અક્ષયતૃતિયા…હાલો ને કીડીભાઈની જાનમાં…..

by

અક્ષયતૃતિયા હાલો ને કીડીભાઈની જાનમાં…..

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ.અક્ષયતૃતિયા. તો ચાલો આ અક્ષયતૃતીયા વિશે પણ થોડું જાણીએ.અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નામકરણમાં બે શબ્દો છે, અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય નથી થતો અને તૃતીયા એ તિથિ ક્રમ છે. અક્ષય એટલે જે વસ્તુ કે અવસ્થાનો કયારેય નાશ- ક્ષય ન થઇ શકે તે અવસ્થા. ક્ષય તેનો નથી થતો જે સર્વદા સત્ય છે. હિંદુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઇશ્વરીય તિથિ- સ્વયંસિદ્ધિ અભિજિત મુહૂર્ત છે. જે દિવસે તમામ માંગલિક કાર્યોમુહૂર્ત જોયાં સિવાય થઇ શકે છે.અક્ષય તૃતીયા એટલે જે દિવસે કરવામાં આવેલ દાન-પુણ્ય-ધાર્મિક કાર્યો-સત્કાર્યોનાં પુણ્યનો કયારેય ક્ષય ન થાય તેવી તિથિ.અતિથિ સત્યયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી રોહિણી નક્ષત્રમાં શિવની પૂજા કરી જળના ઘડાનું દાન કરનાર શિવલોકમાં પૂજાય છે.

                વિષ્ણુ ધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આજે વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતરણના આ દિવસે ભગવાન વિષ્ણુને ઉત્તમ સાથવો ધરાવી, અક્ષતનો હોમ કરી બ્રાહ્મણો-ભૂદેવોને ઉત્તમ સાથવો તથા પકવાન દાન કરવાથી સર્વતૃતીયાનું ફળ પ્રાપ્ત થાય છે.

                અક્ષય તૃતીયાના પર્વ કાળે ઉનાળો તેના યૌવન પર હોવાથી આ પર્વે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેના દાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. જગતનો તાત ખેડૂત પણ તેનું કામ-ખેતીકામ આજના દિવસથી શરૂ કરતા હોવાથી તરસ્યા લોકો અને તરસી ધરતી માટે અતિ આવશ્યક જળ હોવાથી માનવીને માટે પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણી માટે હવાડા બનાવવા પણ પુણ્યનું કાર્ય મનાય છે.

                દેવાધિદેવ મહાદેવજીના પ્રિય ગોરખનાથજીનું કથન પણ છે જ કે સાધક જુનો હોય કે નવો, અનુભવી હોય કે બિનઅનુભવી કે પછી ઉચ્ચારણ માં પણ નવો સવો હોય અર્થાત્ સાધકનું ઉચ્ચારણ પણ પૂરેપૂરું શુદ્ધ ન હોય તો પણ તેને અક્ષય તૃતીયાના દિવસે કરેલ પૂજનનું શુભફળ અવશ્ય મળે છે.

                ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કòપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જે શ્રદ્ધાળુ ભાવિકને ત્યાં લક્ષ્મી ટકતી ન હોય સ્થિર ન રહેતી હોય તેમણે લક્ષ્મી પ્રાપ્ત કરવા તથા લક્ષ્મીની ચંચળતા સદાકાળ માટે સ્થિર કરવા તથા દુ:ખ દરિદ્ર દૂર કરવા અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ પ્રકૃતિના વરદાન એકાંક્ષી નાળિયેરનું વિધિવત્ સ્થાપન કરી અર્થાત્ ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર (આસન) બિછાવી સ્નાન-આદિ વિધિ પશ્ચાત્ અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરી આસન પર એકાંક્ષી નાળિયેર સ્થાપિત કરી તેના પર ચંદન-કંકુ પધરાવી, એકાંક્ષી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અગર પીળા રેશમી વસ્ત્ર પર મંત્ર લખી ગંગાજળ-પુષ્પ-અક્ષત તથા નૈવેધ મૂકવાં. મંત્ર લેખન પહેલાં દીપ-ધૂપ અવશ્ય લખી પ્રગટાવવાં તેમજ મંત્રની ત્રણ માળા કરી મંત્ર જાપ કરવાં…આ મુજબની પૂજનવિધિ પછીના બીજા દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઇ એકાંક્ષી નાળિયેર પર ૧૨૦ ગુલાબનાં ફૂલો ચઢાવવાથી આ એકાંક્ષી નાળિયેર સિદ્ધ થયું ગણાય છે. આ સિદ્ધ એકાંક્ષી નાળિયેરને નિત્ય પૂજા સ્થાને સ્થાપિત કરવું જેનું નિત્ય પૂજન કરનાર સર્વે સાધકોને લક્ષ્મી પ્રાપ્તિ-સ્થિરતા-સુખાકારી-સમૃદ્ધિમાં વધારો થવાના અનુભવે આનંદની પ્રાપ્તિ થાય છે. અલબત્ત લક્ષ્મી પ્રાપ્તિ માટે દીપાવલીના સમયે લક્ષ્મીપૂજનની પરંપરા જે ચાલી આવે છે તે તો યોગ્ય-ઉચિત જ છે પરંતુ લક્ષ્મીને સ્થિર કરવા માટે સદાકાળ માટે સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.

