Archive for March, 2009

એક રજકણ સૂરજ થવાને શમણે…..હરીન્દ્ર દવે

March 29, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

કેમ છો? હા હા આજે લાંબું લચક ભાષણ નહી આપું બસ.પણ ગઈકાલે આપે મત આપી અને આપણી પૃથ્વીને મદદ કરી હતી ને…અને આજે છે ૨૯મી માર્ચ.આપણા કવિ શ્રી હરિન્દ્ર દવેની પુણ્યતિથિ.તેમના વિશે થોડી માહિતી ગત વર્ષે આજ દિને રજું કરી હતી જેની લિન્ક નીચે આપેલ છે તથા સુરેશભાઈ જાનીના બ્લોગ પર તેમનો આપેલ વિગતવાર કવિ પરિચય પણ માણી શકો છો.તો આજે વધું ન કહેતા માણૉ હરિન્દ્ર દવેની આ રચના જે કંઈક સપનાઓ અને અરમાનો સાથે એક સુંદર અનુભૂતિ કરાવે છે અને આ ગીત મારૂ ગમતું ગીત છે.આપને આ ગીત કેવું લાગ્યું તે જણાવશો ને…

 

અને ટહુકો પરથી મળેલ ડો વિવેક ટેલર દ્વારા આ કાવ્યનો કરેલ રસાસ્વાદ પણ માણવા જેવો ખરો.રજકણ હરીન્દ્ર દવેએ .. 1961માં લખેલી સર્વકાલીન કવિતા છે. આવી કોઈ મહાન કૃતિનું જ્યારે અર્થઘટન કરવાની કોશિશ હું કરી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે મારા નામ-વિવેક-માં જે નથી(વિવે--), બનવાની ધૃષ્ટતા હું નહીં કરું! હરીન્દ્ર દવેના ભાવજગતને આપણા જાગ્રત મનની પછીતે ઊભું રાખીને કાવ્યને જોવાની કોશિશ કરીએ.

કવિતાને મેં જે અલગ અલગ નજરે જોઈ છે, તમામ દ્રષ્ટિકોણેથી આસ્વાદીએ.
               
પહેલી નજરે જોઈએ તો કવિતામાં શું દ્રષ્ટિગોચર થાય છે? કવિતાના શીર્ષક અને ધૃવપંક્તિ એક એવી રજકણની વાત લઈને આવે છે જે સૂરજ થવાનું સપનું જુએ છે. રજકણ પણ ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી જળમાંથી ઘન યાને વાદળ સર્જે કે બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની પેઠે કદીક સાગરમાં જઈને રહે. પણ એના જીવનની વાસ્તવિક્તા સપનાંથી સદૈવ વેગળી રહે છેએક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં રહી જાય છે, એક અકળ મૂંઝવણ બનીને! તોય સૂરજ થવા માટે રજકણ શું નથી કરતી? જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી રજકણને આખરે લોકો ક્યાં પ્હોંચતી જુએ છે-પોતાના ચરણોની નીચે? ધૂળ ઈચ્છે તો પણ સૂરજ બની શક્તી નથી
               
પણ લીટીઓની વચ્ચે છુપાયેલા હરીન્દ્ર દવેને શોધીએ તો? શું અહીં પોતાની રજકણ જેવડી હેસિયત ભૂલીને ખુદાની સમકક્ષ થવાનું સપનું જોતા પામર મનુષ્યની વાત છે? કવિ શું મનુષ્યને એની તુચ્છતાનો અહેસાસ કરાવવા માંગે છે? પોતાની હસ્તીથી વધીને કશું શક્ય નથી એવો ભાવ છુપાયો છે અહીં?

કે પછી નકલ યા ઉછીના મેળવેલા ગુણની નિરર્થક્તાની અહીં વાત છે? અહીં શું એવું ઈંગિત છે કે કોઈના જેવું થવા માટે કરેલા અનુકરણનો અંત આખરે વમળમાં ફસાયેલી રજકણ જેવો હોય છે? અને કોઈની પાસે ભીખીને માંગેલી કળા- ભલે ને પ્રકાશ, અગ્નિ, ગતિ કે ગગનસમી દેદિપ્યમાન કેમ હોય- છે તો ઉછીનું અને નકલ કે ઉધારનું અંતિમ અને સાચું સ્થાન તો લોકોની ઠોકરમાં હોય છે.

                અને ત્રીજો અર્થ એવો પણ તો કાઢી શકાય ને કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોની ઠોકરોમાં ખોવાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી ટચૂકડી હોય, સૂરજ થવાનું સપનું કદી છોડવું જોઈએ?! આપણું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ભલે ને સદગુણોની ભીખ કેમ માંગવી પડેસ્વપ્ન અને એને સફળ કરવા માટેનો પુરૂષાર્થ કોઈ પણ કાળે પડતો મૂકવો જોઈએ

                સિવાય પણ કોઈ અન્ય રીતે કવિતાને મૂલવી શકાશે ને? અન્ય મિત્રો શું કહે છે? છે અહીં એવી કોઈ રજકણ જે સૂરજ થવાનું શમણું દેખે?!
-
વિવેક

 

 

 rajkan

 

 

એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.

 

જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા

 

વમળ મહીં ચકરાઇ રહે કોઇ અકળ મૂંઝવણે.
એક રજકણ સૂરજ થવાને શમણે

 

જ્યોત કને જઇ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઇ લ્હાય;
ગતિ જાચી ઝંઝાનિલથી,
રૂપ ગગનથી ચ્હાય;

 

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ સૂરજ થવાને શમણે

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ગત વર્ષે આજના દિને રજું થયેલ રચના પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે માણવાનું ચૂકતા નહી.

પૃથ્વીની ચૂંટણી…ચૂંટણી જંગ…..રમેશ પટેલ(આકાશદીપ)

March 28, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૮મી માર્ચ.આજે છે એક અનોખી ચૂંટણી અને આ માટેના મતદારો છીએ પૃથ્વી પરના આપણે સૌ લોકો.તો આ ચૂંટણીમાં મત આપવા આપ સર્વે આવશો ને.?અરે કઈ ચૂંટણી ૧૫મી લોકસભાની..! તે તો હજી એપ્રિલમાં છે અને ગુજરાતમાં તો તે ૩૦મી એપ્રિલે છે.તો આજે વળી શેની ચૂંટણી ???,આજની ચૂંટાણી કંઈક વિશિષ્ટ છે જે કોઈ દેશ માટે જ નહી પણ આપણા ગ્રહ પૃથ્વી માટે છે જે આપણા જીવનનો આધાર છે.

આજે આપણૅ વિવિધ સાધનો દ્વારા આપણા વાતાવરણમાં પ્રદૂષણનો કેટલો બધો ફેલાવો કર્યો છે કે આ વિશ્વવ્યાપી પ્રદૂષણ ને કારણે ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સર્જાઈ છે. જેને આપણે Climate Change કે Green House Effect પણ કહીએ છીએ જેના લીધે આપણા બંને ધ્રુવો પર પણ બરફ પીગળી રહ્યો છે અને આ માટૅ ૨૦૦૫માં રીઓ-દી-જાનેરો ખાતે ક્યોટો-પ્રોટોકોલ ઘડવામાં આવ્યો હતો,પણ ત્યાર બાદ ૨૦૦૭માં સિડની શહેરમાં આ અર્થ અવરEARTH HOUR” ને મનાવવામાં આવેલ અને ૨૨ લાખ(૨ Million)લોકોએ પોતાના ઘર-કાર્યાલયની વિજળી બંધ કરીને આ અભિયાનને પોતાનો ટેકો જાહેર કરેલો.અને ગત વર્ષે ૨૦૦૮માં વિવિધ દેશોના ૫ કરોડ (૫ Million)લોકોએ તેને સમર્થન આપેલું,જેમાં સાનફ્રાન્સિકોનો ગોલ્ડન ગેટ બ્રિજ,રોમનું કોલોસ્સીયમ,સિડનીનું ઓપેરા હાઉસ,કોકાકોલા બિલીબોર્ડ વગેરેએ એક કલાક સુધી અંધારાની ચાદર ઓઢી લીધી હતી.

અને આ વર્ષે, ૨૦૦૯માં આગળ વધી એક વૈશ્વિક ચૂંટણી યોજાવાની છે જેમાં ૧૦૦ કરોડથી(૧૦૦ Billion) પણ વધુ લોકો ભાગ લેશે તેવી અપેક્ષા છે.આ ચૂંટણીની તવારીખ આ પ્રમાણે છે.

 

ઉમેદવારના નામ   ૧. પૃથ્વી

                             ૨. ગ્લોબલ વોર્મિંગ.

 

તારીખ અને સમય : ૨૮મી માર્ચ, ૨૦૦૯ શનિવારે  રાત્રે ૮:૩૦ થી ૯:૩૦

 

મત આપવાની રીત :- ઉપર દર્શાવેલ એક કલાક દરમિયાન વીજળી બંધ રાખવાથી પૃથ્વીને મત મળશે,

                                  અને   વીજળી બંધ કરવાથી ગ્લોબલ વોર્મિંગને મત મળશે.

મિત્રો આપને ચૂંટણીની તવારીખ અને પદ્ધતિ તો મળી ગઈ ને હવે આપણૅ નક્કી કરવાનું છે કે આપણૅ કોને જીતાડવો.અને આપણી ભાવિ પેઢીને શું આપવું છે એક સ્વસ્થ અને સુંદર ધરતી કે પછી પ્રદૂષિત વાતાવરણ જ્યાં શ્વાસ લેવો પણ અસહ્ય હશે.અને હા મિત્રો આ ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ કોપેનહેગન ખાતે મળનારી બેઠકમાં ક્યોટો પ્રોટૉકોલને બદલે ગ્લોબલ વોર્મિંગની સામે કેવા અને ક્યા અસરકારક પગલા લેવા જોઈએ એ વિશે સરકારી નીતિની કાયદેસર રૂપરેખા તૈયાર કરવામાં આવવાની છે.

