Archive for August, 2009

રામદેવપીર નવરાત્રિ…રમો રમો રામદેવ…..

August 30, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે તો ભાદરવા સુદ દશમ.આજે રામદેવ પીરની નવરાત્રિની પૂર્ણાહુતિ અને આજે છે રામદેવપીરનો મેળો. માફ કરજો કે અભ્યાસમાં અને એનેટોમી ડિપાર્ટમેન્ટમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાના હોવાથી અત્યંત વ્યસ્ત રહેવાથી આજે છેલ્લા દિવસે રામદેવપીરનું એક ભજન રજું કરું છું આશા છે કે આપ સર્વેને તે ગમશે. વળી રમઝાન માસ પણ શર થઈ ગયો છે અને આપણા દુંદાળા દેવ ગણપતિ પણ હવે વિદાય લેવાના છે તો ગણપતિ બાપા મોરિયા…!!! આ ગીતને સાંભળીને શબ્દો લખેલ છે જેથી તેમાં ભૂલ હોય તો આ ગીતને સુલભગુર્જરી પર સાંભળી મને જાણ કરવા વિનંતી છે.. ગત વર્ષે રજુ કરેલ રામદેવપીરનો હેલો અને ખમ્મા મારા હિંદવાપીરને પણ ફરી જરૂર માણશો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ… 

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

પ્રગટ્યો રે સુરજ, કરુણા કીધી,

ગાયું ના દુખડા આર્યાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે વાણિયાની બેડલી બૂડવા ને લાગી,

ત્યારે અલખધણીને સંભાર્યાજી(?),

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે અગમદેવના વાજા રે વાગ્યા,

ત્યારે સમદરમાંથી ચાલ્યા જી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

હે સોનલા ચાકડી ને રૂપલાની પાવડી,

રૂમઝુમ રૂમઝુમ આવ્યા જી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

 

રમો રમો રામદેવ, ખેલો કુંવર,

મારી વટ(?) રાખો વીર હિંદવાજી,

જિયો રામદેવજી,જિયો રામદેવજી.

રાધાષ્ટમી…તું રાધા કેમ રીસાણી છે…..

August 27, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો? આજે છે ભાદરવા સુદ આઠમ એટલે કે ભગવાન કૃષ્ણની પ્રિયતમા રાધાજીનો જન્મદિન.રાધાષ્ટમી.વળી આજના દિનને ધરો આઠમ તરીકે પણ ઉજવવામાં આવે છે.તો હંમેશાની જેમ આ વખતે પણ રાધાજીને ભૂલી ગયાને!!! પણ જ્યાં સુધી હિતેશ છે ત્યાં સુધી તમને ભુલવા નહી દે.. તો ગત વર્ષે આપણે રાધાની ફરિયાદ સાંભળી હતી કે હે કાના તે તારી રાધાને કેમ વિસારી છે? તો આજે એક વર્ષ બાદ આપના કૃષ્ણ કુંવર આવ્યા છે રાધાજીને મનાવવા અને તેના દુઃખનું કારણ જાણવા અને તેમની રાધારાણીને મનાવવા, તો ચાલો આપણે પણ આ પ્રસંગના સહભાગી થઈ તેમની પ્રેમલીલાને માણીએ આ સુંદર ગીત સાથે…અને આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.

તું રાધા કેમ રીસાણી છે?
તારી આંખો કેમ ભીંજાણી?
તું મનમાં કેમ મુંઝાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

 

કહે કડવા વેણ કહ્યાં તુજને,
તારા મનનું દુ:ખ તું કહે મુજને
તું દિલમાં કેમ દુભાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

 

વ્રજ નારી ઘણી છે મતવાલી,
તે સૌ માં તું મુજને વ્હાલી,
મારા હ્રદય કમળની તું રાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

 

તને બંસી ગમે તો બંસી દઉં,
જીવનભર તારો થઇ ને રહું,
તારી વેણી કેમ વિખાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

 

તારા આસુંડા હું લૂંછી નાખું,
તારું નામ સદા આગળ રાખું
એ સાચી મારી વાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

 

રાધાને રીઝાવી ગાવિંદનાથે,
વા’લા રાસ રમ્યા સૌની સાથે,
એવી પ્રિત પ્રભુની પુરાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

