરિ: શરણં હરિ: શરણં;

સુભાવી જન ઉર ધારે, હરિ: શરણં હરિ: શરણં.

સદા સંતો જપે છે જે, હરિ: શરણં હરિ: શરણં;

તપસ્વીઓ તપે છે તે, હરિ: શરણં હરિ: શરણં.

રટે શિવ શેષ બ્રહ્માદિ, હરિ: શરણં હરિ: શરણં;

મહા મુનિરાય સનકાદિ, હરિ: શરણં હરિ: શરણં.

ભજનનું તત્વ એ જાણો, હરિ: શરણં હરિ: શરણં;

પરમ સુખ એ થકી માણો, હરિ: શરણં હરિ: શરણં.

ભલે હો જાગતા સૂતા, હરિ: શરણં હરિ: શરણં;

ભલે બેઠા ભલે ફરતા, હરિ: શરણં હરિ: શરણં.

ભલે કંઈ કાર્ય હો કરતા, હરિ: શરણં હરિ: શરણં;

રખે એ વાત વિસરતા, હરિ: શરણં હરિ: શરણં.

સફળ આ જન્મ થાવાને, હરિ: શરણં હરિ: શરણં;

સુખે વૈકુંઠ જાવાને, હરિ: શરણં હરિ: શરણં.

સુખદ હરિગીત ગાવાને, હરિ: શરણં હરિ: શરણં;

ખરા હરિદાસ થાવાને, હરિ: શરણં હરિ: શરણં.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

 

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો નવમો અધ્યાય અને શ્રદ્ધાનું ફળ નામે કથાવાર્તા…..

જૂન 25, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની નવમ તો આ સુદ ૯ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો નવમો અધ્યાય અને શ્રદ્ધાનું ફળ નામે કથાવાર્તા…..

 

અધ્યાય નવમો : મુનિ દુર્વાસાનું આગમન

durvasa agman

સૂત બોલ્યા : “ હે મુનિઓ ! તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મેઘાવીની પુત્રીનું વૃતાંત શ્રી નારાયણને પૂછ્યું.”

નારદજી બોલ્યા : “હે શ્રી નારાયણમુનિ ! મેઘાવીના સ્વર્ગવાસ બાદ તેમની પુત્રીએ તપોવનમાં શું કર્યું ? ક્યા મુનિએ તેનું પાણિ ગ્રહણ કર્યું ?”

શ્રી નારાયણ બોલ્યા : “એ કન્યા વનમાં એકલી રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કર્યા કરતી હતી. પિતા વિનાના ઉજ્જડ ઘરમાં તે એકલી રહેતી હતી. તેનું હૃદયકમળ બળ્યા કરતું. પોતાના દુ:ખનો પાર તેને દેખાતો ન હતો. એ વખતે સંજોગોવસાત અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને એ પાતળા પેટવાળી કન્યા પાસે આવી ચડ્યા. જેમને જોતાંની સાથે સ્વર્ગાધિપતિ ઈંદ્ર પણ ભયભીત થઈ જાય છે, એ ઋષિ દૈવેચ્છાએ જ તે તપોવનમાં આવ્યા હતા.

હે રાજેન્દ્ર યુધિષ્ઠિર ! આ એ જ દુર્વાસા છે જેમને તમારી માતા કુંતીએ બાળપણમાં સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી. હે ધર્મરાજ ! દેવો પણ જેને નમસ્કાર કરે છે તેવા આ ઋષિનો કોપ મારા પણ ઊતર્યો હતો. આ દુર્વાસા મુનિએ મને એક વેળા રુકમણિના સાથે રથમાં જોડ્યો હતો. એ રથને અમે બંને માર્ગમાં ખેંચી રહ્યા હતા. રુકમણિને તરસ લાગવાથી તાળવું તથા હોઠ સુકાવા લાગ્યા હતા. રુકમણિએ દુર્વાસાની બીકથી પોતાની ખાંધ પર રથની ઘુંસરી તો ઉપાડી જ હતી. તે વખતે તરસથી તેના પ્રાણ કંઠે આવી ગયા હતા અને તે વિહવળ થઈ ગઈ હતી ત્યારે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં રથને ખેંચી ચાલતાં ચાલતાં જ પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળગંગાને ત્યાં આણી અને રુકમણિની તરસને શાંત કરી હતી. આ જોઈ ક્રોધી મુનિએ પ્રલયકાળના અગ્નિની પેઠે જાણે સળગી રહ્યા હોય એમ એક્દમ ઊભા થઈ મને શ્રાપ આપ્યો હતો : “હે શ્રીકૃષ્ણ ! તમને રુકમણિ ઘણી વહાલી લાગે છે. પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને તમારું માહાત્મ્ય બતાવ્યું છે. માટે બંનેનો વિયોગ થાઓ.”  હે યુધિષ્ઠિર ! એ જ તે દુર્વાસા શ્રેષ્ઠમુનિ છે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે. અગ્નિઋષિના ઉગ્ર તપસ્વી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનસુયાના ગર્ભમાંથી તે જન્મ્યા છે. તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત રહે છે.”

એ દુર્વાસા મુનિને આવતા જોઈ કુમારી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી તેમજ એ બાળાએ આદર સહિત તેમનું પૂજન કર્યું. વિનય સહિત એ મુનિકન્યા આ પ્રમાણે બોલી :

“હે મહાભાગ્યશાળી ! હે અત્રિગોત્રના સૂર્ય ! હે મુનિ ! આપને નમસ્કાર હો. આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે, તમારા જેવા મહાત્માના તીર્થરૂપી ચરણોની રજ લેવાથી મારો જન્મ પણ સફળ થયો છે, મારાં ધનભાગ્ય કે આપ જેવા મહાપુણ્યશાળી પુરૂષના આજે મને દર્શન થયાં છે.”