અને હા આ માટૅ આપ વર્લ્ડ વાઈડ ફંડ દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનમાં જોડાવાની સાથે તેની સાઈટની મુલાકાત લઈ ત્યાં રજીસ્ટર કરાવી શકો છો તથા આ માટે આપે કરેલ પ્રવૃતિનો ફોટોગ્રાફ કે વિડીયો પણ મોકલાવી શકો છો અથવા આપના બ્લોગ પર તેની લિન્ક સાથે મુકવાથી કે આપના મિત્રવર્તુળમાં પણ જણાવી આ અભિયાનમાં સાથ આપી શકો છો.વળી ત્યાંથી આપને તેના માટે પોસ્ટર કે વિડીયો પણ મળી શકે છે. આ માટેની લિન્ક નીચે મુજબ છે.

અર્થ અવર ની વિશ્વવ્યાપી સાઈટ

૨૦૦૯ના વર્ષ માટેના અર્થ અવરની સાઈટ

અને આ વૈશ્વિક ચૂંટણી પર રમેશભાઈએ હમણાં જ ચૂંટણી પર રચેલી તેમની એક રચના મને મોકલાવેલ છે તો આજના આ પ્રસંગે મને તે યોગ્ય લાગી કારણકે આ કોઈ દેશની ચૂંટણી નથી પણ સમગ્ર વિશ્વની છે અને આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરી આપણી સ્વસ્થ અને સુંદર પૃથ્વીને જીતાડવાની છે.તો આપ સર્વે સાથ આપશો ને…આપના અભિપ્રાય અને આ અભિયાનમાં આપના સાથ સહકાર અને માર્ગદર્શનની આશા…

 

 earth-hour2009

 આવી છે ચૂંટણી ને જામ્યો છે જંગ
ઉમેદવારના  ઉરમાં ઉછળે  ઉમંગ

રાજકારણના રસિયા સાથ માણજો રે સંગ
દોસ્ત દુશ્મનના ન પરખાશે રંગ

પક્ષા-પક્ષીના ભારે મંડાશે ખેલ
ભોળાને ભરમાવશે ચાતુરી ખેલ

વાતોની વડાઈથી સૌ કરશે બડાઇ
દિવા સ્વપ્નોમાં નીરખતા થાશો સચ્ચાઈ

મત છે કીમતી ન થાશો અજાણ
રુડા રાજકર્તાઓ જ કરશે કલ્યાણ

વાપરજો વિવેકથી મતનો અધિકાર
વિકાસની કેડીઓ પર ચમકશે ચાંદ

ભારતે ગૂંજ્યો છે નવયુગનો જંગ
ચાલો ચટપટી ચૂંટણીનો માણી એ રંગ

ચૈત્રી નવરાત્રીનો શુભારંભ… ગરબો, આવ્યો રે રમતો રમતો…..

March 27, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજથી થાય છે ચૈત્ર મહિનાનો શુભારંભ.ફાગણ ને વિદાય આપી અને હવે આપણે ચૈત્રમાં પ્રવેશ્યા અને શરૂ થઈ ગઈ ચૈત્રી નવરાત્રિ.તો આજે ચાલો માણીએ ચૈત્રી નવરાત્રી પર માતાજીનો એક ગરબો. પણ પહેલા આજના દિનના માહત્મયને તો સમજી લઈએ. નીચેની મરૂન રંગમાં રહેલ માહિતી માટે દિવ્યભાસ્કરનો આભાર.

 

ચૈત્ર માસના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સષ્ટિની રચના કરી. ભગવાન વિષ્ણુએ ચૈત્ર શુકલની પ્રતિપદાના દિવસે મત્સ્યરૂપમાં અવતાર ધારણ કર્યો હતો. સૃષ્ટિ નિર્માણના કાર્યનો પ્રારંભ દિવસે થયો.તેથી, અને સૃષ્ટિ સંરક્ષક પ્રભુએ સંસારના પરિત્રાણ માટે મત્સ્યરૂપમાં પહેલો અવતાર લીધો તેથી વૈશ્વિક ઇતિહાસની દ્રષ્ટિએ પણ દિવસનું આગવું મહત્ત્વ છે. તે દિવસે સૂર્યોદય સમયે જે વાર હોય તે વાર વર્ષનો રાજા ગણાય તેવો ઉલ્લેખ સ્કન્દ પુરાણમાં છે.