નવરોઝ મુબારક…છબી દોરશો ના…..મુહમ્મદઅલી વફા

August 19, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે તો બે સુખદ પળો છે.એક તો આજે છે પતેતી, પારસી ભાઈ-બહેનોનું આજે નવું વર્ષ.તો સૌ પારસી મિત્રોને નવરોઝ મુબારક.અને પતેતી વિશે વધુ માહિતી વાંચવી હોય તો ગત વર્ષે પતેતીના દિવસે જ રજુ કરેલ પોસ્ટ નવરોઝ મુબારક ગુણવંતી ગુજરાત ……અરદેશર ફ. ખબરદારઅદલ

વાંચવાની ચૂકતા નહીં.અને વળી બીજું કે આજે છે વિશ્વ ફોટોગ્રાફી દિવસ.અને સાથે જણાવવાનું કે આજના દિને મને પ્રથમ વાર મૃત શરીરને સાચવાવાની પદ્ધતિ કે જેને એમ્બાલ્મિંગ [Embalming] કહે છે તે કરવા મળી.જેનો આનંદ તો વર્ણવી ન શકાય.કદાચ આપને આ વાત નાની સૂની કે ન ગમતી પણ લાગે પણ કહે છે ને કે પ્રથમ વાર કરેલ કાર્ય હંમેશા યાદગાર હોય છે.અને જો થઈ શકશે તો જે દેહદાતાના શરીર પર આ પ્રક્રિયા કરવામાં આવેલ છે તેની છબી પણ રજું કરીશ.તો ચાલો આજે આ પ્રસંગે માણીએ મુહમ્મ્દઅલી વફાની આ રચનાઆને તેમના બ્લોગ બાગે-વફા પર જઈ તેમની અન્ય રચનાઓ આપ માણી શકો છો.આપના પ્રતિભાવની અપેક્ષા સહ્…

 

 

 

સબંધો કદી સાકી  થી તોડશો ના

મળીછે ગુલાબી સુરા ઢોળશો ના 

 

બચેલું પહેરણ થશે ચીંથરાઓ

હવે કંટકોથી સબંધ  જોડશો ના

 

જશે એ જરી વારમાં પીગળી બસ

બરફના હ્રદયપર છબી દોરશો ના  

 

ઉડી એ જવાનુ  કબૂતર બનીને

કદી ભેદ પિંજર બધે ખોલશો ના

 

વફાનો અહીં છે  એક ભેદ છાનો

લઈ સોય શંકા તણી ભોંકશો ના 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

આભાર બાગે-વફા

સ્વતંત્રતા દિવસ…સ્વતંત્રતા, દે વરદાન એટલું…..ઉમાશંકર જોશી

August 15, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૫મી ઓગસ્ટ.સને ૧૯૪૭માં સ્વતંત્ર થયેલા આપણા આ દેશને આઝાદ થયે ૬૨ વર્ષ પૂર્ણ થઈ ગયાઆને ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષની જેમ આજે પણ શું માત્ર આપણે ધ્વજવંદન કરીને જ કે માત્ર દેશભક્તિના ગીત જ સાંભળીને મનાવશું.કંઈ એવું ન કરીએ કે જેથી દેશદાઝ માત્ર આ દિવસ પૂરતું સિમિત ન રહેતા સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે તેની કાળજી લઈએ.અને ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે કલ્પેલા આપણા આઝાદ દેશની આ ઝાંખી કરાવતી અને સ્વતંત્રતાના મૂલ્યો અને આદર્શો સમજાવવાની સાથે યોગ્ય રાહ ચીંધતી શ્રી ઉમાશંકર જોશીની આ રચના ખરેખર આપ સૌના દિલને પણ સ્પર્શી જશે.તો ચાલો માણીએ આ રચના.અને આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ જોઈશ…!!! ગત વર્ષે રજુ કરેલ जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર वन्दे मातरम्….. બંકીમચંદ્ર ચટ્ટોપાધ પણ જરૂરથી માણજો.

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન.

 

હૈયું કદીયે ન હજો હતાશ.
વાણી ન નિષ્કારણ હો કઠોર.
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.
ને આંખમાંના અમી ના સૂકાય.

 

ન ભોમકા ગાય વસૂકી શી હો.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી.
બને યુવાનો ન અકાલ વૃદ્ધ.
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.

