Archive for July, 2008

આવકારો મીઠો આપજે …..દુલા ભાયા ‘કાગ’

July 28, 2008

સુસ્વાગતમ્ મિત્રો,

આજે ખૂબ જ હર્ષ સાથે જણાવવાનુ કે આજે મનના વિશ્વાસના એક બીજા નવા ઘરનું શુભમૂહુર્ત થાય છે. અને આપ સર્વે અહીં પધાર્યા તે બદલ આપ સર્વેનો ખૂબખૂબ આભાર.આપ સર્વે મોંઘેરા મિત્રોનું આ સુલભ ગુર્જરીના ગુર્જર-જગતમાં હાર્દિક સ્વાગત છે.

 

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
 

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી… 

માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે – આવકારો મીઠો…

આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો ? …એમ નવ કેજે રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો…

આપજે રે…જી… 

વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે – આવકારો મીઠો…

આપજે રે…જી…

કાગએને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે – આવકારો મીઠો…

આપજે રે…જી…-

દુલા ભાયા કાગ

પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા…..અવિનાશ વ્યાસ

July 26, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

આજે બે સારા સમાચાર આપવાના છે. મિત્રો આવતીકાલે એટલેકે ૨૭મી જુલાઈએ ગાંધીનગરમાં ધબકાર ગ્રુપની પહેલી બેઠક યોજાવાની છે. જેમાં ધબકાર ગ્રુપના સભ્યો સંગીતમય અને લયપ્રદ ગુજરાતી ગીતો અને કવિતાઓની રમઝટ બોલાવવાના છે. આ ગ્રુપ દરેક વ્યક્તિને પોતાની આગવી કળા રજૂ કરવા માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરુ પાડે છે તો તેમના સૌના વતી હુ આપને આમંત્રણ પાઠવું છું તો મિત્રો રવિવારની રજાની મજા માણવાની ચુકતા નહીં.

 

વળી બીજા સમાચાર એ છે કે મનના વિશ્વાસને એક બીજુ નવું સરનામું પણ મલી ગયું છે તો મિત્રો તે સુલભગુર્જરી ની મુલાકાત જરૂરથી લેજો પણ હા હજી કામ બાકી છે તેથી સોમવારથી તેનો વિધિવત પ્રારંભ્ થશે તો તેની ઉદઘાટનવિધિમાં આપ સર્વેને ભાવભીનું આમંત્રણ છે અને હાં મિત્રો આ બ્લોગ તો ચાલું જ રહેશે અને નિયમિત સમયાંતરે અહી તો મલતા જ રહીશું સાથે જેવો અહીં સાથ આપો છો તેવો ત્યા પણ આપ સર્વે સાથ આપતા રહેજો.

તો મિત્રો ગયા સોમવારે અવિનાશ વ્યાસનો પણ જન્મદિન હતો તો તેમનું એક ગીત કંઈક અંશે ઉમાશંકર જોશી ની રચનાની જેમ ગોતી ગોતી થાક્યાનું કહે છે પરંતુ કહે છે ને કે ગોતવાથી તો ભગવાન પણ મળી જાય તો આજે એક બીજુ સરનામું પણ મલી ગયું. જ્યાં શબ્દની સાથે સૂર મૂકવાની પણ કોશિશ રહેશે.

 

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી

લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો

ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુતુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા.