દુર્વાસાએ કહ્યું : “ધન્ય છે, ઓ બ્રાહ્મણ પુત્રી ! તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમમાં આવ્યો છું. હવે હું સનાતન મુનિશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલદી બદરિકાશ્રમમાં જઈશ. ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યાં છે. હે દીકરી ! તારે કોઈ પણ જાતનું દુ:ખ હોય તે મને વિના સંકોચે જણાવ, હું તને યોગ્ય ઉપાય બતાવીશ.”

બાળા બોલી : “ હે ઋષિ ! આપનાં દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે. મારે માતા-પિતા કે ભાઈ નથી, જે મને ધીરજ આપે. દુ:ખના દરિયામાં પીડાઈ રહી છું. મારા દુ:ખને દૂર કરવાનો ઉપાય જલદી કરો. પરણવા માટે કોઈ પુરૂષ મને ઈચ્છતો નથી. મારો કન્યાકાળ વીતી રહ્યો છે અને એની ચિંતામાં હું કોઈ સુખ પામી શકતી નથી. નથી ભાવતાં ભોજન લઈ શકતી કે નથી ચેનથી નિંદ્રા લઈ શકતી. કોઈ યોગ્ય પુરૂષ મારું પાણિ ગ્રહણ કરે તેવી મારી ઈચ્છા છે. આપ મારા પર કૃપા કરી આ દુ:ખ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો.”

એમ કહી આંસુવાળા મુખે એ બાળા તેમની આગળ બોલતી બંધ પડી. દુર્વાસા તેણીના દુ:ખને દૂર કરવા તે વેળા વિચારમાં પડ્યા.

શ્રી નારાયણ બોલ્યા : “મુનિ કન્યા મેઘાવતીનું આવું કરૂણ વચન સાંભળી મહા તપસ્વી મુનિશ્વર દુર્વાસાએ વેદોનોવિચાર કરી અતિશય કૃપાથી એ બાળા સામે જોયું અને પછી સારરૂપ કંઈક હિતકારી વચન તેને કહ્યું.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મુનિ દુર્વાસાનું આગમન” નામનો નવમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

શ્રદ્ધાનું ફળ

shraddha

સુંદરપુરી નગરીમાં એક સુથાર રહે. સંતાનમાં સાત દીકરી અને બે દીકરા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજુરી કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિચારાને ધર્મ, ધ્યાન, વ્રત, તપનો કે ભક્તિનો સમય ન મળે. એક પછી એક દીકરીને પરણાવતાં સુથાર પચાસ વર્ષનો થઈ ગયો.

એક દિવસની વાત છે. સુથાર બપોરે રોંઢો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા: “જગતના પ્રાણીમાત્રના પાલપોષણની જવાબદારી ભગવાનની છે. તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતો નથી. છતાં પણ મનુષ્યને ભગવાન પર ભરોસો નથી અને ચિંતામાંઅને ચિંતામાં પોતાનો અવતાર એળે કાઢે છે. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તે ભવપાર તરી જાય છે. માટે ભગવાન ઉપર ભરોસો રાખો.”

આ શબ્દ સુથારના દિલ પર કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરેરે, મારી આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ન કરી, પણ ભગવાન પર ભરોસોય ન કર્યો. સુથારે તો એ જ વખતે દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું. મળે તો ખાવું, ના મળે તો ભૂખ્યા રહેવું પણ ભગવાનની ભક્તિ તો કરવી જ. સુથાર તો ભક્તિએ ચઢી ગયો. ઘરમાં ખાવાનાય સાંસા પડવા લાગ્યા.  પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ કશું બોલે નહિ.

એમ કરતાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. સુથાર અને એની પત્નીએ વ્રત લીધાં. રોજ નદીએ નહાવા જાય, વ્રત કરે, દક્ષિણા આપે પછી ઘેર આવીને પૂજા-ભજન કરે. ઘરમાં ખાવા લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય દે.

એમ કરતાં વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત બે દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે “ હવે ઘરમાં અન્નનો દાણૉ નથી, વેચવા ઘરવખરી નથી રહી. હવે શું કરશો ? છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે, બ્રાહ્મણોને જમાડી દાન-દક્ષિણા આપવી પડશે, તો જ વ્રત પૂર્ણ થશે.” સુથાર તો જરાય ચિંતા કર્યા વગર “કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ.” એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલા ઊઠી, લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું. પકડતાં જ મૂળિયું ઊખડી ગયું. અંદર ચળકાટ દેખાયો. થોડીક ધૂળ હટાવતાં જ હીરા-માણેકથી ભરેલો ચરુ દેખાયો.

ઘડીક તો સુથાર આનંદમાંઆવી ગયો.પણ પછી વિચાર કર્યો કે “આ તો દાટેલું ધન કહેવાય, લઉં તો પાપમાં પડું.” એ તો ચરું પર માટી ઢાંકીને પાછો ફર્યો. ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતાં બોલી : “તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી ? સાવ મુરખના જામ છો તમે. ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા ને કોરા જ રહ્યા. ચાલો, મને જગ્યાબતાડો; હું એ ચરુ લઈ આવું.”

