Archive for ઓગસ્ટ, 2011

રક્ષાબંધન…અમર રાખડી…..કપિલ દવે

ઓગસ્ટ 13, 2011

જય શ્રીકૃષ્ણ ભાઈઓ તથા બહેનો,

            હા આજે છે શ્રાવણ સુદ પૂર્ણિમા એટ્લેકે ભાઈ-બહેનનો તહેવાર એટલેકે રક્ષાબંધન. બહેન ભાઈના હાથે તેની લાંબી ઉંમર,સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે રાખડી બાંધે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે. આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં રક્ષાબંધનના તહેવારને બલી રાજા અને લક્ષ્મીજી, કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી, રાણી કર્ણાવતી અને મુઘલ બાદશાહ હુમાયુ, યમ અને યમુનાના સંદર્ભમાં ઘણી બધી વાતો સાંભળવા મળે છે, પરંતુ જેના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે એ છે બલિરાજા અને લક્ષ્મીજી. બલિ રાજા ખૂબ ક્રૂર હતો. સાથે સાથે તે ભગવાન વિષ્ણુનો ઉપાસક પણ હતો. બલિરાજાની ઈચ્છા સ્વર્ગ પર આધિપત્ય જમાવવાની હતી. તેથી ઈન્દ્રએ ગભરાઈને વિષ્ણુ ભગવાનની મદદ માંગી. વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ ધારણ કરીને બલિરાજા પાસેથી ત્રણ પગલાંમાં પૃથ્વી, આકાશ અને પાતાળ બધું જ લઈ લીધું. બલિરાજાને જાણ હોવા છતાં કે ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને આવ્યા છે તેમણે દાન આપ્યું એ સાંભળીને વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. બલિરાજાએ ભગવાન વિષ્ણુને રાત-દિવસ પોતાની સામે રહેવાનું વરદાન માંગ્યું. વિષ્ણુ ભગવાન વૈકુંઠ પાછા ન ફરતાં લક્ષ્મીજી વિહ્વળ બની ગયાં. તેમણે બલિરાજાને ભાઈ બનાવીને રાખડી બાંધી અને વિષ્ણુ ભગવાનને મુક્ત કરાવ્યા. બસ, ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે.  જોકે રાખડી એ રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. મહાભારતમાં કુંતા માતાએ અભિમન્યુને સાત કોઠા પાર કરવા માટે રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

        રક્ષાબંધન ભારત અને નેપાળમાં ઉજવવામાં આવે છે. વિશ્વમાં અન્ય કોઈ દેશમાં આ તહેવારની ઉજવણી નથી થતી. નેપાળમાં રક્ષાબંધનને શ્રાવણી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. તેને જનોઈ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળના લોકોમાં આજના દિવસે ક્વાતી નામની વાનગી આરોગવાનું વિશેષ મહત્ત્વ છે. આ વાનગી સાત ધાન્યોમાંથી બનાવવામાં આવે છે.

નાળિયેરી પૂર્ણિમાઃ

        ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં રક્ષાબંધનને શ્રાવણી પૂર્ણિમા ઉપરાંત નાળિયેરી પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દરિયાદેવની પૂજા કરવામાં આવે છે અને તેમને નાળિયેર પધરાવવામાં આવે છે.

ગમ્હા પૂર્ણિમા :

        ઓરિસ્સામાં રક્ષા બંધનને ગમ્હા પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગાય અને બળદને શણગારવામાં આવે છે. રાધા અને કૃષ્ણના માનમાં ઝુલન યાત્રા કાઢવામાં આવે છે.

કાજરી પૂર્ણિમા :

        મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં રક્ષા બંધનને કાજરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતોમાં આ તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોમાં જનોઈ બદલાવવાનું વિશેષ મહત્ત્વ  હોય છે.

તો ચાલો આજે શ્રી કપિલ દવેની આ સુંદર રચના.આશા છે કે આપ સૌને ગમશે અને આપના અમૂલ્ય અભિપ્રાયની પ્રતિક્ષા રહેશે.

આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;

ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;

આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;

ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;

કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;

પણ આજ ચોધાર આંસુડે રડશે બહેન,
‘કપિલ’ જેને નહિ હોય સગો ભાઈ.
………………………………………….

