Archive for July, 2009

સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ…ઘર મને એવું ગમે…..બી.કે.રાઠોડ “બાબુ”

July 28, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

 કેમ છો દોસ્તો ? આજે બહું ખાસ દિન છે આજે છે મનના વિશ્વાસની સુરમય આવૃતિ સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ.આજના દિને જ એક વર્ષ પહેલા શોધતા શોધતા મળેલ HYPERWEBENABLE.COM પરથી આ સરનામું મળેલું અને અનાયાસે થયેલ શરૂઆતને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું અને પા પા પગલી માંડતી એક વર્ષની થઈ ગઈ આ સુલભગુર્જરી.અને આ બધા માટે આપ સર્વ મિત્રોનો સાથ અને સહકાર પણ ખુબ જ મહત્વનો છે જે થકી આ સ્તરે આ બ્લોગ પહોંચી શક્યો છે.અને આગળ પણ સુલભગુર્જરી નવી નવી માહિતી સુર સંગીત સાથે આપણને પુરી પાડતી રહેશે જ.બસ શરૂ કરી ત્યારે પહેલી રચના હતી આવકારો મીઠો આપજે, અને આજે તેને સમાંતર આવી જ એક બી.કે.રાઠોડ “બાબુ”ની રચના જે ઉત્તમભાઈના સન્ડે ઈ મહેફીલમાંથી મળેલ તે અહીં રજું કરું છું આ માટે તેમનો આભાર.તો વધું ન કહેતા આપનો આભાર અને માણો આ રચના અને આપને આ સફર કેવી લાગી તે આપના અભિપ્રાય દ્વારા અવશ્ય જણાવશો… 

 

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે,

બારણાં બોલેઃ ‘પધારો’, ઘર મને એવું ગમે.

 

હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે,

હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે.

 

કાયમી જ્યાં છમ્મલીલા લાગણીનાં ઝાડ હો,

કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે.

 

નીંદની ચાદર હટાવે, ઝાડવાંના કલરવો,

હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે.

 

જે ઘરે લાગે અજાણ્યાનેય પણ પોતાપણું,

લોક ચાહે ઉતારો, ઘર મને એવું ગમે.

 

થાકનો ભારો ઉતારે, કોઈ આવી ડેલીએ,

સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે.

 

મંદિરો જેવું પરમ સુખ, સાંપડે જ્યાં જીવને,

જ્યાં રહે ચડતો સિતારો, ઘર મને એવું ગમે.

સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ…સુલભગુર્જરી…..”મન”

July 28, 2009

રાધેકૃષ્ણ મિત્રો,

કેમ છો મિત્રો અને વડીલો? આજે બહું ખાસ દિન છે આજે છે મનના વિશ્વાસની સુરમય આવૃતિ સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ.આમ તો કોમ્પ્યુટર અમારા ગામમાં ઈન્ટરનેટની સુવિધા સાથે સુલભ નથી જ.પણ આજના ખાસ દિવસ માટે આગોતરા પ્લાન સાથે બહાર જઈને પણ આજના દિવસની પોસ્ટ રજુ કરી વિશને સરપ્રાઈઝ ભેટ સ્વરૂપે મારી આ સ્વરચિત કૃતિ અર્પણ કરું છું, હા તેમાં ઘણી ભૂલો હશે અને છંદોબદ્ધ તો નથી પણ દિલથી શુભેચ્છા સાથે આ રજું કરું છું, અને આગળ પણ સુલભગુર્જરી નવી નવી માહિતી સુર સંગીત સાથે આપણને પુરી પાડતી રહે. આશા છે આપને આ સ્વરચિત કૃતિ ગમશે,અને આપનો અનુભવ સુલભગુર્જરી સાથે કેવો રહ્યો તે પણ જરૂરથી જણાવશો,આપના મંતવ્યની હંમેશા પ્રતિક્ષા રહેશે…

સુલભ તણી મળી ગુર્જરતા,મળ્યો સુલભ માર્ગ અમોને સુલભગુર્જરી તણો,

કરાવ્યો પરિચય કવિ તણી કવિતાઓનો સુલભગુર્જરીએ,

કરી ઉજવણી એ કવિવરના જ્ન્મદિન અને પુણ્યતિથિની સુલભગુર્જરીએ,

કર્યો શુભેચ્છાઓ તણો વરસાદ સરળતાથી સુલભગુર્જરીએ,

કરાવી વીર તણી વીરોની સ્વતંત્રતાની યાદો સુલભ સુલભગુર્જરીએ,

સાથે કર્યા માહિતગાર અને બની વિવિધ આરોગ્યદિનોની માહિતી સુલભ સુલભગુર્જરીએ,

શબ્દને સુર સાથે મઢીને શણગારી ગુર્જર ગીત કર્યા સુલભ સુલભગુર્જરીએ,

આણી જેણે સુલભતા અને બન્યું સુલભ એવી આ સુલભગુર્જરી,

પા પા પગલી કરતા બની એક વર્ષની સુલભગુર્જરી,

આવી સુલભ્ય સુલભગુર્જરીના જન્મદિન પર “મન-વિશ”ની દિલથી શુભેચ્છાઓ સુલભ.