તે દિવસે પ્રથમ બ્રહ્માજીનું પૂજન કરવાનું હોય છે. તે માટે વસ્ત્રાચ્છાદિત બાજઠ ઉપર અક્ષતોનું અષ્ટદલ બનાવી તેના ઉપર યથાવિધિ કળશ સ્થાપના કરી ગણપતિની સાથે બ્રહ્માજીનું ષોડશોપચારથી પૂજન કરવાનું. પૂજન કરી અનેક દેવદેવતાઓને નમસ્કાર કરી.વિષ્ણુ ભગવાનની સ્થાપના કરી વિધિયુકત પૂજન કરવાની પ્રણાલિકા હજુ કેટલાંક સ્થળોમાં પ્રચલિત છે. પૂજન પછી પંચાંગનું (આજે ચૈત્રી પંચાંગ તરીકે પ્રચલિત છે.) શ્રવણ કરી નિવાસસ્થાનો ઘ્વજા પતાકાથી સુશોભિત કરી ઘ્વજારોપણ કરવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં ગૂડી પડવાનો ઉત્સવ વધુ પ્રચલિત છે. એમ કહેવાય છે કે દિવસે પ્રભુ રામચંદ્રે વાલીના ત્રાસમાંથી લોકોને મુકત કર્યા તેથી તેની ખુશાલીમાં પ્રજાએ ઘરે ઘરે ગૂડી (ઘ્વજારોપણ) ઊભી કરી ઉત્સવ ઊજવ્યો. તેથી ગૂડી પડવો નામ પ્રચલિત થયું.

બીજી પણ એક કિંવદંતી પ્રચલિત છે કે શકોએ હુમલો કર્યોતે સમયમાં લોકો સાવ ચેતનહીન, પરાક્રમશૂન્ય અને હતોત્સાહિત બન્યા હતા. આવી નિર્માલ્ય પ્રજા, શકોને યુદ્ધમાં કયાંથી પરાજિત કરી શકવાની હતી? ત્યારે શાલિવાહને આવા લોકોમાં ચૈતન્ય પ્રકટાવ્યું, સૈન્યમાં પ્રાણ પૂર્યા. તેમનું પૌરુષ જાગૃત કરી શકોનો પરાભવ કર્યો. તેથી આજે પણ આપણે શાલિવાહનના તે કતૃર્ત્વને યાદ કરી શક તરીકે વર્ષની ઉજવણી કરીએ છીએ અને નવા વર્ષનો પ્રારંભ કરીએ છીએ.

વળી ચૈત્ર માસથી ગરમીની શરૂઆત થતી હોવાથી ઋતુજન્ય ગડગૂમડ, અળાઇ તથા ચર્મરોગથી બચવા લીમડાના મોર એટલેકે લીમડાના ફુલ ને પલાળી તેના પાણીનું સવારે સેવન પથ્યકર ગણાયું છે અને દસ સુધી નિયમિત લીમડાનું સેવન, ઉનાળાના ઋતુજન્ય રોગોથી રક્ષણ કરે છે. જીવનમાં દરેકે કડવા ઘૂંટડા પણ પીવા પડશે. તે માટે લીમડાનું સેવન કરતી વખતે તેની પણ માનસિક તૈયારી રાખવી. એટલે દુ:ખી થતાં હસતાં હસતાં તે પી જવા હિતાવહ છે.

વળી આજે છે વિશ્વ રંગભૂમિ દિન.એ રંગભૂમિના કલાકારને શત શત વંદન.કારણકે એ લોકો પોતાની અભિનય કલા દ્વારા આ જગતમાં આપણી સંસ્કૃતિના વારસાને જાળવી રાખે છે અને સાથે સમાજને મદદરૂપ સંદેશો આપે છે.અને કહેવાય છે કે કલાકારના અભિનયની સાચી કસોટી તો રંગમંચ પર જ થાય છે કારણ અહીં ફિલ્મોની જેમ રી-ટેક નથી હોતા.પણ દુખની વાત એ છે કે આજે ગુજરાતમાં તો રંગમંચ મૃતપ્રાય જેમ જ છે ગુજરાતના રંગમંચના કલાકારો ને મુંબઈ જ જવું પડે છે, અને તેમને મહત્વ આપવાની વાત છે ત્યારે એક વાત એ પણ છે કે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો જોવામાં મશગુલ આજે કેટલાં લોકો નાટક જુએ છે.કેટલા લોકો એ કલાકારોને ઓળખે છે, કદાચ ભાગ્યે જ એકાદ બે ને ઓળખતાં હશે..જ્યાં સુધી આપણે જ ઉદાસીનતા સેવશું રંગમંચ ક્યાંથી આગળ આવશે.??? અને હા આ ચર્ચાપત્રમાં ભાગ લેવો હોય તો ગોવિંદભાઈના બ્લોગ અભિવ્યક્તિની મુલાકાત જરૂરથી લેજો.

તો ચાલો હવે માણીએ ચૈત્રી નવરાત્રી પર આ ગરબો. અને હા

અંબેમા ની આરતી જય આદ્યાશક્તિ….. શિવાનંદસ્વામી   અને

વિશ્વંભરી સ્તુતિ…….

