Archive for June, 2008

વિશ્વ સંગીત દિન…છે આ ગઝલ….“મન”

June 21, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

 

આજે તો કેટલું બધું કહેવુ છે અને સમય બહુ જ ઓછો…. સૌ પહેલા તો આજના દિન વિશે જણાવી દઉં તો કેવું..?.તો આજે છે ૨૧મી જૂન. વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ.. વળી આજે તો છે વિશ્વ સંગીત દિન.. તો આજે તો કંઈક સંગીતમય મૂકવુ તો જોઈએ પણ શું મૂકુ તે જ નક્કી નથી કરી શકતો. અને હાં એક વાત તો રહી જ ગઈ કે આજે આ મનના વિશ્વાસના ડૉ.હિતેશ ચૌહાણ વિશ્વાસ નો એટલે કે મારો  જન્મદિવસ પણ છે. અને મારી એક મૂઝવણનો અંત આવ્યો કારણકે માર્રી મિત્ર મને મને મારા જન્મદિન પર એક રચના લખી મને આપી જે તેમની પરવાનગી સાથે અહીં રજૂ કરું છું.આશા છે આપને ગમશે.

અને હાં વળી થોડા દિવસો પહેલાં જ આપણા ડૉ.વિવેકભાઈ ટેલરની મારા બ્લોગ પર કોમેન્ટ આવી અને તેમને આ બ્લોગ ગમ્યો પણ અને તેમણૅ મને તેમની રચના મૂકવાની પરવાનગી પણ આપી.  તો એ માટૅ તેમનો આભાર પણ માનવો જ પડે ને…

આમ તો આજે ઘણી બધી ખુશીઓનો દિવસ છે પણ આજ વાત જરા ઉદાસીની પણ થઈ જાય. હંમેશા સુખમા હસવાને ટેવાયેલા આપણૅ ક્યારેય વિચાર્યુ છે કે જો દુઃખ ન હોત તો સુખની અનુભૂતિ થાત ખરી. એક વાર વિચારી તો જુઓ દુઃખની ઉદાસીની એ પળો કેટલો બધો આનંદ આપે છે. ત્યારે જ કદાચ આપણને આપણાંમાં છુપાયેલી શક્તિનો પરિચય થાય છે કંઈક નવીન કરવાની ઈચ્છા થાય છે અને કદાચ આ અવસ્થામાં જ આપણને આપણા સ્વજનોની લાગણીઓનો એહસાસ થાય છે તો વળી એ દુશ્મનને પણ આભાર તો કહેવો જ પડે ને કે જેમણૅ આપણને આટલું બધુ નવીન અને બધાથિ અલગ તરી આવવા પ્રેર્યા. જે સમય આટલુ બધુ આપે, શિખવાડે તે ખરાબ કઈ રીતે હોઈ શકે..? મિત્રો માત્ર એકવાર આપણો અહમ છોડી બીજા કોઈની દ્રષ્ટીએ પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ તો કદાચ પ્રોબ્લેમ સર્જાસે જ નહીં.

અને હાં આજે વિશ્વ સંગીત દિન પર બાજુમાં બોક્સ નેટ માં હિન્દિ અને ગુજરાતી બન્ને ગીત મૂક્યા છે તો મહેરબાની કરીને તેના વિશે ના પ્રતિભાવો જરૂરથી આપશો કે આપને તે કેવા લાગ્યા

 

 

 

 
             

હમણાં જ હોઠોં પર આવી છે ગઝલ,

લાગણી છે આપની ને લખી છે ગઝલ,

શ્વાસ છે આપનો  ને મહેકી ઉઠી છે ગઝલ,

પ્રેમ છે આપનો  ને પરખી છે ગઝલ,

નજરો છે આપની ને શરમાય છે ગઝલ,

સ્મિત છે આપનું ને હસી ઉઠી છે ગઝલ,

યાદો છે આપની અને ગૂંજી ઉઠી છે ગઝલ,

મનનો છે વિશ્વાસ તેના જન્મદિન પર છે આ ગઝલ.

‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહાણ

June 15, 2008

આજના જયશ્રી કૃષ્ણ તમામ પપ્પાઓ અને ભવિષ્યમાં થનારા પપ્પાઓને…

 હાં આજે છે પિતૃદિન એટલેકે  “Father’s Day”    …. આજે આપને એક વાત જણાવું કે દિવસોની ઉજવણી પણ કેટલી ક્રમબદ્ધ છે. જુઓ આજથી દોઢ મહિના પહેલા એટલેકે ૧૧મી મેએ માતૃદિન ઉજવ્યો અને ૧૫મી મે એ પરિવાર દિન અને ઠીક એક મહિના બાદ આજે ૧૫મી જૂને એ પિતૃદિન. મતલબ પહેલા માતા ની કુખેથી જન્મ લીધો અને આ દુનિયામાં પ્રવેશ કર્યો.પછી આ ઘરમાં પરિવાર સાથે રમ્યા અને થોડા મોટા થયા. એટલે હવે ઘરમાંથી બહાર નીકળવા મથતા બાળકને આંગળી ઝાલીને કે પછી ખભે બેસાડીને ઘર બહારની દુનિયાની સમજની સાથે જીવન જીવવાની એક કળા શિખવતા પિતાની છ્ત્રછાયાની જરૂર આવી … જોયુને મિત્રો માત્ર વિચારવાની દ્રષ્ટિ બદલવાથી પણ એક જ વાતમાંથિ કેટલુ બધુ જાણી શકાય છે.  કદાચ ઘણા સમાચાર પત્રો કે ન્યુઝ ચેનલો પર પણ બતાવશે કે પાપા કેટલા મહાન છે અને ત્યાર બાદ બધુ વિસારે પડી જશે.હુ તો માત્ર એટલુ કહીશ કે લાગણીઓને કદાચ શબ્દોમાં વર્ણવતા તો મને નથી આવડતુ પણ એટલુ છે કે જેટલુ અનુભવી શકાય ને તેટલુ વર્ણવી તો ન જ શકાય……આપણે હંમેશા પપ્પાને આપણને હસાવતા કે મદદ કરતા જોયા છે પણ કિરણ ચૌહાણની આ રચના પછી શું આપણે તેમની તકલીફો વિશે ન વિચારી શકીએ ? શું તેમને આપણે મદદ ન કરી શકીએ..? તેમના ચહેરા પર ખરેખરનુ નિખાલસ સ્મિત લાવવાની કોશિશ ન કરી શકીએ...

 

 

 

 

 

 

 

 

વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

- કિરણ ચૌહાણ

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે…… કૃષ્ણ દવે

June 14, 2008

અરે હાં મિત્રો એક નવી વાત તો એ પણ બની ને કે હવે તો ગમતા વેકેશન નો અંત આવી ગયો અને નિશાળ પણ શરૂ થઈ ગયી. હવે બાળકો, ભૂલકાઓની શાળાએ જવાની જીદ શરૂ. હૅ …. શાળાએ જવાની તે જીદ હોતી હશે. પણ જો બાળકો ની સાથે આ બધા લોકો પણ સાથે આવે તો તો મજા જ પડે ને. અને સાચે કદાચ એટલે જ પહેલાનાં જમાનામાં ગુરૂકુળમાં પ્રકૃતિની ગોદમાં શિખવવામાં આવતું હતું. આજે એ તો શક્ય નથી પણ આજના શિક્ષકો કંઈક નવી કંઈક જુદી જ રીતે રજૂ કરીને ભણાવે તો ભણતર કેટલુ રસપ્રદ બની જાય માત્ર ગોખણપટ્ટીની જગ્યાએ યોગ્ય રીતે પ્રેક્ટીકલ જ્ઞાન તેમને અંદર સામેલ કરીને શીખવવાનો નવતર અભિગમ અપનાવવાથી બાળકને ભણતરનો ભાર લાગવાને બદલે તે હોંશે હોંશે નિશાળે જશે એની ગેરંટી મારી…. તો આજે કંઈક શાળાએ જવાની આશા સાથેનું આ ગીત આપ સર્વેને ગમશે.

 

 

 

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટથયેલો વડલો મારી કાઢે ભૂલો !

 

 

 

વરસાદ ભીંજવે…….. રમેશ પારેખ

June 13, 2008

અને કાલથી જ હવે ગુજરાતમાં વર્ષાઋતુનો  રીતસરનો પ્રારંભ થઈ ગયો. વરસાદની ઋતુ તો નાના-મોટા સૌ કોઈની પ્રિય ઋતુ છે. બાળપણની એ પહેલા વરસાદમાં પલળવાથી લઈને કાગળની હોડીઓ બનાવી તરતી મૂકવી કે પછી પોતાના પ્રિય પાત્ર સાથે વરસાદની સાથે સાથે તેના વ્હાલમાં પણ  ભીંજાવું અને જો પ્રિય વ્યક્તિ ન હોય તો વરસાદની સાથોસાથ તેના વિરહના આંસુઓમાં પણ ભીંજાવું. કે પછી ઢળતી ઉંમરે ભૂતકાળના એ દિવસોને યાદ કરીને પણ ભીંજાવું. ખરેખર આ વરસાદ આપણને કેટલું બધું ભીજવે છે તો આ પરથી જ આપણા રમેશ પારેખની આ રચના યાદ આવી જે આપ સર્વેને રીતસર્ ભીજવી દેશે.

 

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

હાલરડું …….સુન્દરમ્

June 13, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો 

        ગઈકાલે એક સુખદ પ્રસંગ બની ગયો, માફ કરજો તેમાં જ વ્યસ્ત હતો માટૅ આ ખુશખબર આપની સાથે કાલે જ વહેંચી ન શક્યો. પણ અંગ્રેજીમાં કહે છે ને કે  “Late is better than never.” હાં તો કાલે મારી પિતરાઈ બહેનના ત્યાં એક સુંદર મજાની બેબીનું આ દુનિયામાં આગમન્ થયું. અને મને ફરી મામા બનવાનું સૌભાગ્ય. ખરેખર બાળકોને જોવું છું ને તો એમ જ થાય છે કે બાળપણ ખરેખર કેટલું અદભૂત હોય છે.ન કશાની ચિંતા ન કોઈ ફીકર છ્તા નવુ શિખવાની અજીબ ધગશ્. જગજીતસિંહ ની એ ગઝલ યાદ આવી જાય કે

 काश लौटा दे कोई वो बचपन के दीन, वो कागज़ की कस्ती वो बारिश का पानी

          વળી એક સારા સમાચાર એ પણ છે કે ગઈકાલે આપણા જયશ્રીબેનનાં ટહુકાનો પણ જન્મદિવસ હતો. તો આજે તો આ ભૂલકાઓને એક હાલરડુ તો સંભળાવવુ જ પડે ને.. મારી એ ભાણી અને ટહુકા માટે જ સ્તો અને હાં મારા જેવાં બાળકો માટૅ પણ……. 

 

 

બેન       બેઠી    ગોખમાં,
ચાંદો     આવ્યો   ચૉકમાં.

 

બેની    લાવી   પાથરણું,
ચાંદો   લાવ્યો   ચાંદરણું.

પાથરણા  પર   ચાંદરણું,
ને ચાંદરણાં પર   પારણું.

ચાંદો      બેઠો    પારણે,
બેની      બેઠી    બારણે.

બેને      ગાયા    હાલા,
ચાંદાને  લાગ્યા  વ્હાલા.

બેનનો  હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.

એ પ્રેમ છે…. ઊર્મિસાગર

June 11, 2008

જયશ્રી કૃષ્ણ મિત્રો,

   ગઈકાલે આપણા લોકલાડીલા ઉર્મિબેનના ઉર્મિના સાગરને ૨ વર્ષ અને ઉર્મિસાગર.કોમ ની પ્રથમ વર્ષગાંઠ હતી તો તેમને મારા અને આપણા સૌના વતી આ અવસર પર ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ. તેઓ હંમેશા આવુ સર્જન કરતા રહી આપણા જેવા ગુજરાતી સાહિત્યના રસિક-ચાતકોની પ્યાસ છીપાવતા રહે એવી પ્રભુને અભ્યર્થના. .અછાંદસથી શરૂ થયેલી ઊર્મિબેનની યાત્રા બે વર્ષમાં છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ.   તો આજે તેમના બ્લોગ પરથી મળેલી અને મારા આ બ્લોગના જન્મદિવસે તેમણે મૂકેલી તેમની આ રચના અહીં પ્રસ્તુત છે જે મને ખૂબ જ પ્રિય છે. વળી ગઈકાલે તેમના બ્લોગ પર એમના પોતાના અવાજમાં તમે તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ?સાંભળ્યુ ને તે સાંભળીને તો તમે પણ તેમના પર ઓવારી જશો…..

 

 

પ્રેમ છેકહ્યા
વિના  ચાહુ તને
પૂરતું નથી?

 *

શબ્દથી હું કહું તને કે પ્રેમ છે’, પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.

દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

જો ચણે, હર પળ સમયનીઆ અતીતનાં ખંડહરો,
કોક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

ભોળા પ્રેમી……..કલાપી

June 10, 2008

જયશ્રી કૃષ્ણ

આજે તો છે રાજા શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ની પુણ્યતિથિ. મૂંઝાઈ ના જશો મિત્રો આ બીજુ કોઈ નહીં પણ આપણા કવિ કલાપિ છે.૨૬ જાન્યુઆરી,૧૮૭૪ના રોજ જન્મેલા આ રાજવી કંઈક નવું જ પ્રદાન આ ગુજરાતી સાહિત્યને આપ્યું. અને તેમાં પણ તેમનો કલાપીનો કેકારવ તો ખૂબ જ લોકપ્રિય છે. જેમની જ્યાં જ્યાં નજર મારી ઠરે  તો મારી ખૂબ જ પ્રિય ગઝલ છે. આવા રાજવી કવિની જીવનઝાંખી ની મુલાકાત લેવા સુરેશદાદાના બ્લોગની મુલાકાત જરૂરથી લેવી રહી. અને તેઓએ રાજકીય કાવાદાવા બાદ ૧૦-૬-૧૯૦૦ના રાતે આ દુનિયામાંથી વિદાય લીધી. તેમના અંગત કવિ કાંન્તે તેમને સુરતાની વાડીના મીઠા મોરલા કહી ઉર્મિભેર અંજલિ અર્પિ છે. તો ચાલો માણીએ આ કવિની એક સુંદર રચના… અને હાં  જ્યાં જ્યાં નજર મારી ઠરે  ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

 

 

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: હા! પ્રેમી પહાડ પાણો છે!


Follow

Get every new post delivered to your Inbox.