જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૬મી નવેમ્બર.આજે મારી બહેન હિનાબેનનો જન્મદિન છે.આમ તો ખુશી નો અવસર છે પણ આજે એક પિતાની દ્રષ્ટિએ એક વ્યથા કહેવી છે.આ મહિનામાં જ મારી બંને બહેનોના જન્મદિન આવે છે.તો બાળપણના એ દિવસો યાદ આવી ગયા.તો પપ્પાની નજરે આ વાતને વિચારે મારું મન ચડી ગયું કે તેમના મનમાં શું ચાલી રહ્યું હશે.?જેમની બે બે દીકરી આજે લગ્ન કરીને વિદાય થઈ ગઈ છે જે તેમની લાડકી આજે તેમની નજરોથી દૂર છે. ભલે તેઓ સાસરાં સુખી હોય અને તેમને પણ બે-બે દીકરા/દીકરી હોય પણ તોય તેની ચિંતા તો તેમને પણ થતી જ હશે ને…?બસ બધી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત ન જ થઈ શકે.તેથી આજે રજું કરું છું આવી જ એક દીકરીની વિદાય વેળાનું શ્રી રમેશ પટેલ ‘આકાશદીપ‘ની ઉપાસના કાવ્યસંગ્રહની કૃતિ.. અને એક અરજ છે જો આપની પાસે હોય તો મને આ ગીત આપશો “આખરે ઉજાગરાનો અંત આવ્યો.”કેટલાય સમયથી આ ગીત શોધી રહ્યો છું…ચાલો ત્યારે જય શ્રીકૃષ્ણ.
વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી
………………………
રમેશ પટેલ(આકાશદીપ)

November 16, 2008 at 7:47 pm |
HAPPY BIRTHDAY, HEENA ! BLESSINGS from KAKA
November 20, 2008 at 10:52 pm |
Really heart touching words ,superb expression
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી
Neil Patel