પણ જરૂર ગાજો.અને આપ પણ આ વિવિધ સંગમ પ્રસંગે આપનો મંતવ્ય આપશોને…

 

 navratri

 

ગરબો, આવ્યો રે રમતો રમતો,
મા નો ગરબો આવ્યો રે રમતો.
અલક મલકતો  હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.

 

સોના કેરા દિવડા
ગરબે મેલાવું
રૂપલી જોડ તારલીયાની
ગરબે મઢાવું
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.

 

એક એક ગરબે દીસે
રમતી મોરી માત્ રે
તેજ ને પ્રકાશ કુંજ
માત્ મોરી વેરતી
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.

 

નવલાંએ નોરતાંને
ગરબે ઘૂમે રાત રે
માડી ના પગલે પગલે
કંકુવર્ણી ભાત રે
રૂમઝુમતી ગાવુંમાનો ગરબોગરબો, આવ્યો રે રમતો રમતો.

 

અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.
ગરબો, આવ્યો રે રમતો રમતો.

ફાગણને વિદાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય …..ઉમાશંકર જોશી

March 25, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ફાગણ વદ ચૌદશ.તમે કહેશો કે વળી હિતેશ બોરિંગ કોઈ નવો દિવસ લાવ્યો,ના બાબા ના, આટલા સુંદર વસંતઋતુના મોસમમાં આપને બહું બોર તો ન કરાય ને, અને પ્રણયની આ ઋતુમાં કુદરત પણ વૈભવી જાજરમાન શણગાર સજીને બેઠી હોય,આંબાડાળૅ હવે મોર બેસી ગયા છે અને કોયલના ટહુકાઓ ક્યારના સાદ પાડી રહ્યાં છે તો હિતેશ આ મહામુલા ફાગણને કેમ ભુલી જાય અને હવે જ્યારે આ ફાગણ જઈ રહ્યો છે અને ચૈત્ર મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે શ્રી ઉમાશંકર જોશીની આ રચના યાદ આવી ગઈ અને સાથે આ ગીત સ્વર સાથે પણ મળી ગયું તો પછી આ ગીતને ન મુકીએ તો કેમ ચાલે? તો ચાલો માણીએ આ ગીતને…અને હા આપનો ફાગણ કેવો વીત્યો તે જણાવશો ને,અને મનના વિશ્વાસ પરની ફાગણની ઉજવણી કેવી લાગી તે પણ જરૂર જણાવશો.અને આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.

અને હા મિત્રો આજે એક સચોટ અને વેધક લખાણ લખનારા અને અનેક નવલકથા અને સાહિત્યનું સર્જન કરનારા શ્રી ચંદ્રકાંત બક્ષીની આજે પુણ્યતિથિ છે તો તેમને ભાવભીની શ્રદ્ધાંજલી.અને આ પ્રસંગે ૨૦૦૬માં લયસ્તરો પર મુકેલ બક્ષી હવે નથી રહ્યાં મમળાવવી આપને જરૂર ગમશે.

 

 gori-no-fagan

 (ભીંજાતી મેં અહીં ખડી રે લોલ. )

 

 

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

 

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

 

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

 

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

 

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

 

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે લોલ.

વિશ્વ ક્ષય દિન…અંધશ્રદ્ધા નો ક્ષય….. ‘સૂફી’ પરમાર

March 24, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૪મી માર્ચ.આજે છે વિશ્વ ક્ષય દિન એટલે કે અંગ્રેજીમાં કહું તો World TB{Tuberculosis} Day.અને આ વર્ષની થીમ છે “હું ક્ષયને અટકાવું છું” અંગ્રેજીમાં કહું તો I AM STOPPING TB”.આપને થતું હશે કે હિતેશ કેવા કેવા કંટાળાજનક દિવસો લઈને આવે છે,પણ મિત્રો આ રોગની ગંભીરતાની કદાચ આપને જાણ પણ નહી હોય,પણ સમગ્ર વિશ્વમાં ભારતમાં ક્ષય રોગનાં દર્દીઓનું પ્રમાણ ત્રીજા ભાગનું છે.અને ભારતમાં વર્ષે અંદાજે ૪.૧૭ લાખ લોકોનું મૃત્યું આ રોગને કારણે થાય છે અને દર મિનિટે એક વ્યક્તિ અને એક દિવસમાં આશરે ૧૦૦૦ વ્યક્તિઓ જાન ગુમાવે છે.હવે ખ્યાલ આવ્યો આ રોગની ગંભીરતાનો…અને પહેલાનાં જમાનામાં તો જે લોકોને ક્ષય એટલે કે ટીબી કહે છે તે થતો તો તે દર્દીનો જ ક્ષય એટલે કે નાશ થઈ ગયો તેવું બધા માનતા.