પણ સુથારે તો એક જ વાત પકડી રાખીકે પરધન પથ્થર સમાન ગણાય. હું એ અણહક્કનું લઉં તો મારો ભગવાન મારા ઉપર રુઠે. જો ભગવાનને આપવું હશે તો ઘેર બેઠાં છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી હતી. એ તો ઊંચા અવાજે રકઝક કરવા લાગી. પણ કોઈ વાતે સુથાર તૈયાર ન થયો ત્યારે પત્ની જાતે ચરુ લેવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યોકે પ્રાત:કાળ છે. હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે.

પત્ની કમને નદીએ જવા તૈયાર થઈ. પતિ-પત્ની બંને નદીએ ગયાં. હવે બન્યું એવું કે પતિ-પત્નીની આ રકઝક પડોશમાં રહીતા વાળંદે સાંભળી. તરત બૈરીને જગાડી અને બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાળંદની બૈરી તો જલ્દી જલ્દી માટી હટાવવા લાગી. ચરું દેખાતાં જ એ ચીસ પાડીને હટી ગઈ. હીરા-માણેક અને સોનામહોરના બદલે પીળા પીળા વીંછી ! વાળંદે માન્યું કે સુથારે મને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો છે. હવે તો એને પણ દેખાડી દેવું. વાળંદે ચરુનુ મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી લીધો.

બંને ઘેર આવ્યા. વાળંદ છાપરે ચઢી ગયો. સુથારના છાપરે જઈ નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને તેની પત્ની નદીએથી આવ્યા. સુથાર પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. પણ આ શું ? વીંછીના બદલે ખડીંગ… ખણણણ… કરતી સોનામહોરો વરસી. સુથાર તો આભો થઈ ગયો. સુથારની પત્ની ફાટી આંખે વરસતી સોનામહોરો જોઈ રહી. પ્રભુની કૃપા જોઈ સુથાર ભાવવિભોર થઈ ગયો. ભગવાને ઘેર બેઠાં છાપરું ફાડી ધન આપ્યું. હાથ જોડી બંને પતિ-પત્ની પ્રભુનો આભાર માનવા લાગ્યા.

આ બાજુ અદેખો વાળંદ અને તેની બૈરી વાટ જુએ છે કે હમણાં સુથાર રોકકળ કરતો કાળી ચીસો પાડતો બહાર આવશે. પણ ઘણી વાર થઈ છતાં કાંઈ ન બન્યું એટલે એણે અંદર ડોકિયું કરીને જોયું તો સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાળંદ દાંત પીસતો અને હાથ મસળતો રહી ગયો. મળેલું ધન સુથારે સદકાર્યમાં વાપર્યું. સદાવ્રત ખોલ્યા. ખૂબ દાન-પુણ્ય કર્યાં, નિત્ય પ્રભુ ભજન અને ધર્મ-ધ્યાન કરવા લાગ્યા.

હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા સુથારને ફળ્યા, એવા તમારામાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી ભગવન્નમનસ્તોત્રમ

નમો વિશ્વકર્તા, નમો વિશ્વભર્તા, નમો વિશ્વમાતા-પિતા-વિશ્વધાતા;

નમો વિશ્વરૂપ, નમો વિશ્વભૂપ, અચિંત્યસ્વરૂપ, નમસ્તે નમસ્તે. ૧

નમોડ઼નંતમૂર્તે, નમોડ઼નંતકીર્તે, નમોડ઼નંતશક્તે, નમોડ઼નંતયુક્તે;

નમોડ઼નંતયામી, નમોડ઼નંતભાયી, સદા સૌખ્યદાયી, નમસ્તે નમસ્તે. ૨

નમ: સત્યમૂર્તે, નમ: શાંતિમૂર્તે, નમો જ્ઞાનમૂર્તે, નમો વેદમૂર્તે,

નમો ભુક્તિમૂર્તે, નમો મુક્તિમૂર્તે, ચિદાનંદમૂર્તે,નમસ્તે નમસ્તે. ૩

નમો વિશ્વબંધો, નમો ભક્તબંધો, નમો દીનબંધો, પ્રપન્નાર્તબંધો;

નમો ધર્મબંધો, સુધર્મિષ્ઠબંધો, સદા સત્યબંધો, નમસ્તે નમસ્તે. ૪

નમો નિર્વિકારી, સંખ્યાવતારી, નમો મત્સ્યકૂર્માદિમુખ્યાવતારી;

નમો નિર્ગુણાત્મા, ગુણેશાવતારી, પરબ્રહ્મ પૂર્ણાવતારી નમસ્તે નમસ્તે. ૫

નમ: શંખપાણે, નમશ્ચક્રપાણે, નમ: શાડ઼ર્ગપાણે, ગદાપદ્મપાણે;

નમો વેણુપાણે, નમો વેત્રપાણે, અભયદાનપાણે નમસ્તે નમસ્તે. ૬

નમ: સૌખ્યસિંધો, નમ: પ્રેમસિંધો, નમ: સર્વવેદાંતસિદ્ધાંતસિંધો;

નમો રૂપલાવણ્યશોભાદિસિંધો, દયાવારિસિંધો, નમસ્તે નમસ્તે. ૭

નમ: પાપહારી, પ્રપન્નાર્તિહારી, નમ: કલેશહારી, કુવિદ્યાપહારી;

નમો નાથ, સંસારરોગાપહારી, નિજેચ્છાવિહારી, નમસ્તે નમસ્તે. ૮

નમસ્કારાષ્ટક સ્તોત્ર, હરિનામ તણું સદા,

ભાવથી ભણનારાને ભવ પીડા નહીં કદી. ૯

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો આઠમો અધ્યાય અને વૈકુંઠની જાતરા નામે કથાવાર્તા…..