આભાર સંદેશ સમાચારપત્ર

Advertisements

મિત્ર-દિન…તને સાંભરે રે ?….. પ્રેમાનંદ

ઓગસ્ટ 7, 2011

જય શ્રીકૃષ્ણ મિત્રો/ વડીલો,

          આજે છે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલેકે મિત્રતા દિન. તો આજે ચાલો યાદ કરીએ બે મિત્રો કૃષ્ણ અને સુદામા, વર્ષો પછી જ્યારે દ્વારિકામાં મળે છે ત્યારે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે આ પ્રસઁગ શ્રી પ્રેમાનંદે તેમના સુદામાચરિત્રના 10માં કડવામાં ખુબ સુંદર આલેખ્યો છે.આશા છે કે આ આપ સૌને ગમશે અને આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો…

[કડવું:- 10 મું ]

પછી શામળિયો બોલિયા, તને સાંભરે રે ?
હાજી નાનપણાની પેર, મને કેમ વીસરે રે ?
આપણે બે મહિના પાસે રહ્યા, તને સાંભરે રે ?
હાજી સાંદીપનિ ઋષિને ઘેર, મને કેમ વીસરે રે ?
અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભરે રે ?
હાજી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વીસરે રે ?

આપણે સૂતા એક સાથ રે, તને સાંભરે રે ?
સુખદુ:ખથી કરતા વાત, મને કેમ વીસરે રે ?

પાછલી રાતના જાગતા, તને સાંભરે રે ?
હાજી કરતા વેદની ધુન્ય, મને કેમ વીસરે રે ?

ગુરુ આપણા ગામે ગયા, તને સાંભરે રે ?
હાજી જાચવા કોઈક મુન્ય, મને કેમ વીસરે રે ?

કામ દીધું ગોરાણીએ, તને સાંભરે રે ?
કહ્યું લેઈ આવોને કાષ્ઠ, મને કેમ વીસરે રે ?

શરીર આપણાં ઊકળ્યાં, તને સાંભરે રે ?
હાજી માથે તપ્યો અરીષ્ઠ, મને કેમ વીસરે રે ?

સ્કંધે કહોવાડા ધર્યા, તને સાંભરે રે ?
ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વીસરે રે ?

આપણે વાદ્વ વદ્યા ત્રણે બાંધવા, તને સાંભરે રે ?
હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વીસરે રે ?

ત્રણે ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે રે ?
હાજી આવ્યા બારે મેહ, મને કેમ વીસરે રે ?

શીતળ વાયુ વાયો ઘણો, તને સાંભરે રે ?
ટાઢે થરથર ધ્રુજે દેહ, મને કેમ વીસરે રે ?

નદીએ પૂર આવ્યું ઘણું, તને સાંભરે રે ?
ઘન વરસ્યો મુશળાધાર, મને કેમ વીસરે રે ?

એકે દિશા સુઝી નહીં, તને સાંભરે રે ?
થયા વીજ તણા ચમકાર, મને કેમ વીસરે રે ?

ગુરુજી ખોળવા નીસર્યા, તને સાંભરે રે ?
કહ્યું સ્ત્રીને કીધો તેં કેર, મને કેમ વીસરે રે ?

આપણને હૃદયાંશુ ચાંપિયા, તને સાંભરે રે ?
પછી તેડીને લાવ્યા ઘેર, મને કેમ વીસરે રે ?

ગોરાણી ગૌ દોતાં હતાં, તને સાંભરે રે ?
હતી દોણી માગ્યાની ટેવ, મને કેમ વીસરે રે ?

મેં નિશાળેથી કર વધારિયો, તને સાંભરે રે ?
હાજી દીધી દોણી તતખેવ, મને કેમ વીસરે રે ?

જ્ઞાન થયું ગુરુપત્નીને, તને સાંભરે રે ?
તમને જાણ્યા જગદાધાર, મને કેમ વીસરે રે ?

ગુરુદક્ષિણામાં માંગિયું, તને સાંભરે રે ?
હાજી મૃત્યુ પામ્યો જે કુમાર, મને કેમ વીસરે રે ?

મેં સાગરમાં ઝંપલાવ્યું, તને સાંભરે રે ?
તમો શોધ્યાં સપ્ત પાતાળ, મને કેમ વીસરે રે ?

હું પંચાનન શંખ લાવિયો, તને સાંભરે રે ?
હાજી દૈત્યનો આણ્યો કાળ, મને કેમ વીસરે રે ?

સંયમની પુરી હું ગયાં, તને સાંભરે રે ?
પછી આવી મળ્યો જમરાય, મને કેમ વીસરે રે ?

પુત્ર ગોરાણીને આપિયો, તને સાંભરે રે ?
હાજી પછે થયા વિદાય, મને કેમ વીસરે રે ?

આપણે તે દિનથી જુદા પડ્યા, તને સાંભરે રે ?
હાજી ફરીને મળિયા આજ, મને કેમ વીસરે રે ?

હું તુજ પાસે વિદ્યા ભણ્યો, તને સાંભરે રે ?
મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે ?

— પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક ) —

વળી અગાઉ પ્રસિદ્ધ થયેલ કૃષ્ણ-સુદામાની જોડી ની મુલાકાત પણ જરૂરથી લેશો.


%d bloggers like this: