Archive for November, 2008

આતંકનો સફાયો આપણા હાથમાં…વાગે રણભેરી …..રમેશ પટેલ(આકાશદીપ)

November 30, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

હવે તો આપણા ભારતના શૌર્યવાન સપૂત સંતાનો એવા કમાન્ડો, મીલેટરી જવાનો, ફાયરબ્રીગેડ કે જેઓ જાન હથેલીમાં રાખી,આતંકવાદના સફાયા માટે મેદાનમાં બહાદૂરીથી ઉતર્યા અને આખરે આતંકનો અંત આણ્યો.આ માટે તેમને તો બિરદાવવા જ પડે.

પણ એક સવાલ એ થાય છે કે આવું ક્યાં સુધી થશે…?પહેલા કાશ્મિરમાં બનેલ એક પ્રસંગ વાંચેલ યાદ આવે છે કે એક વખત એક ઈઝરાયેલ જુથ પર ૫ આતંકવાદીએ હુમલો કરેલ ત્યારે તેઓ માત્ર ૬ હતા પણ છ્તા તેઓ લડ્યા તેમાંના બે શહિદ થયા પણ પાંચે આતંકવાદીઓનો સફાયો થઈ ગયો અને તેઓ ચાર તો બચ્યાને.બસ કહેવું એટલું જ છે કે તેઓ ૧૦ કે ૧૨ હતા જ્યારે તે હોટલમાં તો ૫૦૦થી ૬૦૦ લોકો હતા જો તેઓ તેમના પર તુટી પડ્યા હોત તો હાં કદાચ કેટલાક મૃત્યુ પામત પણ તે આતંકવાદીઓના દિલમાં પણ એક ડર તો જન્માવત જ ને.અને આમ પણ મૃત્યુ પામનારનો આંકડો ઓછો તો નથી જ ને.તો પછી શહિદની જેમ લડતા મરવું શું ખોટું.હું હિંસાને સમર્થન નથી કરતો અને યુદ્ધ દરેક વાતનો જવાબ નથી હોતો.પણ આખરે સહનશીલતાની પણ હદ હોય છે અને હા કહેવત છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ પરંતુ એ બહાને આપણી કાયરતાને તો ન જ છુપાવી શકાયને.હા આપણા વીર જવાનો એ મદદ કરી તો શું આપણે આપણી મદદ ન કરી શકીએ.જાણું છું કે બોલવું સહેલું છે અને કરવું અઘરું પણ મુસ્કેલ છે અશક્ય તો નહી જ ને…ચાલો હવે આ બાબતે આપના મંતવ્યો જણાવજો.અને આપણા આ વીર જવાનો માટે રમેશ પટેલ(આકાશદીપ) ની આ રચના આપ સમક્ષ રજું કરું છું.

 

 nsg commando

 

વાગે  રણભેરી  ને ગાજતું  ગગન,

ના ઝૂકજે  દેખી  દુશ્મનોનાં  દમન

તારો ભરોસો રે ભગવાનને અટલ,

અપલક અવનિ નીરખે તારું શૂરાતન

 

જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન,

દીધી છે આણ ધરી સૂરજની શાખ

ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત,

 રચજો કીર્તિગાથા માભોમને રે કાજ

 

માનવતાએ આજ દીધો તુજને મહાસાદ,

 યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ

જુલ્મોને આપવા સવાયો જવાબ,

સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ

 

દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ,

શતરંજની ચાલથી ખેલશે રે દાવ

શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા,

ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ

 

આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન,

જાગો રે જાગો મા ભોમના સંતાન

આતતાયી ઠેરઠેર ખેલે રે અગન,

મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન

 

સુણજો માભોમના અંતરના સાદ,

જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ

ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ,

રખોપા કરજો તમે ભારતીના લાલ

 

દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ,

 રોમરોમ પ્રગટે  સાવજના શૌર્ય

મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ,

હાક દેજો માનવતાની રાખવાને લાજ

………………………………………..