જૂન 24, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની આઠ્મ તો આ સુદ ૮ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો આઠમો અધ્યાય અને વૈકુંઠની જાતરા નામે કથાવાર્તા…..

 

અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ

meghavati vilap

સુત બોલ્યા : “ હે તપોધન ઋષિઓ ! શ્રી વિષ્ણુ તથા શ્રીકૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો.”

નારદે પૂછ્યું : “હે પ્રભુ ! રુકમણિના પતિ શ્રી વિષ્ણુભગવાન વૈકુંઠમાં પધાર્યા તે પછી શું થયું તે મને કહો તેમજ ઈન્દ્રપુત્ર અર્જુન તથા શ્રીકૃષ્ણનું વૃતાંત પણ કહો. કેમકે આદ્યપુરૂષ નરનારાયણ સ્વરૂપે એ બંનેનું વૃતાંત સર્વ લોકોનું હિત કરનારું છે.

શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! રુકમણિના નાથ શ્રી વિષ્ણુ હર્ષપૂર્વક પોતાના વૈકુંઠધામમાં પધાર્યાં તે પછી ત્યાં જઈને તેમણે એ અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. અધિપતિ થઈ સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ બની અધિક માસ પ્રસન્ન થયો. શ્રી વિષ્ણુ પણ આ મળમાસને બારે મહિનાઓમાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ પામ્યા.”

તે પછી હે નારદ ! હવે તમને શ્રીકૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું થયું તે જણાવું  છું. ભકતવત્સલ ભગવાન શ્રીકૃષ્ણે અજુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું : “હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર ! તમે રાજવૈભવ, સંપત્તિ ગુમાવીએ વનમાં દુ:ખી થઈને ભટકી રહ્યા છો. એનું કારણ એ છે કે તમે પુરૂષોત્તમ માસનો અનાદર કર્યો છે. તમે તે માસ વનમાં આચરણહિન બની ગુમાવ્યો છે. ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી હસ્તિનાપુરમાં પણ તમે પુરૂષોત્તમ માસના માહાત્મ્યને જાણી શક્યા નહીં. અને વેદવ્યાસજીથી પ્રાપ્ત વિદ્યા-આરાધનામાં રચ્યાપચ્યા રહ્યાં. આમાં તમારો દોષ નથી. ભાગ્યઅનુસાર મનુષ્યે દુ:ખ ભોગવવું પડે છે. હે મહારાજ ! તમારા દુ:ખનું બીજું પણ આશ્ચર્યકારક તથા ઐતિહાસિક કારણ સાંભળો.

શ્રીકૃષ્ણ બોલ્યા : “ આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી બ્રાહ્મણની પુત્રીહતી. તેનું નામ મેઘાવતી હતું. તે ચતુર, ગુણવાળી તથા ખૂબ સુંદર હતી. તે સાહિત્યશાસ્ત્ર તથા નીતિશાસ્ત્રમાં પંડિતા હતી.”

સમય જતાં ઉંમરલાયક થતાં એક સમયે પાસે રહેતી સખીઓના સંતાનોને લાડ લડાવતાં જોઈ તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે મનમાં ને મનમાં વિચારવા માંડ્યું કે ક્યું વ્રત કરું તો મારી સખી જેવું સુખ મને મળે ? ક્યા દેવની ઉપાસના કરું તો મને ભાગ્યવાન સર્વગુણ સંપન્ન પતિ મળે ? ક્યા મુનિની સેવા કરું તો મને ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય ? માતા તો પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. પિતા પંડિત છે તે પણ આ બાબતે ઉદાસ છે. મારા માટે યોગ્ય પતિ ગોતવા તેઓ શા માટે પ્રયત્ન કરતા નથી ? આવા વિચારોથી તે શોકમાં ડૂબી ગઈ. આ બાજુ ઋષિ મેઘાવી પોતાની પુત્રી મેઘાવતી માટે યોગ્ય વર શોધવાના સંકલ્પ સાથે પૃથ્વીઉપર ભ્રમણ કરવા લાગ્યા. પણ તેમને કોઈ યોગ્ય મુરતિયો મળ્યો નહીં. એટલે નિરાશ થઈ ગયા. આથી દુ:ખની તીવ્ર જ્વાળાઓમાં શેકાતા તે જમીન પર મૂર્છા ખાઈને ઢળી પડ્યા. દૈવયોગે તેમને તીવ્ર તાવ આવ્યો. મહાભયંકર મૂર્છા અવસ્થા સ્વરૂપે તેઓ ઘેર આવ્યા. પુત્રી મેઘાવતી ભયથી ગાભરી બની ગઈ. બ્રાહ્મણ મેઘાવીને પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં ધર્મ પરિશ્રમની કૃપાથી અંતવેળા વાસના છૂટી ગઈ. તેમણે હરિમાં જ ચિત્ત રાખ્યું. મેઘાવીએ પુરૂષોત્તમ શ્રીહરિનું સ્મરણ કરવા માંડ્યું.

જેમનો રંગ કમળોની પાંખડી જેવો કાળો છે અને આકૃતિ ત્રણ ઠેકાણે વાંકી તથા સુંદર છે. તેવા પ્રભુની મરણ સમયે આ પ્રમાણે મુનિએ પ્રાર્થના કરી.

