Archive for મે, 2008

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય…..સંદીપ ભાટિયા

મે 31, 2008

આજે તો છે ૩૧મી મે એટલેકે તમાકુ નિષેધ દિન…. તમાકુ માત્ર તેને સેવન કરનારનું જ નહીં કે તેના પરિવાર માત્રનું પણ નહી પરંતુ તેની આસપાસના સમગ્ર વિશ્વને નુકસાન કરે છે. તો ચાલો આજે સંકલ્પ કરીએ કે માત્ર પોતે જ નહી પણ બીજાને પણ આ વ્યસનમાંથી મુક્તિ અપાવીએ. અરે વ્યસન કરવુ જ હોય તો કંઈક એવુ કરો કે જેથી કોઈને પણ હાનિ ન થાય. જેમકે એક વ્યસન મને લાગ્યુ છે તે છે ગુજરાતી સાહિત્યજગતનું. વાંચનનું કે લેખનનુ કે પછી વૃક્ષનૂ જતન કરવું વગેરે વ્યસન અપનાવવા જેવા તો ખરાને. હંમેશા આપણે એક જ બાજુથી જોવા ટેવાયેલા છીએ તો ચાલો આજે કંઈક નવું અપનાવીએ. કેટલાક વ્યસન સારા પણ હોય ને…    તો આજે સંદીપ ભાટિયાની એક એવી રચના પ્રસ્તુત છે જે કંઈક ધુમાડાની અસર જતાવે છે.

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

 વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.\

આભાર પ્રાર્થનામંદિર

કદાચ હું કાલે નહિ હોઉં…..સુરેશ હ. જોશી

મે 30, 2008

હમણાં જ એક લેખમાં સુરેશભાઈ જોશી વિશે વાંચવા મળ્યું.આજે તો તેમનો જન્મદિન છે,તેમનો જન્મ ૩૦-૦૫-૧૯૨૧ના રોજ થયેલો.તો મન થયુ કે સુરેશભાઈ જાનીદાદાની  સાઈટ પરથી પણ વધુ માહિતી મેળવુ.. અહીંથી મને ઘણી માહિતી મલી..આજે તો સુરેશભાઈ જોશી હયાત નથી પણ તેમની આ એક રચના મને ધવલભાઈના લયસ્તરોમાંથી મળી તે ખરેખર ખૂબ સુંદર છે.

 

 

કદાચ હું કાલે નહિ હોઉં.

કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળ
હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે.

કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરનાં ચૂરેચૂરા કરવા બાકી છે.

કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.

કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટવી બાકી છે.

કદાચ હું કાલે નહિ હોઉં.

 

 

કવિપરિચય

મળે ન મળે -’આદિલ’ મન્સૂરી

મે 29, 2008

                          અરે હાંઆજે મારા સંગ્રહમાં વાંચતા વાંચતા આદિલજીની આ રચના નજરે ચડી અને યાદ આવ્યુ કે તેમની એક ખાસ યશકલગી ની વાત તો કરવાની રહી જ ગઈ…. ગઈ ૧૮મી મે ૨૦૦૮ના રોજ શ્રી આદિલ મન્સુરી અને શ્રી જલન માતરી ને ફકીરભાઈ વાઘેલાના હસ્તે એક એવોર્ડ એનાયત થયો.. જાણો છો તે છે વલી ગુજરાતી ગઝલ એવોર્ડ…. વલીજી એ ગુજરાતી સાહિત્યજગતને અર્પણ કર્યું છે તેના માનમાં આ એવોર્ડ અપાય છે અને આ વર્ષે તે આ બે મહાન હસ્તીઓને મળ્યો છે તો તે માટૅ આ બંને ને ખૂબખૂબ અભિનંદન…

વતન કાયમ માટે છોડવાનું આવે તો મારી-તમારા જેવા સામાન્ય જનોની વિચારવાની શક્તિ, જવાના દુ:ખમાંને દુ:ખમાં ઓછી થઈ જાય, પણ જો આપણી જગ્યાએ શ્રી આદિલ મનસૂરી હોય તો જવાની વેદના ગઝલરૂપે આવે, કંઈક આવી રીતે…

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

આ અને અન્ય ગઝલની સમજૂતી માટૅ ગુર્જરકવિતા ની મુલાકાત તો લેવી જ રહી…

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું…- સુરેશ દલાલ

મે 26, 2008

આજે તો છે મારા મમ્મી-પપ્પાના લગ્નની ૨૯મી વર્ષગાંઠ… ઘણું વિચાર્યુ કે આજે તેમને ભેટમાં શું આપું.? પણ ઉત્તર ન મળ્યો. આખરે શોધતા શોધતાં સુરેશ દલાલ ની આ રચના ટહુકામાં મલી.અને જોતાવેંત જ ગમી ગઈ અને નક્કી કર્યુ કે આજે તેમના લગ્નની વર્ષગાંઠ મારા આ બ્લોગ પર સુરેશ દલાલ ની આ સુંદર રચના તેમને અર્પણ કરું. મમ્મા-પપ્પા તમને તમારા આ સુખી લગ્નજીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ.. તમારો સંસાર હંમેશા ફૂલોની જેમ મહેકતો રહે…

અને આ કવિતા ખરેખર આજની યુવાપેઢીનાં દિલમાં પણ લગ્નનાં અભરખાં જગાડી જાય તેવી છે.

 

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કોકના લગનમાં જઈએ તો લાગે

કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે

જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ

ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

( આભાર : લયસ્તરો    
                 
ટહુકો     )

યાદ……રમેશ પારેખ

મે 17, 2008

ગુજરાતી કવિતા પ્રેમીઓના હૃદયગઢના રાજવી, કવિરાજ રમેશ પારેખનો જન્મ ઈ.સ ૧૯૪૦માં અમરેલી મુકામે થયો હતો. એમણે ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓ લખી છે. તેમણે કવિતાની નવી બારાખડીનું સર્જન કર્યું. તેમણે કવિતા દ્વારા તળપદા વાતાવરણ અને શિષ્ટ સાહિત્યનો સમન્વય કર્યો હતો.એમના બધા જ કાવ્યસંગ્રહો છ અક્ષરનું નામમાં એક સાથે મળે છે. એમની ગઝલમાં ઝંખના, વેદના, એકલતાના ભાવો વ્યક્ત થાય છે. વળી તેમણે રજૂ કરેલા બાળગીતો તો મારા બાળપણથી મને ખૂબ જ પ્રિય છે જેમકે એકડો સાવ સળેકડો, હું અને ચન્દુ…

સોનલને ઉદ્દેશીને લખેલા તેમના ગીતો સ્ત્રીના હૈયાના પ્રેમ, વિરહ, અજંપો વગેરે ભાવોને વ્યક્ત કરે છે.અને આ સોનલ કોણ હતી, છે કે હશે ? તે તો મને પણ નહોતી ખબર પણ જ્યારે ટહુકાની મુલાકાત લીધી ત્યારે મને સોનલ વિશે જાણવા મળ્યુ જે હું અહીં રજૂ કરુ છું

  સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં રમેશ પારેખ.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!!

રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલભાઈએ શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલભાઈ!
સોનલ 1
સોનલ 2

તો આ માટે ટહુકો વાળા જયશ્રીબેનનો અને ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર.

 

 

આજથી  બે વર્ષ પહેલા આજના દિવસે એટલેકે ૧૭-૦૫-૨૦૦૬ના રોજ અચાનક તેમણૅ આ દુનિયામાંથિ વિદાય લીધી ત્યારે જાણે કે કાંઈક ખોવાઈ ગયું. પૂજ્ય મોરારીબાપુએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે પરમતત્વની ખોજમાં સતત ખોવાઈ ગયેલો આ માણસ પરમ તત્વને પામી ગયો હશે એટલે જ આપણેને છોડીને જતો રહ્યો. તો આજે તેમની યાદમાં તેમની યાદ પરની જ એક રચના અહીં રજૂ કરુ છું, આશા છે આપ સર્વેને ગમશે.