અમે સૂતા ઝરણાને જગાડ્યું…..ઉમાશંકર જોશી

July 21, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી જુલાઈ. ગુજરાતી સાહિત્યના કવિરાજ શ્રી ઉમાશંકર જોશી નો જન્મ ઇ.સ.૧૯૧૧માં આજના દિવસે ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો. નખી સરોવર પર શરદપૂર્ણિમા એ તેમનું પ્રથમ કાવ્ય અને વિશ્વશાંતિ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. પછી તો તેમની કવિતાનું રમ્ય ઝરણું શબ્દનાદે કલકલ વહેવા લાગ્યું. એમના સઘળા કાવ્યોનો સંગ્રહ સમગ્ર કવિતા નામે પ્રગટ થયો છે. ઉપરાંત સાપના ભારા જેવાં નાટકો, વિસામો જેવા નવલિકા સંગ્રહો, ઉઘાડી બારી જેવા નિબંધ સંગ્રહો અને પારકાં જણ્‍યાં જેવી નવલકથાઓ તેમણે આપી છે. ઉમાશંકરે કવિતાના કેમેરાને કેટલાક વિવિધ એંગલે ગોઠવ્‍યો હતો. વ્‍યક્તિ મટીને બનું વિશ્વમાનવી કહેનારા ઉમાશંકરે આત્‍માના ખંડેર પણ લખ્‍યું. વાસુકિઉપનામથી પણ તેમણે કેટલુંક સર્જન કર્યું. વિશ્વશાંતિના આ કવિએ કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ વગેરે તમામ સાહિત્ય પ્રકારમાં લેખન કર્યું. સાથે સાથે સંસ્કૃતિ સામાયિક દ્વારા માનવજીવનના સમગ્ર પ્રશ્નોને ઉજાગર કર્યા હતા. દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ તેમજ ગુજરાત યુનિ.ના ઉપકુલપતિ જેવા નેક ઉચ્ચપદો તેમણે શોભાવ્યા હતા.તેમને રણાજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક જેવા અનેક માન અકરામો મળ્યા હતા.આખરે તેઓ ઇ.સ.૧૯૮૮માં આપણને છોડીને ચાલ્યા ગયા.તો આજે પ્રસ્તુત છે તેમની જ એક રચના તેમને યાદ કરવા માટૅ. 

વળી આજે મને ગમતા ગીતોના સર્જનહાર અવિનાશ વ્યાસનો પણ જન્મદિન છે. તો બંનેને શ્રદ્ધાંજલિ સહ જન્મદિનની શુભેચ્છા.

 

 

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,

કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

 

ચાંદામામા આવો તમે……

July 20, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

 આજે છે આપણા નાના ભૂલકાઓ માટે ખાસ દિન. કારણકે આજે છે તેમના પ્યારા ચાંદામામાનો દિવસ. એટલેકે મૂન ડે ૨૦મી જુલાઈ ૧૯૬૯ના આ ઐતિહાસિક દિવસે નીલ આર્મસ્ટ્રોંગ એ આપણા લાડલા અને પ્યારા ચાંદામામાના ખોળામાં સૂઈ જનાર પહેલો નસીબદાર બાળક બન્યો.!!! તો આજે પ્રસ્તુત છે એક ચાંદામામાનુ ગીત મારા વહાલા ભૂલકાઓ માટે….ને હા હાલરડું …….સુન્દરમ્ની મુલાકાત પણ લેવાનુ ચૂકતા નહી.

 

 

ચાંદામામા આવો તમે
સાથે સાથે હસજો તમે
આખી દુનિયા ફરીને
હાલ રોજ સંભળાવજો તમે
ચાંદામામા આવો તમે   

દરેક ધરતીના તારાઓ નાના
બોલે પ્રેમની બોલી
રમે, કૂદે, નાચે, ગાય 

એકબીજા સાથે મસ્તી કરે
દરેક વખતે જે ઝગડો કરે
તેને જરા સમજાવજો તમે
ચાંદામામા આવો તમે

બાળકોની સરકાર બની તો
રાષ્ટ્રપતિ બની જજો તમે
એક જ વિનંતી છે કોઈ મંત્રી
મને પણ બનાવજો તમે
ચાંદામામા આવો તમે

સદગુરૂનો સંદેશો…..

