Archive for August, 2008

રામદેવપીર નો હેલો………

August 31, 2008

જ્યશ્રી કૃષ્ણ મિત્રો,

આજે ભાદરવાની શરૂઆત થઈ છે. આજે રામદેવપીર નવરાત્રિની શરૂઆત થાય છે. અલખના ધણી, “પશ્ચિમી ધરાના પાદશાહતરીકે પ્રસિદ્ધ રામાપીર પશ્ચિમ ભારતના રાજસ્થાન, ગુજરાત, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે પ્રદેશોમાં અલખના આરાધક અને નિજારધર્મ મહાન ધર્મોના મહાન પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ છે. ઇ.સ.ની ૧૪-૧૫ સદી દરમિયાન વહેતાં થયેલ મઘ્યયુગીન ભકિતઆંદોલન વખતે સંત કબીર, ગુરુનાનક, સંત રૈદાસ તેમજ દાદુભગત વગેરેએ સંતની આરાધના દ્વારા હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેના જાતિગત ભેદભાવો ઉલ્મુલન કરીને સમાજ સુધારણા ક્ષેત્રે અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. લગભગ એ જ અરસામાં ભગવાન રામદેવજી મહારાજે પણ પિશ્ચમ ભારતમાં સમગ્રપણે હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવા તેમજ સ્પર્શા-સ્પર્શના ભેદભાવ દૂર કરી સમાજમાં સમરસતા સ્થાપવા મહત્ત્વની કામગીરી બજાવી હતી અને આને જ પોતે નિજ કે નિજિયા ધર્મ કહેતા હતા. ભગવાન રામદેવજી ગરીબોના તેમજ તેમના ભકતોના બેલી હતા.

તો આ ભગવાન રામદેવજી અગર રામાપીર કોણ હતા એ જૉઈએ મારવાડમાં આવેલ પોકરણગઢના મહારાજા અજમલજી ભગવાન દ્વારિકાધીશના મહાન ભકત હતા. કહો કે ભગવાન તેમને હાજરા હજૂર હતા. ભગવાને આપેલ વચન પ્રમાણે સંવત ૧૪૬૧ની વસંતપંચમી (મહા સુદ પાંચમ)ના દિવસે એમના મોટા પુત્ર વીરમદેવજીના જન્મના છઠ્ઠા દિવસે (મહા સુદ અગિયારસ) એ જ પારણામાં ભગવાન રામદેવજીનું બાળસ્વરૂપે પ્રાગટય થયું. બાબાને પરચાવાળા દેવ પણ કહે છે. બાબાએ પૂછતાં  લાખા વણજારાની સાકરની પોઠોમાં બધું મીઠું જે છે, તો બધું મીઠું (નમક) થઈ ગયું. પછી લાખાએ રામદેવબાબા પાસે જઈને રડીને માફી માગી. તે પછી જૂઠું કદી ન બોલવું એ શરતે બાબાએ માફી આપી અને મીઠાની સાકર થઈ. તે પછી લાખો બાબાના ભકત થઈ ગયા. લોકોને ત્રાસ આપતા ભેરવા રાક્ષસને બાબાએ ભંડારી દીધો. ભાવિ પત્ની નેતલદે અંધ તેમજ લંગડા હતાં. લગ્ન વખતે ચોરીમાં હસ્તમેળાપ વખતે તેમનું અંધત્વ તેમજ અપંગતા અદ્રષ્ય થઈ ગયા અને દેવાંશીરૂપ એમને પ્રાપ્ત થયું બાબાના પ્રતાપે દલુ વાણિયાને ચોરોએ લૂંટીને મારી નાખેલા. તે તેની પત્નીની પ્રાર્થનાથી જેને આપણે રામાપીરનો હેલો કહીએ છીએ અને ગાઈએ છીએ, તેથી બાબાએ વાણિયાનું ધડ અને માથું જૉડીને તેને જીવંત કર્યો. તે પછી વાણિયો બાબાનો પૂર્ણ ભકત બની ગયો. બાબાની પરીક્ષા કરવા મક્કાથી પાંચ ઓલિયા જેમાં મુખ્ય ઓલિયા મુસા ઓલિયા હતા તે આવેલા. આ બધા બાબાના પરચાઓથી અંજાઈ ગયેલા તેથી તેમણે રામદેવજી મહારાજને હિંદવાપીરનું બિરુદ આપ્યું.

સંવંત ૧૫૧૫ના ભાદરવા સુદ ૧૧ના ગુરુવારના રોજ બાબાએ સમાધિ લીધી. તેમની હરિજન ભકત ડાલીએ બે દિવસ પહેલાં સમાધિ લીધી એટલે કે નોમના રોજ. બંનેની સમાધિની જગા પણ ડાલીબહેને નક્કી કરી હતી. આજે પણ રણુજામાં આ સમાધિમંદિરનાં દર્શન કરવા લાખો જનો જાય છે. બાબાનાં મંદિરોમાં ખૂબ મેળા ભરાય છે. પૂજા થાય છે, પાટોત્સવ વગેરે થાય છે.

 

 

હો હો હેલો મારો સાંભળો,

રણુંજાના રાજા,અજમલજીના બેટા,

વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ

હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,

માલ દેખી ચોર વાંહે વાંહે જાય,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,

બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,

મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,

સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,

વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ

હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,

ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,

વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

 

હો હો હેલો મારો સાંભળો,

રણુંજાના રાજા,અજમલજીના બેટા,

વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,

મારો હેલો સાંભળો હો હો હો હો જી…

……………………………………………………

આભાર દિવ્યભાસ્કર

૨૩મું રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયુ…જો પારખી જાણો કોઈ આંખો…..ડો.હિતેશ ચૌહાણ “વિશ્વાસ”

August 28, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે બરાબર એક મહિનો થઈ ગયો આ સુલભગુર્જરીના શરૂ થયાને. વળી અત્યારે ૨૩મું રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયુ  પણ ચાલી રહ્યું છે જે ૨૫મી ઓગસ્ટ થી ૮મી સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે.જો કે આ પોસ્ટ વહેલી મૂકવી હતી પણ પછી આજનો દિવસ જ પસંદ કર્યો.વળી આજના દિન માટે રચેલી મારી આ કવિતા પણ આજના દિવસે જ મૂકવાનો વિચાર હતો.જેથી આપ સર્વે મિત્રોને એક વિનંતી કરી શકાય કે જેમ આ સુલભગુર્જરી સુલભ્ય બની તેવી જ રીતે આ દુનિયામાંથી જતા જતા કોઈ વ્યક્તિને ફરી આ સુંદર દુનિયા નિહાળવાની તક આપીએ તો કેવું..? માટૅ જ કહુ છુ કે મૃત્યુ પહેલા રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન આ બે દાન ખરેખર આપના ના હોવા છતા પણ આપની આ દુનિયામાં હયાતી પુરવાર કરશે. વળી આવતીકાલથી એટલેકે ૨૯ ઓગસ્ટથી ચાલો ગુજરાતનો પણ ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે.તો ચાલો આપણે સૌ આ માટૅ કટિબદ્ધ થઈએ. અને આજે માણો મારી આ આંખો પરની રચના જે હું મારા આ બ્લોગને બનાવવામાં મને સતત સાથ અને માર્ગદર્શન આપતા રહ્યા છે તેવી મારી મિત્ર મન ને આ રચના અર્પણ કરું છું.

 

 

 

આખો માણસ તમે વાંચી શકો…

જાણી શકો, જો પારખી જાણો કોઈ આંખો,

હ્રદયની જમાનામાં નથી ખાસ કસોટી,

ઈન્સાનની ખરી પહેચાન છે તેની આંખો !

કહે કે ના કહે જીભ કોઈ હકીકત કદી,

વાચા સતત લાગણીની રજૂ કરે છે આંખો !

 

વેદના કે વિપત્તિ ટકી ગઈ કદી દિલ પર,

અંતિમ પળે છાની રહી નથી કદી આંખો !

 

દોસ્તીના દાવા તો વર્તનથી કૈક થાય છે,

છેતરાઈ કોઈ ક્યાં શક્યું છે જોઈને આંખો !

 

મન ના ચમનમાં સદાય ખીલે વસંત,

હોય જો નિરામય પાવક દ્રષ્ટિસભર આંખો !

 

અર્પી શકે છે અશ્રુબિંદુઓના ગુલાબો,

સ્નેહ નીતરતી જગતની હીર છે આંખો !

વાટ જોઈ રહી છે એ જ વિશ્વાસથી વિશ્વાસની આંખો…..!

કાનનો જનમ…… લોકગીત

August 24, 2008

હાં મિત્રો તો આજે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મ ની ઉજવણીમાં સામેલ થાવ ત્યારે કાનાના જન્મનું આ લોક્ગીત ગણગણવાનું ભૂલતા નહી હોં કે……

 

·                                

આવી અંધારી શી રાત્‍ય, આવી અંધારી શી રાત્‍ય,
એક અંધારી ઓરડી રે લોલ.
વાસુદેવને, દેવકીજીને, વાસુદેવ ને દેવકીજીને,
બેઈને અંધારીમાં પૂરિયા; રે લોલ.
દીધાં જોડ કમાડ, દીધાં જોડ કમાડ,
ભોગળ ભીડયાં લોઢા તણાં રે લોલ.
બાને માસ છ માસ બાને માસ છ માસ,
બાને માસ પૂરા થયા રે લોલ.
બાને જલમ્‍યા કુંવર કાન બાને જલમ્‍યફા કુંવર કા,
આવાં અંજવાળાં કયાં થિયાં રે લોલ.
ઊઘડયાં જોડ કમાડ, ઊઘડયાં જોડ કમાડ,
ભોગળ ભાંગ્‍યાં લોઢા તણાં રે લોલ.
બાને જલમ્‍યા કુંવર કા, બાને જલમ્‍યા કુંવર કા,
એના મોહાળિયા આવિયા રે લોલ.
બેની બાળક લાવ્‍યા; બાર્ય, કંસને દીધા જમણે હાથ્‍ય,
લઈને પાણે પછાડિયા રે લોલ.
મામા, મને શીદને થૈને રઈશ, આકાશ વીજળી થૈને રઈશ.
તારો વેરી ગોકુળ વહે રે લોલ.
આકાશ વીજળી થૈને રઈશ, આકાશ વીજળી થૈને રઈશ.
તારો વેરી તને મારશે રે લોલ.

 

————————————————–

આભાર ગુર્જરી.નેટ

મને લાગે છે વ્હાલો,….. શ્રી યોગેશ્વરજી

August 24, 2008

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે તો આમ પણ કૃષ્ણ ભગવાનનો જ જન્મદિવસ છે એટલેકે જન્માષ્ટમી તો આપ સર્વે ભક્તજનોને મારા વતી જય કનૈયાલાલ કી.આજે મારી ખાસ મિત્ર “મન” એ મને આ રચના મૂકવાનું સૂચન કર્યું પહેલા તો મેં બીજી રચના જે આ બાદ રજૂ કરીશ તે વિચાર હતો પણ તેમણે મને તેમના સ્વરમાં આ ગાઈને સંભળાવ્યુ ત્યારે આ ગીત મૂકવાનો વિચાર દૃઢ્ઢ નિર્ધાર લઈ જ લીધો. તો મિત્રો માણો યોગેશ્વરજી નું આ ભજન મારી મિત્ર મન ના સ્વરમાં પરંતુ હા મિત્રો આ સંગીત વગર છે અને ફોન પર રેકોર્ડ કરેલ છે છ્તા અવાજની ગુણવત્તા જાળવવા પ્રયત્ન કરેલ છે. આશા છે આપ સર્વે તે બદલ દરગુજર કરશો.

 

 

મને લાગે છે વ્હાલો,

યશોદાનો લાલો,

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

 

જન્મ જેલમાં થયો,

તોય ખીલતો રહ્યો,

નથી કીધા નિરાશાના ખ્યાલો..

 

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

મને લાગે છે વ્હાલો,

યશોદાનો લાલો,

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

 

જીત્યા ગોપીઓના ચિત,

અને લૂટ્યા નવનીત,

તોયે લાગ્યો સકલ ને એ વ્હાલો..

 

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

મને લાગે છે વ્હાલો,

યશોદાનો લાલો,

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

ધર્યો ગોવર્ધન હાથ,

ભરી ઈન્દ્ર સાથે બાથ,

ભલે નાનો ગાયોનો ગોવાળૉ…

 

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

મને લાગે છે વ્હાલો,

યશોદાનો લાલો,

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

કીધી કુરુક્ષેત્રે જંગ,

રહ્યો પાંડવોની સંગ,

બન્યો પાર્થ તણૉ સારથી નિરાળો…

 

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

મને લાગે છે વ્હાલો,

યશોદાનો લાલો,

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

ધર્યુ સુદર્શન હાથ,

કીધા કૈકને મહાત,

તોય યશોદાની પાસે થયો કાલો….

 

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો

 

મને લાગે છે વ્હાલો,

યશોદાનો લાલો,

માધવ મતવાલો મતવાલો

હો હો માધવ મતવાલો મતવાલો….

 

 

 

નવરોઝ મુબારક …ગુણવંતી ગુજરાત ……અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

August 19, 2008

જ્યશ્રી કૃષ્ણ મિત્રો,

આજે તો છે પતેતી. એટ્લે આપણા પારસી ભાઈ-બહેનોનું નવું વર્ષ.તો સૌ પારસી ભાઈ-બેનોને મારા તરફથી નવરોજ મુબારક.તો ચાલે આજે દુધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી લોકોના આગમનની કથા જે પાઠ્યક્રમમાં આવતી હતી તે મમળાવીએ તથા થોડી માહિતી પણ મેળવીએ.

પારસી કોમમાં પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે નવરોઝ કહેવાય છે.

પારસીઓ એમના આ નૂતન વર્ષે નવરોઝ મુબારક કહે છે. જરથોસ્તી ધર્મના છેલ્લા રાજાનું નામ યઝદઝદ હતું. તે માયાળુ, પ્રજાવત્સલ રાજા હતો. પણ આરબોના આક્રમણનો તે સામનો ના કરી શકયો. તેને મારી નાખવામાં આવ્યો. પણ વિક્રમ રાજાની જેમ તેની યાદગીરીમાં યદઝર્દી સંવત શરૂ થઈ. હવે તેનું ૧૩૭૭મું વર્ષ શરૂ થયું. આમેય પારસીઓના ભારત વસવાટને ૧૩૫૦ વર્ષ થાય છે.

નવરોઝ નિમિત્તે પારસીઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થાય છે. આનંદ-ઉલ્લાસમાં રહીને નવું વર્ષ ઊજવે છે. ગુજરાતી વાતાવરણમાં ગોઠવાઈ જઈને તેઓ કાર્ડ લખે છે અને એકબીજાને ત્યાં મળવા જાય છે. તેઓ આતશ-બહેરામમાં, અગિયારીમાં જાય છે. ત્યાં સુખડનાં લાકડાં અર્પે છે. નવા વર્ષની મંગલકામનાઓ સાથે પ્રાર્થના કરે છે. આ પ્રસંગે જરથોસ્તી ધર્મ, એના ધર્મસ્થાપક, આ ધર્મના સિદ્ધાંતો વગેરે જાણવું જરૂરી છે.

ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા.

આ વખતે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ રાજયાશ્રય માટે રાણા પાસે પ્રતિનિધિમંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તર રૂપે દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. આ દ્વારા રાણા એ સૂચવવા માગતા હતા કે અમારી વસતી વધારે છે એટલે અમે તમને વસાવી શકીએ તેમ નથી. પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ એમના અગ્રણી પાસે પહોંરયું. તેઓ સમજદાર હતા. તેમણે પ્યાલામાં ધીરે ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઈ.

તે જ પ્યાલો લઈને ફરીથી પ્રતિનિધિમંડળને રાણા પાસે મોકલ્યું. રાણો ચતુર હતો. એણે દૂધ ચાખી જૉયું તો દૂધ મીઠું લાગ્યું. રાણાને પ્રત્યુત્તર મળી ગયો કે અમે અહીં દૂધમાં સાકરની પેઠે ભળી જઈશું.રાણાએ એમને વસવાટની છૂટ આપી.

પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. ૧ ઉદવાડામાં, ૨ સુરતમાં, નવસારીમાં અને ૪ મુંબઈમાં. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે.

અમદાવાદમાં ખમાસા ગેટ પાસે અને કાંકરિયા રોડ ઉપર એમ બે અગિયારી છે. તેઓ ગુજરાતમાં નવસારી, સુરત, વલસાડમાં વસ્યા. ત્યારબાદ ખંભાત, ભરૂચ, અંકલેશ્વર, મુંબઈ અને પુનામાં વસ્યા. પછીથી તો તેઓ ભારતભરમાં વસ્યા. કેનેડામાં ટોરોન્ટોમાં પણ મોટી સંખ્યામાં પારસીઓ છે.

હિન્દુ ધર્મમાં જેમ જનોઈની વિધિ છે તેના જેવી પારસીઓમં કુમાર-કુમારીઓ દરેકને માટે નવજૉતની વિધિ છે. જરથોસ્તી ધર્મ પાળનારે સત્ય બોલવું અનિવાર્ય છે. સાયરસે માનવ અધિકારોની હિમાયત કરી જેની વિગતો યુનોમાં છે. ફિરદોસે શ્નશાહનામામાં જરથોસ્તી ધર્મની એટલી પ્રશંસા કરી કે તેના મૃત્યુ વખતે લોકો કહેવા લાગ્યા કે તે જરથોસ્તી બની ગયો છે. પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ. જેની સ્થાપના ઇ.સ. પૂર્વે ૫૯૦ની આસપાસ ગુરુ અષો જરથુષ્ટ્રે કરી હતી.

અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ ઇરાનના આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો. અષો જરથુષ્ટ્ર જન્મ વખતે રડયા નહોતા પણ હસતા હતા તેથી ઇરાનના ધર્મગુરુ મેજાઈ દુરાસરુને બાલ્યાવસ્થામાં જ અષો જરથુષ્ટ્રને મારી નાખવાના અનેક પ્રયાસો કર્યા પણ તેમાં તેઓ સુરક્ષતિ રહ્યા.

તેમણે પ્રભાવશાળી ગુરુના સાંનિઘ્યમાં વિધાભ્યાસનો પ્રારંભ કર્યો. તે વખતે રૂઢિચુસ્ત સમાજ હતો જયારે અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી હતા. તેમણે પત્નીની પસંદગી સ્વયં કરી. એમનાં પત્ની હવોવીથીએ ત્રણ પુત્રો અને પુત્રીઓને જન્મ આપ્યો હતો.ઈશ્વરપ્રાપ્તિ એમના જીવનનું એક માત્ર લક્ષ્ય બની રહ્યું. જેઓ નિર્જન પહાડો ઉપર જતા. ત્યાં બેસીને અનેક કલાકો સુધી ચિંતન કરતા. આમ અનેક મહિનાઓ વીતી ગયા. ધીરજ ખૂટવા લાગી. નિરાશા ધેરી વળે તેવું લાગ્યું. એવામાં સાયંકાળે અસ્તાચળે જતા સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં. અહુરમઝદે અષો જરથુષ્ટ્રને વરદાન માગવા કહ્યું તો અષો જરથુષ્ટ્રે પવિત્રતાની માગણી કરી. આમ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી એમણે ધર્મપ્રચારનું કાર્ય આરંભ્યું. પ્રારંભમાં તેમને એક શિષ્ય મળ્યો. પછી રાજયાશ્રય પણ મળ્યો. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જયોત જલાવી રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ બંદગી કરતા હતા ત્યારે તુરાની દુરાસરૂન સૈનિકે એમની પીઠ પાછળ ઘા કર્યોજેથી એમનું મૃત્યુ થયું.

જરથોસ્તી ધર્મને જાણવા જેવો છે. તેમના ધર્મગ્રંથનું નામ અવેસ્તા છે. જરથોસ્તી ધર્મ એકેશ્વરવાદને માને છે. તેના કર્મના સિદ્ધાંતો ખિ્રસ્તી ધર્મને મળતા આવે છે. રાષ્ટ્રપ્રેમ, સાદાઈ, સેવા પરાયણતા, પવિત્રતાના ગુણો ધારણ કરવાનું કહે છે. તેઓ અગ્નિને પૂજે છે તેથી સૂર્યોદય પહેલાં ઊઠે છે એટલે તેઓ સમૃદ્ધ છે. મન, વાણી અને કર્મની એકરૂપતા તેમને પ્રિય છે. દુષ્ટને પણ સદ્ગુણી બનાવવાની શુભ ભાવના રાખે છે. દુશ્મનને મિત્ર બનાવે છે. સમાજસુધારણાને તેઓ માને છે. તેમની વાણીની મીઠાશ, સભ્યતા અને સ્વરછતા પ્રશંસનીય છે. ગુજરાતને તેમણે શ્નસાલમુબારકશબ્દ આપ્યો.

પારસીઓ આપણા સમાજના અંગ રૂપ બની ગયા છે. તેઓ સાલસ છે. સંઘર્ષ કરતાં સમાધાન કરવામાં માને છે. તેઓ નિરુપદ્રવી છે. આ કોમમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રે વિરલ વિભૂતિઓ થઈ છે. દાદાભાઈ નવરોજી, ફિરોઝશા મહેતા, મીઠું બહેન પિટીટ, વીર નરિમાન, માદામ ભીખાઈજી કામા જેવા સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણીઓ, જમશેદજી તાતા, જમશેદજી જીજીભાઈ, લવજી નસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ જેવા ઉધોગપતિઓ, ડૉ. હોમી ભાભા, ડૉ. હોમી એન. શેઠના જેવા વૈજ્ઞાનિકો, નાની પાલખીવાલા અને સોલી સોરાબજી, શેઠના જેવા પ્રખર કાયદાશાસ્ત્રી, બૌદ્ધિકો જેવી વિભૂતિઓથી પારસી કોમે વિશ્વમાં નામ રોશન કર્યું છે. આપણે સૌ પતેતી-નવરોઝના પાવનપર્વ નિમિત્તે દેશ-વિદેશમાં વસતા સમગ્ર પારસી સમાજને અંતરમનની શુભકામનાઓ પાઠવીએ છીએ.