રમેશ પટેલ આકાશદીપ

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી…..અવિનાશ વ્યાસ (કે પછી ?) ભાભી તમે થોડા થોડા થાજો ગામડાના ગોરી…..રમેશ પટેલ(આકાશદીપ)

November 30, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગઈ કાલે ૨૯મી નવેમ્બરે હતી આપણી લોકપ્રિય રેડિયો ચેનલ વિવિધભારતીની વર્ષગાંઠ.સાચુણ કહુ તો આ રેડીયો ચેનલે જ સતત મારા હૃદયમાં ગુજરાતી ગીતો,સાહિત્ય-જગતને જીવંત રાખવામાં ઘણો ફાળો આપ્યો છે.જ્યારથી સમજણૉ થયો ત્યારથી આ વિવિધભારતીને સાંભળ્તો આવ્યો છું.અત્યારે લગ્નસરાનો સમયગાળો ચાલે એ ત્યારે ગવાતા ફટાણાં કદાચ પહેલીવાર આમાં જ સાંભળેલા.અને ગઈકાલે મારી પિતરાઈ બહેનના લગ્ન હતા તો એક ગીત યાદ આવતું હતું જે જો કે વરપક્ષ તરફથી ગવાય છે કે ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી…અને આવું જ પરંતુ અત્યારની બદલાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને આપણા કવિમિત્ર રમેશ પટેલઆકાશદીપેપણ આવી જ એક રચના બનાવી મોકલેલ છે તો માણૉ બંને રચનાને એક સાથે.અને હા અવિનાશ વ્યાસની રચના ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી સુર સાથે માણો સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિમાં

હવે આપે બતાવવાનું છે કે આ ભાભીએ શું થવું વરણાગી કે ગામડાની ગોરી…?

 

gamda_gori

 

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

નવી ફેશનની ધૂન બધે લાગી,

નવી ફેશનની ધૂન બધે લાગી,

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

 

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

વરણાગી વીરાની વરણાગી વહુ બનો,

થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,

મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,

ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

 

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

 

તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

……………………………..

અવિનાશ વ્યાસ

 

varanagi_vahu

 

ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી
ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)
 
દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામાડાનાં ગોરી
 
જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)
 
નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ,   ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી
 
ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં  થાજો..રહેજો  ગામનાં  રે ગોરી

…………………………………………
રમેશ પટેલ(આકાશદીપ)

મુંબઈમાં આતંકવાદી હુમલો…આતંકનો મોકો દિઠો છે…..રમેશ પટેલ ‘આકાશદીપ’

November 28, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગત તા.૨૬મીએ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો અને હજી પણ તાજ અને ઓબેરોય હોટલમાં આ આતંકને પૂર્ણ કરવા આપણા કમાન્ડો કાર્યરત છે જ.અને આ હુમલામાં નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યો છે અને મૃત્યુઆંક ૧૨૭ ને આંબી ગયો છે તથા ૪૦૦થી વધું લોકો ઘાયલ થયાં છે.પ્રભુ આ મૃતકોને શાંતિ અર્પે અને આ આતંકવાદને હવે તો અટકાવે.આ વિષયને લઈને આપણા મિત્ર કવિ રમેશ પટૅલઆકાશદીપનું આ એક વ્યંગકાવ્ય અહીં રજું કરું છું જેમાં એક ભારતવાસીને આતંકવાદી પાસેથી મળેલ એક સીડિ કે જેમાં જાણે કે આપણી સિસ્ટમ પર કરેલા વ્યંગાત્મક આકરા પ્રહારો છે.તો વધુ ન કહેતા માણૉ આજે મનના વિશ્વાસ પર સૌ પ્રથમ વ્યંગકાવ્ય…


taj-terrorism

દે સવાયા સાથ સાળા સમ નેતા, ના થાશો  લાચાર
  છે ભોળા  ભારતની  ,દૃષ્ટિહીન  મોહક રે સરકાર
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ
 
