Archive for October, 2008

ભાઈ-બીજ…વાદલડી વરસી રે ……

October 30, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે કારતક સુદ બીજ.ભાઈ-બીજ.ભાઈ અને બહેનના પ્રેમનો બીજો એક તહેવાર.આજે સમય ઓછો હોવાને કારણે વધારે સમય નહી આપી શકું બસ આ રચના મૂકું છું,જેમાં બેનીની વીરા પાસેની માંગણીઓ અને પ્રેમ રજૂ થાય છે તથા આવું જ અગાઊ પ્રસારિત થઈ ગયેલું સોનબાઈની ચૂદડીનું ગીત કોણ હલાવે લીંબડી પણ માણવાનું ચૂકતા નહી અને હા આ ગીત કોણ હલાવે લીંબડી ……. અવિનાશ વ્યાસ સુલભગુર્જરીમાં સુર સાથે પણ છે.તો તેની પણ મુલાકાત જરૂરથી લેજો.

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયાથી છુટાં પડ્યા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હવે સાસરિયે જાવું રે
પિયરીયામાં મહાલી રહ્યાં
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં.

નૂતન વર્ષાભિનંદન…સ્નેહ સંદેશ…..રમેશ પટેલ ‘આકાશદીપ’

October 29, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે નવા વર્ષનું નવલું પ્રભાત.અને વિક્રમ સંવત ૨૦૬૫નો શુભારંભ…મારા અને મારા સમગ્ર પરિવાર તરફથી આપ સર્વે વાચક મિત્રોને નૂતન વર્ષાભિનંદન.આજે નવા વર્ષના કરેલા આપના બધા સંકલ્પો પૂર્ણ થાય તેવી ભગવાનને અભ્યર્થના.આપના આંગણે પૂરેલ રંગોળીની જેમ ઘરમાં હંમેશા ખુશીના રંગોની છાલક ઉડતી રહે તેવી શુભકામના સહ આજે આપણા દીપ રમેશભાઈ પટેલની આ રચના મૂકું છું.અને આપ સર્વે મિત્રો આમ જ મને મદદ અને માર્ગદર્શન આપતા રહેશો.આપના પ્રતિભાવોને ખુલ્લા દિલે સ્વીકાર કરું છું.

 

સ્નેહ  સંદેશ દિવાળી  પર્વે  ઝીલું
ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું
આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું
 
ગોખલે ગોખલે પ્રગટાવું દીવા માયાળું
આચાર વિચાર શુધ્ધિથી ઘર શણગારું
ત્યાગી વેરઝેર શુભ સંકલ્પે વિચારું
ભૂલી અહંકાર સર્વને સ્નેહથી આવકારું
 
જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
નિર્ગુણ  શોભ્યું  સગુણે   છાયી    વિશ્વે 
દિપમાલાથી જેવા શોભે ઝરુખા પ્રકાશે
વિધ્યા ઉપાસનાથી સંસાર ખીલશે ઊજાશે
 
વદે બુધ્ધ આત્માના અજવાળે વિહરજો
ગ્યાન અજવાળે ચીંતવી આયખું ઊજાળજો
 
રમેશ પટેલ(આકાશદીપ)

શુભ દિપાવલી…મા,મા, દિવાળી આવી…..વિશ્વદીપ બારડ

October 28, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

                આજે છે આસો માસની અમાસ.આપણી દિપાવલી.દિપ માળાઓનો આ તહેવાર.અને આજની કથા પણ બધે જ વાંચવા મળશે. કે આજે રાજા રામચંદ્ર વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફર્યા હતા.ને તેથી સમગ્ર દીપમાળા પ્રગટાવવામાં આવે છે પણ મારે મારા વતનમાં બીજી એક પ્રથા છે કે દિવાળીની રાતે એક વાંસના લાકડામાંથી ઉપર સુતરાઉ કાપડ વીંટાળી નાની મશાલ બનાવવામાં આવે છે.જેને મેરાયા કહે છે.પછી રાત્રે આ મેરાયા લઈને ઘરની એક વ્યક્તિ પહેલા ઘરના ખૂણે ખૂણે ફેરવી ગામના દરેક ઘરે જઈ તેમાં તેલ પૂરાવતા જાય અને ગાતા જાય

 

આજ દિવાળી, કાલ દિવાળી,

ગોકુળિયાની ગાંડ ગુવાળી,

સઈના છોકરા ખાય સુંવાળી,

મેર મેર રાજા.

 

                અને ત્યાર બાદ ગામમાં આવેલ તળાવના કિનારે આ મેરાયાને મૂકી આવે.દાદા કહેતા કે આમ કરવાથી ઘરના અને ગામના વાતાવરણની શુદ્ધિ થાય તથા પરસ્પર એકબીજાને સુખ-દુઃખમાં મદદ કરવાની ભાવના કેળવાય છે.ત્યારે તો પૂછવું ભૂલી ગયો પણ આજે હવે કોને પૂછું કે આ મેર રાજા કોણ હતા…?

                ચાલો છોડો, આજે એક બીજા દીપ અને બાળકોના કાવ્ય રચનાર બાળ-ફૂલવાડીના  વિશ્વદીપ બારડની એક રચના આપ સર્વ સમક્ષ રજૂ કરું છું.સાથે દરેક મિત્રો અને તેમના પરિવારને અને તેમના પાડોશી સઘળા લોકોને દિપાવલીની શુભકામનાઓ. અને  નૂતનવર્ષાભિનંદન.

મા,મા, દિવાળી આવી,
રંગ ભરેલી રંગોળી આવી
,

મીઠી, મધુરી મીઠાઈ લાવી,
દીપ-માળા પ્રગટાવતી આવી.. મા
,મા દિવાળી આવી

શુભ-લાભના સાથિયા પાડવા,
કંકુ પગલા પાડતી આવી.. મા
,મા દિવાળી આવી

મંગળ-આરતી કરી ધન-તેરસે,
કંસાર-ખાતી લક્ષ્મી-આવી.. મા
,મા દિવાળી આવી

મને ભાવે મા, ઘારી-ઘુઘરા,
એ આવીતો સૌ મીઠાઈ સાથ લાવી.. મા
,મા દિવાળી આવી

દિવાળી સાથ નૂતન-વરસ લાવી,
મા
, તારા આશિર્વાદ લેવા હું આવી.. મા,મા દિવાળી આવી.

…………………………………….

આભાર વિશ્વદીપભાઈ

કાળીચૌદશ…એક દિન એવો આવશે…..શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી

October 27, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે આસો વદ ચૌદશ.એટલે કે કાળીચૌદશ.આમ તો આજે ઘણી સાધનાઓ થશે.હનુમાન તથા મહાકાળી તથા ઘંટાકર્ણ મહાવીર ની પણ આજે પૂજા થશે. મહુડીમાં આવેલું આ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક ઘંટાકર્ણ મહાવીરનું મંદિર ગુજરાતમાં જ નહી દેશવિદેશમાં પ્રખ્યાત છે. અને અહીં મળતી સુખડિનો પ્રસાદ તો ભાગ્યે જ કોઈ ગુજરાતીએ લીધો નહી હોય.મેં તો ઘણી વખત આ સ્થળની મુલાકાત લીધી છે.ખરેખર એક સુંદર સ્થળ છે.તો આજે રજૂ કરું છું શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબે વિ.સં.૧૯૬૭ અને ઈ.સ.૧૯૧૧માં ભાખેલ ભવિષ્યવાણી જે આજે સત્ય થતી દેખાઈ રહી છે.

 

 

એક દિન એવો આવશે ! એક દિન એવો આવશે !

મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે ! એક દિન !

 

અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે !

અશ્રું લ્હુહી સૌ જીવના, શાંતિ ભલી પ્રસરાવશે ! એક દિન !

 

સહુ દેશમાં સહુ વર્ણમાં, જ્ઞાની જનો બહુ ફાવશે !

ઉદ્ધાર કરશે દુઃખીનો, કરુણા ઘણી મન લાવશે ! એક દિન !

 

સાયન્સની વિદ્યા વડે, શોધો ઘણી જ ચલાવશે !

જે ગુપ્ત તે જાહેરમાં, અદભૂત વાત જણાવશે !  એક દિન !

 

રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે !

હુન્નરકળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે ! એક દિન !

 

એક ખંડ-બીજા ખંડની, ખબરો ઘડીમાં લાવશે !

ઘરમાં રહ્યા વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે ! એક દિન !

 

એક ન્યાય સર્વ ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે !

બુધ્યબ્ધિ પ્રભુ મહાવીરનાં, તત્વો જગતમાં વ્યાપશે ! એક દિન !

चलो इक बार फिर से अजनबी बन जाएं…સાહિર લુધિયાનવી

October 26, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

એક વાત તો કહેવાની રહી જ ગઈ કે ગઈકાલે હતી શ્રી સાહિર લુધિયાનવીની પુણ્યતિથિ.તો તેમનું આ ગીત જે મને ખૂબ જ ગમે છે તે હિન્દીમાં રજૂ કરું છું ……

 

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों

न मैं तुमसे कोई उम्मीद रखूं दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो ग़लत-अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाए मेरी बातों में
न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नज़रों से

तुम्हें भी कोई उलझन रोकती है पेश-क़दमी से
मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं
मिरे हमराह भी रुसवाईयां हैं मेरे माज़ी की
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साए हैं

तआरुफ़ रोग हो जाए तो उसको भूलना बेहतर
तअल्लुक़ बोझ बन जाए तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसें अंजाम तक लाना न हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों

 

તથા આજ ગીતનો અનુવાદ કરેલ રઈશ મણીયારની રચના જે મને લયસ્તરોમાંથી મળી તે પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા અર્પણ કરું છું..

 

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ

અપેક્ષા હું નહીં રાખું હૃદયની સરભરા કેરી
તમે મારી તરફ જોશો નહીં મર્માળુ નજરોથી
હૃદય ધબકાર મારી વાતો દ્વારા વ્યક્ત નહીં થાશે
પ્રગટ થઈ જાય ના તારી દ્વિધાનો ભેદ આંખોથી

તને પણ પહેલ કરતાં મૂંઝવણ કોઈ તો રોકે છે
મને પણ સૌ કહે કે છે પરાઈ રૂપની માયા
વીતેલા કાળના અપમાન સૌ મારા સંગાથી છે
ને તારી સાથ પણ વીતેલી રાતોના છે પડછાયા

પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ

……………………………………………

આભાર  લયસ્તરો

ધનતેરસ…(ગૃહ)લક્ષ્મી પૂજા….રમેશ પટેલ ‘આકાશદીપ’

October 26, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે આસો વદ તેરસ.એટલેકે ધનતેરસ.આજે દરેક ઘરમાં લક્ષ્મીપૂજન થવાનું જ.ધનની પૂજા સાથે મહાલક્ષ્મીની આરાધના કરવા આજે દરેક વ્યક્તિ સજીધજીને તત્પર હશે અને આમ પણ કહે છે ને કે પૈસો સર્વસ્વ નથી પણ જિંદગી જીવવા તેની પણ જરૂર તો પડે જ છે.પણ આજે કંઈક અલગ વાત કરવી છે.આજે મારા ઘરમાં બાળપણથી ચાલી આવતા ધનતેરસના દિવસની સાથે સંકળાયેલી એક પ્રથા વિશે વાત કરવી છે.