“હે રાસેશ્વર !  હે રાધાપતિ ! આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે, આપ અતિ ઉગ્ર દાવાનળનું પાન કરનારા છો અને આપે સ્નાન કરતી ગોપકુમારીઓએ ઉતારી મૂકેલાવસ્ત્રોને હરણ કર્યાઁ હતા.હે શ્રીકૃષ્ણ ! હે ગોવિંદ ! હે શ્રીહરિ ! સંસારસાગરમાં ડૂબી રહેલાઆ અધમ જીવને આપના ચરણોમાં સ્થાન આપો. આપને વારંવાર નમસ્કાર છે. આપ મારા દુ:ખને દૂર કરો.” ઋષિની આર્દ્ર સ્વરે કરેલી સ્તુતિથી ભગવાનના દૂતો મેઘાવી ઋષિને પ્રભુચરણમાં લઈ ગયા.

પિતાના પ્રાણત્યાગથી પુત્રી મેઘાવતી અતિ દુ:ખી થઈ વિલાપ કરવા લાગી. વિહવળ બની બોલવા લાગી : “હે પિતાજી ! આપ મને છોડીને ક્યાં ચાલ્યા ગયા. તમારા વગર નિરાધાર થયેલી મારી હવે કોણ ખબર રાખશે ? મારે ભાઈ નથી. કોઈ કુટુંબ નથી. માતા નથી. મારાં અન્ન-વસ્ત્ર તથા જીવનની ચિંતા કોણ કરશે ? આ ઘોર જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ ? મારે હવે જીવવાનું શું પ્રયોજન છે ? મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા ? ઊઠો ઓ પિતા ! હવે ઊઠો. બહુ વખત થયા સૂતા છો.” એમ કહી આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી.

એ કન્યાનું રુદન સાંભળી ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યાં કે આ તપોવનમાં આવું કરુણ રુદન કોણ કરે છે ? ધીમે ધીમે તેઓને મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાત્રી થઈ એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવી જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. પછી તો તે બધાય વનવાસી રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મડદું ઉઠાવી લઈ સ્મશાનમાં જ્યાં શિવમંદિર હતું. તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવાડી અગ્નિસંસ્કાર કર્યો. પછી એ કન્યા પણ ધીરજ ધરીને પિતાના મરણ પછી શ્રાદ્ધ, તર્પણ, દાન બધી ક્રિયા કરીને એ તપોધનમાં રહેવા લાગી, પણ પિતાના વિયોગથી થયેલા દુ:ખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાછરડું મરી જતાં દુ:ખી થયેલી ગાયની પેઠે આશ્રય વિહોણી બનેલી પીડાયા કરતી હતી.

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“મેઘાવતીનો વિલાપ” નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ.

 

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

વૈકુંઠની જાતરા

vaikunth jatara

એક ગામમાં પટેલ રહે. પટેલ સાવ ભોળા ! પટેલને ચાર દીકરા. ચારેય દીકરા ખેતી કરે અને પટેલ નિરાંતે ભક્તિ કરે. દાન-પુણ્ય કરે. ભૂખ્યાને ભોજન આપે.

એવામાં પુરૂષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યુ. પ્રાત:કાળે સવારે વહેલા ઊઠી નદીએ સ્નાન કરવા જાય, કથા-વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે અને નિત્ય એકટાણું કરે. રાતે પ્રભુ પુરૂષોત્તમનાં ભજન કરે.

પટેલની આવી શ્રદ્ધા-ભક્તિ જોઈ સ્વયં પુરૂષોત્તમ ભગવાન પોતે ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે. ભજન લલકારે છે. ભિખારીને જોઈને પટેલે સૂપડું ભરીને ઘઉં આપ્યા પણ ભગવાન બોલ્યા કે, “આપવો હોય તો આખો ઢગલો આપો.” પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત બોલ્યા કે, “જા, આખો ઢગલો તારો. તારે હક એ મારે હરામ. બોલ, ભાઈ ! તું કહે ત્યાં પહોંચાડી દઉં.”

ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધાં. પટેલ તો પ્રભુનાં ચરણોમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે “હે ભક્ત ! હું તારા પર પ્રસન્ન થયો છું. માંગ, તું માંગીશ એ આપીશ.” ત્યારે પટેલ બોલ્યા : “હે પ્રભુ ! તમારી કૃપાથી બધું જ મારી પાસે છે. બસ, એક ઈચ્છા છે. સદેહે વૈકુંઠની જાતરા કરવી છે, થાય તો એ પૂર્ણ કરો.”

પ્રભુએ પ્રસન્નતાથી પટેલનો હાથ ઝાલીને તેમને વિમાનમાં બેસાડ્યા અને વૈકુંઠ લઈ ગયા. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી શિવલોક, બ્રહ્મલોક, પાતાળલોક અને ઈન્દ્રપુરી લઈ ગયા. પછી અક્ષરધામનાં પણ દર્શન કરાવ્યા.

આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોળ થઈ ગઈ. બાપા ગયા ક્યાં ? ચારે બાજુ પટેલને શોધવા દોડધામ કરી મૂકી. પણ પટેલ હોય તો મળે ને ? એ તો લહેરથી વૈકુંઠની જાતરા કરતા હતા. વાટ જોતાં જોતાં પાંચ દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરા જોષી પાસે ગયા. જોષીએ જોષ જોઈને કહ્યું કે, “અગિયાર દિવસ રાહ જુઓ. બાપા પાછા ન આવે તો બારમા દિવસે બારમું કરી નાખજો.”