 

 

મારા જ ઘરમાં આવે મને મારા ઘરની યાદ
આવે ને આમ કોઇને કારણ વગરની યાદ
બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઇ રહી છે આમ તમારા નગરની યાદ
ચીલા મૂકી ગયાં તમે મારા વિચારમાં
તમને નથી હવે એ તમારી સફરની યાદ
ખરતી રહે છે આંગળી અક્ષર ક્ષણે ક્ષણે
આવે છે ટેરવાંને કઇ પાનખરની યાદ

 શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ:
આવે છે કોઇ દીવા વગરના ઝુમ્મરની યાદ ?

વિશ્વ પરિવાર દિન…સંબંધો…પ્રણવ ત્રિવેદી

મે 15, 2008

આજે તો “વિશ્વ પરિવાર દિન”. તો આજે આપને એક સંબંધોનું ઉપનિષદ જ જણાવી દઉં

આ દુનિયા જાણે સંબંધોનો દરિયો.
સંબંધો તો પાણીના પરપોટાની જેમ
પ્રગટે અને ફૂટે
સંબંધો તો ફૂલ થઈને ફોરે..
સંબંધો તો શૂળ થઈને કોરે..
ક્યાંક સંબંધો પર્વત જેવા અવિચળ,
ક્યાંક સંબંધો ઝરણા જેવા ચંચળ
સંબંધો તો શમણું થઈને સરે
સંબંધો તો તરણું થઈને તરે
સંબંધો તો સુર્યમુખીનુ ફૂલ
સંબંધો તો અગનશિખાનુ શૂળ
ક્યાંક સંબંધો કર્ણના કવચકુંડળનો ભાર
,
ક્યાંક સંબંધો યુધિષ્ઠિરના અર્ધસત્યનો ભાર..
સંબંધો તો વૈશાખી બપોરનું આકાશ,
સંબંધો તો ચાતક કંઠની પ્યાસ !
સંબંધો નાના હોય કે પછી હોય મોટા,
સંબંધો તો અભિમન્યુના સાત કોઠાં !

 

રાજકોટની સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં ડેપ્યુટી મનેજર તરીકે સેવા બજાવતા શ્રી પ્રણવ ત્રિવેદી (18/11/1965) ઘણી સારી કવિતા કરે છે. સાહિત્ય એમનો પ્રથમ પ્રેમ છે અને પરિવાર બીજો ! ઈશ્વરદત્ત સુકોમળ સ્વરના માલિક અને મુશાયરાના સારા સંચાલક. રાજકોટના રેડિયો પર અવારનવાર એમના સ્વરનો કોકિલ ટહૂકતો રહે છેઆપ એમની અન્ય કવિતાઓ એમના પોતાના બ્લોગ પર માણી શકો છો.

 

 

 

 

શ્રેષ્ઠ મિત્ર….ભગવતી શર્મા

મે 11, 2008

વળી મા વિશે એક વધુ રચના જે કહે છે કે મા જેવી કોઈ મિત્ર નહી

 

 

 

મા મારીશ્રેષ્ઠ મિત્ર
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થનું નહિ તો અપેક્ષાનું,
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય;
પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ….

માને તો આકાશ જેટલું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય.
પણ એ એવું કશું માગે-ઈચ્છે-વિચારેય નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડી યે શકાય.

આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની દૂર્ગધ
એ સાથે લઈને જાય
ભગવાન પાસે-
અને સ્વય્ં ભગવાન સુગંધ, સુગંધ!
(ભગવાનની એ મા તો હશે જ ને?)

 


Follow

Get every new post delivered to your Inbox.