 

તે પંગતે હો સહુથી ય છેલ્લા.
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો તે,
સત્તા તણા રે! ન પુરોહિતો બને.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

જન્માષ્ટમી…હીંડોળા…..રમેશ પટેલ ‘આકાશદીપ’

August 14, 2009


જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે શ્રાવણ વદ આઠમ એટલકે જન્માષ્ટમી.આપણા લડ્ડુગોપાલ કૃષ્ણનો જન્મદિવસ.આજે આ પોસ્ટ બહુ મોડી રજુ કરું છું કારણકે ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના ફેલાવાના કારણ સીવીલ હોસ્પિટલના તમામ ડોક્ટરોની રજાઓ રદ કરવામાં આવેલ છે જેથી અમે ત્યાં ફરજ પર હાજર હોવાને કારણે આ પોસ્ટ મોડી મુકું છું પણ કદાચ એ યોગ્ય સમયે જ મુકાઈ રહી છે કારણકે હવે પંદરેક મિનિટમાં જ આપણા બાળકૃષ્ણનો જન્મ થવાનો છે,અને મારી મિત્ર મન દ્વારકામાં જ અત્યારે હાજર છે અને તેમના દ્વારા હું પણ ત્યાં હોવાની અનુભૂતિ કરી રહ્યો છું.અને હા મિત્રો આપ સૌ પણ આ પ્રસંગમાં હાજર રહી શકો એ માટે આપણા રમેશ પટેલઆકાશદીપની આ રચના રજું કરું છું.તો ચાલો આ માણતા માણતા આપણા નાના લડ્ડુગોપાલના હિંડોળાને હિંચોળી લઈએ.અને આપના અમૂલ્ય પ્રતિભાવ આપશોને…!!! ગત વર્ષે રજુ કરેલ કાનનો જનમ…… લોકગીત , મને લાગે છે વ્હાલો,….. શ્રી યોગેશ્વરજી પણ જરૂરથી માણજો.

નયન રમ્ય હીંડોળે પ્રેમથી ઝૂલાવીએ
ઝૂલોને નંદના લાલ,
મારે આંગણીયે આનંદ ગુલાલ


આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
ચાંદી હીંડોળે નંદાલયે ઝૂલે નંદલાલ
પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

નોમ અષાઢી વદે હરખે ગિરીરાજ
ઝૂલા શણગાર્યા ઊંચે વૃક્ષોની ડાળ
ગિરી કુંજ ભક્તિથી રીઝવે ગોપાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

શ્રાવણ સુદ નોંમે ઘેલાં યમુનાજી
ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી
ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

શ્રાવણ ભાદોના હીંડોળા મનભાવન
પ્રભુની સન્મુખ પધાર્યા રે શ્રાવણ
ટહૂંકે કોયલ ને વેર મોરલો કામણ
ચમકે વીજ ને હરખે હરિલાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ
વૃન્દાવન કામવન ઉછાળે ગુલાલ
વ્રજ ગોવર્ધન શણગારે લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

રક્ષાબંધન… હો રક્ષાબંધન… ડો. દિનેશ શાહ

August 5, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે તો છે શ્રાવણ સુદ પુનમ એટલે કે રક્ષાબંધન.ભાઈ અને બહેનનાં પવિત્ર પ્રેમાળ સંબંધનું બંધન.પણ માત્ર બહેન જ ભાઈને રાખડી બાંધતી નથી, જેમકે કુન્તિમાતાએ અભિમન્યુને જ્યારે ઈન્દ્રાણીએ દેવરાજ ઈન્દ્રને રાખડી બાંધી હતી.તો આજે ભાભી અને નણંદ પણ એકાબીજાને રાખડી બાંધે છે. વળી આજે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે, અને દરિયાઈ ભાંડુઓ આજે નાળિયેરી પૂનમ તરીકે ઉજવે છે.તો સૌ ને શુભ રક્ષાબંધન.તો ચાલો આજે માણિએ આ રક્ષાબંધન પરનું ડો.દિનેશ શાહનું આ ગીત. આ ગીત માટે ટહુકોનો ખુબ ખુબ આભાર.આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેશો.આપના પ્રતિભાવની આશા સહ… 

 

 

જીવનની છે સાંકળ લાંબી,
અગણિત એના બંધન;
સાચા ખોટા તકલાદી કે,
મજબૂત એના બંધન?

 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

 

માત ઝૂલાવે ઝૂલણે લઇને,
દોરીનું એક બંધન;
ઝગમગતું તો કોઇ ને કેડે,
કંદોરાનું બંધન. 

 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

 

શહેનાઇના સૂરથી બાંધ્યા,
મીંઢણના પણ બંધન;
નાડાછડીથી બાંધે કોઇ,
યુગયુગના પણ બંધન. 