July 18, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

આજે તો છે ગુરૂપુર્ણિમા તો આજે ગુરૂપુનમના દિવસે વાત કહેવાની છે એક એવા ગુરુ શ્રી સ્વામી અધ્યાત્મનંદજી. જો જો મિત્રો અહીં હુ તેમના ગુણગાન કે ચમત્કાર વિશે વાત નથી કહેવાનો પણ એક ઉમદા કાર્ય જે તેઓ કરે છે તે તરફ ધ્યાન દોરવાનો એક પ્રયાસ કરીશ.

વિશ્વના રક્તદાનના ચાર્ટમાં અને ભારતભરમાં ટોચપર કોણ બિરાજમાન છે સાવ સાચુ આપણું નવલુ ગુજરાત અને તેમાં પણ અમદાવાદ તો ગુજરાતમાં પણ મોખરે છે.ત્યારે અમદાવાદના આ સંત કદાચ એકમાત્ર એવા ગુરુ છે કે જેમણે ૧૦૦થી વધુ વાર રક્તદાન કરેલ છે. તેમનું કહેવુ છે કે મને મારી રોટી આ સમાજમાંથી મળૅ છે અને તેથી મારા રક્તનું એક એક બુંદ સમાજને પાછું આપવાનું છે. તેમણે અત્યાર સુધી ૧૧૭ વાર રક્તદાન કરેલ છે.અને હવે તેમના અનુયાયી પણ આ માર્ગે ચાલવા લાગ્યા છે.છેલ્લા એક વર્ષના ગાળામાં તેમના નેજા હેઠળ ૨૩૦ રક્તદાન શિબિરો યોજાઈ જેમાં ૬૯૫૪૨ યુનિટ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું.

તો મિત્રો મારું તો માનવું છે કે જો સ્વામી અધ્યાત્મનંદજીની રાહે અન્ય સંતો પણ જો રક્તદાનને પ્રેરણા આપશે તો રક્તની ક્યારેય અછત ઊભી જ નહી થાય.અને કોઈ મોટા પુણ્યતિથિ પ્રસંગે કે પછી અન્ય ઉત્સવમાં સમય અને પૈસા વેડફવાને બદલે આવી રીતે રક્તદાન શિબિરો યોજવી જોઈએ શું કહો છો….???

 તો આજે ગુરુવંદના સહ આ સંદેશો અહીં રજૂ કરુ છું.

 

 

गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेवो महेश्वर I

गुरु साक्षात पर् ब्रह्मा, तस्मै श्री गुरवे नमः II

 

 

આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો,

સેવકના રુદિયામાં રેજો રે

આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.

 

કાયાનું દેવળ અમને લાગે છે કાચુ,

એ ઘર બદલાવી મુક્તિ દેજો રે

આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.

 

કાયા પડશે ને જીવડો ક્યાં જઈ સમાશે ?

એની ભલામણ અમને દેજો રે

આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.

 

 

અમે છીએ તમારા ને તમે છો અમારા,

પૂર્વજન્મની પ્રીત રેજો રે

આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.

 

બેઉ કર જોડી ભક્ત વિનંતી કરે છે,

દયાળુ દર્શન અમને દેજો રે

આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.

 

ગુરૂના પ્રતાપે દાસ ભક્તો રે બોલ્યા,

ભક્તિનો મારગ બતાવજો રે

આટલો સંદેશો મારા ગુરૂજીને કેજો.

 

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો…..મણિલાલ દેસાઈ

July 11, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

આજે તો છે ૧૧મી જુલાઈ એટલેકે વિશ્વ વસ્તી દિન. વસ્તી-વધારાની સમસ્યા એ ભારતની ખૂબ સળગતી સમસ્યા છે. તો તેના પર એક અલગ વાત ટૂંક સમયમાં રજૂ કરીશ ત્યાં સુધી માણો શ્રી મણિલાલ દેસાઈ ની આ રચના…

 

 

 

 

 

 

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે -
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

હાં તો મિત્રો વાયદો કર્યો હતો તો નિભાવવો તો પડે જ ને…પણ આ વિશ્વાસ એટલેકે હિતેશ્ છે ને સપનાઓ બહું જુએ છે તો આ સમસ્યા નું સપનુ આવે પછી જ કંઈ જણાવી શકે ને. તો આજે મેં જોયુ કે હું પૃથ્વીની બહાર અવકાશમાંથી આપણી ધરાને જોઈ રહ્યો હતો પણ મને ક્યાંય હરિયાળી જ ન દેખાઈ સેટેલાઈટ મારફતના કે પછી અભ્યાસમાં આવતા નકશા પ્રમાણે મને ક્યાય લીલી ચાદર જ ન દેખાઈ. માત્ર બે જ રંગ કાળો અને સમુદ્રી નીલો અરે માફ કરજો આજની ફેશન પ્રમાણે કાળા સાથે કેટલાક બીજા રંગની છાંટ પણ હતી. કારણકે વસ્તી એટલી બધી વધી ગઈ છે કે ક્યાંય એક તસુભર પણા જ્ગ્યા ખાલી નહોતી અને આ બધુ તો હુ ત્યારે જોઈ શક્યો જ્યારે મારું કુટુંબ સ્થળાંતર કરી બીજી આકાશગંગામાં જઈ રહ્યું હતું અને રસ્તામાં આપણૅ છોડેલા ઉપગ્રહો, કચરા તથા સ્થળાંતર કરતા અન્ય લોકોના લીધે અવકાશમાં જે ટ્રાફિકજામ થઈ ગયો હતો કે ટ્રાફિક સિગ્નલ પણ મૂંઝાઈ ગયા હતા. અરે મિત્રો તમે પણ ખોવાઈ ગયાને મારી સપનાની મારી કલ્પનાની સૃષ્ટિમાં. પણ મિત્રો વિચાર કરો કે જો વસ્તી આટલી વધશે ત્યારે આપણી શું દશા થશે.જ્યારે આજે પણ આપણી પાસે જીવન જરૂરિયાતની ચિજવસ્તુ માટે ફાંફાં છે તો આજથી દસ-વીસ-પચાસ વર્ષ પછી શું હાલ હશે..? માનવીની ભવાઈ નાટકમાં તો દુકાળને લીધે જે સ્થિતિ સર્જાય છે તે વગર દુકાળૅ સર્જાશે.કારણકે ખેતી માટૅ પણ કદાચ જમીન નહી બચી હોય.

વળિ આ સમસ્યાનું સૌથી મોટુ પરિબળ છે દીકરા-દીકરીનો ભેદ. આજે આટલા આગળ આવવા છતા પણ એક દીકરાની આશ. જેના લીધે સંતતિ નિયમન થતુ નથી.આજે સ્ત્રી બધા ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બની છે તેમ છતા શા માટે દીકરાના જન્મની આશા. શું દિકરી તમારા કુળની વંશજ નથી અરે તે તો બે કુળને તારે છે તો પછી શા માટૅ આપણે તેને જ કુળદીપક ન માનીએ.?

અને હાં તો આજથી આ સંકલ્પ દરેકે દંપતિ તથા ભવિષ્યનાં માતા-પિતાએ લેવાનો છે.કે આપણે બે અને આપણું એક સર્જન. કારણકે આપણે એકબીજાના અર્ધાંગ જ તો છીએ ને તો ૧/૨ + ૧/૨ = ૧  જ થાય ને.. તો હવે તો મણીલાલ દેસાઈની આ રચના યોગ્ય સ્થાને ઠરી ને.અને હાં મારા આ સ્વપ્નદર્શનનો આ ફોટો પણ…..

એકડો સાવ સળેખડો…..રમેશ પારેખ

July 6, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

આજે તો બહુ ગજબનો દિવસ છે. અને તે ૧૦૦૦ વર્ષે ફરી આવે. તો આજે છે ૦૬-૦૭-૦૮. ક્રમબદ્ધ એકડી બોલાઈ ગઈ ને.. છે ને બાળગમ્મતનો દિવસ. વળી આજે આપણા ગુજરાતી બાળસાહિત્યના દાદાજી એવા જીવરામ જોશીનો જન્મદિન પણ છે. તેમનો જન્મ ૦૬-૦૭-૧૯૦૪ના રોજ થયેલ. આઝાદીની લડતમાં તેમના બદલે ભળતા માણસની ધરપકડ થઈ અને જાણે નવજીવન મળ્યું હોય તેમ ત્યાર બાદનો સમય તેમણે ગુજરાતના ભૂલકાઓને પ્રસાદીરૂપે વહેંચી દીધો.. ગુજરાતી બાળસાહિત્યનું સૌથી લોકપ્રિય ફિકશન કેરેકટર મિયાં ફૂસકી છે. મિયાં ફૂસકીનાં અનેક પુસ્તકોની એકથી વધુ આવૃત્તિઓ ઉપરાંત ચિત્રવાર્તા પણ પ્રસિદ્ધ થઇ હતી. આ પાત્ર પર ગુજરાતી સિરિયલ અને એક ફિલ્મ પણ બની છે. 

તેમનું પ્રથમ પુસ્તક હતુ રઘુ સરદાર, અને ત્યાર બાદ મારા પ્રિય એવા અડુકિયો-દડુકિયો, ભડામસિંહ, ગુલુ સરદાર, ગપીદાસ, રંગલો જેવા અવનવા પાત્રો તેમને બાળમુખે રમતા કર્યા.  ‘અડૂકિયો- દડૂકિયો જેવાં પાર્ટનર ટાઇપની જોડીનાં સફળ પાત્રો પણ સર્જ્યાં છે. આ બંને પાત્રોનાં પરાક્રમોને લઇને જીવરામ જોશીએ પાંચ પુસ્તકો બહાર પાડયાં છે. એક વાર્તા ગાલુ જાદુગરમાં જાદુઇ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવરામ જોશીનાં ઘડેલાં બે પાત્રો છેલ છબોતેમની ચમત્કારિક શક્તિઓના બેકગ્રાઉન્ડમાં યોગ, ત્રાટક અને પ્રાણાયામને કારણે પ્રચલિત બન્યાં છે. તેમની એક કથાના ખલનાયકનું નામ લીન ચુ જાદુગર આપવામાં આવ્યું હતું. છેલ- છબા અને અડૂકિયા- દડૂકિયાનાં પાંચ- પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. 

               જીવરામ જોશીએ સર્જેલાં અમર પાત્રોની જોડી છકો- મકો હતી. લોરેલ-હાર્ડી જેવી લાગતી આ જોડીનું પાત્રાલેખન મૌલિક હતું. છકો-મકોની વાર્તાનાં કુલ છ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમજ નાટક પણ બનાવવામાં આવ્યું હતું. આ નાટકની બોમ્બેમાં સિલ્વર જ્યુબિલીપણ ઉજવવામાં આવી હતી.

 હેરી પોટરની સિરીઝની જેમ ગુજરાતી બાળસાહિત્યમાં સળંગ એકબીજાં સાથે જોડાયેલ ચમત્કારોથી ભરપૂર પાંચ ભાગમાં આવેલી સાહસકથા માનસેન સાહસીની છે. રંગલાના પાત્રનાં તેમણે પાંચ પુસ્તકો લખ્યાં હતાં.આખરે ૯૯ વર્ષની વયે ઈ.સ.૨૦૦૪માં તેમણે આ ફાની દુનિયા ત્યાગી. તેમણે કહેલુ કે બાળક તો પ્રભુનું રૂપ છે, હું તેની પૂજામાં વાર્તારૂપી ફૂલ ચઢાવું છું.   તો આજના દિવસે બાળપ્રભુને મારે પણ એક બાળગીત તો અર્પણ તો કરવું જ પડે ને.. 

 

 

 

 

 

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ


Follow

Get every new post delivered to your Inbox.