લઘુ બાંધવના માવતર નેતાઓની ,લાગી આજ કતાર
ધૃતરાષ્ટના અવતાર ગૃહ પ્રધાનો,આવી દેશે માથે હાથ
મતદાનની ભૂખી માછલીઓ ના પીછાણે,વૈશ્વિક આતંકવાદ
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ
 
કાશ્મીર પછી દિલ્હી ને હવેજુએ મુંબઈ સ્વાગતની વાટ
મંદિર ચોરે ચૌટે રક્ત ધારાની રંગોળી,દેશે શોભા અપાર
માનવતાના થઈ પૂંજારી,હરખશે ભારતવાસી થવા મહાન
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ
 
કોઇ   વિરલાનું  લોહી ઉકળશે  ને   થાશે    જો  એ   વિશ્વામિત્ર
ગૃહ પ્રધાન મીડીઆના સંગે વદે, જૂઓ અમારા દુશ્મનનું  છે ચિત્ર
રાષ્ટ્ર  ભક્તો  થાશે   શહીદ ને   ખૂણે રડશે  તેની  માત
તારી વહારે ધાશે વકીલો  ને બહુ રુપીયાઓની  જમાત
આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને  કરજો રે તારાજ
 
ધન્ય તમે તો   તમને  મળી   મન  મોહક  સરકાર
આવું ટાણું નહીં મળે વારંવાર,પધારી કરશો રે તારાજ

…………………………………………………
રમેશ પટેલ(આકાશદીપ)

જીવન અંજલી થાજો !…..કરસનદાસ માણેક

November 28, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૮મી નવેમ્બર.શબ્દના સાધક અને કાવ્યના ઉપાસક એવા કરસનદાસ માણેકનો જન્મ ૨૮-૧૧-૧૯૦૧ ના રોજ કરાંચીમાં થયો હતો.સમાજમાં પ્રવર્તતી વિષમતા તેમણે તેમના કાવ્યોમાં પ્રગટ કરી છે.”વ્યાસ” નામે અઢાર હજાર શ્લોકોમાં વિસ્તરતું એક મહાકાવ્ય રચવાનું ભગીરથ કાર્ય તેમણૅ કર્યું.આલબેલ, પ્રેમધનુષ, કલ્યાણરાત્રિ, રામતારો, દીવડો, હરિનાં લોચનિયાં, લાક્ષાગૃહ વગેરે એમના કાવ્યસંગ્રહો છે.વૈશમ્પાયનની વાણીમાં એમની આખ્યાન શૈલીની રચન છે.તેમણૅ ૪૦ જેટલા પુસ્તકો અને લગભગ ૨૦૦૦ કાવ્યો તથા ૧૫૦ જેટલા કીર્તનો રચ્યા છે.મને તેમાંથી ગમતા ગીતો છે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે અને એક પ્રાર્થના જે તો મને અતિ પ્રિય છે જીવન અંજલી થાજો જે અત્રે રજું કરું છું…

અરે હાં વળી ગઈકાલે એટલેકે ૨૭મી નવેમ્બરે આપણા લાડીલા કવિ શ્રી રમેશ પારેખનો જન્મદિન હતો.તો આજે આ બંને કવિઓને જન્મદિનની શુભેચ્છા સહ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા તમામ મૃતકોને અંજલી અર્પતા અર્પતા જ આ સુંદર ગીત રજુ કરું છું.અને માંણો આ ગીતને સુર સાથે સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિમા

 

 anjali

જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લોતાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