 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

 

તરસ્યા ને પાણી પીવડાવે,
ડોલ દોરીનું બંધન;
વ્હાણ ને સંભાળી રાખે,
લંગરનું પણ બંધન. 

 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

 

હાથમાં બેડી પગમાં જંજીર
જેલ તણુ પણ બંધન;
પિંજરમાં જ પુરાણ પંખી
તો જનમ તણુ એ બંધન. 

 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

 

બંધન બંધનમાં ફરક છે,
ઉત્તમ કયું એક બંધન
કાચા સુતરથી ગુંથેલુ
અમોલ રક્ષાબંધન 

 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

 

રાખડી ચમકે કોઇ બેનીની
પ્રેમ તણું એ બંધન
કાયમ ઝળકે ધ્રુવ તારક સમ
અજોડ રક્ષાબંધન

 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

 

 

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ગત વર્ષે રક્ષાબંધન પર રજુ થયેલ ગીત કોણ હલાવે લીંબડી ……. અવિનાશ વ્યાસ પણ જરૂરથી માણજો.

 

 

મિત્ર-દિન…કૃષ્ણ સુદામાની જોડી…..કાંતિ અશોક

August 2, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર.આજે છે મિત્ર-દિન.મિત્ર, દોસ્ત, ભાઈબંધ, ભેરું, સખી, સહેલી વગેરે નામોથી આપણે જેમને નવાજીએ છીએ તે કે જે આપણા જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે તેમને આજે આપણી આ લાગણીઓનો અહેસાસ કરાવવાનો દિવસ.આ જગમાં કદાચ મિત્ર જ એક એવો સંબંધ છે કે જે માનવ જાતે બનાવે છે.જે કદાચ કોઈને પણ ન કહી શકાય તે વાતો પણ ખુબ જ સરળતાથી આપણે તેની સામે વ્યક્ત કરીએ છીએ.બસ આપણે સૌ જાણીએ જ છીએ મિત્રની અગત્યતા એટલે વધુ પડતું ભાષણ નહી આપું, પણ આપણા પુરાણોમાં જોઈએ તો આવી અજોડ મૈત્રી માટે કૃષ્ણ સુદામાની જોડીનું નામ જરૂર યાદ આવે જ, તો પ્રેમાનંદના પુસ્તક સુદામા ચરિત્રમાંથી કૃષ્ણ સુદામા મેળાપ પરનું આ ગીત ખરેખર એ જોશ અપાવી જાય છે કે સાચી મિત્રતાને ક્યારેય તોડી શકાતી નથી.તો વધું ન કહેતા માણો આ ગીતને, અને આપનો અમુલ્ય અભિપ્રાય આપશો ને… આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેશો. 

 અને હા ગત ૨૯મી જુલાઈએ આપણા ગુજરાતી સંગીતકાર ક્ષેમુભાઈ દીવેટીયાનું નિધન થયું હતું કે જેમને હાલમાં જ અવિનાશ વ્યાસ એવોર્ડ પણ એનાયત થયો હતો.વળી ૩૦મી જુલાઈએ એવા જ એક ગીતકાર મોહમ્મદ રફીની પણ પુણ્યતિથિ હતી.તો એ બંને ને ભાવભીની શ્રદ્ધાંજલી.માફ કરશો કે જેતે દિવસે તેમને લગતી પોસ્ટ રજુ નથી કરી શક્યો કારણકે અત્યારે રહેવા,ખાવાની સગવડ તથા કામના ભારણ અને વેતન વધારાની માંગને લઈને અમે ગુજરાતના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરેલ છે,જેની વિગત આપ બ્લોગ http://gardgujarat.blogspot.com પર જોઈ શકશો જેના લીધે સમય મળી શકતો નથી તો તે બદલ દરગુજર કરશો. 

 

 

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી 

 

દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે

 

હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુખમણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત
સુદામો જુએ પ્રભુની વાટ

 

આવે શામળિયો સામેથી દોડી દોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

 

સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે

 

હેવ્હાલો માંગી માંગી ખાય
ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય
એવું શું છે તાંદુલ માંહ્ય

 

માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

 

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ગત વર્ષે આજ દિન પર રજુ થયેલ આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી…..રાજીવ ગોહિલ પણ જરૂરથી માણજો.


Follow

Get every new post delivered to your Inbox.