અગિયાર દિવસ વાટ જોયા પછી પણ પટેલ ના આવ્યાત્યારે બારમા દિવસેચોકરા દાઢી-મૂંછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા. પિંડદાન દીધાં ત્યાં જ સરસરાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઊતર્યા. બધા ભૂત… ભૂત…. કરીને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે “ભૂતેય નથી અને પલીતેય નથી. જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાતરા કરવા ગયો હતો. પ્રભુ પુરૂષોત્તમ પોતે મને લઈ ગયા હતા.” પણ કોઈએ તેમની વાત માની નહીં.

પટેલે બધાને બહુ સમજાવ્યા પણ વાત લોકોના ગળે ન ઊતરે. સદેહે વળી વૈકુંઠમાં જવાતું હશે ? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાતરા કરાવે તો વાત સાચી માનવી, નહીંતર ચિતાએ ચઢાવી દેવા. પટેલ તો ખરા ફસાયા. પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા ?

તરત પ્રભુ ગરુડ પર ચઢીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયાં. પટેલે પ્રભુને વિનંતી કરી : “હે પ્રભુ ! આ લોકો મારીવાત માનતા નથી. તેથી તમે આ બ્રાહ્મણોને પણ વૈકુંઠની જાતરા કરાવો, નહીં તો આ બધા ભેગા મળી મને ચિતા પર ચઢાવી દેશે.”

ત્યારે પ્રભુબોલ્યા : “પટેલ ! પુણ્યશાળી જીવને જ વૈકુંઠનાં દર્શન થાય. બીજાને નહીં.” પરંતુ પટેલે જીદ કરી એટલે પ્રભુએ હા પાડી. પટેલની સાથે સાત બ્રાહ્મણોએ વૈકુંઠની જાતરાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતાં લંગાર થઈ. ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે “વૈકુંઠમાં લાડવા મળશે ?”  પટેલે ‘હા’ પાડી તો બ્રાહ્મણેપૂછ્યું કે ‘કેટલા ?’ ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું કે ‘આટલા.’

પટેલે હાથ પહોળા કરતાં જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. સાતેય બ્રાહ્મણ મરી ગયા. માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણોને સ્વધામ સંચરેલા જોઈ પટેલ રડતાં રડતાં પ્રભુને વિનવવા લાગ્યા કે “તેં તો મારા પર બ્રહ્મહત્યા ચઢાવી પ્રભુ ! હવે તો આ સાતેય બ્રાહ્મણોને જીવતા કર તો જ અન્નજળ લઉં.”

ભગવાન તત્કાળ દોડી આવ્યા અને સાતેય બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યાં.

હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! તમે જેવા પટેલને ફળ્યા એવા સૌને ફળજો.

 

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.

સંકીર્તન

શ્રી નારાયણ નામામૃત સ્તોત્ર

નારાયણ નારાયણ જય ગોવિંદ હરે

નારાયણ નારાયણ જય ગોપાલ હરે.

અચ્યુત અશરણશરણા, કમલા લાલિતચરણા –

નારાયણ નારાયણ જય ગોવિંદ હરે

નારાયણ નારાયણ જય ગોપાલ હરે.