પણ હા મિત્રો એટલા બધા પણ ન ડરી જતાં હોં કે, હવે આ રોગની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે અને તેનો દર્દી સંપૂર્ણ સાજો થઈ શકે છે અને તેની દવા ઉપલબ્ધ છે અને તે પણ સરકારી દવાખાનાઓમાં મફત આપવામાં આવે છે.આ રોગને નાથવા માટે સરકાર દ્વારા ડોટસ DOTS{ Directly Observed Treatment of Short course} નામક ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.એનો મતલબ થાય છે કે દર્દીને તબીબ કે ડોટસ આરોગ્ય કાર્યકર્તાની નજર સામે જ આ દવાઓ ગળવાની રહે છે,અને માત્ર ૬ થી ૯ મહિનાના દવાના કોર્સથી ક્ષય રોગ મટી શકે છે.તો મિત્રો ડરો નહી પણ જાગૃત રહો.

dots-tb

અરે હા તમને એનાં લક્ષણો તો કહ્યાં જ નહી, જો મિત્રો આપને કે આપની આસપાસની કોઈ પણ વ્યક્તિને

ત્રણ અઠવાડિયા કરતા વધું ખાંસી રહેતી હોય,સાથે ઝીણૉ ઝીણો તાવ રહેતો હોય,

ટૂંકાગાળામાં વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય કે પછી

ગળફામાં લોહી પડતું હોય

તો કદાચ આ રોગ હોઈ શકે છે.તો તરત જ નજીકના સરકારી દવાખાનામાં જઈ તબીબની સલાહ લઈ ગળફાની તપાસ જરૂર કરાવો જે તદ્દન નિશુલ્ક છે અને તેનાથી આ રોગનું નિદાન થઈ શકે છે.અને સારવાર પણ જલદી શરૂ થઈ શકે છે અને તે પણ આપના ઘરની નજીકમાં આવેલ ડોટસ કેન્દ્રમાં જ. તો મિત્રો આપ સર્વે પણ આ સારા કાર્યમાં સહભાગી થશોને…અને હા આ રોગ વિશે વધું માહિતી માટે આપ નીચેની સાઈટની મુલાકાત લઈ શકો છો અને તેમાં વિશ્વ ક્ષય દિન પર એક બ્લોગ છે એમાં જો આપ આ વિશે કોઈ પ્રવૃતિ કરતા હોય તો આપ પણ રજીસ્ટર કરાવી આપની પોસ્ટ પણ મુકી શકો છો.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું ભારત સરકારની સાઈટ

ટીબી નિયંત્રણ અંતર્ગત સાઈટ

અને હા આજે આપણા આધ્યાત્મિક કાવ્યો નામક બ્લોગના સર્જક સૂફીપરમારની એક અજોડ આધ્યાત્મિક છતાં પણ એક તત્વચિતન કરાવતી કંઈક આપણી જ ખામી બતાવી નવો રાહ ચીંધતી આ કવિતા જેમાં અંધશ્રદ્ધા નામનો ક્ષય રોગ લાગી ગયો તેને આ રોગનો જ ક્ષય એટલે કે નાબુદ કરવાની શીખ આપી જાય છે આશા છે આપને ગમશે.અને હા આપનો મંતવ્ય તથા આપની પાસેની માહિતી પણ અહીં વ્યક્ત કરશો ને…..

world-tb-day-09 

 

 

જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
અને સત્ય સુધી તેથી પહોંચ થઈ શકી મારી

 

ખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી

 

મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી

 

સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી

 

જગતને ક્ષય લાગ્યો અંધશ્રદ્ધાનો ભયંકર પણ
નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી

 

થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી

 

ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
નવી વાતો ત્વરિત સુઝશે દુનિયાને બદલનારી

 

નવી વાતો તું કહેતોજા સૂફી’, ચાલુ જમાનાને
તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી

……………………………………..

આભાર આધ્યાત્મિક કાવ્યો

અને આ અગાઉ રજુ થયેલી સંદીપ ભાટીયાની રચના ક્ષણમાં માણસ ધુમાડો થઈ જાય...આજથી સુર સાથે ઉપલબ્ધ છે તો તે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.

આંતરરાષ્ટ્રીય જળ દિવસ…કચ્છનું પાણી !…..અમૃત ‘ઘાયલ’

March 22, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૨મી માર્ચ.આંતરરાષ્ટ્રીય જળ દિવસ,એટલે કે World Water Day.આ દિવસ શુદ્ધ પાણી અને તેના મહત્વને સમજાવવા માટે ઉજવવામાં આવે છે.ઈ.સ.૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસની સભા United Nations conference on Environment & Development [UNCED]દ્વારા પ્રસ્તાવ રજું કરવામાં આવ્યો અને ૨૨મી માર્ચ ૧૯૯૩માં પ્રથમ આંતરરાષ્ટ્રીય જળ દિવસ ઉજવવામાં આવ્યો.આ દિવસને દર વર્ષે એક થીમ આપવામાં આવે છે અને આ ૨૦૦૯ ના વર્ષની થીમ છે પાણી વહેંચો તક વહેંચો  Shared Water – Shared Opportunities Transboundary water. એટલે કે આંતરરાષ્ટ્રીય સીમા પર પસાર થતી નદીઓના પાણીનો હળીમળીને ઉપયોગ કરો.કારણકે તે પાણી યુદ્ધનું કારણ બને છે અને એકબીજાના વિકાસનો અવરોધ કરે છે.

 

આ સિવાય અગાઉના વર્ષોના દિવસની થીમ અનુક્રમે આ મુજબ છે.

૨૨મી માર્ચ ૨૦૦૮    -  SANITATION

૨૨મી માર્ચ ૨૦૦૭   -  COPING WITH WATER SCARCITY

૨૨મી માર્ચ ૨૦૦૬    -   WATER & CULTURE

૨૨મી માર્ચ ૨૦૦૫   -   WATER FOR LIFE 2005-2015

૨૨મી માર્ચ ૨૦૦૪   -    WATER & DISASTER

૨૨મી માર્ચ ૨૦૦૩    -   WATER FOR THE FUTURE

૨૨મી માર્ચ ૨૦૦૨    -   WATER FOR DEVELOPMENT 

૨૨મી માર્ચ ૨૦૦૧    -    WATER & HEALTH

૨૨મી માર્ચ ૨૦૦૦   -    WATER FOR THE 21st CENTURY 

૨૨મી માર્ચ ૧૯૯૯    -    EVERYONE LIVES DOWNSTREAM

૨૨મી માર્ચ ૧૯૯૮    -   GROUND WATER THE INVISIBLE SOURCE

૨૨મી માર્ચ ૧૯૯૭    -   THE WORLDS WATER, IS THERE ENOUGH ?

૨૨મી માર્ચ ૧૯૯૬     -   WATER FOR THIRSTY CITIES

૨૨મી માર્ચ ૧૯૯૫    -   WOMEN & WATER

૨૨મી માર્ચ ૧૯૯૪    -   CARING FOR OUR WATER RESOURCES IS EVERYONE’S BUSINESS.

આર્યોથી શરૂ કરીને આજ સુધી મોટાભાગે જે પણ સંસ્કૃતિ વિકસી છે એ હંમેશા કોઈ નદીકિનારે વિકસી છે.સંસ્કૃતિ વસાવનારાઓએ હંમેશા નદી તટને જ પસંદ કરેલ છે કારણ નદીકાંઠે જીવન શક્ય છે નદીકાંઠે જ પાણી,ઘાસચારો,અને ખેતી-પશુપાલન પણ સારી રીતે કરી શકાય છે.અને મોટી નદીઓ હંમેશા બે દેશોને જોડતી હોય છે તો બે દેશોની સરહદ વચ્ચેથી પસાર થતી નદીના પાણીનો બંને દેશોના લોકો હળીમળીને ઉપયોગ કરે તો બંનેના ઘણા પ્રશ્નો ઉકેલાઈ શકે.જે આ વર્ષના જળ દિનનો હેતુ છે. અને આ દિવસની વધું જાણકારી મેળવવા માટે નીચેની બે સાઈટ પર ક્લીક કરવાથી આપ તેના વિશે સવિસ્તર માહિતગાર થશો.

સંયુક્ત રાષ્ટ્રની પાણી ની જાગૃતતા ની સાઈટ અને

૨૦૦૯ના આંતરરાષ્ટ્રીય જળ દિવસ વિશેના વિવિધ કાર્યક્રમોની માહિતીની સાઈટ. અને

૨૦૦૯ ના વર્ષની થીમ પર તૈયાર કરેલ વિડિયો માણવો હોય તો અહીં ક્લીક કરો.

 

આપણે કહીએ છીએ કે પૃથ્વીનો સિત્તેર ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે પણ વાસ્તવિકતા એ છે કે આ ૭૦% માંથી માત્ર ૨.૫ % જ ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી છે અને તેમાંથી ૦.૦૦૭ ટકા પાણી જ નદી,સરોવર,ઝરણાંઓ દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે અને તેમાં પણ ભારતમાં તો વસ્તીવધારાને કારણે પાણીની ખુબ જ અછત વર્તાઈ રહી છે અને ભારતના કેટલાય રાજ્યોમાં દુકાળની પરિસ્થિતિ સર્જાય છે.જાણો છો દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના વિસ્તારોને બાદ કરતાં વિશ્વમાં ભારતમાં સૌથી વધું વરસાદ પડે છે તેમ છતાં આ સ્થિતિ સર્જાઈ રહી છે.કારણ છે વસ્તી વધારો અને સાથે સાથે પાણીનો બગાડ કરવો અને વરસાદી પાણીના સંગ્રહનો અભાવ.ગુજરાતમાં પણ કચ્છ અને એવા કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત પ્રવર્તે છે અરે અમારા માદરે વતન સમીમાં અઠવાડિયે એક વાર માંડ અડધો કલાક પાણી આવે છે અને તે પણ ગામથી ૨-૩ કિમીદુર આવેલ નળમાં જે પણ ૪-૫ ફૂટ ઊંડા ખાડામાંથી.અને કદાચ આપણે સહુએ માનવીની ભવાઈ નામક પુસ્તક વાંચ્યું હશે અથવા તેના પરથી બનેલી ગુજરાતી ફિલ્મ જો માણી હોય તો આપ સર્વેને ખ્યાલ હશે કે પાણીની અછત કેવી સ્થિતિનું નિર્માણ કરે છે. કોઇકે તો એવી પણ આગાહી કરી છે કે કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પાણીના લીધે થશે.