તો આજે પ્રસ્તુત છે એક પારસી કવિ અરદેશર ફ. ખબરદાર અદલ ની જ એક રચના ગુજરાતની ગૌરવગાથા ગાતી અને મેહુલભાઈ દ્વારા ગુજરાત સ્થાપના દિન પર રજૂ કરાયેલ આ રચના જેમા શાસ્ત્રીય સંગીત પણ વણી લેવાયું છે.તો માણૉ ….

ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત
નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત….

 

સંત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત
જય જય કરવા તારી જગમાં અર્પણ કરીએ જાત
ગુણવંતી ગુજરાત….

ઉર પ્રભાત સમા અજવાળી ટાળીદો અંધાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
ગુણવંતી ગુજરાત….

—————————————–

આભાર દિવ્યભાસ્કર

મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલ આ ગીત, અને બીજા ઘણા ગીતો આપ એમની વેબસાઇટ : http://www.mehulsurti.com/ પરથી ડાઉનલોડ કરી શકો છો

કોણ હલાવે લીંબડી ……. અવિનાશ વ્યાસ

August 16, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

આજે તો છે શ્રાવણી પૂનમ.એટલેકે રક્ષાબંધન.ભાઈ અને બેની ના પ્રેમના આ તહેવાર ની આપ સર્વેને શુભેચ્છાઓ.આજે માત્ર એટલુ જ કહીશ કે બધા કહે છે કે આજકાલ લાગણીઓ સૂકાઈ ગઈ છે પણ સાવ એવું નથી પરંતુ લોકોના દિલમાં તો પ્રેમ ને લાગણીઓ તો છે જ પણ ક્યારેક સમય તો ક્યારેક પૈસાના તો ક્યારેક કોઈ શું કેશે આવા ડરને કારણે પોતાની લાગણી પ્રેમ વ્યક્ત જ નથી કરતા અને સંબંધોમાં એક દૂરી આવી જાય છે.તો આજે આ પવિત્ર તહેવારે પોતાનાઓ પ્રત્યેની પોતાની ભાવના પ્રેમને વ્યક્ત તો કરી જુઓ પછી જુઓ તેમના ચહેરા પર પણા કેવી રંગત આવે છે. વળી આજે તો નાળિયેરી પૂનમ પણ કહેવાય છે તો દરેક દરિયાઈ ખારવા ભાઈઓ તથા દરિયા નજીક રહેતા તમામ લોકોને નાળિયેરી પૂનમની ખૂબખૂબ શુભકામનાઓ.તો આજે પ્રસ્તુત છે અવિનાશ વ્યાસનું જ સોનબાઈની ચૂંદડી ફિલ્મનું ભાઈ-બેનીના પ્રેમનું આ ગીત અને હાં ગીતમાં થોડો વિરામ બાદ દુખદ લયમાં પણ છે તો પૂરુ માણશો…

 

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે બેનડી જુલે ભઇલો ઝુલાવે ડાળખી.

 

 .

.

.

.

.

 

હે આજ વીરો લાવશે ભાત્, મીઠા ફળ ને ફૂલ,

ભાઈ-બેનીના હેતની આગળ, જગ આખું થશે ધૂળ.

 

વીરા ને.. રાખડી બાંધુંવીરાના મીઠડા લેશું,

વીરા ને.. રાખડી બાંધુંવીરાના મીઠડા લેશું…

 

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી

જા રે ઝંડા જા…….અવિનાશ વ્યાસ

August 15, 2008

વળી આજે મારા ગમતા કવિ અવિનાશ વ્યાસનું આ દેશભક્તિ-ગીત પણ ખાસ આપના માટૅ આજના દિવસે.

 

જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇ ને મગન, લહેરા.. જા….

ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા….  જા…..
જા રે ઝંડા જા ….

શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા….  મા….
જા રે ઝંડા જા

દિવાલ થઇને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ ઠળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા….
જા રે ઝંડા જા ….

——————————

આભાર ટહુકો


Follow

Get every new post delivered to your Inbox.