ચંદ્ર દિન …ચાંદામામા…..નટવરભાઈ કુવૈત

July 20, 2009

જય શ્રીકૃષ્ણ ભૂલકાઓ,

 જી હા આજે છે સૌ ભૂલકાના લાડકા ચાંદામામાનો દિવસ.ચંદ્ર દિન એટલે કે મૂન ડે.આજથી ૪ઓ વર્ષ પહેલા ૨૦મી જુલાઈ ૧૯૬૯ના આ ઐતિહાસિક દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચાંદામામા પર પહેલી વાર પગ મુકેલો.અને આજે તો આપણું ભારતનું ચંદ્રયાન પણ તેના મિશને નીકળી ચૂકેલ છે.બની શકે કે નજીકના ભવિષ્યમાં ભૂલકાઓને વેકેશનમાં જેમ મામાને ઘેર જાય છે તેમ આ ચાંદામામાને ઘેર જવા પણ મળૅ.પણ આજે તો ચાંદામામા વાદળામાં છુપાઈને બેઠા છે તો ચાલો એમને આ ગીત દ્વારા બહાર બોલાવીએ…અને આપ પણ ચાંદામામા ને વિશ કરશો ને.વળી આવતીકાલે શ્રી ઉમાશંકર જોશીનો અને ખુબ જ સુંદર ગીતો લોકમુખે રમતા છે એવા અવિનાશ વ્યાસનો પણ જન્મદિન છે પણ આવતીકાલે વ્યસ્ત હોવાથી તેમને આજે જ જન્મદિનની શુભકામનાઓ અગાઉથી આપી દઉં છું… 

 

ચાંદા મામા ચાંદા મામા,
વાદળમાંથી આવો સામા.

 

અમને પ્રિય કુરતા પા’જામા,
તમને તો રૂપેરી જામા.

 

અમને સહુને મળવા માટે,
નોંધી લો સહુના સરનામા.

 

દાદાજીની આ ડેલીમાં,
રોજ નિહાળો ખેલ ઉધામા.

 

ટેવ તમારી અમને આપો,
‘હરદમ એવા, લો ન વિસામા’

 

જાવાનું તો નામ ન લેશો,
નાખો ચંદા કેરા ધામા.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

‘ધબક’ સામાયિકમાંથી સાભાર.

મોસમ આવી મહેનતની …..નાથાલાલ દવે

July 19, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 હવે તો વર્ષાઋતુની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ બધે જ મેઘરાજાએ તેમની મહેર વરસાવી રહ્યા છે ત્યારે વરસાદી ગીતોનો આનંદ આપ સર્વે વિવિધ મિત્રો/વડીલોના બ્લોગ પર પણ માણી જ રહ્યા હશો. પણ આજે એક ગુજરાતી પાઠ્યક્રમમાં આવતી એક કવિતાની વાત કરવી છે.અને આ કવિતા આપણને ઘણું બધું શિખવાડી જાય છે.અને સાચે જ આ તો હવે સિંચાઈની પદ્ધતિ અમલમાં આવી નહી તો ખેડૂતો માટે તો વરસાદની ઋતુ સૌથી સુંદર ઋતુ ગણાય જેના આધારે તો ખેતી નભતી.અને આજે પણ આ મોસમ મહેનતની જ છે અને માનવી ગમે તેટલો આધુનિક કેમ ન બને તેને કુદરતના ખોળે તો આવવું જ પડે ને.તો આજે માણિએ નાથાલાલ દવે ની આ સુંદર રચના..આને આપનો આ મોસમ વિશેનો પ્રતિભાવ આપશો ને… 

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની.

 

નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે
…. ભાઇ! મોસમ..

 

લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ
રે …. ભાઇ! મોસમ..

 

જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે
…. ભાઇ! મોસમ..

 

ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે
…. ભાઇ! મોસમ..

 

વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે
…. ભાઇ! મોસમ..

 

હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે
…. ભાઇ! મોસમ..

 

રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે
…. ભાઇ! મોસમ..

 

 

લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે
…. ભાઇ! મોસમ.

 

 

રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે
…. ભાઇ! મોસમ…

વિશ્વમાનવી….. ઉમાશંકર જોશી

July 11, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૧૧મી જુલાઈ.એટલે કે વિશ્વ વસ્તી દિન.આજના દિન પર વધું નહી કહું કારણકે આપણે સૌ આ સમસ્યા વિશે જાણીએ છીએ જ અને ગત વર્ષે મેં મારું એક આ સમસ્યા પરનું સપનું કહ્યું હતું તે પણ યાદ હશે જ અને ન હોય તો ફરી મમળાવી લેશો.અને હવે પી.જી. શરૂ થવાથી બહુ જ વ્યસ્ત રહેવાય છે વળી મન પાસે પણ કોમ્પ્યુટર ન હોવાથી તે પણ મળી શકતી નથી.તો તે માટે માફ કરશો અને આપ સર્વે મિત્રો/વડીલોના બ્લોગ પર મુલાકાત લેવાનું ઓછું થાય છે પણ સમય મલ્યે હું મળતો રહીશ જ…આશા છે આપ સર્વે મને સાથ સહકાર આપતા રહેશો.તો ચાલો આજે માણીએ ઉમાશંકર જોશીની આ એક અમર રચના…આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. 

 

 

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

 

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

 

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

 

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

 

ગત વર્ષે આજ દિન પર રજુ થયેલ રચના - વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો…..મણિલાલ દેસાઈ

ગૌરીવ્રત…ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં…..રમેશ પારેખ

July 5, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 કેમ છો? માફ કરશો કે હમણા થોડા દિવસોથી કોઈ પોસ્ટ નહોતી કારણકે હું અને મન બંને વ્યસ્ત હોવાથી બહુ ઓછો સમય મળે છે.હા તો આજે છે ૫મી જુલાઈ.આજના દિનને ખાસ તો અમદાવાદમાં આજે NO CAR DAY તરીકે ઉજવવામાં આવનાર છે.અને અમદાવાદના સી.જી.રોડ પર આજે વાહનવ્યવહાર બંધ કરી આ રસ્તો માત્ર ચાલવા તથા વિવિધ સ્પર્ધા જેવી કે સ્કેટિંગ, સાઈકલીંગ વગેરે માટે સવારે અને સાંજે કાર્યક્રમ રાખવામાં આવેલા છે.તો આ માટે વધું માહિતી માટે નીચેના ફોટા પર ક્લીક કરી પુરા માપનો ફોટો જુઓ.

વળી હમણા કુંવારિકાઓ ના ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની પણ શરૂઆત થઈ ગઈ છે. પોતાના મનગમતા ભરથાર મેળવવા માટે આજે પણ આ વ્રત કુમારિકાઓ ભક્તિભાવ અને શ્રદ્ધાથી કરે છે.અને મોળું ખાઈને અલુણાં કરવાની રીત આજે પણ નિભાવે છે અને સાથે સાથે હવે તો આ તહેવાર એક ઉજવણી થઈ ગયો છ અને ખાસ તો નાની બાળાઓને નવું નવું અને સારું સારું ડ્રાયફ્રુટ અને વિવિધ મેવા ખાવા મળવાની સાથે નવા કપડાં પહેરવા મળતા હોવાથી તેઓ ઘણાં હોશથી કરે છે.અને હા આજે તો જો કે તૈયાર જ્વારા લેવાય છે પણ મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી બંને બેનની સાથે જાણે અજાણે અને કદાચ સારું મળવાની ઘેલછાએ મેં પણ આ વ્રત કરેલ અને જાગરણ પણ કરતો.ત્યારે ગૌરીવ્રતના ચારેક દિવસ પહેલાથી જ અમે કોડિયામાં વિવિધ ધાન વાવી દરેક પોતાના જ્વારા ઘરે જ ઉગાડતા અને તેની કાળજી રાખતા અને એક સ્પર્ધા પણ થતી કે કોના જ્વારા વધું લાંબા છે.આમ કદાચ ભાગ્યે જ કોઈ એવું વ્રત હશે કે જેમાં આપણે આપણી પ્રકૃતિને ન સામેલ કરી હોય ને તેની પૂજા ન કરી હોય.તો પછી આપણે આપણા મિત્રો એવા વૃક્ષો અને પ્રકૃતિની કાળજી રાખવાનું હવે કેમ ચુકી જઈએ…? અને આજે ચાલો આજે માણીએ રમેશભાઈ પારેખનું આ ગૌરી ગીત.અને હા આ ગીત કાશીનો દીકરો ફિલ્મમાં છે અને ક્ષેમુભાઈ દિવેટીયા કે જેમને આ માટે શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર મળ્યો હતો અને હાલમાં જ ૧૭મી ફેબ્રુઆરીના રોજ અવિનાશ વ્યાસએવોર્ડ પણ એનાયત થયો છે.તો આ ગીતને સુર સાથે માણવા માટે સુલભગુર્જરી ની મુલાકાત જરૂરથી લેશો.અને આપના અમુલ્ય મંતવ્ય જરૂરથી જણાવશો.

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ

રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)


Follow

Get every new post delivered to your Inbox.