ક્ષીરસમુદ્રશયાના, જય પક્ષીશ્વરયાના. નારાયણ…

કોટીમદનછબિસુંદર, શ્યામલ પીતાંબરધર. નારાયણ…

કરચક્રગદાંબ્રુજયુત, ભક્તાનામભયાયુધ. નારાયણ…

અંશકલાવિગ્રહ્ધર, દુર્જનખલનિગ્રહકર. નારાયણ…

હિરણ્યાક્ષહતિકરણા, વરાહ ધરણીધરણા. નારાયણ…

યજ્ઞસકલશુભકર્તા, હરિવર સુરાર્તિહર્તા. નારાયણ…

સાંખ્યાચાર્ય મુનિશ્વર, કર્દમસુત કપિલેશ્વર. નારાયણ…

અનસૂયાસુત ગુરુવર, દત્તાત્રેય દિગંબર. નારાયણ…

શિશુવેશા સનકાધા, નારદ વીણાવાધા. નારાયણ…

જય જય નારાયણ, જનહિત તપ:પરાયણ. નારાયણ…

ભૂદોહનકર ભૂપા, પ્રુથુવિક્રમ પ્રુથુરૂપા. નારાયણ…

ઋષભદેવ યોગીશ્વર, જય જય બ્રહ્મવિદાંવર. નારાયણ…

હયગ્રીવ મધુહંતા, મુખમય વિશ્વનિહંતા.  નારાયણ…

મહામીનતનુધારક, પ્રલયે વેદોદ્ધારક. નારાયણ…

કચ્છપરૂપ કૃપાકર, સિંધુમંથન ધરમંદર. નારાયણ…

નરહરિરૂપ ભયંકર, સુરમુનિનુત લક્ષ્મીવર. નારાયણ…

હિરણ્યકશિપુનિહંતા, પ્રહલાદાભયદાતા. નારાયણ…

ચક્રનક્રસુવિદારક, હરે ગજેંન્દ્રોદ્ધારક. નારાયણ…

જય વામન બલિછલના દેવદુ:ખનિર્દલના. નારાયણ…

ચિદઘન હંસશરીરા, વિધિબોધક મતિધીરા. નારાયણ…

જય સમસ્તમનુરૂપા, ધર્મસ્થાપકભૂપા. નારાયણ…

ધન્વન્તરિ વૈધેશ્વર આયુર્વેદસુધાકર. નારાયણ…

મોહિનીરૂપ મનોહર, આસુરમોહ સુરહિતકર. નારાયણ…

ભૃગુકુલતિલક પરશુધર, નિ:ક્ષત્રિયધરણીકર. નારાયણ…

દશરથકૌશલ્યાસુત સુરવર વિધિહરનુત. નારાયણ…

તાતવચનવનગમના, જય દાનવદમના. નારાયણ…

અદભૂત પુણ્યચરિત્રા રઘુવર કપિવરમિત્રા. નારાયણ…

ગોદ્વિજસુરસુખકારણ સકુલદશાનનદારણ, નારાયણ…

નંદયશોદાજીવન હલધરયુત વ્રજજનધન. નારાયણ…

અઘબકબકીતૃણક્ષય, કાલિયમર્દન જય જય. નારાયણ…

બંદીવાદનશીલા અત્યદભુતશિશુલીલા. નારાયણ…

રાધાનનાબ્જષટપદ, રાસવિલાસવિશારદ. નારાયણ…

વ્રજજનસંકટહરણાં, ગોવર્ધનગિરિધરણા. નારાયણ…

દેવ દેવકીનંદ કેશવ કંસનિકંદન. નારાયણ…

વેદવ્યાસ મુનીશ્વર, વેદવિભાગસુગમકર. નારાયણ…

બુદ્ધમુનીશ મહાશય, સ્થાપક ધર્મ દયામય. નારાયણ…

કલ્કે કલિકલુષાંતક, કલુષીજનવિનિઘાતક. નારાયણ…

એવમનંતચરિત્ર, નામાનંતપવિત્ર. નારાયણ…

શ્રીકૃષ્ણ કૃપાલયનં મામ પ્રતિપાલય. નારાયણ…

તવ દાસં ‘હરિદાસ’ દયયા દદ પદવાસં. નારાયણ…

(આર્યાગીત)

નારાયણ નામામૃત, પીતાં ભવરોગ દુષ્ટ નષ્ટ થશે;

એહ જ અવતાર ચરિત, ગાતાં અવતરણ મરણ કષ્ટ જશે.

 

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

વ્યતિપાત વ્રત અને તેના વિધિ-વિધાન…..

જૂન 24, 2015

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની સાથે વ્યતિપાત યોગનો સમન્વય. તો આ બુધાષ્ટમી અને વ્યતિપાતના સંયોગ ના પવિત્ર દિને માણીએ વ્યતિપાત વ્રત અને તેના વિધિ-વિધાન…..

વ્યતિપાત વ્રત [વરાહપુરાણ ]

Vyatipat varah

વ્યતિપાત એ દર મહિને એક દિવસ આવતો યોગ છે. આ યોગમાં કરાયેલું પુણ્યકાર્ય અનંત ગણું ફળ આપનાર છે. આ વ્રતની કથા વરાહપુરાણમાં નીચે મુજબ આપેલ છે.

પુરૂષોત્તમ માસમાં પણ આ વ્યતિપાતનો યોગ આવે છે. એમ તો આ આખો માસ પુણ્ય માસ છે. તેમાં આ વ્યતિપાતનો મહિમા સૌથી વિશેષ છે.

સ્વર્ગમાં બૃહસ્પતિ નામના દેવતાઓના ગુરુ હતા. એકવારચંદ્રમા એ બૃહસ્પતિની સ્ત્રી તારાનું હરણ કર્યું. બૃહસ્પતિએ આ ફરિયાદ દેવતાઓ આગળ કરી. તે વખતે સૂર્યનારાયણે ચંદ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ચંદ્ર કોઈ રીતે સમજ્યો નહી.આ કુકૃત્યથી સૂર્યને ચંદ્રના ઉપર ખૂબ ક્રોધ ચડ્યો.

આ બાજુ ચંદ્ર પણ સૂર્યને રોષની દ્રષ્ટિથી જોવા લાગ્યો. અને એ બંને દિવ્ય દેવતાઓના રોષની વચ્ચેથી એક ઉગ્ર તેજનું બિંબ પૃથ્વી પર પડ્યું ! એ તેજોબિંબથી એક કુરૂપ અને વિકરાળ પુરૂષ ઉત્પન્ન થયો.

આવો ભયંકર પુરૂષ ગર્જના કરતા બોલ્યો : “હું ખૂબ જ ભૂખ્યો છું અને તમારા ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી ક્યાંય પણ શાંતિ થતી નથી. માટે મારી ભૂખ તથા અશાંતિને રોક્વાનો આપ ઉપાય બતાવો.”

સૂર્ય અને ચંદ્રે તેને કહ્યું : “ ભાઈ ! તું અમારા બંનેના રોષથી ઉત્પન્ન થયો છે, માટે આજથી તારું નામ ‘વ્યતિપાત’ પડશે. અમે તને વરદાન આપીએ છીએ કે તું બધા યોગોનો સ્વામી અને અધિપતિ ગણાઈશ. તારી ઉત્પત્તિના દિવસને લોકો વ્યતિપાત યોગના નામથી ઓળખશે અને તારા યોગમાં જે કોઈ મનુષ્યો સ્નાન, દાન અને પુણ્ય-કાર્ય કરશે, તેને અનંતગણું ફળ મળશે. જગતના પુણ્યાત્માઓના પુણ્યથી તારી ભૂખ અને અશાંતિ દૂર થશે.”