કરસનદાસ માણેક

નજર લગાડી મોહન મોરલીવાલાને…..ડો. ચંદ્રવદન મિસ્ત્રી

November 27, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

હમણા હમણાં પ્રદર્શિત થયેલ નજરું લાગીની ઉપરા ઉપરી બે રચના પ્રદર્શિત થવાથી આ વિષય પર પ્રેરિત થઈને ચંદ્રવદન કાકાએ પણ તાજેતરમાં જ એક રચના બનાવી ને આપણા મોરલીવાળાને નજરુંમાં બાંધી દીધા પણ આખરે પ્રેમમાં બંધન ન હોય પ્રેમમાં બંધન કદાચ સંબંધોની અપૂર્ણતા સર્જે છે આ વાતની ગહનતા બાદ તેમણે કાનાને મુક્ત કરી દીધો.અને પછી મળૅલ ખુશીનો આનંદ તો શબ્દોમાં હું વ્યક્ત ન જ કરી શકું.માણૉ તેમની આ રચના…

 

krishna_3

નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને, (ટેક )

 

વનમાં ગાયો છોડી,

ગામે ગોપ-ગોપીઓને છોડી,

એ તો પાસ મારી દોડી દોડી આવે રે……નજર…..૧

 

માત જશોદા ને નંદબાબાને ગોકુળીયે છોડી,

રાધા પ્યારીને એકલી છોડી,

એ તો પાસ મારી દોડી દોડી આવે રે……નજર…..૨

 

હવે, ગોકળીયુ તો સુનું સુનું લાગે,

માટલીઓ તોડી માખણ કોણ ચોરે ?

કાનો તો છે મારી સંગે રે……નજર….૩

 

કૃષ્ણ-લીલા વગર જગ છે ઉદાસી,

નજરમાંથી કાનાને  મુક્ત કરી, હું તો હવે રાજી,

એ તો દોડી દોડી ભાગે ગોકુળીઆ ગામે……નજર…..૪

………………………………………………….

નવેમ્બર, ૨૬, ૨૦૦૮

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

શ્રી દાદા ભગવાનનો જન્મદિન…શ્રી સીમંધર સ્વામીની આરતી…..સ્વામી સચ્ચિદાનંદ.

November 26, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી નવેમ્બર.બ્રહ્મજ્ઞાનના દ્રષ્ટા શ્રી દાદા ભગવાનનો જન્મ ૨૬-૧૧-૧૯૦૮ના રોજ નડીયાદ પાસેના ભાદરણ ગામે થયો હતો.તેમનું સાંસારીક નામ અંબાલાલ મૂળજીભાઈ પટૅલ હતું.સુરત રેલ્વે સ્ટેશનના કોલાહલ અને મેદનીમાં પણ તેમને શાંતિનો અનુભવ થયો અને તેઓ સમાધિમં લીન થઈ ગયા. આ સાક્ષાત્કાર બાદ તેઓ પરમ વિભૂતિ બની ગયા.આ રીતે એકાએક થયેલ બ્રહ્મજ્ઞાનને તેઓ “અક્રમજ્ઞાન” કહે છે.તેઓ કહેતા કે સંસાર ચલાવતા પણ કર્મમાં ન બંધાય તે અક્રમમાર્ગ.આખરે તેમનું ૧૯૮૮માં વડોદરા ખાતે અવસાન થયું.હજી હમણાં જ ૩૦ ઓક્ટોમ્બર થી ૧૩ નવેમ્બર સુધી તેમનો જન્મજયંતિ મહોત્સવ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ઉજવાઈ ગયો જેમાં આધ્યાત્મિક જ્ઞાન સાથે બાળકોને માટે પણ રમત રમતમાં પણ એક ઊંડી સમજ આપતા જુદા જુદા પ્રોગ્રામ પણ હતા. તો અડાલજ ખાતે આવેલા તેમના ત્રિમંદિરમાં રહેલા વર્તમાન તીર્થકર શ્રી સિમંધર સ્વામીની આરતી અહીં રજુ કરું છું.તથા દાદા ભગવાન વિશે જાણાવા તથા તેમના પુસ્તકો મેળવવા કે ડાઉનલોડ કરવા અહીં અથવા સિમંધર સ્વામીના ફોટા પર ક્લીક કરો.