કેટલાક વર્ષો પહેલા કોઈએ ભવિષ્યવાણી કરેલી કે પાણી પણ પૈસે વેચાશે અને આજના આ યુગમાં આ વાત સાવ સાચી પુરવાર થઈ છે તો ૨૦૭૦ ના દાયકા માટે ભાખેલ આ ભવિષ્યવાણી જો કદાચ સાચી પડશે તો ??? શ્વાસ લેવાની હવા માટે પણ કર ચુકવવો પડશે.અને બીજી પણ કેટલી બધિ સમસ્યા જાણવી હોય તો આ ફાઈલ જરુરથી વાંચજો.

પાણીની અછત વર્ષ ૨૦૭૦.

તો મિત્રો આજથી વધું એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે પાણીનો ખોટૉ બગાડ નહી કરીએ અને વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરીશું અને જાતની સાથે બીજાને પણ પાણીનો વ્યય કરતા અટકાવશું.આશા છે આપ સર્વે સહકાર આપશો.અને આપ પાસે કોઈ માહિતી હોય તો અમને પણ જણાવશો. અને ગુજરાતમાં જોઈએ તો કચ્છના પ્રદેશમાં પાણીની અછત ભારે પ્રવર્તે છે પણ તેમ છતાં તેના પાણીનો પણ અલગ જોમ અને જુસ્સો છે જે શ્રી અમૃત ઘાયલની આ રચના પરથી તેની ખુમારીનો ખ્યાલ આવે છે તો આજે માણીએ આ રચના.આપના અમુલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે આપશો ને…

 

world-water-day-09 

 

ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય તાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

 

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય નાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

 

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

 

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતાના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ઘાયલકચ્છનું પાણી !

………………………………….

કાવ્ય બદલ ટહુકોનો આભાર

વિશ્વ વન દિવસ…ઝાડ એના પાંદડાંને પૂછે છે…..રમેશ પારેખ

March 21, 2009

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી માર્ચ.એટલે કે વિશ્વ વન દિવસ.ઈ.સ.૧૯૭૨થી ૨૧મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વન દિવસ” તરીકે ઉજવાય છે.વૃક્ષો આપણાં સારાં અને સાચાં મિત્રો છે.તે આપણને કેટલું બધું આપે છે.આપણો ખોરાક તેમાંથી મળે છે,તો વરસાદ લાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે,તો આપણો પ્રાણવાયું ઓક્સીજન પણ પુરો પાડે છે,અને વિવિધ ઉદ્યોગોમાં પણ તે વપરાય છે,અને આખા જીવન દરમિયાન સાથ આપતાં જીવન બાદ પણ લાકડું આપે છે જે બળતણની સાથે અંત્યેષ્ટિ માટે પણ વપરાય છે.આપણા જીવનની શરૂઆતથી અંત સુધી સાથ આપતા આટલા સારાં મિત્રોને જ આજે આપણે વિસારે પાડી દીધા છે.આપણા સુખની લાહ્યમાં વનોનો વિનાશ સર્જી રહ્યાં છીએ.કહે છે તંદુરસ્ત પર્યાવરણ માટે ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં માત્ર ૧૩ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે.જો આજે નહી જાગીએ તો કદાચ આવતીકાલનું બાળક તેને માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે.તો આજના દિવસે આપણે સૌ એક પ્રણ લઈએ કે વધારે નહી તો કમ સે કમ એક વૃક્ષ તો વાવીશું અને જો કોઈને વૃક્ષો કાપતાં કે નુકસાન કરતાં જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશું. અને હાં આ અગાઉ રજું કરેલ એક નવો દીકરો પરનો વિચાર મર્યાદા…..“મન વાળી રચનાની ઉપરની નોંધ પણ વાંચી આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો તેવી આશા.

અને હા મિત્રો તેમનામાં પણ સંવેદના હોય છે અને આ જુઓ અહીં તો પાંદડા અને ઝાડનો આ સંવાદ પ્રેમની કેવી અનોખી અનુભૂતિ કરાવી જાય છે.તો માણો રમેશ પારેખની આ રચના…

 zad-pan-samvad

 

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

 

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

 

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

 

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, તો ધરતીનું વ્હાલ છે
જે સૌ સાથે આપણને સાંધતું

 

તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !


Follow

Get every new post delivered to your Inbox.