                વળી અક્ષય તૃતીયાનો દિવસ ભારતભૂમિમાં વિવિધરૂપોએ ઉજવાય છે તો ચાલો એ વિશે પણ જાણકારી મેળવીએ.આજનો દિન સર્વત્ર પરશુરામ જયંતીના પર્વ મહોત્સવ રૂપે ભવ્ય યાત્રા સાથે ધામધૂમથી ભારે દબદબાપૂર્વક ઊજવાય છે.અને ચારધામના ઉલ્લેખનીય ધામમાં ભગવાન બદ્રીનારાયણનાં દર્શનનો માર્ગ આજે ખૂલતાની સાથે જ અક્ષય તૃતીયાએ બદ્રીનાથમાં દર્શનાર્થી ભકતોનો માનવ મહેરામણ છલકાય છે.આજે અહીં ભાવિકો શ્રદ્ધા-ભાવપૂર્વક ગંગાજળમાં સ્નાન કરી પુણ્યકાર્ય કરી કૃતાર્થ બનતાં હોવાથી અહીં બદ્રીનાથ વિસ્તારમાં આ તિથિ બદ્રીનારાયણ દર્શન તિથિ તરીકે મનાવાય છે. વર્ષમાં એક જ વાર થતાં શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયના દિવસે જ થતાં હોવાથી આ દિવસે રાષ્ટ્રભરમાંથી ભાવિકો શ્રી વિહારીજીનાં ચરણ દર્શનાર્થે વૃંદાવન પધારે છે.

                અયોઘ્યામાં આજે શ્રી ઠાકુરજીની વિશેષ અર્ચના થાય છે. વ્રજમાં આજે સ્ત્રીઓ વૈશાખસ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવી તે ગ્રહણ કરાય છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિન્દ ચંદન ચર્ચિત વિગ્રહનાં નિરાવરણ દર્શન પણ ફકત આજના દિવસે જ થાય છે.

યાત્રાધામ જગન્નાથપુરીમાં અષાઢી રથયાત્રા માટેના રથોના નિર્માણનું કાર્ય પણ આજથી જ પ્રારંભ થાય છે. ખેડૂતો દ્વારા ખેતરમાં બીજ રોપવાનો પ્રારંભ થાય છે. આજે અહીં ભવ્ય ચંદનયાત્રાનું પણ આયોજન થાય છે. બુદેલખંડમાં આજનું પર્વ પૌત્ર-પૌત્રઓનું પૂજન કરી સંપન્ન થાય છે, જે બાલિકાઓને અપરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે.

                આજે મહારાષ્ટ્રમાં ત્યાં ચાલતો હલ્દીરોરીનામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરદસ્તીથી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉરચારણ કરવા ફરજ પડાય છે.સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉરચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવાય છે, જેને ત્યાં ઉખાણા તરીકે ઓળખાય છે.

                ગુજરાતમાં આજે ઘટ, વસ્ત્ર, પંખા તથા અન્ન દ્રવ્ય આદિનું દાન કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ પીવાનાં પાણીની પરબ પણ શરૂ થાય છે. આજે શ્રીનાથજીમાં ભગવાનને વિશેષ કરીને મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીનાં આભરણ ધરાવાય છે અને કીર્તન પણ ગવાય છે. રાજસ્થાનમાં એવી માન્યતા પ્રચલિત છે તે મુજબ આજના દિવસે કરેલાં લગ્ન ખંડિત નથી થતાં તેથી હજારોની સંખ્યામાં બાળ-લગ્ન પણ થાય છે.