અત્યારે તો ઘરમાં હું, મમ્મી ને પપ્પા જ છીએ.પણ પહેલાં તો બંને બહેન તથા દાદા-દાદી તથા બંને કાકા-કાકી અને મારા પિતરાઈ ભાઈઓ-બહેનો બધા સહકુટુંબ સાથે દિવાળી મનાવતા.ત્યારે આ દિવસે અમારે સૌથી પહેલા નાહી-ધોઈને તૈયાર થવાની હોડ રહેતી.તમે કેશો કે એમાં શું તહેવાર અને આટલા બધા લોકો હોય તો થોડી હાડમારી રહેવાની જ.પણ ના મિત્રો આ હોડ એટલા માટે રહેતી કે અમારા દાદાએ કહેલું કે આજે નાહીએ એટલે જે તે વ્યક્તિના ગધેડા તેના જન્મસ્થળ પર જાય પછી તે ભલે ને દવાખાનાનો પ્રસુતિગૃહ હોય કે ઘરનો કોઈ ખૂણો.અને જેના ગધેડા વહેલા પહોંચે તેને વધારે માન ધન તથા દાદા તરફથી ભેટ મળે.માટે સૌથી વહેલા તૈયાર થવા માટે રીતસર પડાપડી થતી અને ખરેખર ખૂબ મજા આવતી.અને જો નહાવામાં પાછળ રહી જાય તો પણ બસના સમય સાથે પણ સરખામણી થતી કે મારું જ્ન્મસ્થળ અહીં છે તો મારા ગધેડા વહેલા પહોંચશે.ખરેખર સાથે દિવાળી મનાવવાનો આનંદ અનેરો જ હોય છે. જાણું છું કે આનો ઉદ્દેશ એટ્લો હતો કે તહેવારના દિવસોમાં વહેલા તૈયાર થઈ તેનો આનંદ માણવો આળસ ત્યજવી.હાં હવે તો દસ વર્ષ થઈ ગયા દાદાને ગયાને.પણ આજે પણ આ પ્રથાને માણવાની મજા એટલી જ આવે છે.અને માટે જ કહું છું કે પોતાના માહ્યલામાંના એ અબૂધ બાળકને હંમેશા જીવંત રાખજો.

અરે હાં આજે ધનની પૂજા કરી રહ્યા છો ને તો  આપણા ફન એન ગ્યાનના વિનયભાઈ ખત્રી લઈને આવેલા એક 0 કરોડ રૂ ની નોટની પણ પૂજા કરી લેજો. વળી આપણા દેશમાં સ્ત્રી ને લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે. તો પછી આજના દિવસે ચાલોને એ ગૃહલક્ષ્મીની જ પૂજા કરીએ તો કેવું..? અરે હાં મિત્રો જે હજી મારી જેમ કુંવારા છે તેઓ પણ સ્ત્રી શક્તિરૂપે રહેલી માતા કે બહેનની પૂજા કરી શકે છે.તો આજે માણીએ ફરીથી રમેશ પટેલનું (ગૃહ)લક્ષ્મીનું આ ગીત.

 

શુભ  દિન  શુભ  ચોઘડીએ ,   રૂડા  મંગલ  ગીત  ગવાયાં
સોળે શણગારે શોભે ગૃહલક્ષ્મી,મઘમઘ ફૂલે ફોરમ વરતાયા
 
સંગ તમારે ઝૂમશે ઝાંઝર, આંગણે મહેંકશે તુલસીક્યારો
છોડી મહિયર ભાઈ બહેનને, ગૂંથજો પ્રેમે રેશમિયો દોરો
 
નણંદ ભોજાઈના સ્નેહ સોગઠે, બાંધજો ભાઈને તમ પાલવડે
કુમકુમ પગલાં  શોભશે દ્વારે,   હાસ્યનાં  મોતી વેરજો  ચોકે
 
છાનું છપનું સંગીત ગાજો,શુભ શમણાં સજશે ગૃહલક્ષ્મીનાં
લાડ દીકરીનાં પામી તમે, પૂરજો કોડ વાલમના કેસરિયા
 
આંગણિયે અવસર શોભાવજો,મલકાવી ગુલાબી ગાલે ખંજન
રિધ્ધિ સિધ્ધિ તમ ચરણે દોડશે, બાંધજો પ્રેમનાં રૂડાં બંધન
 
હસશે રમશે પગલાં પાડી, ભાઈનો  નાનો   રાજ  દુલારો
એકમેકના સંગે રમશું ભમશુંખીલશે જીવન રંગ ફુવારો
 
સપ્તપદી છે જીવન માંગલ્ય, શોભે ચાંદલો રૂડો ભાલે
આવો મારા ભાઈની  ગોરી, રમશું રાસ પૂનમની  રાતે
 
રમેશ પટેલ(આકાશદીપ)

વાઘબારસ…આસો માસે ઉત્સવની ટોળી…..રમેશ પટેલ ‘આકાશદીપ’

October 25, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે આસો વદ બારસ.એટલે કે વાઘબારસ.આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ રહી છે.આમ તો કાલથી એટલે કે રમા એકાદશીથી જ પર્વ તો આરંભાઈ ગયો છે પણ રમા એકાદશી એટલી લોકાભિમુખ નથી પણ વાઘબારસ છે.કહે છે આપણા ભારતવર્ષમાં જેટલા ઉત્સવો ઉજવાય છે તેટલા બીજા કોઈ દેશમાં નથી ઊજવાતા વળી દરેક તહેવાર સાથે કોઈ દંતકથા કે મહાત્મ્ય જોડયેલુ છે.તેમાં થી મને માલૂમ છે ત્યાં સુધી વાઘબારસ સાથે જોડાયેલી વાતો કંઈક આવી છે. 

 

એક વાત મુજબ આજે શક્તિના પ્રતિક સમા અને મા આદ્યશક્તિના વાહનરૂપે રહેલા વાઘની ઉપાસના એટલે કે શક્તિની આરાધના નો તહેવાર છે અને પ્રભુ સર્વેને આ તહેવાર માં એ શક્તિ અર્પે.જેથિ તેઓ આગળ પ્રગતિ કરી શકે.

વળી એક વાત એમ પણ છે કે તે વાઘ એક પ્રાણી સાથે નહી પણ તેનો અર્થ છે “વાઘ માંડવું” એટલે કે શુભ શરૂઆત કરવી.ચોપડાના પૂજન સાથે તેમાં શરૂઆત કરવી એવો પણ થાય છે.

મિત્રો જો આપ પણ આ ઉજવવાનું કારણ જાણતા હોવ કે મને જાણ છે તેમાં કોઈ ભૂલ હોય તો મને જણાવવા નમ્ર વિનંતી છે.તો આજથી દિવાળી શરૂ તો પછી ઘરની સાફ-સફાઈ, મિઠાઈ,મઠીયા વગેરે ફરસાણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હશે.તો આવી તૈયારીની યાદ સાથે આસો માસમાં આવી રહેલી આ ઉત્સવોની ટોળકી ને ચાલો માણીએ રમેશ પટેલ (આકાશદીપ) એક “દીપ” ની રચના દ્વારા…

 

આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિંચોળી
દીવા લઈને આવી દિવાળી, પુરજો  ચોકે  રૂડી  રંગોળી
 
ફટફટ કરતા ફૂટે ફટાકડા ,આકાશને દેવા નવરંગે ઉજાળી
ભોળા ભાવે  ભેટે  ભેરુઓ   ,ઝીલીએ  ખુશી ભરીને ઝોળી
 
શાખે ઝૂલે લીલાં તોરણિયાં, ચમકે સ્નેહે સૌનાં મુખલડાં
સૌના માટે નવાં પહેરણિયાં, મોસાળે રમે નાનાં ભાણેરિયાં
 
દાદાને વહાલી લાડવાની ઉજાણી, મોટા માણે મઠિયાંની મિજબાની
પપ્પાને ગમતાં  મેવા   મીઠાઈ,  ગળ્યા ઘૂઘરાની  શોખીન મમ્મી 
 
વહાલે વધાવીએ માતા લક્ષ્મીને, દાદા હનુમંતને શરણે જઈએ
લઈને ઓવારણાં  નવલા વર્ષે,  ભાઈબીજને  સ્નેહે  સંવારીએ
 
નદી  કિનારે  જામે  મેળોજીવતરના  રંગો  ચગે  ચગડોળે
ઢોલને  ધબૂકે જોબનિયું જાગે, સોનેરી સપનોમાં મનડું મહાલે
 
દેશ પરદેશથી  રમે સંદેશા,   કેવી  લાગે  રૂપાળી દિવાળી
શુભ સંકલ્પની પ્રગટાવી જ્યોતિ, વેરઝેરને દેજો દરિયે ડુબોડી
 
રમેશ પટેલ(આકાશદીપ)

 

………………………………………….

માફ કરજો મિત્રો,કાલે ટેકનીકલ પ્રોબ્લેમના કારણે પ્રસારિત કરવા છતા રજૂ ન થઈ શકી.


Follow

Get every new post delivered to your Inbox.