તે દિવસથી આ વ્યતિપાત નામનો યોગ મહા પવિત્ર થયો. આ કારણથી તે યોગમાં સ્નાન, દાન અને પુણ્યકર્મ કરનારને સંસારનાં તમામ સુખો અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.

વ્યતિપાત વ્રત [નારદપુરાણ]

vyatipat narad

નારદપુરાણમાં આ વ્રતનું આખ્યાન આ મુજબ આપેલ છે.

પૂર્વ હૈહય નામનો એક રાજા હતો; તેણે ઋષિમુનિઓના કહેવાથી આ વ્યતિપાતનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું.

એક વાર આ રાજા વનમાં મૃગયા રમવા માટે ગયો ત્યાં ચારે તરફ તૃષ્ણાની આગથી સળગતું એક ભૂંડ તેના જોવામાં આવ્યું. આ ભૂંડને હૈહય રાજાએ પૂછ્યું :

“ભાઈ ! તને આટલું બધું દુ:ખ કેમ પડ્યું છે ?”

ભૂંડે જવાબ આપ્યો : “હે રાજા ! પૂર્વજન્મમાં હું એક શ્રીમંત વાણિયો હતો. પરંતુ મારા પાસે ધન હોવા છતાં મેં કાંઈ દાનપુણ્ય કર્યું નહી. આથી મારી પાસે આવનાર અતિથિ કે અભ્યાગતને પણ મેં નિરાશ કરીને પાછા કાઢ્યા.

એક વાર વ્યતિપાતને દિવસે મારે ત્યાં એક બ્રાહ્મણ ભિક્ષામાંગવા આવ્યો. પરંતુ મેં તેને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો.

આથી બ્ર્રાહ્મણે જતી વખતે મને શાપ આપ્યો કે “ હે મદાંધ વાણિયા ! તેં આજના પુણ્યદિવસે મને યથાશક્તિ ભિક્ષા નહીં આપતાં મારું અપમાન કર્યું છે, માટે એ સંતાપથી જેવી પીડા મને થઈ છે એના કરતાં એકસો ગણા અગ્નિથી બળનારો તું ભૂંડ યોનિમાં જન્મ પામીશ.”

બ્રાહ્મણનો શાપ સાંભળીને હું તેના ચરણમાં પડી ગયો. અને મેં તેની ક્ષમા માંગીને આ શાપનું નિવારણ પૂછ્યું ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે તું ભૂંડની યોનિમાં દુ:ખી થતો હોઈશ ત્યારે કોઈ દયાળુ આવીને તને વ્યતિપાતના વ્રતનું ફળ આપશે;તો જ તું એ દુ:ખમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જઈશ.”

આ દુ:ખી ભૂંડની વાત સાંભળીને હૈહય રાજાને બહુ જ દયા આવી અને પોતે કરેલા વ્યતિપાત વ્રતનું ફળ તેણે એ ભૂડને આપ્યું. આ પુણ્યના પ્રભાવથીએ ભૂંડ તત્કાળ સ્વર્ગનો અધિકારી બન્યો અને એને અક્ષયફળ પ્રાપ્ત થયું.

આ વ્યતિપાત વ્રતનો આવો દિવ્ય મહિમા છે.

વ્યતિપાત વ્રતની વિધિ

          આ કારણથી આ યોગ મહાન પવિત્ર બન્યો છે. પુરૂષોત્તમ માસમાં જ્યારે આ યોગ આવે ત્યારે પુરૂષોત્તમ માસના વ્રતના સાથે આ વ્રત સહસ્ત્રગણું પુણ્ય આપનારો બને છે.

વ્યતિપાતના દિવસે પ્રાત:કાળમાં નદી, તળાવ કે જળાશયમાં વિધિપૂર્વક સ્નાન કરીને પછીથી “ ૐ વ્યતિપાતાય નમ:” એ નામનો ૧૦૮ વાર જપ કરવો. એ દિવસે આખો ઉપવાસ કરવો.

ત્યાર બાદ તાંબાના ઘડામાં સાકર ભરીને તેના પર તાંબાનું કોડિયું ઢાંકીને તેમાં સોનાનું કમલપુષ્પ પધરાવવું અને એનું વિધિપૂર્વક પૂજન કરવું. ધૂપ, દીપ અને જુદાં જુદાં ફળો અને મિષ્ટાન્નનું નૈવેદ્ય અર્પણ કરવું અને ત્યારબાદ આ પ્રમાણે પ્રાર્થના કરવી.

હે વરદાતા વ્યતિપાત દેવ ! હું આપને વારંવાર પ્રણામ કરું છું. મેં આપનું વ્રત કરીને યથાશક્તિ ફળ, તાંબુલ અને દક્ષિણા મૂકવી અને વિદ્વાન બ્રાહ્મણને એ કળશ સહિત બધું દાન આપવું. આવી રીતે તેર વાર વ્યતિપાતનાં વ્રતો કરીને ચૌદમાં વ્યતિપાતને દિવસે તેનું ઉદ્યાપન કરવું. તે દિવસે “ ૐ વ્યતિપાતાય સ્વાહા”  એ મંત્ર વડે ઘી, દૂધ અને તલનો ૧૦૮ વાર હોમ કરવો અને વિદ્વાન બ્રાહ્મણને યથાશક્તિ વસ્ત્ર, અલંકાર અને દક્ષિણા આપવી.

આ વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં માન-સન્માન, ધન, આરોગ્ય અને અનેક પ્રકારના વૈભવો ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે.


%d bloggers like this: