Archive for મે, 2009

માતા-પિતાની છત્રછાયા…..

મે 26, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

 આજે છે ૨૬મી મે.આજે છે મારા મમ્મી-પપ્પાના ૩૦મી લગ્નતિથિ.બરાબર ૩૦ વર્ષ પહેલા ૨૬-૦૫-૧૯૭૯ના રોજ તેઓ લગ્નગ્રંથિથી જોડાયેલા.અને બસ જૂની યાદોને ફંફોસતા તેમની આ લગ્ન સમયની જૂની તસ્વીર મળી ગઈ અને થયું કે આ તસ્વીર જ આજે યોગ્ય રહેશે. તો મમ્મી-પપ્પાને લગ્નતિથિની ખુબખુબ શુભકામનાઓ અને બસ તેમનું જીવન હંમેશા ખુશનુમા રહે અને હું તેમની દરેક આશાઓ પુરી કરી શકું એવી ભગવાનને અભ્યર્થના. 

 કેટલાક સમય પહેલા ખબર નહી ક્યાંકથી એક ચિત્ર મળેલ.જેમાં નીચેની રચના હતી.મને ખૂબ જ ગમેલી આથી તે મારા સંગ્રહમાં રાખી દીધેલી.પણ સંજોગોવશાત તે ક્યાંથી મળેલ તે મને યાદ નથી અને આ રચના કોની છે તે પણ જાણ નથી પણ સંત પુનિતની રચના મા-બાપને ભૂલશો નહીં ની જેવી જ આ રચના આજે અજ્ઞાત કવિઓની યાદીમાં મૂકું છૂં પણ જો આપને જાણ હોય અથવા જો આપની રચના હોય તો મને જાણ કરશો તો આ રચનાને આપના સંદર્ભ સાથે અપડેટ જરૂર કરીશ.તો આપ આપનો અમૂલ્ય પ્રતિભાવની સાથે મને મદદ કરશો ને…અને આ રચના મમ્મી-પપ્પા ખાસ તમારા માટે તમને અર્પણ આ બ્લોગ પર…  

 

(ઉપરોક્ત તસ્વીર મારા મમ્મી-પપ્પાના લગ્ન સમયની છે.)

 

હયાત માતા-પિતાની છત્રછાયામાં,

વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,

હોઠ અડધા બિડાય ગયા પછી,

ગંગાજળ મૂકીને શું કરશો 

 

અંતરના આશીર્વાદ આપનારને,

સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,

હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,

છબીને નમન કરીને શું કરશો

 

 

કાળની થપાટ વાગશે, અલવિદા થઈ જશે,

પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,

લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,

પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો

 

 

માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,

અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,

સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,

પછી કિનારે છીપલાં વીણીને શું કરશો

 

 

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,

પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,

પંચભૂતમાં ભળી ગયા પછી દેહના,

અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો

 

 

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,

હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,

પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો

 

 

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,

ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,

પ્રેમથી હાથ ફેરવીને બેટાકહેનાર નહીં મળે,

પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

અને ગત વર્ષે આ જ દિન પર રજુ કરેલ રચના ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ તો જરૂરથી માણજો એક વયસ્ક દંપતિનું આટલું પ્રેમ સભર દાંપત્ય જોઈ કોઈ પણ લગ્નગ્રંથિમાં બંધાવા તૈયાર થઈ જાશે.

વૈશાખી વાયરા…..બંસીધર પટેલ

મે 24, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આમ તો આજે વૈશાખ મહિનાનો છેલ્લો દિવસ છે.પણ સમય બહું જ ઓછો મળતો હોવાથી વૈશાખ પરનું ઋતુગીત મૂકી જ નહોતું શકાતું પણ આખરે આ મહિનાના આખરી દિને પણ એને વિદાય આપતાં આપતાં વૈશાખ ઋતુના વૈભવને માણી લઈએ શ્રી બંસીધર પટેલની આ રચના દ્વારા…બસ એક દૃષ્ટી જોઈએ બાકી તો બળબળતો ઉનાળો પણ આપણી પ્રિય ઋતુ જ છે હા તેનો તડકો અસહ્ય હોય છે પણ સાથે કેરીની મીઠાશ અને લગ્નોની વણઝાર પણ તો લાવે છે ને…ચાલો બહું સમય નહી લઉં પણ હા આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો ને…..


વૈશાખી વાયરા વાતાં મન મારૂં મલકાય છે,
ઉર્મીઓની વણઝાર મનમાં ઉઠી ઉઠી સમાય છે.
કાળાં ડિબાંગ વાદળ વાતો કરતાં કરતાં જાય છે,
ધરતીના છોરું અનેરા ઉમંગથી દોડ્યાં જાય છે.

કોઇ પડ્યું છે તૈયારીમાં નળીયાં ચારવા છાપરાનાં,
કોઇ મંડ્યું છે વર્ષાના આગમનની અનેરી તૈયારીમાં.
કરતી વાતો માંહે માંહે વૃક્ષલતાઓ ઘણી હરખાઇને,
પુરઝડપે દોડ્યાં જતાં વાહનો હરિફાઇ કરતાં વરતાય છે.

ઝટપટ કરવા લગ્નો કરે છે કોઇ ઝડપી તૈયારીઓ,
કેરી, સીતાફળ કે દ્રાક્ષનો આસ્વાદ માણી રહ્યાં સહુ જનો.
કરે છે મજા બેહદ ભૂલકાં રજાઓ પડી શાળામાંથી,
પડી છે ખાલીખમ શાળાઓ જામ્યા રજના થર ઘણેરાં.

વરતાય છે પાંખી હાજરી કચેરીઓ ભાસે સૂની સૂની,
કોઇ ગયું છે મ્હાલવા લગ્ન કોઇ લે છે લ્હાવો ફરવા નામે.
ગીરીમથકો ઉભરાય જેમ ચિડીયાઘર સંગ્રહાલયમાં,
અસહ્ય ગરમી પાછી પડે સોનેરી નિશા આહ્લાદક નશામાં.

માણે છે સહુ કોઇ વાસંતી સુવાસ સૃષ્ટિ તણી,
ક્ષુલ્લક પણ અનેરો આનંદ દીનમન હ્રુષ્ટપુષ્ટ થાય છે.

રોકો…..આદિલ મન્સૂરી

મે 18, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૮મી મે .આજે છે એક ઉંચા ગજાના કવિ શ્રી આદિલ મન્સુરીનો જન્મદિન.વળી ગત વર્ષે આપણે તેમને ગુમાવ્યા.તેમના વિશે લખવા બેસીએ તો કેટલું યે લખાઈ જાય પણ હમણાં ભારતમાં કેન્દ્ર સરકારની ચૂંટણી થઈ અને તેના પરિણામો પણ આવી ગયા.પણ આખરે હવે શું થશે સરકાર પ્રજાનું કેટલું ભલું કરશે તે જોવાનુંશેશે. તો ચાલો આજે કંઈક સ્ફોટક અને વેધક સવાલ પૂછતી આદિલજીની રચના માણીએ.આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો

લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો

આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે બળે છે રોકો

ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો

ન્યાય ને રક્ષા કરી જે શકે
ભાષણો કેમ કરે છે રોકો

શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો

છે ઈમારત પડું પડું આદિલ
મૂળ આધાર ખસે છે રોકો

………………………………

આભાર લયસ્તરો

તું ઇટ્ટાકિટ્ટા છોડ…..રમેશ પારેખ

મે 17, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજની આ પોસ્ટ અત્યંત વ્યસ્તતા ને કારણે બહું મોડી મોડી રજૂ કરી રહ્યો છું, આજે છે ૧૭મી મે.આજનો દિન એટલે વિશ્વ દૂરસંચાર દિન.અને વળી આજે છે ગુજરાતી સાહિત્ય જગત અને સોનલના કાવ્યોથી પ્રસિદ્ધ થયેલા તથા પ્રેમ અને વેદના સાથે તેમના બાળગીત પણ લોકમુખે છે તેવા શ્રી રમેશ પારેખની આજે પુણ્યતિથિ છે.અને આવા કવિને તેમના જ આ કાવ્ય દ્વારા શ્રદ્ધાંજલી અર્પીએ અને આ રચના પરથી એટલું તો કહી શકાય કે હવે પ્રેમીજનો કે સંબંધીઓ જો આપની વચ્ચે કોઈ તકરાર હોય તો હવે તેને ભૂલી જઈ કિટ્ટા છોડી ફરી બુચ્ચા એટલે કે એકબીજાને સમજી ફરી સંબંધને પુનઃ ફરી પ્રેમાળ અને રસસભર બનાવી સમગ્ર વાતાવરણને હર્ષ અને પ્રેમમય બનાવી દઈએ તો જ તેમને સાચી શ્રદ્ધાંજલી અપાઈ ગણાય.તો ચાલો આજે દૂરસંચાર દિન છે તો તેમનો અત્યારે જ સંપર્ક કરી કિટ્ટા તોડી ફરી દોસ્તી કરી લઈએ.તો ચાલો માણીએ આ રચના…

અરે,
આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું પરાયું બનાવી શકાય છે ?

એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં

હું કોઇ નક્કી નહીં હોઉં.

તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ

ક્યારેક રીંસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં આવું
છબીમાં હોઉં પણ તારી સામે હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી દઉં, હું

પણ અંતે તો સોનલ,
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.
તારા સ્તનનો ગૌર વળાંક હું છું,
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,
તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.

તારી સકળ સુંદરતા બની તને ભેટી પડ્યો છું -
તારું સકળ સોનલપણું હું છું, લે
અને તારે મારો ઇનકાર કરવો છે ?

પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?

તને હું બહું કનડું છું, કેમ ?
શું કરું ?
પ્રેમ સિવાય મારા માટે બધ્ધું દુષ્કર છે -
તું કહે,
તને ચાહું તો હું શું કરું ?

આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?
એક શરીરની બે આંખ છીએ ?
મને તો ખબર પડતી નથી.
એક વાર તું કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.

તું અને હું ના ટંટા પણ શા માટે ?
અરેરે
તું સાવ બુદ્ધુ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ જુદાઇ કહેવાય.

ચાલ, ઇટ્ટાકિટ્ટા છોડ,
અને કહી દે કે, હું હારી

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ગત વર્ષે આજના દિન પર રજૂ થયેલ રચના યાદ……રમેશ પારેખ પણ જરૂરથી માણશો.

Mothers Day…કોઈ દી સાંભરે નૈ…..ઝવેરચંદ મેઘાણી

મે 10, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે મે મહિનાનો બીજો રવિવાર.આજના દિનને જનની દિન એટલે કે Mothers Day તરીકે ઉજવવામાં આવે છે.મા વિશે તો જે પણ કહીએ તે ઓછું પડે.અને કહ્યું છે ને કે જનનીની જોડ સખી નહી જડે રે લોલ.જેના ખોળામાં ઊછર્યા હોય તે ખોળાને કેવી રીતે વિસારી શકાય,પણ આજના યુગમાં માનવી જાણે કે એટલો ખોવાઈ ગયો છે કે પોતાની માતાને એટલી વિસરી જાય છે કે એની યાદ પણ આવતી નથી અને જ્યારે યાદ આવે છે ત્યારે બહું મોડું થઈ ગયું હોય છે.તો ચાલો આજે માણીએ કંઈક આવું કહેતી ઝવેરચંદ મેઘાણીની રચના અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો ને….

(Picture of Raja ram varma.)

કોઈ દી સાંભરે નૈ,

મા મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ,

મા મને કોઈ દી સાંભરે નૈ.

 

કોક કોક વાર વળી રમ્મત વચ્ચાળે મારા,

કાનમાં ગણગણ થાય.

હુ તુ તુ તુની હડિયાપાટીમાં,

માનો શબ્દ સંભળાય.

મા જાણૅ હિંચકોરતી વઈ ગઈ,

હાલાના સુર થોડા વેરતી ગઈકોઈ દી સાંભરે નૈ.

………………………………………..

ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી શબ્દ-સ્પર્ધાની પૂર્વતૈયારી…ઋ શબ્દસંશોધન

મે 7, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આપ સર્વે જાણતા જ હશો કે ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી હવે પૂર્ણતાને આરે છે અને ગુજરાતી શબ્દ સ્પર્ધાના અલાયદા બ્લોગનું પણ મુહૂર્ત થઈ ચૂકેલ છે તો આજે સમયની વ્યસ્તતા છતા કાન્તિભાઈ કરશાળાની મદદથી ઋ શબ્દ સંશોધનની શબ્દોનું લિસ્ટ તૈયાર કરેલ છે જે આપ સર્વેના જ્ઞાનમાં પણ વધારો કરશે.અને તેને યથાયોગ્ય શબ્દપ્રયોગ પણ મૂક્યા છે છતા જો કોઈ ક્ષતિ લાગે તો મને જણાવવા વિનંતી…

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

૦૧

ઋકથ

ધન;દોલત;

દ્રવ્ય; પૈસો.

નિતિન પાસે પુષ્કળ ઋકથ હોવા છતાં તેનામાં અભિમાનનો છાંટોયે નહોતો.

૦૨

ઋક્સહસ્ત્રમિતેક્ષણ

શિવનાં હજાર માંહેનું એક નામ.

બિલ્વપત્ર અને દૂધના અભિષેકથી ઋકસહસ્ત્રમિતેક્ષણની પૂજા અર્ચના કરવામાં આવે છે.

૦૩

ઋક્સામ

ઋગ્વેદ અને સામવેદ.

ઋકસામ પ્રાચીન જ્ઞાનવિશેષ અને સંગીતપ્રધાન સાહિત્ય છે.

૦૪

ઋક્શૃંગ

વિષ્ણુ.

અમૃતનો કળશ દાનવો પાસેથી પાછો મેળવવા માટે ભગવાન ઋકશૃંગે મોહિની રૂપ ધારણ કરેલું.

૦૫

ઋખિ

ઋષિ; મુનિ; તપસ્વી; સાધુ.

ભગવાનને પ્રસન્ન કરવા ઋખિ કઠોર તપ કરતાં.

૦૬

ઋખ્યમાન

નર્મદા નદી પાસેનો નામનો પર્વત.

નર્મદા નદીના કિનારે ઋખ્યમાન એક તપસ્વીની માફક બિરાજેલ છે.

૦૭

ઋગ્મિય

વખાણવા જેવું.

કવિ રાજારામ વર્માનાં તૈલી ચિત્રો ઋગ્મિય હોય છે.

૦૮

ઋગ્મી

પૂજા કરતું;

માન આપતું.

. કેટલાક દંભી લોકો બધાની સમક્ષ પોતે ઋગ્મી હોવાનો ઢોંગ કરે છે.

. ઋગ્મી[માન આપતી] વ્યક્તિ દરેકનું મન મોહી લે છે.

૦૯

ઋચીષ

નરક,

લોઢી.

. દાનપુણ્ય કરનારને મૃત્યુ બાદ સ્વર્ગ અને પાપલીલા આચરનારને ઋચીષ પ્રાપ્ત થાય છે.

. રસોડામાં તાવડીનું સ્થાન હવે ઋચીષે લઈ લીધું છે.

૧૦

ઋતપેશ

સંપૂર્ણ સ્વરૂપવાળું.

ઋતપેશ ભગવાન વિષ્ણુના દર્શનમાત્રથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે.

૧૧

ઋતસદન

યજ્ઞ માટે બેસવાનું સ્થાન.

ઋતસદન હંમેશા સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ.

૧૨

ઋતિકર

દુર્ભાગી; કમનસીબ.

જેમના માથા પર માતા-પિતાની છત્રછાયા નથી હોતી તેઓ ઘણા ઋતિકર હોય છે.

૧૩

ઋત્વિક

પુરોહિત; આચાર્ય; ઋત્વિજ.

ગર્ગઋષિ યાદવોના ઋત્વિક હતાં.

૧૪

ઋતુધામા

ઇંદ્ર. તે સ્વર્ગમાં રહે છે

દાનવોએ ઋતુધામા પર આક્રમણ કરતાં દેવોમાં ખળભળાટ વ્યાપી ગયો.

૧૫

ઋતોક્તિ

સત્ય કથન; સાચું કહેવાપણું.

રાજા હરિશ્ચન્દ્રનું નામ આજે પણ તેમની ઋતોક્તિ માટે જાણીતું છે.

૧૬

ઋદ્ધિ

પાર્વતી; દુર્ગા.

માતા ઋદ્ધિ ભગવાન શિવ સાથે કૈલાસ પર બિરાજમાન હતા ત્યાં શ્રી ગણેશનું આગમન થયું.

૧૭

ઋદ્ધિદા

નામની એક શક્તિ.

મહાલક્ષ્મીની પૂજાઅર્ચના, આહવાન કરવાથી ઋદ્ધિદા પ્રાપ્ત થાય છે.

૧૮

ઋદ્ધિધારી

સંપત્તિવાળું.

સિનેજગતમાં કામ કરનારા દરેક સિને કલાકારો ઋદ્ધિધારી નથી હોતા.

૧૯

ઋદ્ધિવૃદ્ધિ

આબાદીમાં વધારો.

ભારતમાં ઉત્તરોત્તર થતી ઋદ્ધિવૃદ્ધિ ચિંતાનું કારણ છે.

૨૦

ઋણભાર

કરજનો બોજો

ચાલો સંકલ્પ કરીએ કે ત્રેવડ નહી હોય તો વેચાઈ જાઈશું પણ માથે ઋણભાર કદી નહી રાખીએ.

૨૧

ઋણમત્કુણ

જામીન; હામી.

ધરપકડથી બચવા આગોતરા ઋણમત્કુણની અરજી કરવામાં આવે છે.

૨૨

ઋભ્વ

હિંમતવાન. નિશ્ચયવાળું.

ઋભ્વ વ્યક્તિ કઠીન પરિસ્થિતિમાં પણ વિચલિત થતા નથી.

૨૩

ઋવાદ

મરણ; મોત.

ઋવાદ જિંદગીનું સનાતન સત્ય છે.

૨૪

ઋશય

હિંસા. હિંસા કરવા જેવું

મહાત્મા ગાંધી ઋશયનો હંમેશા વિરોધ કરતા.

૨૫

ઋશ્યદ

હરણ પકડવાનો ખાડો; કૂવો.

મૃગને પકડવા પારધી જંગલમાં ઋશ્યદ બનાવી, છૂપાઈને શિકારની રાહ જોવા લાગ્યો.

૨૬

ઋષિધર્મ

જૈનધર્મ.,

વેદ ધર્મ.

ઋષિધર્મ કહે છે, “અહિંસા પરમો ધર્મઃ

૨૭

ઋષિપૂજન

બળેવ

ઋષિપૂજનના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે.

૨૮

ઋષિરાય

શ્રેષ્ઠ ઋષિ; ઋષિઓનો રાજા.

ઋષિરાય વેદવ્યાસે મહાભારત જેવા મહાગ્રંથનું નિર્માણ કરેલું.

૨૯

ઋષીક

માંસાહારી.

સિંહ ઋષીક પ્રાણી છે.

૩૦

ઋષીકા

દેવી. સ્ત્રીઋષિ.

વેદકાલીન યુગમાં ગાર્ગી,મૈત્રેયી, સુલભા જેવી અનેક ઋષીકાઓ થઈ ગઈ.

૩૧

ઋષુ

બળવાન; જોરાવર.

પાંચે પાંડવોમાં ભીમ સૌથી વધું ઋષુ હતા.

૩૨

ઋક્ષપતિ

રીંછોનો રાજા; રીંછોનો સરદાર જાંબુવાન.

શ્રીરામની સેનામાં સુગ્રીવ,અંગદ,હનુમાન,ઋક્ષપતિ જેવા મહાન યોદ્ધાઓ હતાં.

૩૩

ઋક્ષપુંજ

તારાઓનો સમૂહ.

બ્રહ્માંડમાં આપણાં સૂર્ય કરતાં પણ લાખો ગણા મોટા કદનાં અનેક ઋક્ષપુંજ આવેલા છે.

૩૪

ઋક્ષર

પાણીની ધાર.

સતત પડતું ઋક્ષર પથ્થરને પણ કાપી નાખે છે.

૩૫

ઋક્ષલા

ઘૂંટી નીચેની નાડી.

સાંકળ.

.પગનાં રોગોનાં નિદાનમાં ઋક્ષલાનું પરિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.

.ઉન્મત્ત હાથીને મજબૂત ઋક્ષલા વડે બાંધવો પડે છે.

પાર્થને કહો ચઢાવે બાણ…..મહાકવિ નાનાલાલ

મે 7, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૭મી એપ્રિલ.આજે છે સ્વ.શ્રી પન્નાલાલ પટેલની ૯૮મી જન્મતિથિ.ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરાળ પ્રદેશમાં રાજસ્થાનના માંડલી નામના નાનકડાં ગામડામાં ૦૭-૦૫-૧૯૧૯ના રોજ થયો હતો.માંડ માંડ આઠ ચોપડી ભણેલો ગામડા ગામનો એક છોકરો ગુજરાતી સાહિત્યસર્જન,પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવે ચમત્કાર કહેવાય…!!! તળપદા લોકજીવનની ભૂમિકાને અણિશુદ્ધ સ્વરૂપે પ્રગટતી તેમની વાર્તાઓ લોકપ્રિય થઈ,માનવીની ભવાઈ, મળેલા જીવ, વળામણાં જેવી આશરે ૪૦ જેટલી નવલકથાઓ ઉપરાંત નાટક,આત્મકથા અને બાલ-સાહિત્યનું પણ તેમણ સર્જન કરેલ છે.તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેમજ ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો.ઈસ ૧૯૮૯માં ૭૭ વર્ષની વયે તેઓ આપણને છોડી ચાલી ગયા.તેમણે શ્રીકૃષ્ણ જીવનલીલા,વાલ્મિકી રામાયણ,મહાભારત અને પુરાણ આધારિત પાર્થને કહો ચઢાવે બાણ‘,’લવિંગ કેરી લાકડીએ‘,’શિવ પાર્વતીજેવી નવલકથા ખુબ રસમય છે.આજે અમદાવાદમાં તેમના પરિવારજનો દ્વારા શરૂ કરાયેલી સંજીવની સંસ્થા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી મેઘાણી પ્રાંગણ,પરિષદ ભવન,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સાંજે વાગે ઉજવણી કરવામાં આવવાની છે. તો ચાલો આજે માણીએ તેમની નવલકથાના શિર્ષક પરથી શરૂ થતી મહાકવિ ન્હાનાલાલની આ શૌર્ય પેદા કરતી આ અદભૂત રચના જાણૅ બંને કવિઓનો સંગમ થઈ ગયો….

 

 

 

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ

 

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ

 

દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ

 

મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ

 

નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ

 

વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ

………………………………………………..

મહાકવિ નાનાલાલ


Follow

Get every new post delivered to your Inbox.