                આજનો દિન એટલે તો કોઈ પણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત.અને આજે તો કહે છે કે સુવર્ણ ખરીદવા માટેનો સોનેરો દિવસ પણ અને ઘણા લોકો આજે કોઈ ચીજ-વસ્તું કે આભૂષણોની ખરીદી કરશે.પણ ચાલો આજે એક વધું સંકલ્પ કરીએ કે આજથી આપણે એક વધું સારો માણસ બનવા પ્રયત્ન કરીશુ.આડોશ-પડોશ,સગા સંબંધી કે સહકર્મીઓને બને તેટલા ઓછા નડતરરૂપ થઈશું,અને હંમેશા સત્કાર્ય કરવાની કોશિશ કરીશુ.વળી આજના દિવસે તો સદીયોથી કેટલાય લોકો લગ્નગ્રંથિથી જોડાયા હશે અથવા તો આજે જોડાવવાનાં પણ હશે.તો આવા શુભપ્રસંગે એક લગ્નગીત માણીએ તો કેવું ? પણ પછી આવા સારા પ્રસંગમાં આપણા નાના ભૂલકાઓને કેમ કરી ભૂલી જવાય વળી અત્યારે તો તેમનું વેકેશન પણ છે.તો આજે નાના-મોટાં સૌને ગમતું એક લોકગીત અહીં રજું કરું છું.પણ જ્યાં સુધી મને યાદ છે હજી આમાં છેલ્લે એક પંક્તિ ખૂટે છે જે મારી પાસેના ગીતમાં નથી પણ જેમાં કંઈક એવું આવે છે કે ચતુર કરો રે વિચાર‘… અને આ પંક્તિ પરથી આ બાળગીત જેવું લોકગીત એક આધ્યાત્મ તરફ અને જીવનનાં અકળ સત્ય તરફ લઈ જાય છે.તો આપ સર્વે મિત્રો/વડીલોને વિનંતી છે કે આપને જો આ પંક્તિની જાણ હોય તો મહેરબાની કરીને મને જણાવશો.વળી આ ગીતને સુર સાથે માણવાની મજા પણ કંઈક ઓર જ છે,જે માટે સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશોને…..

 

 akshay-trutiya

 

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઘોડલે બાંધ્યો રૂડો માંડવો રે,

ખજુરો પીરસે ખારેક,

ઉંદરડે ગાયા રૂડા ગીતડાં,

હે…પોપટ પીરસે પકવાન,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

મકોડાને મોકલ્યો માળવે રે,

લેવા માળવિયો ગોળ,

મકોડો કેડેથી પાતળો,

હે…ગોળ ઉપડ્યો ના જાય,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

મીનીબાઈને મોકલ્યાં ગામમાં રે,

એવા નોતરવાં ગામ,

સામે મળ્યા બે કૂતરાં,

હે..બિલાડીનાં કરડ્યાં બે કાન,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઘોડે રે બાંધ્યા પગે ઘૂઘરાં રે,

હાથીએ બાંધી છે કટાર,

ઊંટે બાંધ્યા ગળે ઢોલકાં,

હે…ગધેડો ફૂંકે શરણાઈ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઉંદરમામા હાલ્યા એ રિસામણે રે,

બેઠા દરિયાને બેટ,

દેડકો બેઠો ડગમગે,

હે…મને કપડા પહેરાવ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

વાંસડે ચડ્યો એક વાંદરો રે,

જુએ જાનુની વાટ,

આજે તો જાન ને લૂંટવી,

હે…લેવા સર્વેના પ્રાણ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

Advertisements

3 Responses to “અક્ષયતૃતિયા…હાલો ને કીડીભાઈની જાનમાં…..”

 1. Bina Says:

  Nice information about “અખાત્રીજ”. Also enjoyed reading the “લોકગીત” Thanks!

  Like

 2. DR. CHANDRAVADAN MISTRY Says:

  હાલો ને કીડીભાઈની જાનમાં,

  એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.
  I heard this Song & had enjoyed it then & now, I am happy to read it as Post>Kaka ( Chandrapukar ! )

  Like

 3. nare mistry Says:

  Thnx for collecting and presenting this wonderful song for people to enjoy and relish our old culture. This is my facourite song which I sing many time when in nice mood..so my collegues working with me used to tease me for this..saying, why are u so fond of this old songs?? now, what to ans them!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: