Archive for April, 2009

અક્ષયતૃતિયા…હાલો ને કીડીભાઈની જાનમાં…..

April 27, 2009

અક્ષયતૃતિયા હાલો ને કીડીભાઈની જાનમાં…..

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ.અક્ષયતૃતિયા. તો ચાલો આ અક્ષયતૃતીયા વિશે પણ થોડું જાણીએ.અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નામકરણમાં બે શબ્દો છે, અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય નથી થતો અને તૃતીયા એ તિથિ ક્રમ છે. અક્ષય એટલે જે વસ્તુ કે અવસ્થાનો કયારેય નાશ- ક્ષય ન થઇ શકે તે અવસ્થા. ક્ષય તેનો નથી થતો જે સર્વદા સત્ય છે. હિંદુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઇશ્વરીય તિથિ- સ્વયંસિદ્ધિ અભિજિત મુહૂર્ત છે. જે દિવસે તમામ માંગલિક કાર્યોમુહૂર્ત જોયાં સિવાય થઇ શકે છે.અક્ષય તૃતીયા એટલે જે દિવસે કરવામાં આવેલ દાન-પુણ્ય-ધાર્મિક કાર્યો-સત્કાર્યોનાં પુણ્યનો કયારેય ક્ષય ન થાય તેવી તિથિ.અતિથિ સત્યયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી રોહિણી નક્ષત્રમાં શિવની પૂજા કરી જળના ઘડાનું દાન કરનાર શિવલોકમાં પૂજાય છે.

                વિષ્ણુ ધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આજે વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતરણના આ દિવસે ભગવાન વિષ્ણુને ઉત્તમ સાથવો ધરાવી, અક્ષતનો હોમ કરી બ્રાહ્મણો-ભૂદેવોને ઉત્તમ સાથવો તથા પકવાન દાન કરવાથી સર્વતૃતીયાનું ફળ પ્રાપ્ત થાય છે.

                અક્ષય તૃતીયાના પર્વ કાળે ઉનાળો તેના યૌવન પર હોવાથી આ પર્વે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેના દાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. જગતનો તાત ખેડૂત પણ તેનું કામ-ખેતીકામ આજના દિવસથી શરૂ કરતા હોવાથી તરસ્યા લોકો અને તરસી ધરતી માટે અતિ આવશ્યક જળ હોવાથી માનવીને માટે પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણી માટે હવાડા બનાવવા પણ પુણ્યનું કાર્ય મનાય છે.

                દેવાધિદેવ મહાદેવજીના પ્રિય ગોરખનાથજીનું કથન પણ છે જ કે સાધક જુનો હોય કે નવો, અનુભવી હોય કે બિનઅનુભવી કે પછી ઉચ્ચારણ માં પણ નવો સવો હોય અર્થાત્ સાધકનું ઉચ્ચારણ પણ પૂરેપૂરું શુદ્ધ ન હોય તો પણ તેને અક્ષય તૃતીયાના દિવસે કરેલ પૂજનનું શુભફળ અવશ્ય મળે છે.

                ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કòપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જે શ્રદ્ધાળુ ભાવિકને ત્યાં લક્ષ્મી ટકતી ન હોય સ્થિર ન રહેતી હોય તેમણે લક્ષ્મી પ્રાપ્ત કરવા તથા લક્ષ્મીની ચંચળતા સદાકાળ માટે સ્થિર કરવા તથા દુ:ખ દરિદ્ર દૂર કરવા અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ પ્રકૃતિના વરદાન એકાંક્ષી નાળિયેરનું વિધિવત્ સ્થાપન કરી અર્થાત્ ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર (આસન) બિછાવી સ્નાન-આદિ વિધિ પશ્ચાત્ અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરી આસન પર એકાંક્ષી નાળિયેર સ્થાપિત કરી તેના પર ચંદન-કંકુ પધરાવી, એકાંક્ષી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અગર પીળા રેશમી વસ્ત્ર પર મંત્ર લખી ગંગાજળ-પુષ્પ-અક્ષત તથા નૈવેધ મૂકવાં. મંત્ર લેખન પહેલાં દીપ-ધૂપ અવશ્ય લખી પ્રગટાવવાં તેમજ મંત્રની ત્રણ માળા કરી મંત્ર જાપ કરવાં…આ મુજબની પૂજનવિધિ પછીના બીજા દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઇ એકાંક્ષી નાળિયેર પર ૧૨૦ ગુલાબનાં ફૂલો ચઢાવવાથી આ એકાંક્ષી નાળિયેર સિદ્ધ થયું ગણાય છે. આ સિદ્ધ એકાંક્ષી નાળિયેરને નિત્ય પૂજા સ્થાને સ્થાપિત કરવું જેનું નિત્ય પૂજન કરનાર સર્વે સાધકોને લક્ષ્મી પ્રાપ્તિ-સ્થિરતા-સુખાકારી-સમૃદ્ધિમાં વધારો થવાના અનુભવે આનંદની પ્રાપ્તિ થાય છે. અલબત્ત લક્ષ્મી પ્રાપ્તિ માટે દીપાવલીના સમયે લક્ષ્મીપૂજનની પરંપરા જે ચાલી આવે છે તે તો યોગ્ય-ઉચિત જ છે પરંતુ લક્ષ્મીને સ્થિર કરવા માટે સદાકાળ માટે સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.

                વળી અક્ષય તૃતીયાનો દિવસ ભારતભૂમિમાં વિવિધરૂપોએ ઉજવાય છે તો ચાલો એ વિશે પણ જાણકારી મેળવીએ.આજનો દિન સર્વત્ર પરશુરામ જયંતીના પર્વ મહોત્સવ રૂપે ભવ્ય યાત્રા સાથે ધામધૂમથી ભારે દબદબાપૂર્વક ઊજવાય છે.અને ચારધામના ઉલ્લેખનીય ધામમાં ભગવાન બદ્રીનારાયણનાં દર્શનનો માર્ગ આજે ખૂલતાની સાથે જ અક્ષય તૃતીયાએ બદ્રીનાથમાં દર્શનાર્થી ભકતોનો માનવ મહેરામણ છલકાય છે.આજે અહીં ભાવિકો શ્રદ્ધા-ભાવપૂર્વક ગંગાજળમાં સ્નાન કરી પુણ્યકાર્ય કરી કૃતાર્થ બનતાં હોવાથી અહીં બદ્રીનાથ વિસ્તારમાં આ તિથિ બદ્રીનારાયણ દર્શન તિથિ તરીકે મનાવાય છે. વર્ષમાં એક જ વાર થતાં શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયના દિવસે જ થતાં હોવાથી આ દિવસે રાષ્ટ્રભરમાંથી ભાવિકો શ્રી વિહારીજીનાં ચરણ દર્શનાર્થે વૃંદાવન પધારે છે.

                અયોઘ્યામાં આજે શ્રી ઠાકુરજીની વિશેષ અર્ચના થાય છે. વ્રજમાં આજે સ્ત્રીઓ વૈશાખસ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવી તે ગ્રહણ કરાય છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિન્દ ચંદન ચર્ચિત વિગ્રહનાં નિરાવરણ દર્શન પણ ફકત આજના દિવસે જ થાય છે.

યાત્રાધામ જગન્નાથપુરીમાં અષાઢી રથયાત્રા માટેના રથોના નિર્માણનું કાર્ય પણ આજથી જ પ્રારંભ થાય છે. ખેડૂતો દ્વારા ખેતરમાં બીજ રોપવાનો પ્રારંભ થાય છે. આજે અહીં ભવ્ય ચંદનયાત્રાનું પણ આયોજન થાય છે. બુદેલખંડમાં આજનું પર્વ પૌત્ર-પૌત્રઓનું પૂજન કરી સંપન્ન થાય છે, જે બાલિકાઓને અપરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે.

                આજે મહારાષ્ટ્રમાં ત્યાં ચાલતો હલ્દીરોરીનામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરદસ્તીથી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉરચારણ કરવા ફરજ પડાય છે.સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉરચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવાય છે, જેને ત્યાં ઉખાણા તરીકે ઓળખાય છે.

                ગુજરાતમાં આજે ઘટ, વસ્ત્ર, પંખા તથા અન્ન દ્રવ્ય આદિનું દાન કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ પીવાનાં પાણીની પરબ પણ શરૂ થાય છે. આજે શ્રીનાથજીમાં ભગવાનને વિશેષ કરીને મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીનાં આભરણ ધરાવાય છે અને કીર્તન પણ ગવાય છે. રાજસ્થાનમાં એવી માન્યતા પ્રચલિત છે તે મુજબ આજના દિવસે કરેલાં લગ્ન ખંડિત નથી થતાં તેથી હજારોની સંખ્યામાં બાળ-લગ્ન પણ થાય છે.

                આજનો દિન એટલે તો કોઈ પણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત.અને આજે તો કહે છે કે સુવર્ણ ખરીદવા માટેનો સોનેરો દિવસ પણ અને ઘણા લોકો આજે કોઈ ચીજ-વસ્તું કે આભૂષણોની ખરીદી કરશે.પણ ચાલો આજે એક વધું સંકલ્પ કરીએ કે આજથી આપણે એક વધું સારો માણસ બનવા પ્રયત્ન કરીશુ.આડોશ-પડોશ,સગા સંબંધી કે સહકર્મીઓને બને તેટલા ઓછા નડતરરૂપ થઈશું,અને હંમેશા સત્કાર્ય કરવાની કોશિશ કરીશુ.વળી આજના દિવસે તો સદીયોથી કેટલાય લોકો લગ્નગ્રંથિથી જોડાયા હશે અથવા તો આજે જોડાવવાનાં પણ હશે.તો આવા શુભપ્રસંગે એક લગ્નગીત માણીએ તો કેવું ? પણ પછી આવા સારા પ્રસંગમાં આપણા નાના ભૂલકાઓને કેમ કરી ભૂલી જવાય વળી અત્યારે તો તેમનું વેકેશન પણ છે.તો આજે નાના-મોટાં સૌને ગમતું એક લોકગીત અહીં રજું કરું છું.પણ જ્યાં સુધી મને યાદ છે હજી આમાં છેલ્લે એક પંક્તિ ખૂટે છે જે મારી પાસેના ગીતમાં નથી પણ જેમાં કંઈક એવું આવે છે કે ચતુર કરો રે વિચાર‘… અને આ પંક્તિ પરથી આ બાળગીત જેવું લોકગીત એક આધ્યાત્મ તરફ અને જીવનનાં અકળ સત્ય તરફ લઈ જાય છે.તો આપ સર્વે મિત્રો/વડીલોને વિનંતી છે કે આપને જો આ પંક્તિની જાણ હોય તો મહેરબાની કરીને મને જણાવશો.વળી આ ગીતને સુર સાથે માણવાની મજા પણ કંઈક ઓર જ છે,જે માટે સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશોને…..

 

 akshay-trutiya

 

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઘોડલે બાંધ્યો રૂડો માંડવો રે,

ખજુરો પીરસે ખારેક,

ઉંદરડે ગાયા રૂડા ગીતડાં,

હે…પોપટ પીરસે પકવાન,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

મકોડાને મોકલ્યો માળવે રે,

લેવા માળવિયો ગોળ,

મકોડો કેડેથી પાતળો,

હે…ગોળ ઉપડ્યો ના જાય,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

મીનીબાઈને મોકલ્યાં ગામમાં રે,

એવા નોતરવાં ગામ,

સામે મળ્યા બે કૂતરાં,

હે..બિલાડીનાં કરડ્યાં બે કાન,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઘોડે રે બાંધ્યા પગે ઘૂઘરાં રે,

હાથીએ બાંધી છે કટાર,

ઊંટે બાંધ્યા ગળે ઢોલકાં,

હે…ગધેડો ફૂંકે શરણાઈ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

ઉંદરમામા હાલ્યા એ રિસામણે રે,

બેઠા દરિયાને બેટ,

દેડકો બેઠો ડગમગે,

હે…મને કપડા પહેરાવ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

 

વાંસડે ચડ્યો એક વાંદરો રે,

જુએ જાનુની વાટ,

આજે તો જાન ને લૂંટવી,

હે…લેવા સર્વેના પ્રાણ,

હાલો ને કીડીભાઈની જાનમાં,

એ હાલો હાલો ને કીડીભાઈની જાનમાં.

“ વિશ્વ પુસ્તક દિન ”…મારા પુસ્તકોની છાજલી….. રમેશ પારેખ

April 23, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૨૩મી એપ્રિલ.આજના દિને ઈસ ૧૫૬૪માં પ્રખ્યાત નાટ્યકાર અને લેખક વિલિયમ શેક્સપિયર નો જન્મ થયેલ અને ઈસ ૧૬૧૬મા તેમનું દિને અવસાન થયેલ તેથી યુનેસ્કો દ્વારા આજના દિનને વિશ્વ પુસ્તક દિન તરીકે મનાવવામાં આવે છે.અને વળી આમાં ઉમેરો કરી સાથે સાથે દિનને કોપીરાઈટ દિન તરીકે પણ ઉજવાય છે.તો આજના દિને આપણૅ આપણા પુસ્તક વાંચનના શોખને ફરી જાગૃત કરીએ.અને સાથે સાથે કોપીરાઈટના અધિકારને માન્ય રાખી પ્રણ લઈએ કે એક બ્લોગર કે પછી કાવ્ય કે જિંદગીના કોઈપણ ક્ષેત્રમાં બીજાએ કરેલા કામની પ્રશંસા કરી તેનો શ્રેય તેને આપીશું અને તેની મહેનત લગન લાગણીઓને આપણા નામે નહી ખપાવી દઈએ.અને જો તેને આપણા કાર્યમાં ઉપયોગ કે બ્લોગમાં સ્થાન આપીએ તો પણ જે તે કવિનું નામ જરૂર પ્રકાશિત કરીએ તથા જો કોઈ અન્ય બ્લોગ પરથી કોઈ માહિતી લીધેલ હોય તો તેનો પણ સંદર્ભ જરૂરથી આપીશું.અને માર્ગે પહેલ કરનારા અને સાચી રાહ ચીંધનારા ફન એન ગ્યાનનાં વિનયભાઈ ખત્રીને પણ ખુબ ખુબ ધન્યવાદ.અને આશા છે કે દરેક મિત્રો આમાં સાથ સહકાર આપશે.આખરે જો કોઈ આપણી કરેલ મહેનતનો જશ ખાટી જાય તો આપણને કેવું લાગે ? તો એમ જો આપણે કોઈનો હક છીનવીએ તો તેને પણ ખરાબ લાગે ને

                પોસ્ટ માટે કઈ રચના મૂકું તે વિચારી રહ્યો હતો ત્યાં યાદ આવ્યું કે ફોર એસ વીપ્રભાતનાં પુષ્પો પર રમેશ પારેખની રચના મારા પુસ્તકોની છાજલી વાંચેલી.અને પુસ્તકો વિશે આટલી ગહનતાથી કરેલ વાત માટે આજ થી સુંદર દિન બીજો કયો હોઈ શકે.??? વળી અછાંદસ કાવ્યમાં રચાયેલ પુસ્તકોનો સંવાદ, ધર્મવાદના નામે લડતા લોકોને અપાયેલ ઉચ્ચ કોટીની શીખ અને પુસ્તકોની પવિત્રતા અને મહાત્મય દર્શાવતું કાવ્ય સાચે આપને પણ આપના શ્રેષ્ઠ મિત્ર પુસ્તકો સાથે આપની મિત્રતાની દોરી અતૂટ બાંધી દેશે.તો ચાલો માણીએ રમેશ પારેખની રચના..આને આપ પણ વિષય પર આપનો મંતવ્ય જણાવશો ને…!!!

 

 book-shelf

 

છાજલી પર પુસ્તકો થી જ્ઞ સુધીનાં….

દુનિયાના નકશા જેવો

મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં,

 

છાજલી પર પુસ્તકો‘ – એમ કહું કહું ત્યાં

છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.

તે કહે છે : તો ફરિશ્તાઓની વસ્તી છે !

ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે

 

અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે

               - એમ બબડતું કોઇ પુસ્તક.

મારાં બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ

               - એવું જાહેર કરે કોઇ ઝીણકુડી ચોપડી.

ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ :

              અલ્યા, અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.

             ગીતફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,

             ગીતખૂણે બેસી આસું પાડતી નવવિધવાનાં,

             ગીતયુદ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,

            ગીતભૂખથી વલવલતાં શિશુઓનાં,

            ગીતહોસ્પિટલમાં કણસતાં રુગ્ણોનાં, ગીતમાનવ્યનાં,

            ગીતમાનવ્ય માટે ઝૂઝતાં ચપટીક શ્વાસોનાં,

            ગીતનિઃશ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં

અહીં ફિલસૂફોએ, ઉકેલી નાખ્યો છે કાળનો કોયડો

              - એમ ધીમેકથી કહે કોઈ જર્જરિત ચોપડી -

બધાં ગ્રંથો છે સમાજની યાદદાસ્ત

              - એમ કહી ટપ્પ કરતું નીચે પડે કોઈ પુસ્તક.

 

મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.

અહીં અક્ષર છે, ધર્મજે ખંડિત કરતો નથી કશું,

જે બનતો નથી કદી પશુ,

બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.

નથી ભોંકતો કોઈને છૂરો.

 

અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી,

તો બકરીય કરે નહીં બેં. એવું રામરાજ્ય છે !

અહીં એકે અક્ષર નથી ધર્માંધ. અહીંથી ઊગે છે સૂર્ય

જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ

 

ચાચા ગાલિબ એના દીવાનમાંથી,

ડોકિયું કરી પૂછે: તું કોણ ? ’

તો  હોઠ બોલી ઊઠે હું મુસલમાન !

 

મીરાં, કબીર, તુલસી, નાનક

પૂછે તારું ક્યું થાનક, જ્ય આં તું ટેકવે તારું મસ્તક

ને ભીડ પડ્યે કોને દરવાજે ધૈ તું દસ્તક ?

તો હું ચીંધું મારા પુસ્તકની છાજલી

 

ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને હીંધે દિશા

પુસ્તકમાં જાયઆવે મારા ઈચાર લિસ્સા !

મારી છાજલી રામની જન્મભૂમિ નથી,

તો છે વૃંદાવન,

જ્યાં વિશ્વની તમામ સુંદરતા

ગોપી બનીને રાસ રમે

મારું અંતર એમાં ફેરફોદરડી ભમે

 

ધર્મનો

બે પૂઠાં વચ્ચેથી નીકળીને

બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો

 

તો ઉપદેશકો, હોશિયાર !

મારી છાજલી પર પુસ્તકોની કતાર,

જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર

 

તમારાં કંઠી કંઠા મારા અભ્યાસખંડને અભડાવે

બિભત્સતા મારા ખંડનાં બારણાં અભડાવે

તો બસ.

આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગા છે -

મારા પુસ્તકોની છાજલી.

મારો અભ્યાસખંડ તીર્થ છે, મારાં માંહ્યલાનું,

તમે આવો તો તમારું !

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

આભાર ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો

            ગત વર્ષે આજના દિને પ્રસિદ્ધ થયેલ રચના  વિશ્વ પુસ્તક દિન”…તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી  પણ જરૂરથી માણવી ગમશે.

નારી બચત દિન…વંદે રોટી માતરમ…..પ્રવીણ ગઢવી

April 15, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                ગઈ કાલે હતી ૧૪મી એપ્રિલ ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન અને દલિત સમાજના ઉદ્ધારક એવા શ્રી ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૧૮મી જન્મજયંતિ.તેમણે દલિતોના ઉદ્ધાર માટે ઘણું કરેલ.ત્યારે અધ્યારૂનું જગત પરની પ્રવિણભાઈ ગઢવીની રચના યાદ આવી હું ઉપેક્ષિત અને તે મુકવાનું વિચારેલ પણ…

                વળી આજે છે ૧૫મી એપ્રિલ અને આજે આ દિન નારી બચત દિન તરીકે ઉજવવામાં આવે છે.અને આમ પણ ઘરનો વહીવટ તો નારીના હાથમાં જ તો હોય છે.આપણે ભલે કદાચ સેલ અને ખરીદીની બાબત આવે અને નારી હોય એટલે ખીસ્સું ખાલી કરી નારીને વગોવતા હોઈએ પણ એ નારી જ તેમ છતા ભાવતોલ કરી કરકસર કરી,બચત કરતી જ હોય છે અને પોતાના પરિવાર માટે મુસ્કેલીના સમયમાં કામ આવે તે રીતે કાર્યરત હોય જ છે.અને તેનું સીધું સાદું સુત્ર છે,

આવક - ખર્ચ + કરકસર = બચત.

પણ કરકસર કરવી કંજુસાઈ નહી.જરૂરિયાતની વસ્તું માટૅ નાણા જરૂર ખર્ચો પણ જેની જરૂર ન હોય અને તેની ખરીદી કરી આવીએ તો તો બજેટ ખોરવાઈ જ જાયને…જેથી જ્યારે પણ ખરીદી કરવા જઈએ ત્યારે જે ખરીદવું હોય તેની યાદી બનાવીને જ જવું જોઈએ જેથી જરૂરિયાત વિનાની વસ્તુ ના લેવાઈ જાય.અને હા આપણા ઘરની નારી સાથે સાથે આપણે પુરૂષોએ પણ આ વિશે તો વિચારવું જ પડે ને.

                તો આ બંને દિન ઉપક્રમે આ રચના ગમી.પહેલાના દલિત વર્ગની સમસ્યા કહો કે દરેક વ્યક્તિની માનવજીવનની જરૂરીયાત છે રોટી.અને આ પાપી પેટ માટે તો લોકો કંઈ પણ કરી છૂટે છે.અને આ માટે પોતાની આવકમાંથી બચત કે પછી ગરીબ વર્ગ માટે તો તેની સમગ્ર દિનની કમાણી આ રોટી પાછળ જ ખર્ચાતી હોય છે તો ચાલો આજે માણીએ આ એક વ્યંગકાવ્ય. આ વિશે આપનો મંતવ્ય જણાવશોને…!!! 

 

 rotii

 

રોટીની વાત કરતા શરમાય છે.

અભડાય છે.

અર્થશાસ્ત્ર મૂડીની વાત કરે છે,

સમાજશાસ્ત્ર જ્ઞાતિસમૂહની વાત કરે છે,

વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધન કરે છે,

ઈતિહાસ કુરૂક્ષેત્રોનું વર્ણન કરે છે,

પરંતુ

રોટી રમખાણોની નોંધ લેતો નથી

કોઈ રાષ્ટ્રે એના રાષ્ટ્રધ્વજમાં

રોટીનું ચિન્હ રાખ્યું નથી

કોઈ રાષ્ટ્રગીતમાં વંદે રોટીગવાતું નથી.

…………………………………..

આભાર અધ્યારૂનું જગત

                વળી ૮મી એપ્રિલના રોજ વિજયભાઈના બ્લોગ ગુજરાતી સાહિત્યસંગમ પર મનનો વિશ્વાસની એક નાનકડી સફરયાત્રા રજુ થયેલ છે તો આપ તેની મુલાકાત પણ જરૂરથી લઈ ત્યાં પણ આપનો પ્રતિભાવ આપશો તેવી આશા.

સલામત માતૃત્વ દિન…જનની…..રમેશ પટેલ ‘આકાશદીપ’

April 11, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

            આજે છે ૧૧મી એપ્રિલ.આજે છે સલામત માતૃત્વ દિન એટલેકે જનની સુરક્ષા દિન.તો આજે એ સૌ જનનીઓને મારા પ્રણામ, અને ચાલો સંકલ્પ કરીએ કે એક પતિ, પુત્ર કે ભાઈ તરીકે આપણે આપણા ઘરમાં રહેલી માતાની કાળજી લઈશું ન માત્ર આજ પણ જીવનભર તેની સારસંભાળ લેશું અને તેમની મદદ કરીશું.વળી ગત વર્ષે આ દિન પર રજું થયેલ જનની સુરક્ષા દિનમા.. મા પરની રચના અને ગર્ભવતી સ્ત્રીઓની કેવી રિતે કાળજી લઈ શકાય તે મુદ્દાઓ રજું કર્યા હતા તેની મુલાકાત પણ જરૂરથી લેશો.અને આજે માણીએ આપણા રમેશભાઈ પટેલની આ રચના…રચના માણ્યા બાદ આપનો પ્રતિભાવ આપશોને…

 

janani09 

 

જગની સઘળી શાતાની તું દાતા

જન્મદાતા   વિધાતા   તું   માતા.

 

પાવન તીર્થો સમાયાં તારા ચરણે

માણે   શીશુ  સ્વર્ગ  તવ   શરણે.

 

ઈશ્વરની પ્રતિકૃતિ છે માની સૂરત

સર્વ  સ્નેહથી વડી  તારી  મૂરત.

 

સંતાન કાજે ત્રિવિધ તાપે તપતી

સમર્પણ તપસ્યાની  તું મંગલ મૂર્તિ.

 

ઝીલે આશીષ બાળ તારા સુભાગી

લાગે પાય  ભાળી તારામાં અવિનાશી

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

તથા અગાઉ રજું થયેલ અન્ય કેટલીક માતા પરની નીચેની રચનાઓની પણ જરૂર મુલાકાત લેજો.

H..जीवन है एक बहेती धारा

મમતાના મોલ – રમેશ પટેલ ‘આકાશદીપ

વિશ્વ સ્તનપાન સપ્તાહ” …..

H..ओ ओ ओ मां..तेरे हाथमेरी आवाज़ को मिल गई रोशनी

શ્રેષ્ઠ મિત્ર….ભગવતી શર્મા

હનુમાન જયંતિ…બોલો રામ રામ રામ…..

April 9, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ચૈત્ર સુદ પુનમ.આજે છે હનુમાન જયંતિ.હમણાં જ રામનવમી ગઈ અને હવે આવ્યો મહાબલી હનુમાનનો જન્મદિવસ.અને હનુમાનજી તો શ્રીરામના અનન્ય ભક્ત હતા અને તેમણે તો છાતી ચીરીને પ્રભુના દર્શન તેમના અંતરમાં કરાવ્યા હતા. અને આ વાતને જો મેડિકલ સાયન્સ પ્રમાણે કહું તો ઓપન હાર્ટ સર્જરી Open Heart surgery ના પ્રણેતા તેઓને કહી શકાય કદાચ તેમના પરથી પ્રેરાઈને જ આવી શસ્ત્રક્રિયા શક્ય બની.તો ચાલો પહેલા તેમની જન્મજયંતિ પર શ્રી હનુમાનજીની પૂજાવિધી પણ જાણી લઈએ.

                વ્રતની પૂર્વ રાત્રિએ બ્રહ્મચર્યપાલનપૂર્વક પૃથ્વી પર શયન કરવું. પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને શ્રીરામ તેમજ જાનકીજી તથા હનુમાનજીનું સ્મરણ કરી નિત્યક્રિયામાંથી નિવૃત્ત થઈ સ્નાન કરવું. હનુમાનજીની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરી સવિધિ ષોડશોપચાર પૂજન - ૐ હનુમંતે નમઃ મંત્રથી કરવું. આ દિવસે વાલ્મીકિય રામાયણ અથવા તુલસીકૃત શ્રીરામચરિત માનસના સુંદરકાણ્ડનો કે શ્રી હનુમાન ચાલીસાનો અખંડ પાઠ કરવો જોઈએ. હનુમાનજીનાં ગુણગાન, ભજન અને કીર્તન કરવાં જોઈએ. શ્રી હનુમાનજીની મૂર્તિ ને સિન્દૂરથી શૃંગાર કરવો જોઈએ. નૈવેદ્યમાં ગોળ, પલાળેલા ચણા યા શેકેલા ચણા તથા બેસનનો લાડુ મૂકવો જોઈએ.

                તો ચાલો આજે માણીએ હનુમાનજીનું આ એક લોકગીત જેમાં તેમની લંકાયાત્રાનું પણ વર્ણન કરેલ છે.અને હા મિત્રો આ ગીતને સુર સાથે સુલભગુર્જરી માં જરૂર માણજો.અને આ ગીત સાંભળીને લખેલ છે તો જો તેમાં કોઈ ભૂલ કે ક્ષતિ હોય તો તે પણ જણાવશો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો.

 

hanuman1 

 

ઉડધી ઉલંગે ઉડ્યો,હે હાકલ મારીને હનુમાન,

હે રુદિયામાં તો રામને રાખ્યાં,સમર્યાં સીતા રામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ….(૨)

 

અંગદ સુગ્રીવ નલ નીલ ને અગણિત યોદ્ધા નાવ,

હે વાનરસેના એ વસમી વેળાએ કર્યા પ્રભુનાં કામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ… (૨)

 

 

કપૂર તરે તો પીચર(?) લીધો,લખ્યું રામનું નામ,

પથ્થર તર્યાં ને પાંજ બાંધી,કીધા પ્રભુને પ્રણામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ… (૨)

 

પવનપુત્ર એ પગલાં પાડ્યાં,હો ગજાવ્યું લંકા ગામ,

દરિયા માથે દોટ દીધી તી,કીધા જ ઈશ્વર કામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ… (૨)

 

શ્રી હરિનંદન કામ જ કીધું, નથ આવ્યા નિજ ધામ,

સદા સમીપમ દર્દ પીધાં દશરથનંદન રામ,

બોલો રામ રામ રામ,બોલો રામ રામ રામ… (૨)

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

વળી ગઈ હનુમાન જયંતિ પર ભાવાર્થ સાથે મુકેલ  શ્રી હનુમાન ચાલીસા….તુલસીદાસ અને સાથે સાથે હમણાં જ રજું થયેલ  હનુમાનજીનું હાલરડું…..રમેશ પટેલ ‘આકાશદીપનીપણ જરૂર મુલાકાત લેજો.

વિશ્વ આરોગ્ય દિન ૨૦૦૯…શ્રી મહાવીર જયંતિ…બોલીએ નમો મહાવીર(નવકારમંત્ર અને અર્થ)….. અમિત ત્રિવેદી

April 7, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે ૭મી એપ્રિલ.એટલે વિશ્વ આરોગ્ય દિન. World Health Day”. વિશ્વ આરોગ્ય સંસ્થા [WHO]ની સ્થાપના આજના દિને થઈ હતી. સંસ્થા દર વર્ષે વૈશ્વિક આરોગ્યને સાંકળતા પાસાઓનો અભ્યાસ કરી જુદા જુદા વિષયો અને મુદ્દાઓ પર સમગ્ર વિશ્વનું ધ્યાન દોરે છે.અને દર વર્ષે ઉજવાતા દિનની દર વર્ષે એક નવી થીમ હોય છે અને વર્ષ ૨૦૦૯ની થીમ છે,

જીવન બચાવો,તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલો સુવ્યવસ્થિત અને સલામત બનાવો.”

અંગ્રેજીમાં કહીએ તો,

“Save lives. Make Hospitals Safe In Emergency.”

world-health-day-2009

                વિશ્વમાં સર્જાતી કુદરતી કે માનવસર્જીત હોનારતોમાં વ્યક્તિના જીવન માટે સહુંથી સલામત હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાના કાર્યકરોના હાથમાં હોય છે અને હોનારતો સામે ટકી રહેવા માટે હોસ્પિટલોને મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવી પડશે અને તબીબો અને આરોગ્ય કાર્યકરોને પણ આવા વખતે કઈ રીતે કામ લઈ ઉત્તમ આરોગ્ય સેવા પ્રદાન કરી વધું લોકોના જીવન બચાવી શકાય તેવી તાલીમ આપવી જોઈએ, મુદ્દાને ધ્યાનમાં લઈ  WHOના વડા, ડાયરેક્ટર ડો.માર્ગારેટે વખતે થીમ નક્કી કરેલ છે. માટે મુખ્યત્વે ત્રણ મુદ્દાઓને આવરી લેવાયા છે

 

.આપની હોસ્પિટલની સલામતી ચકાસો. Assess the safety of your hospital

 

.કટોકટીના સમય માટેની આરોગ્ય કાર્યકર્તાઓને યોગ્ય તાલીમ આપો. Protect and train health workers for emergencies.

 

.કટોકટીમાંથી ઉગરવા સાથે મળી યોજના બનાવો. Plan together for emergency response.

 

                સિવાય પણ ઘણા મહત્વનાં મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે. અંગે વધું માહિતી વાંચવા માટે અહીં નીચે આપેલ એક પુસ્તકની લિન્ક પર ક્લીક કરવાથી વાંચી શકશો.અને ઉપરાંત વધું માહિતી જોઈતી હોય કે શું પ્રવૃતિ થઈ રહી છે અને આપણે પણ કઈ કઈ પ્રવૃતિઓ કરી શકીએ તથા ભૂતકાળમાં ઉજવાયેલા વિવિધ વિશ્વ આરોગ્ય દિન અને તેની થીમ તથા સફળતા વિશેની બધી જાણકારી માટે નીચે આપેલ WHOની વેબસાઈટની મુલાકાત જરૂરથી લેજો.

વિશ્વ આરોગ્ય દિન ૨૦૦૯ સંક્ષિપ્ત જાણકારી માટેનું પુસ્તક.

વિશ્વ આરોગ્ય સંસ્થાની વિશ્વ આરોગ્ય દિન ૨૦૦૯ની પ્રવૃતિઓ.

               

                વળી આજે છે ચૈત્ર સુદ તેરસ પણ.એટલે જૈનોના તીર્થકર એવા શ્રી મહાવીર ભગવાનની જન્મજયંતિ.શ્રી મહાવીર જયંતિ.એટલે આજના દિને તો બેવડો આનંદ થઈ ગયો હે નેતો ચાલો આજે ભગવાન મહાવીરને યાદ કરી તેમની પૂજા અર્ચના સાથે નવકારમંત્રનું પઠન કરીએ.અને કહેવાય છે કે નવકાર મંત્ર સર્વ મંત્રોમાં મંગલમય છે તો મંત્રનું પઠન કરતા કરતાં ઉજવીએ મહાવીર જયંતિ અને વિશ્વ આરોગ્ય દિન પણ.અને આપ સર્વે પણ ઉત્સવમાં જોડાશોને.અને હા નવકાર મંત્રને સુર સાથે માણવો હોય તો જયશ્રીબેનના ટહુકાની મુલાકાત લેવાનું ભૂલતાં નહીં હોં કેઅને આપનો અમૂલ્ય પ્રતિભાવ પણ આપશો ને

 

shri-mahavir

બોલીએ   નમો  મહાવીર , બોલીએ નમો ત્રિશલા નંદા
વંદન   કરીએ  મહાપ્રભુને   ,  નિરખી   નિમઁલ આંખોમાં

 

વંદન    કરીએ     અરિહંતને  ,      નમો    અરિહંતાણં
ધ્યાન   ધરી   સિધ્ધ   ભગવંતોનુ  ,    નમો સિધ્ધાણં

 

મન  સ્મરીલે  આચાયૅ દેવોને   નમો  આયરિયાણં
વંદન    ઉપાધ્યાય   દેવોને  ,     નમો   ઉવજ્ઝાયણં

 

તમે   અમારા   તારણહારા    ગાઇએ    તવ   ગુણગાન
વંદન  સઘળા  સાધુજનોને  ,  નમો  લોએ  સવ્વસાહૂણં

 

રોમ  રોમમાં  પુલકિત  થઇને   પંચ દેવને  નમન કરો
પળે   પળે   સૌ  જપતા  રહીએઅસો પંચ  નમુક્કારો

 

દૂર   થશે  સઘળા  પાપો , નિત્ય    હૈયે   નવકાર  ગણો
અર્થ એનો સૌ સહુ  સમજી લઇએ , સવ્વપાવપ્પણાસણૉ

 

મંત્ર એક નવકાર જગતમાં સર્વ મંગળોમાં અતિ મંગળ
મંગલાણં        સવ્વેસિં  ,   પઢમં      હવઇ    મંગલમ્

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ગત વર્ષે આજ દિને રજું થયેલ વિશ્વ આરોગ્ય દિન….વિશ્વ–“મન રચના પણ જરૂર માણશો.

રામનવમી…રામ રમે સોગઠે રે…..

April 3, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે આમ તો ચૈત્ર સુદ આઠમ છે પણ નોમનો ક્ષય હોવાથી બપોર બાદ નોમ ગણવામાં આવે છે.તો આજે છે ચૈત્રી નવરાત્રીનું છેલ્લું નોરતું અને વળી હવે બપોર થઈ ગઈ હોવાથી આજે રામનવમી પણ છે.રામનવમી એ સમગ્ર જગતને માટે એક સૌભાગ્યનો દિવસ છે કેમકે અખિલ વિશ્વપતિ સચ્ચિદાનંદધન શ્રી ભગવાન આ દિવસે રાવણના અત્યાચારથી પીડાતી પૃથ્વીને સુખી કરવા અને સનાતન ધર્મની મર્યાદાની સ્થાપના કરવા માટે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામના રૂપમાં પ્રકટ થયા હતા. અગસ્ત્થ સંહિતા અનુસાર ચૈત્ર સુદ નોમના દિવસે પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્યાન્ય પાંચ ગ્રહોની શુભ દૃષ્ટિની સાથે મેષ રાશિ પર બિરાજમાન હતો ત્યારે સાક્ષાત ભગવાન શ્રીરામનો માતા કૌશલ્યાના ગર્ભથી જન્મ થયો હતો.

શ્રી રામ અખિલ વિશ્વના એક પ્રાણારામ છે. સર્વવ્યાપી નારાયણ સૌના છે, સર્વમાં છે, સૌની સાથે સદા સંયુક્ત છે અને સર્વમય છે. જે પણ કોઈ જીવ તેમની આદર્શ મર્યાદા – લીલા, તેમના પુણ્ય ચરિત્રનું શ્રદ્ધપૂર્વક ગાન, શ્રવણ અને અનુકરણ કરે છે, તે પવિત્ર હૃદય બનીને પરમ સુખને પ્રાપ્ત કરી શકે છે. શ્રીરામ સમાન આદર્શ પુરુષ, આદર્શ ધર્માત્મા, આદર્શ નરપતિ, આદર્શ મિત્ર, આદર્શ ભાઈ, આદર્શ પુત્ર, આદર્શ ગુરુ, આદર્શ શિષ્ય, આદર્શ પતિ, આદર્શ સ્વામી, આદર્શ સેવક, આદર્શ વીર, આદર્શ દયાળુ, આદર્શ શરણાગત, વત્સલ, આદર્શ તપસ્વી, આદર્શ સત્યવાદી, આદર્શ દૃઢપ્રતિજ્ઞા તથા આદર્શ સંયમી હતા. જગતના ઈતિહાસમાં શ્રીરામની તુલનામાં એક શ્રીરામ જ છે. સાક્ષાત્ પરમપુરૂષ પરમાત્મા હોવા છતાં પણ શ્રીરામે જીવોને સત્યપથ પર આરૂઢ કરાવવા માટે એવી તો આદર્શ લીલાઓ કરી કે જેનું અનુકરણ સઘળા લોકો સુખપૂર્વક કરી શકે છે. શ્રીરામનો જન્મ દિવસ ચૈત્ર સુદ નોમ છે. સૌ શ્રીરામને સાક્ષાત્ ભગવાન અને પોતાના આદર્શ પૂર્વ પુરુષના રૂપમાં અવતરિત થયેલ માને છે. તો ચાલો આ રામનવમીના વ્રતની વિધી પણ જાણી લઈએ.

ચૈત્ર સુદ નોમને દિવસે શ્રી રામનવમીનું વ્રત હોય છે. આ વ્રત મધ્યાહ્ન વ્યાપિની દશમી વિદ્યા નવમીએ કરવું જોઈએ. અગસ્ત્ય સંહિતામાં કહ્યું છે કે જો ચૈત્ર સુદ નોમે પુનર્વસુ નક્ષત્ર યુક્ત હોય અને તે મધ્યાહ્નના સમયે તે રહે તો તે મહાન પુણ્યદાયિની હોય છે. પુનર્વસુ નક્ષત્રથી યુક્ત નોમની તિથિ સઘળી કામનાઓને પૂર્ણ કરનારી છે. અષ્ટમીવિદ્યા નોમ વિષ્ણુ ભક્તોએ છોડી દેવી જોઈએ. આ નોમના દિવસે વ્રત તથા દશમના દિવસે પારણાં કરવા જોઈએ. જે રામનવમીનું વ્રત કરે છે તેનાં અનેક જન્મોનાં પાપોનો નાશ થઈ જાય છે અને તેને ભગવાન વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય છે. શ્રીરામનવમીના વ્રતથી ભક્તિ અને મુક્તિ એ બંનેની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

          શ્રીરામનવમીના દિવસે પ્રાતઃ કાળે નિત્યકર્મમાંથી પરવારી પોતાના ઘરના ઉત્તર ભાગમાં એક સુંદર મંડપ બનાવી લેવો. મંડપના પૂર્વ દ્વાર પર શંખ, ચક્ર તથા શ્રી હનુમાનજીની સ્થાપના કરવી. દક્ષિણ દ્વાર પર બાણ, ધનુષબાણ તથા શ્રી ગરુડજીની, પશ્ચિમ દ્વાર પર ગદા, ખડગ અને શ્રી અંગદજીની અને ઉત્તર દ્વાર પર પદ્મ, સ્વસ્તિક અને શ્રી નીલજીની સ્થાપના કરવી. વચમાં ચાર હાથ વિસ્તારની વેદિકા હોવી જોઈએ, જેમાં સુંદર તોરણ બાંધેલું હોવું જોઈએ. આ પ્રકારની તૈયારી કરી મંડપની મધ્યે ભગવાન શ્રી સીતારામને સ્થાપિત કરી વિવિધ ઉપચારોપૂર્વક યથાવિધિ પૂજન કરવું. તે પછી નીચે આપેલા મંત્રથી ભગવાનની આરતી કરવી જોઈએ.

મંગલાર્થ મહીપાલ નીરાજનમિદં હરે I

સંગૃહાણ જગન્નાથ રામચન્દ્ર નમોડસ્તુતે II

અર્થાત્ હે  પૃથિવીપાલક ભગવાન શ્રી રામચન્દ્ર આપના સર્વવિધ મંગળને માટે આ આરતી છે. હે જગન્નાથ ! તેનો આપ સ્વીકાર કરો. આપને પ્રણામ છે.

ઉપરોક્ત શ્લોકના રટણ સાથે કોઈ શુદ્ધ પાત્રમાં કપૂર તથા ઘીની દીવેટોથી ભગવાન શ્રી સીતારામજીની આરતી ઉતારવી જોઈએ. અંજલિમાં પુષ્પ લઈને આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. દેવોના દેવ, શાર્ડુ, ધનુર્ધર, ચિન્મયા, અનંત રૃપ ધારણ કરનારા, સીતાપતિ ભગવાન શ્રી રઘુનાથજીને વારંવાર પ્રણામ છે. મંદિરોમાં પણ ભગવાનને પંચામૃતસ્નાન, યથાવિધિ પૂજન તથા પંચાજીરી અને ફળોનો ભોગ ધરાવી મધ્યાહ્ન  કાળમાં (બાર વાગે) વિશેષ આરતી અને પુષ્પાંજલિ વગેરે કરવાની એક પરંપરા છે.

વ્રતાર્કઅનુસાર રામનવમીનો દિવસ સાંસ્કૃતિક પાવનતાનો એકચ્છત્ર રામરાજ્યનો દિવસ છે. શ્રીરામ વિશ્વમૂર્તિ  છે, જ્ઞાનગમ્ય છે, સર્વાત્મા છે. તેમના જીવનનો એક જ જીવનમંત્ર હતો – ભૂમા વૈ સુખં નાલ્યે સુખમસ્તિ I અર્થાત્ બધાની સાથે ચાલવામાં જ સાચું સુખ છે, અલ્પમાં નથી. શ્રી રામનવમી આપણને એ સાંસ્કૃતિક સંદેશ  આપે છે. પોતાને શુદ્ધ કરો, જ્ઞાનની સીમાનો વિસ્તાર કરો, આત્માની સાથે જ વિશ્વાત્માને ઓળખો તથા સદ્ભાવ, સમભાવ અને સહજ ભાવે પોતાના જીવનને સફળ અને સાર્થક બનાવો. રામની ભક્તિમાં લીન થઈને રામ બની જાઓ. શ્રી રામાર્પણ મસ્તુસ્વયં આનંદિત રહીને બીજાઓને આનંદિત કરવા એ જ રામનું સાચું રામત્વ છે.

તો ચાલો આ શુભદિને આ સંકલ્પ કરીએ અને આજે માણીએ ભગવાન શ્રી રામની જીવનગાથા ગાતું એક સુંદર લોકગીત.અને આ લોકગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે. આ માહિતી માટે સંદેશનો આભાર.

 ram-sita1

 

 

હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હે પહેલી બાજી રમિયા રામ અવધપુરીમાં જઈ,

તિલક તાણીયાં રે,તિલક તાણીયાં રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હે બીજી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈ,

ધનુષ તોડીયા રે, ધનુષ તોડીયાં રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હો ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈ,

વાલી માર્યો રે,વાલી માર્યો રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હે ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈ,

રાવણ માર્યો રે,રાવણ માર્યો રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

 

હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)


Follow

Get every new post delivered to your Inbox.