 

simandhar_swaami

જય સીમંધર સ્વામી, પ્રભુ તીર્થંકર વર્તમાન
મહાવિદેહ ક્ષેત્રે વિચરતા, (૨) ભરત ઋણાનુબંધ …..જય

દાદા ભગવનસાક્ષીએ, પહોચાડુંમસ્કાર…..(સ્વામી)
પ્રત્યક્ષ ફળ પામું હું, (૨) માધ્યમ જ્ઞાન અવતાર…..જય

પહેલી આરતી સ્વામીની, ૐ પરમેષ્ટિ પામે……(સ્વામી)
ઉદાસીન વૃત્તિ વહે, (૨) કારણ મોક્ષ સેવે………….જય

બીજી આરતી સ્વામીની, પંચ પરમેષ્ટિ પામે……(સ્વામી)
પરમહંસ પદ પામી, (૨) જ્ઞાન-અજ્ઞાન લણે……….જય

ત્રીજી આરતી સ્વામીની, ગણધર પદ પામે……..(સ્વામી)
નિરાશ્રિત બંધન છૂટે, (૨) આશ્રિત જ્ઞાની થયે…….જય

ચોથી આરતી સ્વામીની, તીર્થંકર ભાવિ………..(સ્વામી)
સ્વામી સત્તા દાદાકને, (૨) ભરત કલ્યાણ કરે……જય

પંચમી આરતી સ્વામીની, કેવળ મોક્ષ લહે………(સ્વામી)
પરમ જ્યોતિ ભગવંત હું‘, (૨) અયોગી સિધ્ધપદે…..જય

એક સમય સ્વામી ખોળે જે, માથું ઢાળી નમશે…..(સ્વામી)
અનન્ય શરણું સ્વીકારી, (૨) મુક્તિ પદને વરે…….જય

સ્વામી સચ્ચિદાનંદ.

તને નજરું લાગી છે મારા નામની !…..વંચિત કુકમાવાલા

November 25, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે ગઈ પોસ્ટ એટલેકે હરીન્દ્ર દવેની રચના સોળે સજી શણગાર નો વળતો જવાબ લઈને આવ્યો છું.ચંદ્રવદન કાકાએ કહ્યું કે સાચે હિતેશે તો નજરું લગાવી દીધી અને તો પછી આ નજરું કોની છે અને તે માટે શું કરવું તે તો જણાવવું જ પડે ને… પહેલા તો એ પ્રશ્નનો જવાબ કહી દઉં કે હમ દિલ દે ચૂકે સનમનું ગીત “નીંબૂડા નીંબૂડા” સાંભળજો પછી કહેજો કે આ ગીત આપણા આ સોળૅ સજી શણગાર સાથે મલતું આવે છે કે નહીં.અને હા તે ગીતનો જવાબ આપતા અહીં પ્રિયતમ પોતાની પ્રિયાને કહે છે કે તેને નજરું તો તેની લાગી છે અને હવે તો તે તેના પ્રેમમાં એટલી ઘેલી અને ખોવાઈ ગઈ છે કે છાણાવાળા હાથને પણ મહેંદીવાળા સમજે છે.ખરેખર વંચિત કુકમાવાલાએ ખૂબ જ સરસ જવાબ આપતું ગીત રચ્યું છે તો માણૉ આ રચના.વળી આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અથવા મનના વિશ્વાસની સંગીતમય આવૃત્તિની મુલાકાત જરૂરથી લેજો અને આપનો પ્રતિભાવ આપશો.  

najaruu

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !

લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને આઇનામાં જોઇ અમથું હસવું
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઊંબરે બેસીને તારું રડવું

ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
કે રહી ના હવે તું કશા કામની..
તને નજરું લાગી છે મારા નામની !

વાસીદું કરશે તો છાણવાળા હાથ
હવે મેંહદી રંગેલ તને લાગશે
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
અને કેટલીય ઇચ્છાઓ જાગશે

વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
પકડી લે કેડી મારા ગામની..
તને નજરું લાગી છે મારા નામની !

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !


Follow

Get every new post delivered to your Inbox.